Tuesday, April 19, 2022

મિસિંગ ધર્મેન્‍દ્ર

"ધર્મેન્દ્રભાઈ! ધર્મેન્દ્રભાઈ!"

બપોરે દોઢેકના સુમારે બરાબર અમારા ઘરની બહાર બૂમ સંભળાઈ. બે-ત્રણ બાઈક આવીને ઉભાં રહ્યાં હોય એમ લાગ્યું. એપ્રિલ, 2019નો બળબળતો બપોર હતો. અમે લોકો જમવા બેઠા હતા. અમારી આસપાસમાં આ નામની કોઈ વ્યક્તિ રહેતી નથી, એટલે આ લોકો કોને બૂમ પાડતા હશે એમ અમે વિચારતા હતા. એટલામાં અમારો ઝાંપો ખખડવાનો અવાજ આવ્યો. 'કોણ?' કહેતાંકને અમે બારીમાંથી બહાર જોયું તો બે-ત્રણ અજાણ્યા ચહેરા દેખાયા. તેમણે અમારા મકાનનો નંબર કન્ફર્મ કર્યો. અમે બારીમાંથી જ હા પાડી. એમણે કહ્યું, 'સહેજ બહાર આવો તો!' અમે વિચારવા લાગ્યા કે મામલો શો છે? મકાનનો નંબર આપણો છે, સોસાયટી પણ આ જ છે, પણ આ ધર્મેન્દ્ર કોણ?
અમે બહાર ગયા એટલે પેલા આગંતુકો અમને જોઈને સહેજ ભોંઠા પડી ગયા હોય એમ લાગ્યું. ત્રણ જણમાંના બે તો હટ્ટાકટ્ટા જુવાનિયા હતા. એમના ચહેરા પરથી તેઓ ભરવાડ હોવાનું જણાઈ આવતું હતું. ત્રીજી વ્યક્તિ પ્રૌઢ હતી. તેમના ચહેરા પર મૂંઝવણના ભાવ હતા. તેમણે અમને પૂછ્યું, 'ધર્મેન્દ્રભાઈ અહીં રહે છે?' અમે કહ્યું, 'ના. આ તો અમારું જ મકાન છે. અને અહીં અમે જ રહીએ છીએ.' તેઓ એકબીજાની સામું જોવા લાગ્યા. અમને શું કહેવું એ મૂંઝવણ તેમના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. છેવટે એક જણે ફોડ પાડતાં કહ્યું, 'ધર્મેન્દ્રભાઈએ અમને આ સરનામું આપ્યું છે.' હવે નવાઈ પામવાનો અમારો વારો હતો. અમે પૂછ્યું, 'કોણ ધર્મેન્દ્રભાઈ?' આ સવાલ સાંભળીને એ ત્રણે જણને જાણે કે કશી ખાત્રી થઈ હોય એમ લાગ્યું. એમાંના એકે અમને પોતાના ફોનમાં એક ફોટો બતાવતાં કહ્યું, 'આ ભાઈ. એમણે ગોરવામાં પોતાની એક ફેક્ટરી છે એમ અમને કહેલું. અમે એમને ત્યાં બોર કરી આપેલો.' આમ કહીને એમણે એ શેડનો પણ ફોટો બતાવ્યો. પછી કહે, 'અમે પૈસા માગ્યા તો એ કહે કે તમને બે દિવસ પછી એકસામટું પેમેન્ટ આપી દઈશ. અમે હા પાડી. અને હવે એ ભાઈ ગુમ છે.' આ ભાઈ પોતાની વાત પૂરી કરે એ સાથે જ પેલા પ્રૌઢ સજ્જન કહે, 'મેં એને બોલેરો ગાડી વેચી હતી-બે લાખમાં. મને એણે ચેક આપ્યો હતો. હવે એ ફોન જ નથી ઉપાડતો.' પેલા જુવાને કહ્યું, 'અમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ રીતે એણે ઘણાને છેતર્યા છે. એટલે અમે 'મીસીંગ ધર્મેન્દ્ર' નામનું વૉટ્સેપ ગૃપ બનાવ્યું છે.' અમને આ સાંભળીને એક તરફ હસવું આવતું હતું, ને બીજી તરફ પેલા ભાઈઓ માટે સહાનુભૂતિ થતી હતી. દરમિયાન પેલા કાકાએ ફોન જોડ્યો અને કહે, 'લ્યા જિગા! તને આ હું હૂજ્યું? તારી બુદ્ધિ કેમ બે'ર મારી ગઈ'તી? તને તપાસ કરવાની હૂજ ના પડી?' અમે ધાર્યું કે સામે છેડે એમનો દીકરો હશે.
વચગાળામાં આ લોકોએ ધર્મેન્દ્રને ફોન કર્યો હશે ત્યારે તેણે જે સરનામું મોંએ ચડ્યું એ આપી દીધું હશે અને કહ્યું હશે કે ત્યાં આવી જજો. પૈસા મળી જશે. યોગાનુયોગે એ સરનામું- એટલે કે બંગલા નંબર અમારો નીકળ્યો. જે રીતે પેલા ભાઈઓ પોતાની કથની વર્ણવી રહ્યા હતા એ જોઈને અમારા પાડોશીઓ પણ ચિંતાના માર્યા બહાર આવી ગયા હતા. અમે એ ત્રણેને આશ્વાસન આપ્યું, ઠંડું પાણી પાયું અને શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી.
એ દિવસથી હું છાપાંમાં ધર્મેન્દ્ર દ્વારા કરાયેલી ઠગાઈના સમાચાર શોધવાનો પ્રયત્ન કરું છું, પણ હજી મારી નજરે એ ચડ્યા નથી.

No comments:

Post a Comment