Sunday, May 1, 2022

નાપાની વાવ

પાછલા રસ્તે પ્રવેશતાં દેખાતું વાવનું
પડખું 
ફેબ્રુઆરી, 2019માં એક સામાજિક પ્રસંગે બોરસદ નજીકના નાપા જવાનું બન્યું. આસોદર ચોકડીથી બોરસદ તરફ વળ્યા પછી વચ્ચે બોદાલ-દાઓલના અંદરના માર્ગેથી અમે પહેલી વાર ગયા. બહુ જ રમણીય રસ્તો હતો. આ રસ્તે નાપામાં પાછલા ભાગેથી પ્રવેશાય છે, જ્યાં પ્રવેશતાં જ એક મોટું તળાવ નજરે પડે છે. તળાવની બાજુમાં જ એક મુસ્લિમ સ્થાપત્ય ધ્યાન ખેંચે એમ ઊભું છે. પાછા વળતાં તેને શાંતિથી જોઈશું એમ વિચારીને અમે સહેજ આગળ વધ્યા અને ખબર પડી કે તેની બરાબર બાજુમાં જ આવેલી વાડીમાં અમારે જવાનું હતું.

જમીને આ સ્થાપત્યનું ચક્કર મારવા નીકળ્યો. પહેલાં લાગ્યું કે કોઈ મસ્જિદ હશે. અંદર બે-ચાર મુસ્લિમ બિરાદરો બેઠેલા જણાયા તેમને પછી મળું એમ વિચારીને આખા માળખાની ફરતે આંટો માર્યો. આખું માળખું લંબાઈમાં હતું. ગુંબજ અને ધરાવતું તેનું પ્રવેશદ્વાર છે, તેનાથી નીચલા સ્તરે ચાર-પાંચ કમાનો અને પગથિયાં જોવા મળ્યા. તેની પરથી ખ્યાલ આવ્યો કે આ હકીકતમાં વાવ હતી. અંદર ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા હતાં, પણ તેના સ્થાપત્યને જોઈને તેની ભવ્યતાનો અંદાજ આવતો હતો. અંદરની કમાનો પર વડ-પીપળો ઊગેલાં હોવા છતાં કમાનની એક ઈંટ તે ખેરવી શક્યા નહોતા. ખર્યું હતું માત્ર બહારનું પ્લાસ્ટર.
આખું ચક્કર મારીને પ્રવેશદ્વારમાંથી અંદર પ્રવેશ્યો એ સાથે જ પેલા બિરાદરોએ મને આવકાર્યો. મેં 'સલામ વલયકુમ' કહીને તેમનું અભિવાદન કર્યું, અને તેમણે હસીને 'જેશીક્રષ્ણ' કહીને મને આવકાર્યો. એક ભાઈ જે સફેદ દાઢીવાળા હતા, તેમને મેં આ સ્થળના માહાત્મ્ય વિશે પૂછ્યું. તેમણે બહુ નિર્દોષતાથી કહ્યું, 'સાહેબ, આ તો કરોડો વરસ પુરાણું છે.' આ સાંભળીને મેં આ વાવમાં ડાયનોસોરને પાણી પીતા કલ્પી લીધા. મેં અહીં કોઈ તક્તી હતી કે કેમ એ વિશે પૂછ્યું. પહેલાં એ હતી, પણ હવે રહી નથી, એમ જણાવીને તેમણે કહ્યું કે પોતે માત્ર આ જગ્યાને સાફ રાખવાની ફરજ બજાવે છે.
આ બાંધકામ આશરે સોળમી કે સત્તરમી સદીનું હોય એમ જણાય છે. નાપા કયા શાસન હેઠળ આવતું હતું એ મને ખબર નથી. પેલા ચાચા મને બહુ ઉત્સાહથી બધું બતાવતા હતા, અને હું પણ રસપૂર્વક જોતો હતો. હું ક્યાંથી આવું છે એ તેમણે પૂછ્યું. જતાં જતાં કહે, 'ફલાણાભાઈને કહ્યું તો છે કે આની મરમ્મત કરાવે.' મેં કહ્યું, 'મરમ્મત કરાવજો, પણ નવું ન કરશો.' પછી કહ્યું, 'અને એ ભાઈ પૈસા ન આપે તો?' એ દાઢીધારી ભાઈ મહા સેક્યુલર નીકળ્યા. મને કહે, 'તો પછી ક્રીષ્ન ક્રીષ્ન.' ખરું કહું તો એ જ વખતે મારા સવાલના જવાબરૂપે મારા મનમાં '....તો પછી અલ્લા અલ્લા?' શબ્દો ફૂટેલા, પણ હું બોલ્યો નહીં, અને પેલા ભાઈ બોલી ગયા.

વાવનું પ્રવેશદ્વાર 


સામેની બાજુથી દેખાતી વાવની કમાનો 

પ્રવેશદ્વાર તરફથી વાવનો અંદરનો ભાગ 

No comments:

Post a Comment