Wednesday, April 6, 2022

દસ કા દમ, કદમ બ કદમ!

શાળાકાળથી અમે કેટલાક મિત્રો સાથે હતા, અને અગિયારમા-બારમા ધોરણમાં આવ્યા ત્યારે અમને ભાન થયું કે આને તો આપણું 'ગૃપ' કહેવાય. અગિયારમા અને બારમા ધોરણમાં હતા એ દરમિયાન અમે માસિક પાંચ પાંચ રૂપિયા એકઠા કરીને એક લાયબ્રેરી શરૂ કરેલી, જેમાં વિવિધ મેગેઝીન અમે લાવતાં. મેગેઝીન લાવવાનું કામ મુખ્યત્વે પ્રદીપ પંડ્યા કરતો, કેમ કે, તેની અવરજવર અમદાવાદ રહેતી. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આવેલા એ.એચ.વ્હીલરના સ્ટૉલવાળા 'કિશનકાકા' સાથે તેણે એ વ્યવસ્થા ગોઠવેલી. અમે એક રબર સ્ટેમ્પ પણ બનાવડાવેલો અને આપવું પડે એટલા માટે, ઝાઝો વિચાર કરીને 'ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ' નામ આપ્યું. રબર સ્ટેમ્પની જરૂરિયાત મુજબ વચ્ચે અંગ્રેજી પ્રથમાક્ષરો I.Y.C. લખ્યું. (એના વિશે થોડી વિગત ઉર્વીશે હમણાં જ એક પોસ્ટમાં લખી છે. https://urvishkothari-gujarati.blogspot.com/.../blog-post...) 1981માં અમે સૌએ બારમું ધોરણ પાસ કર્યું. જો કે, અમારામાંથી મનીષ શાહ (મંટુ) દસમા પછી ડિપ્લોમામાં ગયેલો, છતાં અમારા ગૃપનો જ એ સભ્ય હતો.

બારમા પછી એક પ્રદીપના અપવાદ સિવાય મોટા ભાગનાઓએ ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો. એમાં અજય પરીખ, મયુર પટેલ, વિપુલ રાવલ, તુષાર પટેલ અને હું. મુકેશ પટેલ આઈ.ટી.આઈ.માં જોડાયેલો. વિજય પટેલ આમ પણ અમારાથી એક વરસ આગળ હતો અને એ બી.એસસી. કરતો હતો. પ્રદીપને બી.ઈ.માં પ્રવેશ મળેલો. ડિપ્લોમામાં ગયેલા એ સૌ 1984માં પાસ થયા અને બહુ ઝડપથી એક યા બીજા ઠેકાણે નોકરીએ લાગ્યા. એમાંના મોટા ભાગના એપ્રેન્ટીસ તરીકે જોડાયેલા. 1985માં સૌની નોકરી પાકી થઈ. એ સાથે જ અમે સૌ પ્રથમ વાર કશેક બહાર જવાનું વિચાર્યું. નડિયાદ કે અમદાવાદ ફિલ્મ જોવા જઈએ એ અલગ વાત છે, પણ અમે ભેગા ક્યાંય કોઈ દૂરના સ્થળે ગયા નહોતા. સર્વાનુમતે પસંદગી આબુ પર ઢળી, કેમ કે, હજી આર્થિક રીતે કંઈ બધા એવા સ્વનિર્ભર નહોતા.
માર્ચ, 1985માં અમે દસ જણ આબુ જવા નીકળ્યા. ત્યાં અમે કદાચ છથી સાત દિવસ રહેલા. બધાની ઉંમર 21-22ની આસપાસની. હજી વ્યક્તિત્વની સ્વતંત્ર ઓળખ બની નહોતી. એ પ્રવાસમાં એવા કોઈ સાહસ અમે નહોતા કર્યા, પણ આ રીતે ઘરની બહાર સૌ સાથે પહેલી વાર નીકળ્યા અને આટલું રહ્યા એને કારણે એ પ્રવાસ બહુ યાદગાર બની રહ્યો. એ પછી એવો પ્રવાસ, જેમાં બધા જ સામેલ હોય એવો યોજાયો નથી, એટલે પણ એનું વિશેષ મહત્ત્વ છે.
એ વખતે કદાચ મારી પાસે એક કેસેટ કેમેરા હતો, અને મયુર પાસે. ફોટા ખેંચવા મોંઘા હતા, તો પણ અમે અનેક ફોટા ખેંચ્યા. અમે રોજ સાંજે નખી તળાવ જતા. નખી તળાવ પર ફોટોગ્રાફરો પોતાનો કેમેરા લટકાવીને ફરતા હોય છે. અમારો દસે જણનો ફોટો અમારે લેવડાવવો હતો એટલે પ્રદીપે એક ફોટોગ્રાફર સાથે વાત કરી. કોણ જાણે કેમ, પણ પેલો ફોટોગ્રાફર પ્રદીપનો દોસ્ત બની ગયો અને નજીકના દોસ્તની જેમ એને 'લમ્બૂ' કહીને સંબોધવા લાગ્યો. અમે જેટલી વાર નખી તળાવ જઈએ એટલી વાર એને હાથ કરીએ અને પેલો 'લમ્બૂ'ને ખાસ સંબોધીને બોલાવે. એ સમયે રોલ ડેવલપ કરાવીને તેની પ્રિન્ટ કઢાવવામાં સમય જતો. અમારે જોતજોતાંમાં જવાનો દિવસ આવી ગયો અને પેલો ગૃપ ફોટો આવવામાં વાર લાગે એમ હતી. ફોટોગ્રાફરે કહ્યું કે એ 'લમ્બૂ'ને મોકલી આપશે. પ્રદીપે અમદાવાદ રહેતા પોતાના બાબુમામાનું સરનામું લખાવ્યું. અમે પૈસા તો આપી દીધા હતા, પણ પેલો ફોટો મોકલશે કે કેમ એ બાબતે અમે અવઢવમાં હતા.
થોડા જ સમયમાં બાબુમામાના સરનામે આબુથી એક એન્વેલપ આવ્યું. 

