Monday, April 4, 2022

જાહેરખબરોમાં જમાનો (2)

(વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. )

છે તો આ એક વિદેશી બૂટની જાહેરખબર, પણ અહીં તેને જુદા હેતુસર મૂકી છે. તેમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રમત બાળપણમાં ઘણા રમ્યા હશે. જો કે, અહીં જે રીતે પાછળથી આગળની તરફ છોકરો કૂદતો બતાવાયો છે, તેને બદલે આપણે અહીં બાજુ પરથી કૂદતા હતા.

આ રમતનું નામ શું? ખબર નથી, પણ કૂદતી વખતે એક શબ્દ બોલવાનો રહેતો. અમે 'સીન્ગલ હેન્ડલ', 'ડબલ હેન્ડલ' એમ બોલતા. ક્યારેક 'સોમવાર', 'મંગળવાર' એમ સાત વારનાં નામ વારાફરતી બોલતા. જેનો દાવ હોય એ છોકરો આ રીતે ઊભો હોય અને બધા વારાફરતી તેની પરથી કૂદે. એમ કરતાં કૂદનારના પગનો કોઈ ભાગ છોકરાના માથાને અડકી જાય તો એ આઉટ. માથું નમેલું રાખવાનું હોય, પણ અમુક ચબરાક છોકરાઓ કૂદનાર કૂદતો હોય એ વખતે જ પોતાનું માથું સહેજ ઊંચું કરી દેતા. એક વખત બધા કૂદી લે પછી નીચે નમેલો છોકરો પોતાની ઊંચાઈ સહેજ સહેજ વધારતો જાય અને 'રવિવાર' આવતાં સુધીમાં તો એ લગભગ ઊભો થઈ ગયો હોય.
'સોમવાર', 'મંગળવાર'ને બદલે ઘણા મજાકમાં 'સોમાકાકા', 'મંગળદાસ', 'બુધાકાકા' એમ પણ બોલતા. આ રમતમાં કૂદવા માટે વધુ ઊંચાઈની જરૂર ન પડે, પણ દોડતા આવીને નમેલા છોકરાની પીઠ પર બન્ને હથેળીનું વજન દઈને આસ્તેથી કૂદી જવામાં અમુક બટકા છોકરાઓ પણ ઊસ્તાદ હતા. સ્વાભાવિક છે કે આ રમત છોકરાઓ પૂરતી જ મર્યાદિત રહેતી.
મને લાગે છે કે ગામ, નગર કે શહેર- દરેકમાં આ રમત રમાતી હશે. પણ દરેક જગ્યાએ તેનું નામ અલગ હશે. અથવા તો કૂદતી વખતે કૂદનાર દ્વારા અલગ અલગ શબ્દો બોલાતા હશે.
એલ.પી.જી. પેઢીને આ રમતનો લાભ ભાગ્યે જ મળ્યો હશે, એમ લાગે છે. આ રમત રમી રમીને મોટા થયા પછી પિતા બનેલાઓ આ રમત પોતાનાં સંતાનોને રમવા દેતા નથી. રખે ને પોતાના છોકરાનું માથુંબાથું ક્યાંક ફૂટી જાય તો! કોઈક એની ગરદન પર વધુ પડતું જોર આપી દે તો!


****
સતયુગ કે કળયુગ જેવું કશું હોય છે કે નહીં એની ખબર નથી. પણ સામાન્ય સમજણ, રમૂજવૃત્તિ કે મૂળભૂત માનવીય મૂલ્યોનું સરેરાશ સ્તર નીચું જતું લાગે અને તેના માટે કોઈ ફિકર તો ઠીક, એવું ભાન પણ ન પડે, અને ઉપરથી એ બદલ ગૌરવ અનુભવવામાં આવે ત્યારે ઘણાને કળયુગ બેઠેલો લાગે તો નવાઈ નહીં. જો કે, આવી લાગણી મોટે ભાગે બેય પક્ષે હોય તો નવાઈ નહીં.
આ ચર્ચાનો અર્થ નથી, પણ મને લાગે છે કે કોઈ હાસ્યલેખમાંની અત્યંત વાઈલ્ડ રમૂજ કે કાર્ટૂનમાં દર્શાવાયેલી અશક્યવત્ પરિસ્થિતિ વાસ્તવિકતા બનીને આવે અને એનો કોઈને અહેસાસ સુદ્ધાં ન થાય ત્યારે જે થાય એ શું? આપણે એડ ફીશર/Ed Fischerનું કાર્ટૂન જોઈને આંસુ સારવા કે અક્ષયકુમારને ચમકાવતી જાહેરખબર જોઈને દાંત કાઢવા એ જ ન સમજાય!




