Friday, April 22, 2022

આઈયે, પધારીયે....

સંસ્થામાં નિમંત્રીત કે અનિમંત્રીત (અતિથિ) મહેમાનોનું સ્વાગત કરવાનો એક શિષ્ટાચાર જોવા મળે છે. એ માટે સંસ્થાઓ પોતપોતાની પરંપરાઓને અનુસરતી જોવા મળે છે. ઘણે ઠેકાણે મહેમાનના માથાના કદથી મોટો પુષ્પગુચ્છ તેમને અપાય છે. આ પ્રકારના પુષ્પગુચ્છ સામાન્ય રીતે યજમાન આપે અને મહેમાન લે એટલા પૂરતા જ ઉપયોગી છે. મહેમાને એ સ્વીકારીને બાજુએ મૂક્યો એટલે એ પુષ્પગુચ્છ નકામો. અમુક સંસ્થામાં, ત્યાંના જ બગીચામાં ઉગેલી વનસ્પતિ વડે તૈયાર કરાયેલો આકર્ષક પુષ્પગુચ્છ આપવામાં આવે છે. કાર્યક્રમમાંથી સીધું ઘેર આવવાનું હોય તો અમે યાદ રાખીને આ પુષ્પગુચ્છ ઘેર લઈ આવતા, જેનો ઉપયોગ કામિની રંગોળી બનાવવામાં કરતી.

ઘણે ઠેકાણે પુસ્તકથી સ્વાગત કરવામાં આવે છે. પુસ્તકની પસંદગી પણ સંસ્થા (સંચાલક) પોતપોતાની રુચિ અનુસાર કરે છે, જેમાં મોટે ભાગે પ્રેરક યા હકારાત્મક લખાણ ધરાવતાં પુસ્તકો જોવા મળે છે.
કેટલેક ઠેકાણે સોવેનિયર જેવો 'મેમેન્ટો' (ગુજરાતમાં તે લાડથી 'મોમેન્ટો' તરીકે ઓળખાય છે) આપવામાં આવે છે. આવા મેમેન્ટોથી યજમાનને સ્વાગત કર્યાનો સંતોષ થાય છે, અને મહેમાનને એ કંઈ કામના નથી હોતા.
ભરૂચની 'અ‍ૅમિટી સ્કૂલ'માં જવાનું થાય ત્યારે ત્યાંની પરંપરા અનુસાર પ્રવેશદ્વાર પર મૂકાયેલા સ્ક્રીન પર મહેમાનની તસવીર, તેમનો પરિચય અને સ્વાગતવચન જોવા મળે છે. આ જોઈને ખરેખર આનંદ થાય. આ ઉપરાંત 'અ‍ૅમિટી'માંથી કોઈ ને કોઈ મુખ્ય વ્યક્તિ પ્રવેશદ્વારે સસ્મિત હાજર હોય. કેજી વિભાગનાં કેતકીબેન બાળકો દ્વારા બનાવાયેલી એકાદ વસ્તુ હાથમાં મૂકે એ એટલી સુંદર હોય કે એમ થાય કે વધુ માંગી લઈએ. એ ટકાઉ, ઉપયોગી અને કળાત્મક હોવાથી તેને રાખી મૂકવાનું બહુ ગમે.

'અ‍ૅમિટી સ્કૂલ'ની સ્વાગતસામગ્રી
નવેમ્બર, 2021માં વાલોડ જવાનું થયું, અને વનસ્થળી ખાતે આવેલી આશ્રમશાળાની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્વાગતસામગ્રી જોઈને ગમી જાય એવી હતી. વિદ્યાર્થીઓએ ચાર્ટ પેપર પર બનાવેલાં કાર્ડ, જેમાં સ્વાગત ઉપરાંત કોઈ ને કોઈ સુવાક્ય લખાયેલું હોય, સાથે કોઈ એક સુવાક્ય અને તે કહેનારની તસવીર ધરાવતું મોટું કાર્ડ, અને એક નાનકડી પુસ્તિકા હતી. 

