Friday, May 7, 2021

નીરો અને વિષજ્ઞ

શાસક ગમે એવો એકહથ્થુ સત્તામાનસ ધરાવતો હોય, શાસન માટે તેને વિશ્વાસુ લોકોની જરૂર હંમેશાં પડતી હોય છે. નીરો તો એક પ્રજાવત્સલ, માનવ-પશુ-પક્ષીને સમભાવે નિહાળનાર શાસક હતો. તે હંમેશાં વિવિધ નિર્ણય લેતાં અગાઉ પોતાના વિશ્વાસુઓની સલાહ લેતો. આરંભિક કાળમાં આ ભૂમિકા તેના ગુરુ સેનેકા, માતા અગ્રીપીના અને બુરસ દ્વારા ભજવાતી.

નીરોના નજદીકી લોકોમાં એક વિશેષ સ્થાન હતું લોકસ્તા નામની મહિલાનું. તે વિશેષજ્ઞ હતી, વિષજ્ઞ હતી. એટલે કે વિષવિશેષજ્ઞ હતી. તેણે આ બાબતે કોઈ મહાનિબંધ લખ્યો ન હતો, આથી તેને પોતાના શાસ્ત્રની ખરેખરી જાણકારી હતી. અવનવાં વિષનાં મિશ્રણ તે તૈયાર કરતી. શુભ પ્રસંગોના ઓર્ડર તે સ્વીકારતી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વાનગી તૈયાર કરતી. નીરોની મા અગ્રીપીનાએ તેની વિશેષ સેવા લીધેલી. નીરોના કાકા અને પોતાના પતિ ક્લોડિયસ માટે તેણે લોકસ્તાની સેવા પહેલી વાર લીધી. વિષ ખાધા પછી કેટલા સમયમાં ક્લોડિયસનું મૃત્યુ કરવાનું છે એ અંગે તેણે પૂછપરછ કરીને એક ખાસ પ્રકારનું વિષ બનાવ્યું. આ વિષને મશરૂમ પર છાંટવામાં આવ્યું. ક્લોડિયસનો ખોરાક પહેલાં અન્ય એક વ્યક્તિ દ્વારા ચાખવામાં આવતો. હેલોટસ નામની એ વ્યક્તિએ મશરૂમ ખાધાં. તેને કશું ન થયું. એ પછી ક્લોડિયસે એ મશરૂમ ખાધાં અને તેને પણ કશું ન થયું. આખરે શાહી ચિકિત્સક ગેયસ ઝેનોફોને ઝેરમાં બોળેલું પીંછું ક્લોડિયસના ગળામાં મૂકીને તેને ઉલટી કરાવવાનો પ્રયત્ન કર્યો. એ રીતે ક્લોડિયસના જીવનનો અંત આવ્યો. આમ, લોકસ્તાનું વિષ નિષ્ફળ ગયું ત્યારે ચિકિત્સકની સહાય લેવામાં આવી.
લોકસ્તા 