****
ફૂટબૉલ સ્ટાર મારાડોના (કે જે ઉચ્ચાર થતો હોય એ)ને અમૂલની એડમાં જે તે સમયે આ રીતે સ્થાન અપાયેલું. ઉર્વીશ ત્યારે અમદાવાદ કૉલેજમાં જતો અને ચાલુ બસે નહેરુ બ્રીજ પર મૂકાયેલું 'અમૂલ'નું હોર્ડિંગ વાંચી લેતો. આ કારણે કેટલાંક લખાણો 'સમજવા' માટે અમારે ખાસી માથાકૂટ કરવી પડતી. અહીં આપેલું 'મેથ્યુઝ'વાળું લખાણ એવું જ છે. એ પછી અમે સૌ પહેલાં ડૉ. કુરિયનને આ પ્રકારની જાહેરખબર બાબતે અભિનંદન પાઠવતો પત્ર લખીને એ કોણ બનાવે છે એ પૂછાવેલું.
ડૉ. કુરિયને અમને જવાબ તો આપ્યો, સાથે અમારા પત્રની એક નકલ ભરત દાભોલકરને પણ મોકલી આપી, જે ત્યારે 'અમૂલ'ની એડ માટેનાં આવાં કેપ્શન બનાવતા હતા. એટલે થોડા સમય પછી ભરત દાભોલકરનો પણ જવાબ અમને મળ્યો.
મારાડોનાના અવસાનના સમાચાર નિમિત્તે દાભોલકરની એ એડ તાજી થઈ આવી.



**** 
ખોવાઈ છે. પત્તો આપનારે ઈનામ આપવાનું રહેશે.

માત્ર બે રૂપિયાની કિંમતની આ ‘કોલ્ડ સ્ટાર’ પીપરમીન્ટ - અને એમાં પણ રોઝ ફ્લેવરની, એટલે દિવ્યતા. માનવામાં ન આવે કે બે જ રૂપિયામાં આવો દિવ્ય અનુભવ થઈ શકે. મુંબઈ જાઉં ત્યારે મોટે ભાગે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનેથી આવાં પંદર-વીસ પેકેટ લઈ લઉં. રોઝ સિવાયની સાદી આવે છે, એ પણ અદભુત છે.
છેલ્લા થોડા સમયથી તે દેખાતી બંધ થઈ ગઈ છે. તેને વેચનારા ફેરીયાઓ કહે છે, ‘ક્યા કરેં સા’બ, માલ હી નહીં આતા હૈ!’ મને ખાતરી છે કે મારી જેમ તેના અનેક પ્રેમીઓ હશે. કોઈ આનો પત્તો આપી શકે? ‘વૉલ્ગા કન્ફેક્શનરીઝ, બોમ્બે- 11’ જેટલું જ સરનામું ધરાવતી આ કંપનીની પ્રોડક્ટનું શું થયું હશે? આની જાહેરખબર કદી જોઈ નથી, તેથી જ કદાચ બે રૂપિયા જેવી મામૂલી કિંમતે એ વેચાતી હશે.
તેમાં વપરાતાં રસાયણો અને તેના લાભાલાભની ચર્ચાને અવકાશ નથી. આની છેલ્લી ખરીદી 2015ની આસપાસ કરી હતી.



