Monday, April 18, 2022

નિજાનંદ માટે..

 'સમયનો સદુપયોગ' શ્રેણીનાં પુસ્તકો લખવાં એ સમયનો સદુપયોગ છે, અને વાંચવાં એ સમયનો વેડફાટ છે. આથી એ પ્રકારનાં પુસ્તકો વાંચવાનું મન થતું જ નહોતું. એક તરફ ઉર્વીશ પોતાની પત્રકાર તરીકેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો હતો, ત્યારે મને એ ક્ષેત્રે રસ હોવા છતાં કદી લાગતું નહોતું કે મારે કશું પણ લેખન કરવું જોઈએ. કેમ કે, મારો મુખ્ય રસ વાંચનમાં હતો, અને ઉર્વીશના ક્ષેત્રમાં એ મુખ્ય પરિબળ હતું. ઘણી બધી વાતો અમારે થતી રહેતી. તે ડાયરી લખતો, જેની આદત મને નહોતી. કારણ કે, ડાયરીમાં લખી શકાય એવું કશું હતું જ નહીં. પણ અમે જ્યારે મળીએ ત્યારે એ ડાયરી અને તેના સંદર્ભો વિશે વિગતે વાત થતી.

હું કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો હતો, જેમાં મારી નોકરીની પાળી દર બે દિવસે બદલાતી. પ્લાન્ટ સામાન્ય હોય ત્યારે રોજિંદું કામ પતાવ્યા પછી નોકરીના કલાકોમાં પુષ્કળ સમય મળતો. આ સમયમાં ઘણું વાંચન થતું, જે મુખ્યત્વે ગુજરાતી અને હિંદી પુસ્તકોનું રહેતું. એ સમયે મને ચાર્લી ચેપ્લિનની ફિલ્મોમાં બહુ રસ પડેલો, અને ચાર્લી મારો પ્રિય કલાકાર બની રહેલો. એ સમયે વિવિધ સામયિકોમાં તેમની જે કંઈ તસવીરો કે લખાણ જોવા મળે એ હું સંઘરતો. એ ફાઈલ હજી સચવાયેલી છે. એક વાર ઉર્વીશ મુંબઈથી ચાર્લીની આત્મમકથા 'માય ઑટોબાયોગ્રાફી' ખરીદી લાવેલો. એ ઘેર પડી રહેલી. એક તો અત્યંત ઝીણા અક્ષર, પ્રમાણમાં દળદાર પુસ્તક (477 પાનાં) અને એ પણ અંગ્રેજીમાં! આથી બહુ ઈચ્છા હોવા છતાં તે વાંચવાનું શક્ય બનતું નહોતું. એ કલાકારના જીવન વિશે તેની પોતાની જબાનમાં લખાયેલું વાંચવાની કેવી મઝા આવે! આખરે મેં નક્કી કરી લીધું કે જે થાય એ, પણ આ પુસ્તક વાંચવું અને વાંચવું જ. કંપનીમાં મળતા સમયનો સદુપયોગ કરવાનું વિચાર્યું, સાથે એ પણ વિચાર્યું કે એને ઝીણવટથી વાંચવું. એક શબ્દ પણ સમજાય નહીં તો આગળ ન વધવું. એ સમયે મારી શોલ્ડર બૅગમાં ત્રણ વસ્તુઓ અવશ્ય રહેવા લાગી. એક તો ચાર્લીની આત્મકથા, બીજી અંગ્રેજી- ગુજરાતી ડિક્શનેરી અને ત્રીજી ક્લચ પેન્સિલ. જ્યાં પણ સહેજ ફાજલ સમય મળે કે હું આત્મકથા ખોલીને બેસી જતો. ટ્રેનમાં કે એવે સ્થળે ડિક્શનેરી જોવાની ન ફાવે. એવે સમયે હું પુસ્તકમાં જે પણ શબ્દો અઘરા લાગે એની નીચે પેન્સિલથી લીટી દોરી દેતો. એ પછી સમય મળે કે ડિક્શનેરીમાંથી તેના અર્થ લખી દેતો. આમ એક પ્રકરણનું કામ થઈ જાય એટલે હું તેને સળંગ વાંચતો.