ક્લોડિયસની ત્રીજી પત્નીના પુત્ર બ્રિટેનિકસ માટે એક ખાસ વિષમિશ્રણ તૈયાર કરવાનું કામ ખુદ નીરોએ લોકસ્તાને સોંપ્યું. અગ્રીપીનાની સરખામણીએ નીરો સહેજ દયાળુ ખરો. ગમે એમ તોય બ્રિટેનિકસ પોતાનો ભાઈ હતો. આથી તેને સહેજ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખવાની ચેતવણી નીરોએ લોકસ્તાને આપી. કોણ જાણે કેમ, પણ લોકસ્તાએ તૈયાર કરેલું વિષ એટલું ત્વરિત અસર કરનારું ન નીકળ્યું. નીરો આથી ક્રોધિત થઈ ગયો. પોતાનો ઓરમાન ભાઈ રિબાઈ રિબાઈને મરે એ શી રીતે સહન થાય? તેણે લોકસ્તાને ધમકાવી, ફટકારી અને સારી ગુણવત્તાવાળું વિષ તૈયાર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
લોકસ્તાની કાબેલિયત શંકાથી પર હતી, પણ તે બને ત્યાં સુધી વનસ્પતિમાંથી વિષ બનાવતી. ખાસ કરીને તે એટ્રોપા બેલાડોના નામની વનસ્પતિનો ઉપયોગ કરતી. આમ તો, રોમના શાસકોમાં આ વિષ ખૂબ પ્રચલિત હતું. કૌટુંબિક ભોજન સમારંભોમાં તે છૂટથી વપરાતું.
નીરોની ધમકીની બરાબર અસર થઈ. આ વખતે લોકસ્તાએ કાતિલ મિશ્રણ તૈયાર કર્યું. બ્રિટેનિકસને સહેજે રિબાવું ન પડ્યું. એક ભાઈ માટે આનાથી વધુ કોઈ શું કરી શકે? નીરો જેટલો કઠોર બની શકતો હતો, એટલો જ તે કોમળહૃદયી હતો. વ્યાવસાયિક અભિગમ તેનામાં પૂરેપૂરો. લોકસ્તાએ સફળતાપૂર્વક પોતાનો પ્રસંગ દીપાવ્યો તેના પુરસ્કારરૂપે નીરોએ તેને વિશાળ જમીન ફાળવી. નીરોની દીર્ઘદૃષ્ટિને દાદ દેવી પડે. તેણે ધાર્યું હોત તો એકાદી યુનિવર્સિટીના ઉપકુલપતિપદે લોકસ્તાને નીમી દીધી હોત. તેને બદલે લોકસ્તાના કૌશલ્યનો બહોળો લાભ લઈ શકાય એવી વ્યવસ્થા કરી. લોકસ્તા પોતાની આ કળા અન્ય વિદ્યાર્થીઓને આપે અને એ રીતે અનેક નિષ્ણાતો તૈયાર કરે, જે રોમના ભાવિને યોગ્ય આકાર આપી શકે, એ મૂળ હેતુ હતો.

લોકસ્તા અને નીરો

આગળ જતાં એવો પણ વખત આવ્યો કે નીરોએ ખુદ પોતાને માટે લોકસ્તા પાસે વિષ મંગાવ્યું. એક સુવર્ણ પાત્રમાં લોકસ્તાએ એ પ્રેમપૂર્વક મોકલ્યું. નીરો માટે ખાસ તૈયાર કરાયેલું વિષ પહેલી ધારનું હતું? એ કેટલું અસરકારક નીવડ્યું? આ સવાલના જવાબ મળે એ પહેલાં જ નીરોના જીવનનો અન્ય રીતે અંત આવી ગયો.
લોકસ્તાએ સ્થાપેલું 'વિષ સંસ્થાન' પણ ઝાઝું ન ચાલ્યું. નીરોના ગયા પછી આવેલા શાસકે નીરોના નજીકના મનાતા તમામ લોકોને, એમની આવડત અને વિશેષતા સામું જોયા વિના, એક પછી એક ખતમ કર્યા. આ પગલું સ્વાવલંબનના ભાગરૂપે હતું કે કરકસરના ભાગરૂપે એ કોઈ જાણી શક્યું નહીં. આ સંસ્થાન પછીના ગાળામાં એક યા બીજા નામ હેઠળ ચાલુ રહ્યું હતું, એવી બિનઅધિકૃત માહિતી છે, પણ તેના કોઈ પુરાવા મળતા નથી.

