Monday, April 25, 2022

કલેશ્વરી: અનાયાસે મળી ગયેલો ખજાનો


 

અમસ્તા રખડવા નીકળ્યા હોઈએ અને અચાનક કોઈ ખજાનો હાથ લાગી જાય એવું જ ત્રણેક વરસ અગાઉ માર્ચ, 2019માં બનેલું. કલેશ્વરી (બોલચાલમાં એને 'કલ્લેશ્વરી' કહેવાય છે) નો મહાશિવરાત્રિનો મેળો હતો, એમાં જવાનું નક્કી કર્યું. ત્યાં અમુક પુરાણાં સ્થાપત્યો છે એવો આછોપાતળો ખ્યાલ હતો. પણ મેળાની ભીડમાં કદાચ એને જોવાનો મોકો નહીંં મળે એમ લાગતું હતું. એવું હોય તો આ સ્થળે ફરીથી આવીશું, એમ વિચારીને અમે 4 માર્ચના રોજ કલેશ્વરી ઉપડ્યા. લુણાવાડાથી મોડાસાના રસ્તે તે આવેલું છે.

સવારના સાડા નવની આસપાસ પહોંચ્યા ત્યારે તો મેળો હજી શરૂ થઈ રહ્યો હતો. દુકાનદારો પથારા ગોઠવી રહ્યા હતા. અને પેલાં સ્થાપત્યો પાસે તો લગભગ કોઈ નહોતું. એકદમ આરામથી, દરેક સ્થાપત્ય ધ્યાનપૂર્વક નિહાળીને, તસવીરો ખેંચતાં ખેંચતાં અમે બધે ફર્યાં.
ચૌદમી-પંદરમી સદીની આસપાસના અરસામાં નિર્માણ પામેલાં આ અદ્ભુત શિવમંદિર કોણે બનાવ્યાં હશે? ખબર નથી. પણ અહીં જે સુરેખ શિલ્પો છે એ જોઈને આફરીન પોકારી જવાય. રેતીના પથ્થરમાંથી બનેલાં ઘણાં શિલ્પોને કાળનો ઘસારો લાગ્યો છે, અને તેમાંના અમુક જર્જરિત થયા છે, છતાં તેનું સૌંદર્ય બરાબર જળવાયું છે.
શિલ્પકળાની બારીકીઓ વિશે ખાસ ખ્યાલ નથી, અને અહીં કોઈ ગાઈડનું અસ્તિત્વ નથી, એટલે જાતે સમજણ પડે એટલું ઉકેલવા પ્રયત્ન કર્યો.
આ સ્થળે 'કલેશ્વરી સ્થાપત્ય સમૂહ' તરીકે ઓળખાતા કુલ નવ પ્રાચીન સ્થાપત્યો છે. 

'વહુની વાવ'ના નામે ઓળખાતી ચાર મજલી વાવ.
આની નજીકમાં જ 'સાસુની વાવ' તરીકે ઓળખાતી
ચાર મજલી વાવ છે.

'હેડંબા કુંડ' તરીકે ઓળખાતો કુંડ, જેમાં ચાર દિશામાં ચાર શિલ્પોની
પેનલ મૂકાયેલી હતી. હાલ તેમાંથી માત્ર બે જ રહી છે.

'અર્જુન ચોરી' તરીકે ઓળખાતું સ્થાપત્ય,
જ્યાં અર્જુને લગ્ન કર્યું હોવાની વાયકા છે.
આ સ્થાપત્ય શિવમંદિર હોવાનું સ્પષ્ટપણે જણાય છે.

એક સ્થળે આ પ્રકારનાં શિલ્પો ચોરસ જગ્યામાં
મૂકાયેલાં છે. આમાંના મોટા ભાગનાં શિલ્પો
અહીં દેખાય છે એવી અખંડ અવસ્થામાં છે.

કલેશ્વરીના સ્થાપત્યસમૂહ વિશે પ્રાથમિક વિગતો પછી થોડી વાત તેનાં શિલ્પોની. અહીં એક નાનકડો ચોક છે, જેમાં ચારે તરફ ઉભાં શિલ્પ છે. આમાંના મોટા ભાગનાં શિલ્પની સ્થિતિ ઘણી સારી કહી શકાય એવી છે. એક શિલ્પમાં ગણેશજી ઓળખાય છે. એ સિવાયનાં શિલ્પો કોઈ દેવીદેવતાનાં હોય એમ જણાતું નથી, પણ પૂજા-અર્ચના કે સ્વાગત માટે તૈયાર હોય એવી સ્ત્રીઓનાં લાગે છે. એક સ્ત્રીના હાથમાં ફળોની ટોપલી છે, એકના હાથમાં કળશ છે, તો કોઈના હાથમાં શંખ પણ છે.
મને સૌથી વધુ રસ પડ્યો આ શિલ્પોના મુખભાવમાં, કેમ કે, મોટે ભાગે શિલ્પો આપણાથી વધુ ઊંચાઈએ ગોઠવાયેલાં હોય તેથી ચહેરાની રેખાઓની ઝીણવટ નજરે પડતી નથી. અહીં તે બરાબર જોઈ શકાય એવી છે.
આમાંના કેટલાક નમૂના અહીં મૂક્યા છે. પૂર્ણ બીડાયેલી કે અર્ધ બીડાયેલી આંખો (કદાચ) ભક્તિભાવ કે સમર્પણભાવ સૂચવે છે, પણ દરેકના ચહેરા પર જે સ્મિત અને શાંતિ ઝળકે છે, અને છતાંય તેમાં જે વૈવિધ્ય જોવા મળે છે એ અદ્ભુત છે.





2 comments:

  1. પુરાતત્વિય ઓછા જાણીતા અદ્ભૂત ખજાનાનો પરિચય કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ, વિમલાબહેન.

      Delete