Saturday, April 30, 2022

હકારાત્મકતાનો‌ હાહાકાર

 "યાર, આપણે બહુ જ જાગ્રત નાગરિક છીએ એ ખરું, પણ તમને કહું? લગ્નમાં બૅન્ડવાજાં તો જોઈએ જ. એ વિના વરઘોડાની મઝા જ નહીં! એય દસ મીટર પહોળા રોડ પર, બેય હાથ ઊંચા કરીને બૅન્ડવાજા પર 'ઈસ દેશ કા યારોં ક્યા કહના' વાગે ત્યારે નાચવાની મજા જ ઓર છે."

"ઓહ! અચ્છા. જુઓ ને, અમે તો..."
"અને તમને કહું. મેં તો મારા બાબાના મેરેજમાં પોલીસ બૅન્ડ મગાવેલું. એકદમ ડીસીપ્લીન્ડ, હોં! તમને એ તો ખબર હશે કે..."
"હા, ખબર છે કે ફિલ્મોમાં પોલિસ હંમેશાં મોડી આવે, અને લગ્નમાં પોલિસ બૅન્ડ એકદમ સમયસર આવી જાય."
"વાહ! આ ફિલ્મોવાળું તો ખબર નથી, પણ બીજું એકદમ સાચું. પોલિસ બૅન્ડ આમ મોંઘુંય ખરું, હોં!"
"હશે જ. હોવું જ જોઈએ. એ વિના તમે બોલાવો નહીં."
"હેંહેંહેં...! પણ આજે કેમ બૅન્ડ ફૅન્ડ દેખાતું નથી. જાન તો આવી ગઈ ક્યારની! તમેય રાજ્જા! આટલો બધો ખર્ચ કર્યો ને બૅન્ડ જ બાકી રાખ્યું?"
"એવું નથી, દોસ્ત! એવું થયું કે પોલિસ બૅન્ડ આ દિવસે બુક્ડ હતું. તો અમને પૂછ્યું કે સ્લાઈટ વધારે પે કરવું પડશે, પણ સી.આઈ.ડી. બૅન્ડ લઈ જાવ. એ અવેલેબલ છે. તો અમે પછી એ જ બુક કરાવ્યું. મૂઆ થોડા વધારે..અને એ આવી પણ ગયું ને જતુંય રહ્યું."
"હેં? આવીને ગયું? ક્યારે આવ્યું, ક્યારે વગાડ્યું ને ક્યારે જતું રહ્યું એની ખબર જ ન પડી!"
"હા, ભ'ઈ. સી.આઈ.ડી. બૅન્ડ છે. કંઈ પોલિસ બૅન્ડ ઓછું છે?"

**** 

"આવ, આવ, વત્સ! આવી ગયો? તારી જ રાહ જોતો હતો. કે તું ક્યારે આવે ને...."
"પ્રભો, આજે તો પહેલેથી એક સ્પષ્ટતા કરી લેવી છે, કેમ કે, વિવેક અને શરમમાં પછી બોલાતું નથી અને તમને એમ થાય કે....."

"અરે, અરે! આજે શું થયું છે તને? 'સાર્થક જલસો'નો અંક-બંક વાંચીને આવ્યો છું કે શું?"
"પ્રભો, વાંચવા-ફાંચવાનું કામ તમારું. અમે તો સેવક છીએ. આપની સેવામાં જીવન વ્યતિત કરીએ છીએ. આમ છતાં અમારે પણ કંઈક કહેવાનું હોય.."

"એ શું બોલ્યો, વત્સ? તારા કહેવાના અધિકાર પર મેં ક્યારે તરાપ મારી? તારી પાસે એ હોય તો હું તરાપ મારું ને, ગાંડા?"
"જુઓ, પ્રભો! આડીઅવળી વાત મને ન આવડે. હું સીધું કહી દઉં. એક તો રોજ તમારાં ચરણ ચાંપીને મૂછ મરડીને હું જગાડું છું. એનો મને જરાય વાંધો નથી. પણ....."