Thursday, May 6, 2021

નીરો અને પશુપક્ષીપ્રેમ

 પોતાનાં સ્વજનો અને વડીલો પ્રત્યે હતો એવો જ આદર નીરોને મૂંગા પશુઓ પણ હતો. 'મૂંગા પશુઓ' તેના રાજ્યમાં હતા, એનો અર્થ એ કે 'બોલતાં પશુઓ' પણ હતાં. મૂંગા પશુઓ પ્રત્યે નીરોને આદરથી પણ એક ડગલું આગળ, કરુણા હતી. રોમની આસપાસના વન વિસ્તારમાં અનેક સિંહ અને વાઘ હતા. જંગલમાં આ વાઘસિંહને શિયાળવાં, વાંદરા કે હાથી જેવાં પ્રાણીઓ હેરાન ન કરે એટલા માટે નીરો તેમને રોમમાં લઈ આવ્યો હતો. કોલોઝિયમના એક ભંડકિયામાં નીરોએ તેમને રાખેલા. બેઠાડુ જીવન જીવવાથી તેઓ કોઈ રોગના ભોગ ન બને એટલા માટે તેમને અઠવાડિયે એક વાર જ ખોરાક અપાતો. 'બોલતાં પશુઓ' તેમને ધરાવાતાં. અઠવાડિયાના ભૂખ્યા સિંહ કે વાઘ આ 'બોલતાં પશુઓ' પર તૂટી પડતા. એ રીતે રોમમાં સફાઈ પણ જળવાતી, અને વાઘસિંહનું આરોગ્ય પણ સચવાઈ જતું.

નીરો નગરચર્યાએ નીકળે ત્યારે રોમનો રસ્તામાંથી હટી જતા. એક હાથ ઊંચો કરીને તેનું અભિવાદન કરતા અને કહેતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' અભિવાદનનો આ એક પ્રકાર હતો, નીરોને પૂછાયેલો સવાલ નહીં, એટલે નીરો સામો હાથ ઊંચો કરીને સૌનું અભિવાદન ઝીલતો.
રોમના પ્રજાજનો રંગબેરંગી વસ્ત્રો પહેરતા અને શિરસ્રાણમાં પક્ષીનું પીંછું ખોસતા. એનો અર્થ એ કે રોમમાં રંગબેરંગી પક્ષીઓ પણ હતા. નીરો આ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા દાખવતો. ઘણા ચિત્રકારો નીરોનું ચિત્ર બનાવવા તત્પર રહેતા. ક્યારેક કોઈક પક્ષીની પસંદગી આ ચિત્ર માટે કરવામાં આવે ત્યારે એ પક્ષી પ્રત્યે વિશેષ કરુણા દાખવવામાં આવતી. એ પક્ષીની ચાંચની ફાટ લાખ વડે ચોંટાડી દેવાતી. આમ કરવાથી ચિત્ર માટેની બેઠક ચાલે એ દરમિયાન પક્ષી આચરકૂચર ખાઈને બિમાર ન પડે એ હેતુ હતો. એ પક્ષીના પગના પંજા તીક્ષ્ણ હોય તો એને કાનસ વડે ઘસીને બુઠ્ઠા કરાતા. એ ન ફાવે તો પંજાનો ભાગ કાપીને દૂર કરાતો. આમ કરવાથી એ પક્ષી ચિત્ર માટેની બેઠક દરમિયાન ગમે ત્યાં રખડ્યા ન કરે એ આશય હતો. એ પક્ષીની પાંખ પણ બાંધી દેવામાં આવતી. નીરોના હૃદયમાં એ સમયે વહેતી કરુણાની માત્રા અનુસાર પાંખ બાંધવા માટેની સામગ્રી વપરાતી. કરુણાનો પ્રકોપ વધુ હોય તો પાંખો સોનાના તાર વડે બંધાતી. આ પ્રકોપ સામાન્ય હોય તો લોઢાના તાર વપરાતા. અન્ય પરિસ્થિતિમાં પાંખની ટોચનો એટલો ભાગ કાપી નાખવામાં આવતો. જે પક્ષીને નીરોના ખભા પર કે હાથ પર બેસવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત થાય તેના પ્રત્યે નીરો અત્યંત કરુણા દાખવતો. તેને બ્રેડના ટુકડા નાખતો, કે શેરડી જેવો
અન્ય આહાર ધરતો. આ જોઈને નીરોનું ચિત્ર બનાવનાર ચિત્રકારના મોંમાથી પણ ઉદ્‍ગાર સરી પડતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' એમ કહી શકાય કે આ પક્ષીનું ભાગ્ય પલટાઈ જતું. કેમ કે, ચિત્ર પૂરું થાય એ પછી રાતે જ એ પક્ષીને શાહી રસોડે મોકલી આપવામાં આવતું. એનાથી બે ફાયદા થતા. એ પક્ષીને મોક્ષ પ્રાપ્ત થતો, અને શાહી પરિવારને સ્વાદિષ્ટ ભોજન મળતું.


