Sunday, April 17, 2022

યે પાંવ બહોત હસીન હૈ

ભગવાન શ્રીકૃષ્ણને લગતી ફિલ્મો અને ટી.વી. ધારાવાહિકો જેટલી જોઈ શક્યો છું એમાં ક્યાંય તેમના અંતિમ સમયનું દૃશ્ય જોવાનું આવ્યું નથી. કહેવાય છે કે તેઓશ્રી એક વૃક્ષ નીચે આરામ ફરમાવી રહ્યા હતા અને તેમના પગનું તળિયું જ દેખાતું હતું. એક પારધિની નજર તેની પર પડી અને તે સમજ્યો કે આ હરણ છે. તેણે તીર ચલાવ્યું અને એ તીર બરાબર નિશાન પર લાગ્યું. અને શ્રીકૃષ્ણનો ધ એન્ડ.....!

આ કથા સાંભળી કે વાંચી હશે અને આછું આછું યાદ છે એ મુજબ તેનું ચિત્રાંકન પણ ક્યાંક જોયું છે. આમ છતાં, મુંબઈ જવાનું કે ત્યાંથી રાતની ટ્રેનમાં આવવાનું થાય ત્યારે આ આખું દૃશ્ય મારી નજર સમક્ષ ખડું થઈ જાય છે. રાતની મુસાફરીમાં સળંગ ઊંઘ આવે એવું ભાગ્યે જ બને. 'આપણું સ્ટેશન જતું તો નહીં રહે ને', 'આપણો સામાન કોઈક સરકાવી તો નહીં જાય ને' જેવા ફડકા મનમાં પડતા રહે. આવા સમયે ડબ્બાના પેસેજમાં નજર કરીએ તો ભૂરા રંગના નાઈટ લેમ્પના અજવાળે સૂતેલા શ્રીકૃષ્ણના પગનાં તળિયાં આ રીતે જોવા મળે. મનોમન સીધ ગોઠવીને અનેક વાર વિચાર્યું હશે અને પછી લાગ્યું છે કે આ રીતે નિશાન લેવા માટે નિશાનબાજી બહુ પાક્કી જોઈએ, જે આવડત આપણી પાસે નથી.
ત્યારે બીજો વિચાર એ આવે કે આપણી પાસે એવો કોઈ રબર સ્ટેમ્પ હોવો જોઈએ. બધા આ રીતે પગ ધરીને સૂતા હોય અને આપણી ઊંઘ ઊડે કે તરત આપણે બધાના પગની નીચે થપ્પા લગાવી દઈએ અને ચૂપચાપ પાછા આવીને આપણી બર્થ પર લંબાવી દઈએ.
એક તકલીફ છે. રબર સ્ટેમ્પ થકી કયું લખાણ કે ડિઝાઈન ઊપસાવવી એ હજી હું નક્કી કરી શક્યો નથી. કોઈ સૂચન?

રાત્રે ટ્રેનમાં કરેલું ચિત્રાંકન 


2 comments:

  1. વાહ, કેવી સામાન્ય દેખાતી ઘટનાને આવી રૂપકડી કલ્પનાથી ચિત્રમાં કેદ કરી લીધી છે !

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીApril 18, 2022 at 10:31 AM

      આભાર, અશોકભાઈ! ટ્રેનની રાત્રિ મુસાફરીમાં ઉંઘ ઊડી જાય ત્યારે બર્થ પર બેસાય નહીં અને લાઈટ પણ ચાલુ થાય નહીં. એટલે પડ્યે પડ્યે આવા વિચારો આવતા રહે!

      Delete