Tuesday, April 26, 2022

આગવાં, છતાં અવગણાતાં અખબારનાં ઈલસ્ટ્રેશન

દૃશ્યકળા એટલે કે વિઝ્યુઅલ આર્ટ્સ આપણા જીવનનુંં એ હદે અભિન્ન અંગ બની ગઈ હોય છે કે આપણે લગભગ તેને અવગણીએ છીએ. રંગ, આકૃતિ, રંગસંયોજનો આપણી નજરે પડે છે, પણ મનમાં ભાગ્યે જ નોંધાતા હશે. પૂર્વપ્રાથમિકનાં બાળકોને શિક્ષણ આ રીતે આપવામાં આવે છે, પણ મોટે ભાગે બને છે એમ, આગળ જતાં તેમનું મુખ્ય લક્ષ્ય અંક અને શબ્દો જ બની રહે છે.

દૃશ્યકળા પ્રત્યેની આપણી અવગણના એ હદે પહોંચે છે કે કાર્ટૂનને પણ આપણે 'વાંચી લઈએ' છીએ. તેના દૃશ્યકળાના ભાગને મોટે ભાગે અવગણીએ છીએ. આવામાં અખબાર-સામયિકમાં જોવા મળતાં ઈલસ્ટ્રેશન પ્રત્યે આપણું ધ્યાન ખેંચાય એ શક્યતા સાવ ઓછી! અંગ્રેજી અખબારોમાં કે સામયિકોમાંં હજી અમુક લેખની સાથે ઈલસ્ટ્રેશન બનાવવાની પ્રથા જળવાઈ રહી છે. ઈલસ્ટ્રેશનનું ભાષાંતર ચિત્રાંકન જ થાય, પણ જે તે લેખોની સાથે મૂકાતાં ઈલસ્ટ્રેશન બહુ વિશિષ્ટ હોય છે. મુખ્યત્વે રેખાઓ, ઓછામાં ઓછી આકૃતિઓનો ઉપયોગ કરીને લેખના કેન્દ્રવર્તી વિચારને આ ઈલસ્ટ્રેશન આબાદ રજૂ કરતાં હોય છે. 'ટાઈમ્સ' જેવાં અખબારોમાં તે રંગીન હોય છે, જ્યારે 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં તે શ્વેતશ્યામ જોવા મળે છે. આમ જુઓ તો, ન્યુઝપ્રિન્ટ પર મુદ્રિત થતાં આ શ્વેતશ્યામ ઈલસ્ટ્રેશનમાં ઝાઝી રંગછટાઓ માટે અવકાશ નથી. સફેદ, કાળો અને ગ્રે-એ ત્રણ જ રંગનો ઉપયોગ કરી શકાય છે. ઈલસ્ટ્રેટર લેખનો કેન્દ્રવર્તી વિચાર પકડીને તેને પ્રતીકરૂપે એ રીતે સરળતાથી મૂકે છે કે એક વાર લેખ ન વાંચીએ તો પણ તેનો ઝોક શો છે એનો અંદાજ ચોક્કસ આવી શકે.
'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'માં એક સમયે બૈજુ પાર્થન અને મિલન મુખર્જીનાં ઈલસ્ટ્રેશન જોવા મળતાં. ઈલસ્ટ્રેશનની કળા ચિત્ર ઉપરાંત વિશેષ સમજણ માગી લે એવી છે. 'વીકલી'માં ઈલસ્ટ્રેશન બનાવતા આ બન્ને કલાકારો હકીકતમાં ચિત્રકાર હતા, આમ છતાં, ઈલસ્ટ્રેટર તરીકે તેમણે ઉત્તમ કામ કરેલું. તો હાલ 'ટાઈમ્સ'માં અને અગાઉ 'ઈન્ડિયા ટુડે'માં ઈલસ્ટ્રેશન બનાવતા અજિત નિનાન અને નિલભ બેનરજી કાર્ટૂનિસ્ટ છે. એટલે કે તેમનાં કાર્ટૂનો અને ઈલસ્ટ્રેશન એકમેકથી અલગ બાબતો છે.
અહીં આપેલાં પાંચે ઈલસ્ટ્રેશન 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના ઈલસ્ટ્રેટર સી.આર.શશિકુમારનાં છે. લેખ સાથે તે કઈ હદે સુસંગત છે એ લેખનાં હેડિંગ અને ઈલસ્ટ્રેશનને સરખાવવાથી પામી શકાશે.






No comments:

Post a Comment