નીરોના અભિવાદન માટે વપરાતું વાક્ય 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' ધીમે ધીમે એટલું પ્રચલિત બન્યું કે રોમનો આમ વ્યવહારમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા.
કહેવાય છે કે નીરો પર હુમલો કરવાના કાવતરા માટે પીસો પકડાયો ત્યારે તેને ઘેર તલવાર સાથે ધસી ગયેલા સૈનિકોએ પણ તલવારની અણીએ પીસોને પૂછેલું, 'આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' પીસો શી રીતે કહી શકે કે પોતાનામાં વહી રહેલી કરુણાના ઝરણાનું ઉદ્‍ગમસ્થાન નીરોના હૃદયમાં રહેલા કરુણાના ધોધમાં રહેલું છે!
આમ, નીરો પોતાના શાસનકાળ દરમિયાન પશુપક્ષીપ્રેમી સમ્રાટ તરીકે પણ ખ્યાતિ પામ્યો. એના મૂળમાં તેના હૃદયમાં વહેતો કરુણાનો અખૂટ ધોધ હતો.

Wednesday, May 5, 2021

નીરો અને વિનમ્રતા

નીરો એક વિનમ્ર શાસક હતો. તેના દિમાગમાં સત્તાની રાઈ જરાય ભરાયેલી નહોતી. આ રાઈ એવા લોકોના દિમાગમાં ભરાય કે જેમના હાથમાં એ અનાયાસે આવી ગઈ હોય. નીરોને કિશોરાવસ્થાથી જ ખબર હતી કે પોતે યોગ્ય સમયે રોમની ગાદી સંભાળવાની છે.