**** 
"દીકરીને ઘેર જવા દે,
રસપુરી ખાવા દે,
તાજીમાજી થવા દે,
પછી મને ખાજે."
દીકરીને ઘેર જતી ડોશીને રસ્તે મળતાં વાઘ-સિંહ-દીપડા જેવાં જંગલી પશુઓને ડોશી દ્વારા અપાયેલા આ વાયદાની વાર્તા સૌને ખબર છે. આ વાર્તા એક ચોક્કસ સંદર્ભે યાદ આવી ગઈ.
1970 ના દશકના અંત અને '80 ના દશકના આરંભ સુધીમાં વી.સી.આર. બહુ સામાન્ય બનવા લાગ્યા હતા. સાધનસંપન્ન લોકો વી.સી.આર. વસાવતા, અને જેને તે વસાવવો પોષાય એમ ન હોય તે ભાડે લાવતા. ભાડું દિવસે કલાક મુજબ અને સાંજે લાવીએ તો આખી રાતનું ગણાતું. કોઈક દિનવિશેષ હોય ત્યારે વી.સી.આર. પર ફિલ્મો જોવાના પ્રોગ્રામ ઘડાતા. પૈસા વસૂલ થાય એ માટે આઠ-દસથી લઈને પચીસ-ત્રીસ લોકોનો સમૂહ એકઠો કરાતો.
નાનાં ગામમાં એક તો વી.સી.આર. ભાડે આપનાર ઓછા હોય, અને એમાંય આવા કોઈ વિશેષ દિવસે રીતસરની પડાપડી થતી હોય. એવે સમયે વી.સી.આર. ભાડે આપનારનો પણ દબદબો કંઈક અલગ જ રહેતો. ગમે તેની સાથે રુક્ષ વર્તન કરવાનું લાયસન્સ તેને મળી જતું.
આ પોસ્ટ લખતી વખતે એવી કલ્પના આવી કે ધારો કે, કોઈક વી.સી.આર. ભાડે લેવા ગયો અને તેને વી.સી.આર.વાળાએ ખરીખોટી સુણાવી. ત્યારે ભાડે લેવા જનારે મનોમન કહ્યું હશે, 'બેટમજી, તારી પાસે આ ડોઘલું છે એટલે તને લોકો પૂછે છે. બાકી તારી હેસિયત શી?' પછી મનમાં નક્કી કર્યું હશે, 'નોકરીબોકરી મળવા દે, પહેલું બોનસ આવવા દે, વી.સી.આર. લાવવા દે, પછી તું જોજે.'
પણ અફસોસ! ઘણાનું આ સપનું સાકાર થઈ ન શક્યું. કેમ કે, નોકરી મળે, પહેલું બોનસ હાથમાં આવે ત્યારે વી.સી.આર.ની પ્રજાતિ જ સમૂળગી લુપ્ત થઈ ગયેલી. એટલે પહેલું બોનસ હાથમાં આવે ત્યારે દીકરીને ત્યાંથી પાછા વળતાં ભંભોટિયામાં બેઠેલી ડોશીની શૈલીમાં કહેવું પડે, 'કિસકા વી.સી.આર., કિસકા કામ,ચલ ભંભોટિયા અપને ગામ.'
ટિડીંગ.
કથાસાર એટલો કે 'પંચ'ના 1984ના અંકમાં છપાયેલી વી.સી.આર.ની આ જાહેરખબર જોઈને કોણ જાણે કેમ ડોશીની વાત યાદ આવી ગઈ. એ બંધબેસતી છે કે કેમ, એ ખબર નહોતી, એટલે ગમે એમ કરીને એનો મેળ બેસાડ્યો છે. તમને લાગે કે બંધબેસતી છે તો, 'બીરેનના બ્લૉગે જવા દે, શું મૂક્યું એ જોવા દે, વાંચવા જેવું લાગે તો, પછી એને વાંચજે' કહીને આનંદ લેજો. અને એમ લાગે કે વાર્તાનો ક્યાંય મેળ બેસતો નથી, તો પછી, 'ચલ ભંભોટિયા અપને ગામ...' કહીને આનંદ લેજો.
કથાસારનો સાર એટલો કે આનંદ લેવો.

No comments:

Post a Comment