વનસ્થળીની આશ્રમશાળાની સ્વાગતસામગ્રી
હું કાર્ટૂન વિશે કાર્યક્રમ આપવાનો હતો એટલે ખાસ ચાર્લી ચેપ્લિનનું અવતરણ પસંદ કરાયું હતું.

વનસ્થળીની આશ્રમશાળાની સ્વાગતસામગ્રી
મહેમાનનું સ્વાગત એક અનિવાર્ય શિષ્ટાચાર હોય છે, આથી તે શક્ય એટલો ઓછા ખર્ચમાં, અનૌપચારિક અને છતાં સાદગીયુક્ત કળાત્મકતાવાળો હોય તો સારું.
વાલોડની ગાંધી વિદ્યાપીઠમાં ખાદીના હાથરૂમાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ રૂમાલનું કદ સામાન્ય કરતાં મોટું હતું. આ એક ઉત્તમ રીત કહી શકાય. ટૂંકમાં મહેમાન જેને અડકીને બાજુએ મૂકી દે એવી સ્વાગતભેટને બદલે ભલે નાની, પણ તેને ઉપયોગી થઈ પડે એવી ચીજથી સ્વાગત થાય એ વધુ મહત્ત્વનું છે.
ઘણી સંસ્થાઓમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. મેં આવી સૂતરની આંટીઓ ભેગી કરી હતી, અને તેને લઈને ખાદી ગ્રામોદ્યોગના સ્ટોરમાં ગયો હતો. તેઓ એમાંથી કશુંક વણી આપે કે છેવટે એને લઈ લે એવી વિનંતી કરી, પણ મને કહેવામાં આવ્યું કે એ કશા કામની નથી. આ જાણ્યા પછી સૂતરની આંટી થકી થતા સ્વાગતનો મારે મન કશો અર્થ રહ્યો નહીં.
એકાદ બે સંસ્થામાં મેં સામે ચાલીને ખાદીના હાથરૂમાલની માંગણી કરેલી. એમને એમની 'ભાષા'માં સમજાવવા પ્રયત્ન કરેલો કે તમારો ખર્ચ ઘટશે અને મને એ કામમાં લાગશે. પણ એમને ખર્ચ કરવો જ હતો. છેવટે તેમણે એવો મેમેન્ટો આપ્યો કે જેનો કશો ઉપયોગ નહોતો.
સ્વાગતમાં પણ 'હટ કે' પદ્ધતિ અપનાવનારા હોય છે અને તેઓ સગર્વ એમ જણાવે છે. મહેમાને એવે ટાણે મનમાં મલકાવા સિવાય કશું કરવાનું રહેતું નથી. અલબત્ત, ઘણા મહેમાનો એવાય હશે કે જે ઈચ્છતા હોય કે પોતાનું સ્વાગત રંગેચંગે થાય. આવા મહેમાનો માટે ઓછા બજેટનો એક મિકેનીકલ હાથી સંસ્થાએ વસાવી લેવો જોઈએ. જેવા મહેમાન પ્રવેશે એટલે હાથી પોતાની સૂંઢમાં મહેમાનને ઉંચકે, ઉછાળે અને પછી ઝીલી લે. એ જોઈને યજમાન સંસ્થાના આગેવાનો તાળીઓ પાડે, પુષ્પપાંખડીઓની વર્ષા કરે.

'હટ કે' સ્વાગત કરવા માટેનો સૂચિત ઉપાય

આમ તો, આ સ્વાગતસંસ્કૃતિ સાવ ઔપચારિક અને નિરર્થક છે. છતાં સૌ કોઈ એક વણલખ્યા શિષ્ટાચારને અનુસરતા હોવાથી એ અટકે એવી શક્યતા જણાતી નથી. આથી આટલું લખવું જરૂરી માન્યું.

No comments:

Post a Comment