નીરોની સ્ત્રીસન્માનની ભાવના અને વડીલોની આદરઈજ્જત કરવાની વૃત્તિ વિશે પણ વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. જાહેરમાં નીરો એક માતૃભક્ત, આજ્ઞાકારી પુત્ર હોવાનું દેખાડતો. રોમનાં નગરજનોને થતું કે વાહ, સમ્રાટ હોય તો આવો. નીરો જાહેરમાં મહિલાઓની ઈજ્જત કરતો રહ્યો હતો. હા, માતા અગ્રીપીના અને પોતાની પત્નીઓ ઓક્ટેવિઆ અને પોપીઆનું અપમૃત્યુ નીરોના ઈશારે જ થયું હોવાનું કહેવાય છે. આમ છતાં, નીરોએ નથી એ મામલે પોતાનું કર્તૃત્વ દાખવ્યું કે નથી એ મહિલાઓ વિશે ઘસાતું બોલ્યો. મહિલાઓ પ્રત્યે સન્માન દર્શાવવાની તેની રીત એટલા માટે જ આગવી ગણાઈ છે.
પોતાના ગુરુ સેનેકા પ્રત્યે પણ તે આદર દર્શાવવાનો પ્રયત્ન કરતો. જો કે, સેનેકા પોતે ફિલસૂફ હતા, તેમજ સાહિત્યના રસિયા. એટલે તે જાહેરમાં દાવો ન કરતા કે નીરો પોતાનો શિષ્ય છે અને પોતે તેનું ઘડતર કર્યું છે. વયના તફાવતને કારણે સેનેકાને ખબર હતી કે પોતાનું આયુષ્ય નીરોની સરખામણીએ વહેલું સમાપ્ત થવાનું છે. છતાં, ભવિષ્યમાં નીરોના ગુરુ તરીકે તેમની બદનામી ન થાય એવી તકેદારી તે રાખતા. ગુરુ સેનેકા માટે નીરોને ઘણો ભાવ હતો. ઉત્તરાવસ્થામાં તે નિષ્ક્રિય બની ગયા છે એમ ન લાગે આથી નીરોએ 'પીસોનિયન કોન્સ્પીરસી' તરીકે ઓળખાયેલા, પોતાની હત્યાના કાવતરામાં સેનેકાનું નામ સાંકળ્યું. આમ કરવાનો ઉમદા આશય એટલો જ હતો કે ગુરુ સેનેકા ભલે વયસ્ક, નિવૃત્ત અને અમુક હદે નકામા લાગતા હોય, પણ તેમનું દિમાગ હજી તેજ છે. અને આવા તેજ દિમાગ ધરાવતા ગુરુનો શિષ્ય હોવા બદલ પોતે સાર્થક્ય અનુભવે છે. કાવતરાં સાથે સંકળાયેલાં લોકોને પકડવામાં આવ્યા ત્યારે પણ નીરોએ ગુરુ પ્રત્યે કૂણું વલણ દાખવ્યું. તલવારધારી સૈનિકો ધારત તો સેનેકાને ચપટીમાં પતાવી દેત, પણ ના! ગુરુનો આદર જળવાવો જ જોઈએ. આથી તેમને કહેવામાં આવ્યું કે તે ખુદ આત્મહત્યા કરી લે. ગુરુપત્ની પોમ્પીઆએ પણ પતિને પગલે આવો પ્રયાસ કર્યો ત્યારે નારીસન્માનની ભાવનાને બરકરાર રાખીને નીરોના સૈનિકોએ તેમને રોક્યાં નહીં. અલબત્ત, બન્ને ગંભીર રીતે ઘવાયાં, છતાં મૃત્યુ તેમને નસીબ ન થયું. એ પછીના ગાળામાં પણ નીરોએ ગુરુને તેમનો હેતુ પાર પાડવામાં શક્ય એટલો સહયોગ આપ્યો.


સ્વાભાવિક છે કે પોતાનાં કુટુંબીજનો પ્રત્યે પણ નીરોને સ્નેહભાવ રહેતો. મતભેદ ભાગ્યે જ થતા, કેમ કે, પરિવારનું વાતાવરણ અત્યંત સૌહાર્દપૂર્ણ હતું. પરિવારજનોને પોતાનું જીવન વધુ વહાલું હતું કે નીરો, એ મીઠી મૂંઝવણ હતી. જેમને નીરો કરતાં પોતાનું જીવન વધુ વહાલું હોવા બાબતે ખાતરી હતી એમની માન્યતા બદલવા માટે નીરોએ કશું દબાણ નહોતું કર્યું. બસ, તેઓ પોતાનું જીવન પોતાની સાથે લઈને જાય એવી વ્યવસ્થા કરી આપી હતી.
રોમનો નહોતાં નીરોનાં પરિવારજન, કે નહોતા ગુરુ! નીરોની જાહેર ચેષ્ટાઓ બદલ તેને ઉછળી ઉછળીને વધાવતા રોમનો એમ વિચારીને રાજી થતા રહ્યા કે નીરો પોતાનાં આત્મીયજનો પ્રત્યે આવો સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી શકતો હોય તો રોમનો માટે કેટલી દરકાર તેના મનમાં હશે!
આવા પરિવારવત્સલ, સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતા, ગુરુનો આદર કરતા સમ્રાટ માટે રોમનો ગર્વ ન અનુભવે તો જ નવાઈ!

(By clicking image, the URL will be reached) 

Tuesday, May 4, 2021

નીરો અને તેના ગુરુ

રોમમાં નીરોના શાસનકાળ દરમિયાન અનેક એવી ઘટના કે દુર્ઘટના બની કે જેમાં તેનો જાન લેવાનો પ્રયાસ થયો હોય. અલબત્ત, આ પ્રયાસ દરેક વખતે અલગ અલગ લોકો દ્વારા થતા. વિવિધ વર્ગના લોકોમાં નીરોની એ લોકપ્રિયતા સૂચવતા હતા. 