પ્રદીપના મામાના સરનામે આબુથી આવેલું એન્વેલપ

એમાં ફોટો તો હતો જ, સાથે 'પ્રિય મિત્ર લમ્બૂભાઈ'ને ઉદ્દેશીને લખાયેલો પત્ર પણ હતો. 
'પ્રિય મિત્ર લંબૂભાઈ'ને ઉદ્દેશીને લખાયેલો પત્ર

પ્રદીપને ત્યાર પહેલાં અને ત્યાર પછી કોઈએ આ સંબોધનથી બોલાવ્યો નથી.
આ આખા પ્રવાસમાં વિજયનો ફોટોપ્રેમ સૌએ પહેલવહેલી વાર જાણ્યો. વિજય કોઈ પણ સ્થળે ઊભો રહે, પોતાની ગરદન આસમાન તરફ કરે અને કહે, 'મારો અહીં ફોટો લઈ લે ને!' નખી તળાવમાં વચ્ચે એક નાના ટાપુ જેવું છે, ત્યાં કેટલાંક બતક ફરતા હોય છે. વિજયની ઈચ્છા આ બતક સાથે ફોટા પડાવવાની હતી. એટલે એ બતક પાસે જઈને ઊભો તો રહ્યો, પણ ગરદન આસમાન તરફ!
રોલ ધોવાઈને ફોટા આવી ગયા એટલે કદાચ કુતૂહલ ખાતર જ મેં એક કવાયત હાથ ધરી કે કોણ કેટલા ફોટામાં દેખાય છે. એ ચિઠ્ઠી નીચે મૂકેલી છે. વિજયનો સ્કોર એમાં સૌથી વધુ છે.
કુલ 70 ફોટામાં કોણે કેટલી વાર દેખા દીધી
 એના આંકડા

આ આબુપ્રવાસની મેં રોજનીશી પણ લખેલી. એ હજી સચવાયેલી છે. એનું એક પાનું પણ અહીં મૂક્યું છે.

આબુપ્રવાસની રોજનીશીનું એક પાનું

આબુપ્રવાસ પછી આશા તો એવી હતી કે આવા અનેક પ્રવાસ સાથે ખેડીશું, પણ એ શક્ય બન્યું નહીં. દસેદસ જણને એકસામટી અનુકૂળતા કદી ગોઠવાઈ નહીં. માથેરાનનો પ્રવાસ કર્યો એમાં પાંચ-છ જણ હતા. દસનો મેળ કદી પડ્યો નહીં. હવે તો સૌ અલગ અલગ ભૂખંડમાં સ્થાયી છે, અને મુકો તો સ્વર્ગલોકમાં, એટલે આ પ્રવાસનું અમારા સૌ માટે આગવું મહત્ત્વ છે.
દસની ટોળકી: (પાછલી હરોળ, ડાબેથી) હિમાંશુ, મુકેશ, અજય,
મયુર, વિપુલ (આગલી હરોળ, ડાબેથી) તુષાર, બીરેન, મનીષ,
વિજય અને પ્રદીપ (બે હરોળની વચ્ચે) 

No comments:

Post a Comment