આમ છતાં, પહેલા જ પ્રકરણમાં મને લાગ્યું કે જોઈએ એવી મઝા આવતી નથી. તો શું કરવું? આના ઉકેલરૂપે નક્કી કર્યું કે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવો. કારણ એટલું જ કે, પ્રિય કલાકારનું આત્મકથન આપણને શબ્દશ: વાંચવા મળે. એ જ મોટી પ્રાપ્તિ. આ અનુવાદ કોઈક જુએ, વાંચે, પ્રકાશિત કરે એવી કશી ઈચ્છા મનના ઊંડા ખૂણે પણ નહોતી. ફરહાદની જેમ થોડો થોડો પહાડ ખોદવાનું શરૂ કર્યું. મઝા બહુ આવવા લાગી. આને કારણે ઉત્સાહ વધ્યો. ઉર્વીશ મળે ત્યારે હું એને આ કામની પ્રગતિ વિશે જણાવતો અને અમે જે તે પ્રકરણમાં શું આવ્યું એની પણ વાત કરતા.
આ કામ લાંબા પટ્ટાનું હતું, પણ આપણે ક્યાં ઉતાવળ હતી! એમ એમ કરતાં કુલ 477 પાનાંમાંથી 300 પાનાં પૂરાં થયાં. પુસ્તકનાં કુલ 31 પ્રકરણ છે, એમાંથી 19 પ્રકરણનો, એટલે કે અડધાથી વધુનો અનુવાદ થઈ શક્યો.
જો કે, આ કામ પૂરું ન થયું. આટલે જ અટકી ગયું, જે હજી એમનું એમ છે.
એ પછી ઘણા વખતે રવીન્દ્ર ઠાકોરે આ પુસ્તકનો અનુવાદ કર્યો, જે સંક્ષેપ હતો, એ મારા જોવામાં આવ્યો. તેમની શૈલી સાવ અલગ હતી, અને મારી પણ સાવ અલગ. અનુવાદ કરવા પાછળનું મારું મુખ્ય ચાલકબળ ચાર્લીના ભાવક હોવાનું હતું. ખરા અર્થમાં 'નિજાનંદ' કહેવાય એના માટે. આ કામ મેં કર્યું છે એ પણ મારા ઉપરાંત ઉર્વીશ, રજનીકુમાર પંડ્યા કે કામિની સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે.
એ ફાઈલ જળવાયેલી છે. હવે આટલા વરસે એમ થાય છે કે એની પર ફરી એક નજર કરું, પરામર્શન કરું અને બાકીનું કામ પૂરું કરું. જોઈએ હવે એ શક્ય બને છે કે કેમ.
હાથે લખેલો એ અનુવાદ, પુસ્તકમાં લખેલા શબ્દોના અર્થ અહીં સંદર્ભ તરીકે મૂક્યાં છે.

ચેપ્લિનની આત્મકથાનો અનુવાદ 

ચેપ્લિનની આત્મકથાનો અનુવાદ 

આત્મકથાનું પૃષ્ઠ 

આત્મકથાનું પૃષ્ઠ 

3 comments:

  1. પૂરું કરો. પૂરું જ કરો. પૂરું કરો જ.

    ReplyDelete
  2. અવશ્ય પુરૂં કરો.

    ReplyDelete
  3. બીરેન કોઠારીApril 19, 2022 at 9:08 PM

    @દીપકભાઈ અને વિમલાબહેન, આભાર. હાલ તો વ્યસ્તતાને કારણે આગળ વધી શકે એમ નથી. પણ મનમાં અવશ્ય છે કે એ પૂરું કરવું. જોઈએ કે ક્યારે મેળ પડે છે.

    ReplyDelete