આવી જ એક મહત્ત્વની ઘટના સાથે પીસો નામના રોમન રાજપુરુષનું નામ જોડાયેલું છે. 'પીસોનિયન કોન્સ્પીરસી' એટલે 'પીસોએ ઘડેલું કાવતરું.' મુખ્ય વાત અહીં પીસોની કે કાવતરાની નથી, પણ જે પાત્રની વાત છે એની પૃષ્ઠભૂમિ માટે આ જાણવું જરૂરી છે.

પીસો 
રોમની ગાદીએ બેઠેલો નીરો બહુ ઝડપભેર એકહથ્થુ શાસક બની ગયો હતો. આ લક્ષણ તેનામાં પહેલેથી મોજૂદ હતું, અને ખરું જોતાં તે ગાદીએ બિરાજમાન થયો એ માટે તેની આ માનસિકતા જ જવાબદાર હતી. પણ અમસ્તુંય શાસનમાં પરિવર્તન ઝંખતા હોય છે અને નવા શાસકમાં આંખો મીંચીને વિશ્વાસ મૂકી દેતા હોય છે. નીરોની આ માનસિકતા ધીમે ધીમે લોકોના ધ્યાનમાં આવવા લાગી. સ્વાભાવિકપણે જ તેની નિકટના લોકોનું ધ્યાન સૌથી પહેલું ગયું. 

કેટલાક રોમન ઉમરાવોને આ ખૂંચવા લાગ્યું, પણ કરવું શું? રોમન રાજપુરુષ પીસોએ નીરોની હત્યાની એક મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી. નીરોના અનેક વિરોધીઓની તેણે સહાય લીધી. નિર્ધારીત સમયે નીરો પર હુમલો કરવાનું નક્કી જ હતું, પણ....
પીસોના કે રોમના કમનસીબે એ યોજનાની ગંધ નીરોને આવી ગઈ. નીરોની ક્રૂરતા જોતાં એમ લાગે કે તેણે આ સૌને ખતમ કરાવી દીધા હશે. નીરોએ બધા સાથે એમ ન કર્યું. અમુકને ખતમ કરાવ્યા, પણ પીસો સહિત બીજા કેટલાક મુખ્ય કાવતરાખોરોને તેણે આત્મહત્યા કરવા મજબૂર કર્યા.
આ થઈ પૃષ્ઠભૂમિ. હવે પેલા પાત્રની વાત આ પૃષ્ઠભૂમિ સંદર્ભે.
નીરોની માતાની જેમ તેના ગુરુ સેનેકાનો પણ નીરો પર ઘણો પ્રભાવ હતો. સેનેકા નીરો કરતાં વયમાં ઘણા મોટા. અગાઉના શાસકો સાથે કામ કરી ચૂકેલા. સાહિત્ય, કળાના મર્મજ્ઞ અને (ચિંતક નહીં) ફિલસૂફ. આટઆટલી લાયકાત 
છતાં તે રોમના કોઈ અખબારમાં કટારલેખન કરતા નહોતા. કટારલેખન ન કરે એટલે સ્વાભાવિક છે કે નીરોની પ્રશસ્તિ ન કરી શકે. 
નીરોને રાજકાજના વ્યવહાર શીખવવા માટે સેનેકાને નીમવામાં આવેલા. નીરો ગાદીનશીન થયા પછી તે પ્રશિક્ષક મટીને સલાહકાર બન્યા. સ્વાભાવિક છે કે તેમને પોતાના શિષ્ય પર ગર્વ હોય. નીરો શાસન સંભાળ્યા પછી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ઉપસાવવા માંગતો હતો. ધીમે ધીમે તે એવા લોકોથી મુક્ત થવા લાગ્યો કે જેમનો તેની પર પ્રભાવ હતો. માતા અગ્રીપીનાને તેણે ન છોડી હોય તો સેનેકા કયા ખેતરનો મૂળો? એમાંય સેનેકા તો ચિંતનલેખ લખવા માટેના એકદમ લાયક ઉમેદવાર, અને છતાં એ કટારલેખન કરતા નહોતા. એમનો શો ખપ? 
'પીસોનિયન કોન્સ્પીરસી'એ નીરોને એ મોકો આપી દીધો. આ કાવતરું ઘડનારા કાવતરાખોરોમાં સેનેકાનું નામ સંડોવવામાં આવ્યું. અલબત્ત, 
હકીકતની રીતે જોઈએ તો સેનેકા આમાં ક્યાંય સંકળાયેલા ન હતા, બલ્કે તે પુસ્તકો સાથે શાંતિપૂર્વક જીવન ગુજારી રહ્યા હતા. નીરોને હકીકતનો શો ખપ? 
નીરોના સૈનિકો તેમની પાસે પહોંચી ગયા. નીરોના આદેશ અનુસાર તેમણે સેનેકા સાથે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો. 
તેમને મારી નાખવાને બદલે આત્મહત્યા માટે કહેવામાં આવ્યું. સેનેકાએ પોતાના શરીરની મુખ્ય નસો કાપી નાખી અને લોહીલુહાણ થઈ ગયા. તેમની પત્ની પોમ્પીઆએ પણ આ પગલું ભર્યું. અલબત્ત, બેમાંથી કોઈનું મૃત્યુ ન થયું.
સેનેકા એ પછી કઈ હાલતમાં જીવતા રહ્યા, એ દરમિયાન આત્મહત્યા માટે કેવા પ્રયાસ કરતા રહ્યા એ રોમના ઈતિહાસનું વધુ એક લોહિયાળ પ્રકરણ છે. આખરે તેમને વરાળયુક્ત ગરમ પાણીમાં લાવવામાં આવ્યા અને ગૂંગળામણથી એ મૃત્યુ પામ્યા. એમનો છૂટકારો થયો.

