Tuesday, March 17, 2026

સરસ્વતીચંદ્રના ગાલ પર ઘસરકા, અને અના કરેનીનાનું બ્લેઝર

"અલ્યા, તમારા બેયનો ઝઘડો બહુ જલ્દી પતી જાય છે. સહેજ લંંબાવો અને દોઢથી બે મિનીટનો કરો."

"પણ આટલું ખેંચતાંય અમે હાંફી જઈએ છીએ. તો અમારે બોલવું શું?"
"એ તમે નક્કી કરી લો. કંઈ પણ બોલો. પણ નાઝનીનને આવતાં દોઢથી બે મિનીટ થશે. એટલું ખેંચવું જ પડશે."
14 માર્ચે સાંજના સાડા છ- સાતની આસપાસ વલ્લભ વિદ્યાનગરના 'ઈપ્કોવાલા ઓડિટોરિયમ'માં મંચની પાછળ આવેલા ગ્રીનરૂમમાં આવી ચર્ચા ચાલતી હતી.
અમે બધા શિખાઉઓ. 'ચરોતર સાહિત્ય ઉત્સવ' અંતર્ગત રાતના સાડા આઠે અમારી ત્રણ પ્રસ્તુતિ હતી. એમાં સૌથી પહેલી એકાંકી, એ પછી ગાયન, અને છેલ્લે ગોષ્ઠિ હતી.
'તમે કલમ મ્યાન કરી' એકાંકીમાં જય (પ્રવક્તા અને સરસ્વતીચંદ્ર), નાઝનીન (અના કરેનીના), પૂજા (કુમુદસુંદરી), દીપાલી (કરેનીન) અને અલ્ફીના (ચોકીદાર)એ ભાગ લેવાનો હતો. એ પછી તરત જ પૂજાનું ગાયન હતું. અને એ પછી અમારી ગોષ્ઠિ, જેમાં કેતન, ફૈઝાન, તપન, વૈદેહી, અલ્ફીના, નાઝનીન અને મારે ભાગ લેવાનો હતો. નાઝનીને ગોષ્ઠિની ભૂમિકા બાંધવાની હતી અને એ પછી તરત અંદર આવી જઈને વિદ્યાર્થીની તરીકે મંચ પર પાછા આવી જવાનું હતું. વચ્ચેના સમયગાળામાં હસિતભાઈ આ ત્રણેની ભૂમિકા બાંધે એવી ગોઠવણ હતી. પણ આ વખતે સમયની તંગી હતી.
'તમે કલમ મ્યાન કરી' (કુમુદસુંદરી અને અના કરેનીનાની ભૂમિકામાં પૂજા અને નાઝનીન)

જેમ કે, જય પ્રવક્તા તરીકે ભૂમિકા બાંધીને અંદર જાય એ પછી દસેક મિનીટે તેણે સરસ્વતીચંદ્ર તરીકે પાછા આવવાનું હતું. એ દરમિયાન તેને પીતાંબર પહેરાવવાનું, વીગ કાઢવાની. અચાનક ધ્યાન પડ્યું કે જયે દાઢી રાખી હતી. પ્રવક્તા તરીકે એ બરાબર, પણ સરસ્વતીચંદ્ર તરીકે? એટલે હસિતભાઈએ તપનને દોડાવીને રેઝર અને શેવિંગ ક્રીમ મંગાવી લીધાં અને એને જ જવાબદારી સોંપી કે જેવો જય પ્રવક્તાની ભૂમિકા કરીને પાછળ આવે કે તારે એની દાઢી કરી દેવાની. પીતાંબર તો હસિતભાઈ પોતે જ પહેરાવવાના હતા. ઊતાવળે દાઢી કરવામાં જયના ગાલ પર ઘસરકાય પડ્યા, પણ છેવટનું પરિણામ મસ્ત મળ્યું.
એકાંકીમાં કુમુદસુંદરી બનેલી પૂજાએ સફેદ સાડી પહેરેલી. એ પછી તરત જ તેણે ગાવાનું હતું. અત્યાર સુધી અસ્થાના સાથે રહેતી, અને એ ગાવાનું શરૂ કરી દેતી, અને ત્યાં સુધીમાં પૂજા કપડાં બદલીને આવી જતી અને તેની સાથે જોડાઈ જતી. આ વખતે અસ્થાના નહોતી, એટલે પૂજાએ જ ગાયન શરૂ કરવાનું હતું. હસિતભાઈ પૂર્વભૂમિકા લંબાવે તો જ પૂજાને સમય મળી રહે. અલ્પા મેડમ અને પ્રિયંકા મેડમ પૂજાની સહાયમાં હતાં એટલે છેવટે એ પણ થઈ ગયું.

