Thursday, April 7, 2022

લેખન કારકિર્દીના સોળમા વર્ષમાં પ્રવેશ ટાણે

લેખકોની કારકિર્દી વિશે સામાન્ય રીતે લોકો ધારણા અને કલ્પનાથી વધુ કામ લેતા હોય છે. લખનારા તમામ લેખક ગણાય, પણ સૌનો લેખનપ્રકાર જુદો જુદો હોઈ શકે એ બાબતે બીજાઓ તો ઠીક, ખુદ લેખકો પણ સ્પષ્ટ નથી હોતા. પંદરેક વર્ષ અગાઉ, મારી બાવીસ વર્ષની પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની કારકિર્દી છોડીને, 42ની વયે મેં લેખનને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યું ત્યારે મારો મુખ્ય આશય ચરિત્રલેખન દ્વારા આજીવિકા રળવાનો હતો. આ નિર્ણયની પૃષ્ઠભૂમિ તરીકે રજનીકુમાર પંડ્યા સાથે પાંચેક વર્ષ આ પ્રકારનાં કામોમાં રહેલી મારી સક્રિય ભૂમિકા હતી. મારા એ પ્રકારના કૌશલ્યનું ઘડતર તેમણે કર્યું હતું. અલબત્ત, આ નિર્ણય લેવામાં પત્ની કામિની અને ભાઈ ઉર્વીશ તેમજ મમ્મી- પપ્પાનો પૂરો સહયોગ અને ટેકો ખરો જ.

આટલા વરસોમાં ચરિત્રલેખન થયું, એ પછી કટારલેખન તેમજ 'સાર્થક જલસો'ના સહસંપાદન સાથે પણ સંકળાવાનું બન્યું. વાંચન ચાલુ રહ્યું, પણ શોખ માટેનું વાંચન નહીંવત્ બનતું ગયું, અને તેનું સ્થાન કામ માટેના વાંચને લીધું.
પંદર વર્ષ એવો મુકામ છે કે જ્યાંથી પાછું વળીને સફરના આરમ્ભબિન્દુ તરફ નજર કરી શકાય અને ત્યારથી અત્યાર સુધીની સફરનો અંદાજ લગાવી શકાય! ચરિત્રલેખક તરીકે હું કેટલો સફળ રહ્યો એ નક્કી કરવા માટેનો કોઈ દેખીતો માપદંડ નથી, કેમ કે, એ પ્રકારે લખેલાં જૂજ પુસ્તકો વેચાણ માટે હોય છે. હા, અનુભવસમૃદ્ધ ઘણો થયો. અત્યાર સુધી મેં કરેલા કામથી મને પોતાને સંતોષ છે, એમ જેમના માટે મેં એ કામ કર્યું એમને પણ સંતોષ અને આનંદ હોય એમ જણાય છે.
એક પરિવર્તન આટલાં વરસોમાં એ આવતું જણાયું છે કે હવે ઘણા લોકો સ્વીકારતા થયા છે કે નાણાં ખર્ચીને જીવનચરિત્ર લખાવી શકાય. આમ છતાં, આ આખું ક્ષેત્ર એમના માટે અજાણ્યું છે, આથી તેમના મનમાં કેટલા નાણાં ખર્ચવા પડશે એનો અંદાજ હોતો નથી. મોટે ભાગે એમ પણ જોવા મળે છે કે પોતાને એક્ઝેક્ટલી શું લખાવવું છે એય ઓછા લોકો જાણતા હોય છે. આથી ચરિત્રકાર તરીકે તેમની સાથે કોઈ પણ તબક્કે વાતચીત થાય ત્યારે તેઓ માત્ર ને માત્ર પોતે કરવાના ખર્ચનો આંકડો જ જાણવા માંગે છે, જે કામના જથ્થાને જાણ્યા વિના જણાવવો અશક્ય છે. પ્રાથમિક પ્રશ્નોત્તરીના આધારે એ જણાવવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે એ આંકડાની સરખામણી તેઓ પોતાના મનમાં ધારેલા એક આંકડા સાથે કરે છે, જે મોટે ભાગે મેળ ખાતો નથી હોતો. આમ, શું અને કેટલું કામ કરવાનું છે એ જાણ્યા વિના માત્ર ને માત્ર ખર્ચના આંકડાને લઈને વાત આગળ વધતી અટકી જાય છે અથવા એમાં વિલમ્બ થાય છે.
ચરિત્રલેખન પુસ્તકાકારે કરવાનું હોય એ સામાન્ય રીતે લાંબા પટે ચાલનારું કામ છે, કેમ કે, તમામ વિગતો મેળવવાની હોય છે અને તેના માટે અનેક બેઠકો કરવી પડતી હોય છે. વિગતો મળ્યા પછી તેનું પ્રોસેસિંગ અને એ પછી લેખન. આ સમય માંગી લેતું કામ છે, જે શરૂ થયા પછી ચરિત્રનાયકને સમજાય, પણ એ પહેલાં ભાગ્યે જ સમજાય છે.
આ બધા અવરોધ છતાં કામ કરતી વખતે સાવ અજાણી વ્યક્તિના જીવનમાંથી પસાર થવાનું બને એ અનુભવ વિશિષ્ટ બની રહે છે. એટલા સમય પૂરતી એ વ્યક્તિ ચરિત્રકાર સાથે અનહદ ઘનિષ્ટતા અનુભવે એવું લગભગ સામાન્ય છે. એ વ્યક્તિનાં પરિવારજનો પણ આની અનુભૂતિ કરી શકે છે. અલબત્ત, એ ઘનિષ્ટતા ત્યારે જ ટકી રહે જો આખરી પરિણામ (પુસ્તક) સંતોષકારક આવે.
ચરિત્રલેખનને ઘણા લેખકો અંશકાલીન કામ તરીકે સ્વીકારે છે, પણ પૂર્ણ સમયના ચરિત્રકાર બનવાની તૈયારી ઓછા લોકોની હોય એમ જણાયું છે.
હું હજી આ ક્ષેત્રમાં સ્વેચ્છાએ ક્યાં સુધી સક્રિય રહીશ એ ખબર નથી. એવું કશું વિચાર્યું નથી. છતાં એમ ઈચ્છું ખરો કે આ ક્ષેત્રે સારું લખનારા ચરિત્રકાર તરીકે પૂર્ણ સમય માટે કામ કરતા થાય. સાથે એમ પણ ઈચ્છું કે ચરિત્રલેખન ન ફાવતું હોય તો એ લોકો મળે એ કામ લઈ લેવાને બદલે એ કામ પોતાને માટે નથી એમ સમજી-સ્વિકારીને એ કામ માટે કોઈ ચરિત્રકારનું નામ ચીંધતા થાય.

No comments:

Post a Comment