સેનેકાનું મૃત્યુ 
વિરોધીઓને જ નહીં, પોતાના પર પ્રભાવ પાડનારની પણ નીરો આ હાલત કરી મૂકતો હતો. તેને એમ જ હતું કે રોમના શાસનમાં બસ પોતાની જ બોલબાલા રહેવી જોઈએ. આમ જોઈએ તો એ કેટલો સાચો હતો! નીરોના પૂર્વસૂરિઓમાંથી કેટલાના નામ અને કામ લોકોને યાદ છે? અરે, ખુદ નીરોના શાસનકાળ દરમિયાન બીજા કેટલા પ્રતિભાવંત લોકો હશે! પણ બે હજાર વરસ પછી લોકજુબાને છે નીરો, અને એ પણ રોમની આગના કારણે! ઈતિહાસ ગમે એ કહે, લોકો કોને, શી રીતે યાદ રાખે છે કે વીસરી જાય છે એ નથી ઈતિહાસના હાથમાં કે નથી ઈતિહાસકારના હાથમાં.

(By clicking image, the URL will be reached) 

Monday, May 3, 2021

આ અમને ન'તી ખબર, સનતભાઈ!

 

સનતભાઈ પંડ્યા 
બીજી મે, 2021ની સવારે વધુ એક સ્વજનની વિદાયના સમાચાર મિત્ર અજય પરીખ દ્વારા મળ્યા. સનતભાઈ પંડ્યાનું ગઈ કાલે કોવિડને કારણે અવસાન થયું.
સનતભાઈ એટલે...આમ જોઈએ તો અમારી મહેમદાવાદી મિત્રમંડળી પૈકીના પ્રદીપ પંડ્યાના મોટાભાઈ. ઉંમરમાં અમારાથી ઘણા મોટા. અમે શાળામાં હતા ત્યારે એમનાથી થોડા ડરતા પણ ખરા. એ વખતે એ અમદાવાદની આબાદ ડેરીમાં નોકરી કરતા. સાંજે પોણા સાતે મહેમદાવાદ આવતી ગુજરાત ક્વિનમાં ઉતરીને એ ઘેર આવતા હોય. અમારો સૌનો એ રમવાનો સમય. અમને ખબર ન હોય કે સનતભાઈએ અમને જોયા હશે. પણ એ પછી જ્યારે મળવાનું થાય ત્યારે સનતભાઈ કહે, 'તને એ દિવસે રમતો જોયેલો.' તેમણે સાદા વિધાન લેખે કહ્યું હોય, પણ અમને લાગે કે અમે પકડાઈ ગયા. ખાસ કરીને મુકેશ પટેલ (મૂકો) અવનવાં સ્થળે ફરતો હોય અને સનતભાઈની નજરે પડે. આથી મૂકાએ એ વખતે એમનું નામ 'સી.આઈ.ડી.' પાડેલું.
