Wednesday, January 22, 2025

વેસ્ટ ઈન્ડિઝનો એ પ્રવાસ!

 - સઈદ કિરમાણી

"અમે વેસ્ટ ઈન્ડિઝમાં ઊતર્યા અને ત્રિનિદાદમાં શ્રેણી રમવાનો આરંભ કર્યો. બહુ યાદગાર મેચ હતી. 400 પ્લસના સ્કોરને આંબવાનો, વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના હોમગ્રાઉન્ડ પર રમવાનું, ખાસ કરીને એના ધુરંધર બોલરોનો સામનો કરવો એ મહાકાર્ય સમાન હતું. એ દિવસોમાં અમારી પાસે પૂરતાં સુરક્ષા ઉપકરણો નહોતાં, અને ક્યારેક અમારે તે સ્વખર્ચે ખરીદવા પડતાં. વેસ્ટ ઈન્ડિયન ટીમમાં સર ક્લાઈવ લોઈડ અને સર વિવિયન રિચર્ડ્સ જેવા મહાન બેટ્સમેન હતો. તેમની પાસે એવા બેટ્સમેન હતા જે કોઈ પણ બૉલરની બોલિંગને ખેદાનમેદાન કરી શકે.
400 પ્લસ રનના લક્ષ્યાંકને આંબવાની સાથોસાથ અમે વેસ્ટ ઈન્ડિઝને પરાસ્ત કર્યું. પોતાના પરાજયથી વેસ્ટ ઈન્ડિયનો ધૂંધવાયેલા હતા. એમના માટે એ મોટી નામોશી હતી. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા પછી, પ્રમાણમાં નબળી કહી શકાય એવી ભારતીય ટીમ સામે હારવું તેમના માટે ઘા પર મીઠું ભભરાવવા સમાન હતું.
એ પછી વેસ્ટ ઈન્ડિઝ બોડીલાઈન એટેક પર ઊતરી આવ્યું. મને જમૈકાની પીચ યાદ છે. એ એકદમ ચમકતી અને લપસણી, મારા માથાની સપાટી જેવી હતી. મજાક બાજુ પર, પણ એ ખરેખર ફાસ્ટ પીચ હતી. મને એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. વીવ રિચર્ડ્સ પોતાનો ડાબો પગ આગળ લઈ જતા અને પછી બૉલને જ્યાં ફટકારવો હોય ત્યાં ફટકારતા. તેઓ બી.એસ.ચંદ્રશેખરનો સામનો કરી રહ્યા હતા. ચંદ્રશેખર કદાચ વિશ્વના સૌથી ઝડપી સ્પીનર કહી શકાય. નવા બેટ્સમેન તરફ ફેંકાતો ચંદ્રશેખરનો પહેલો બોલ હંમેશાં ઝડપી ગતિવાળો રહેતો. રિચર્ડ્સ હંમેશ મુજબ પોતાનો ડાબો પગ આગળ લાવ્યા, પણ ચંદ્રશેખરનો બોલ ઝડપી અને થાપ ખવડાવનારો હતો. એ વીવ રિચર્ડ્સના નાક પાસેથી પસાર થઈ ગયો. સહેજ પાછા ખસીને તેમણે એ બોલ છોડી દીધો અને મેં સ્ટમ્પ પાછળ સહેજ ઊંચે એને પકડી લીધો. બોલ છોડ્યા પછી રિચર્ડ્સ ફર્યા અને બોલ્યા, "વાઉ! આ તો થોમ્મો જેવો હતો!" થોમ્મો એટલે કે જેફ થોમસન ઓસ્ટ્રેલિયાના અને આજે પણ સૌથી ઝડપી બોલર ગણાય છે. માનવામાં આવે? ચંદ્રાનો બોલ થોમસનના બોલ જેટલો ફાસ્ટ હતો. તેમને મળેલી આ મોટી પ્રશંસા. એરાપલ્લી પ્રસન્ના અને બિશનસિંઘ બેદી સહિત બી.એચ.ચન્દ્રશેખરે મારા માટે વિકેટકીપિંગનાં ધોરણો નિર્ધારીત કર્યાં. તેઓ સાવ અલગ કક્ષાના અને વિશ્વમાં શ્રેષ્ઠ હતા."
આજ સુધી આ ત્રણની આસપાસ વિશ્વનો કોઈ સ્પિનર ફરકી શક્યો નથી. કોઈ સ્પિનર ગમે ત્યાં નો હોય, પણ તેણે કળા શીખવી હોય તો આ ત્રણ એ માટેના ઉત્તમ માર્ગદર્શક છે.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

ભારતની વિશ્વપ્રસિદ્ધ સ્પિન ચોકડી (ડાબેથી):ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના
અને વેંકટ રાઘવન (તસવીર સૌજન્ય:
 
https://www.thecricketmonthly.com/.../coffee-with-chandra)


ચંદ્રશેખરનો બોલ બેટ્સમેન ટોલ્ચર્ડના બેટની
ધારને અડકીને જાય છે અને
કિરમાણી કેચ લઈ લે છે
(તસવીર સૌજન્ય: © Patrick Eagar/Getty Images‌)

ઓસ્ટ્રેલિયાના સૌથી ઝડપી બોલર પૈકીના એક જેફ થોમસન (તસવીર સૌજન્ય: https://www.couriermail.com.au/.../jeff.../news-story)




No comments:

Post a Comment