"હા. પછી મને મારા પૃથ્વી પરના ભક્તો સાથે વૉટ્સેપ વિડીયો કૉલ લગાવી આપે છે. ભઈ, જે છે એ છે. એમાં ના કહેવાય મારાથી?"
"હા, પ્રભો. આયેમ કમિંગ ઑન ધેટ ઓન્લી. હું તમને વૉટ્સેપ વિડીયો કૉલ લગાવી આપું છું. તમતમારે જે વાત કરવી હોય એ કરો, હું કાનમાં ઈયરપ્લગ લગાવીને ઊભો રહીશ. પણ પછી તમે મને કોઈની સાથે વિડીયો કૉલ પર વાત કરાવો છો એ અસહ્ય હોય છે. આઈ કાન્ટ વીથસ્ટેન્ડ ધેટ."

"અરે વત્સ! આ લહાવો લેવા તો મારે ત્યાં લોકો લાઈન લગાડે છે. આ તું પહેલો એવો નીકળ્યો કે જે ના પાડે છે."
"પ્રભો! પૃથ્વી પર હતો ત્યારે મને કેનેડા અને અમેરિકા ભણવા ગયેલા મારા કેટલાય મિત્રોનાં સંતાનો સાથે વૉટ્સેપ વિડીયો કૉલ મારા મિત્રો પકડાવી દેતા હતા. એમને તો ના પડાતી નહોતી, એટલે આઈ ડિસાઈડેડ ટુ એન્ડ માય લાઈફ એન્ડ સેટલ્ડ ઈન ધ સર્વિસ ઑફ યૉર હોલીનેસ. અને હવે અહીં પાછું તમે એનું એ ચલાવો તો મારે જવું ક્યાં...?"

"તથાસ્તુ, વત્સ! તુંય કલ્લાકનો બોલતો નહોતો ને! આજે કહ્યું તો નિવેડો આવી ગયો ને તરત! હવે મને એક વાતનો જવાબ આપ. કોઈ દિવસ નહીં ને આજે તારે આટલા બધા અંગ્રેજી વાક્યોનો ઊપયોગ કેમ કરવો પડ્યો?"
"નોટ અ સિક્રેટ, પ્રભો! એઝ યુ માઈટ બી નોઈંગ, પૃથ્વી પર મનાય છે કે ભક્તો અંગ્રેજીમાં બોલે તો એમનાં કામ તરત થઈ જાય છે. સો આઈ ટ્રાઈડ ધીસ.."
**** 
 
"સર, ફેસબુક અને બ્લૉગ પરની તમારી એકે એક પોસ્ટ એટલે સમયનો કેટલો બધો......"
"બગાડ- એમ જ કહેવા માંગો છો ને! તમારી પેઢીની આ જ તકલીફ છે. તમને જ્ઞાન ખપતું જ નથી. બસ, ચમચી ભરીને કોઈ પાઈ દે એમ જ ઈચ્છો છો તમે."

"ઓહો! ડોન્ટ બી સો નેગેટીવ, સર! હું એમ કહેતો હતો કે સમયનો કેટલો બધો સદુપયોગ, જ્ઞાનસમૃદ્ધ, અનુભવસમૃદ્ધ...એન્ડ વ્હોટ નોટ!"
"ઓહ, ડીયર! આયેમ રીયલી સોરી. ઘેર રોજેરોજ એકના એક સંવાદ બોલવાની આદત પડી ગઈ છે એટલે...યુ નો..."

"ધેટ્સ ઓકે, સર. ડઝન્ટ મેટર. ટેક ઈટ ઈઝી."
"મને તમારી નવી પેઢીની આ બાબત જ બહુ ગમે છે. યુ નો, ઓપનનેસ..ફ્રેન્ક એન્ડ રેડી ટુ એક્સેપ્ટ ધ રિયેલિટી."

"સર, ઓપનનેસ પરથી યાદ આવ્યું. કે આપની એકે એક ફેસબુક પોસ્ટ ઓપન યુનિવર્સિટીની ગરજ સારે છે."
"ઓહ! રિયલી? હું તો સ્વાન્ત: સુખાય લખું છું. મને કોઈ ખેવના નથી કે લાઈક કે કમેન્ટ્સ કેટલી આવી....આઈ જ્સ્ટ વોન્ટ ટુ શેર....."