પૂજા દ્વારા 'સરસ્વતીચંદ્ર'માં આવતાં
ગીતોની પ્રસ્તુતિ

હવે છેલ્લો વારો ગોષ્ઠિનો હતો. એમાં નાઝનીન ગોષ્ઠિ વિશે ભૂમિકા બાંધે ત્યારે ટીશર્ટ અને બ્લેઝર પહેરીને બોલે, એ પછી તરત અંદર જઈને એ વિદ્યાર્થીનીના લિબાસમાં આવે એવી ગોઠવણ હતી. તે આટલું કરે એ દરમિયાન બહાર બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયેલા હોય અને તેમણે ગણગણાટ કરવાનો હતો. એ સમય પસાર થાય અને દર્શકોને લાગે નહીં કે સમય પસાર થઈ રહ્યો છે, એવું કંઈક કરવાનું. એમાં આ બોલાચાલી ઊમેરી, પણ એ ઝડપથી પતી જતી હતી. જો કે, મંચ પર એ બરાબર ભજવાઈ અને બહુ નૈસર્ગિક લાગી.
ગોષ્ઠિના આરંભે પ્રવક્તા (નાઝનીન) દ્વારા આ કાર્યનો પરિચય

સરસ્વતીચંદ્ર અને ભદ્રંભદ્રની સવા શતાબ્દિ નિમિત્તે
 બન્ને વિશેની ગોષ્ઠિ (જમણેથી: વૈદેહી, અલ્ફીના, કેતન, બીરેન, તપન,
ફૈઝાન અને નાઝનીન)

આમ તો આ બધા વિદ્યાર્થીઓ હતા. મંચ પર અભિનયનો કશો અનુભવ નહીં, કે નહીં એની બારીકીઓની જાણકારી. એટલે છેલ્લે ગોષ્ઠિ પતાવીને સૌ વિંગમાં ગયાં ત્યારે ખુશખુશાલ બનેલા અમારા સૌના ગજવામાં રહેલાં માઈકની સ્વિચ ચાલુ રહી ગયેલી. એટલે અંદર અમે 'મજ્જા આવી ગઈ', 'જોરદાર રહ્યું', 'તમે ઝઘડો બહુ મસ્ત કર્યો' જેવા સંવાદો બહાર દર્શકોને સંભળાતા હતા. એનો પણ એ લોકોએ આનંદ માણ્યો. આખરે હસિતભાઈ અંદર આવીને કહે, 'અલ્યા, માઈક તો બંધ કરો. બહાર બધું સંભળાય છે.' ત્યારે સૌને ખ્યાલ આવ્યો અને સૌએ માઈક બંધ કર્યાં.
કર્ટન કોલ વખતે સૌનો પરિચય હસિતભાઈએ કરાવ્યો. આવા દરેક કાર્યક્રમ કંઈ ને કંઈ શીખવી જતા હોય છે, અને એવો અનુભવ પણ છે કે એક વાર શીખેલો પાઠ બીજી વાર ભાગ્યે જ કામમાં આવે છે. છતાં એની મજા હોય છે.

કાર્યક્રમ પછી સમસ્ત મંડળી એક સાથે

આમ, વિદ્યાનગરમાં અમારી મંડળીને બહુ મજા આવી. હવે ગુજરાતનાં અન્ય નગર, શહેરો, ગામોમાં આવવા અમે ઉત્સુક છીએ.

No comments:

Post a Comment