"એ તો આપની મહાનતા છે, સર! આપની પોસ્ટ જોઈને મને મારા કૉલેજના દિવસો યાદ આવે છે. ત્યારે હું જે નહોતો કરી શક્યો એ આજે હું બેધડક કરી શકું છું."
"અચ્છા? શું? ગંભીરતાથી વાંચવાનું? યેહ, આઈ નો! કૉલેજ ડેઝ આર લાઈક ધેટ ઓન્લી. યુ ડોન્ટ કેર મચ......"

"અરે, ના સર! કૉલેજમાં તો હું બહુ સિન્સીયર હતો. મને બધા 'બોચાટ' જ કહેતા. મારો પ્રોબ્લેમ એ હતો કે આઈ યુઝ્ડ ટુ અટેન્ડ ઈચ એન્‍‍ડ એવરી પિરીયડ ટુ મેક ધ નોટ્સ."
"હાઉ સ્વીટ!"

"તો સર, ત્યારે આઈ કુડન્ટ બન્ક માય ક્લાસીસ. નેવર, નેવર એવર."
"સો સિન્સીયર યુ વેર...

"યેહ....આઈ વોઝ. બટ યુ નો, સર! તમારી પોસ્ટ રીમાઈન્ડ્ઝ મી ધોઝ ડેઝ એન્ડ આઈ, સોર્ટ ઑફ રીટ્રાઈવ ધોઝ ડેઝ. હવે હું તમારી પોસ્ટ આખી ને આખી બન્ક કરવાનો આનંદ લઉં છું. એન્ડ આઈ કાન્ટ થેન્ક યુ ઈનફ ફોર ધેટ, સર."

**** 

"ભાઈ, તમે કેવી વિચિત્ર ડીક્શનેરી વેચો છો? ગઈ કાલે તમારે ત્યાંથી હું ડીક્શનેરી લઈ ગયેલો."
"કેમ શું થયું, સાહેબ?"
"શું થયું શું? આ જુઓ, 'M' પછી સીધું 'Y'નું પાનું છે. 'N'નાં પાન પર 'N'થી શરૂ થતા બધા શબ્દો 'Y'થી શરૂ થાય? અને છેલ્લે 'Y'નું પાનું તો છે જ. યાર, બંધ કરી દો તમારી દુકાન. આવો ને આવો માલ વેચશો તો..."
"સાહેબ મારા! કયા જમાનામાં જીવો છો તમે? હેં? આજકાલ આ માલની બહુ ડિમાન્ડ છે, સમજ્યા?"
"એક તો ખોટો માલ વેચવો ને ઉપરથી આવી સફાઈ? હું પોઝીટીવ થીન્કીંગનું સાહિત્ય ન વાંચતો હોત તો હમણાં ને હમણાં તમારી દુકાન પર ઉધઈનો સ્પ્રે કરાવત."
"સાહેબ! ધેર યુ આર! આ ડીક્શનેરી પોઝીટીવ થીન્કીંગવાળા માટે જ ખાસ ડીઝાઈન કરેલી છે. 'નેગેટીવ'નો 'એન' આપણને જીવનમાં બહુ દુ:ખી કરે છે. તો શા માટે આપણે આપણા જીવનમાં નકારાત્મક અક્ષરથી શરૂ થતા શબ્દો રાખવા? જેમ દૂધની તપેલીમાં એક ટીપું લીંબુ પડે અને દૂધ ફાટી જાય છે, એમ જીવનરૂપી દૂધની તપેલીમાં નાનકડા નકારાત્મક વિચારનો એક છાંટો પડે તો પણ જીવનને તબાહ કરી નાંખે છે. આવા મંગળ વિચારથી પ્રેરાઈને અમે પોતે જ માથે રહીને આ ડીક્શનેરી તૈયાર કરાવડાવી છે. તમે લઈ ગયા એ તો પાંચમી આવૃત્તિ છે. હવે છઠ્ઠી આવૃત્તિમાં તો જે શબ્દોની વચ્ચે 'N' આવે છે ત્યાં પણ 'Y' મૂકાવ્યો છે. પબ્લિક ડિમાન્ડ, સાહેબ! પબ્લિક ડિમાન્ડ! અને સૌથી મોટી વાત એ છે કે....."
(અચાનક ૧૦૮ ની સાયરન સંભળાય છે.)

No comments:

Post a Comment