અમારા સૌના પરિવારને સનતભાઈ જાણે એટલે અમને મળે ત્યારે નામજોગી સૌની પૂછપરછ કરે. અમે મોટા થતા ગયા એમ અમને સમજાતું ગયું કે એમનો બોલવાનો ટોન એવો છે કે આપણને લાગે કે આપણે પકડાઈ ગયા. વાસ્તવમાં એ એમની સાહજિક શૈલી છે, અને એ બહુ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે.
દર દિવાળીએ અમે મિત્રો મળીને એકબીજાને ઘેર જઈએ. (આ ક્રમ હજી જેટલા મિત્રો છે એમની સાથે જળવાયેલો છે) પ્રદીપને ઘેરથી અજયને ઘેર જતાં રસ્તામાં એમનું ઘર આવે. તે મેડે રહે, પણ નિશ્ચિત સમયે અમારા સૌની રાહ જોઈને બારીએ ઉભા હોય. અમે સૌ દાદર ચડીને એમને ત્યાં જઈએ. મીનાભાભીએ નાસ્તો તૈયાર રાખ્યો હોય એ અમે પ્રેમથી ઝાપટીએ. દર વરસનો આ ક્રમ.
એ પછી તે મણિનગર રહેવા ગયા. ત્યારે પણ દિવાળીના અરસામાં મહેમદાવાદ આવતા. પ્રદીપ અને તેનો નાનો ભાઈ મનીષ વિદેશમાં સ્થાયી થયા. એ સાથે અમારું એ ઘર બંધ થયું. પણ અમારા ઔપચારિક કે અનૌપચારિક મિલનોમાં પ્રદીપના પ્રતિનિધિ તરીકે સનતભાઈને આમંત્રણ હોય અને એ ફરજ લેખે હાજર રહે.
અનેક વાર હળતામળતા થવાથી, અને બાળપણનો પેલો ડર ઘટવાથી હવે સનતભાઈ સાથે મઝા આવવા લાગી. ખાસ કરીને તેમની અમુક ખાસિયતો ધ્યાનમાં આવી એટલે.
અમે નોંધ્યું કે એ કોઈના પણ વિશે વાત કરે એટલે નામજોગી વાત ન કરે, પણ 'ક્રીપ્ટિક' શૈલીમાં વાત કરે. જેમ કે, 'પેલો...તમારો ભાઈબંધ...એના પપ્પા જી.ઈ.બી.માં છે...'
બીજી ખાસિયત એ કે અમારી મંડળીના તમામ સભ્યો અને પરિવારની અપડેટ એમની પાસે હોય. એટલે ગમે એટલા અંતરાલ પછી મળે તો પણ એ સીધા સમાચાર જ પૂછે. 'તારી છોકરી તો ભણી રહી ને? હવે નોકરી કરે છે એમ ને...સરસ, સરસ!' અસ્સલ મોટાભાઈની શૈલીએ!
મધુ રાયની નવલકથા 'કલ્પતરુ' અમારા વાંચવામાં આવેલી. એમાં એક પાત્ર સનતકુમાર ગોખલેનું હતું. એ અગાઉ અમારી ડિરેક્ટરીમાં એક જ 'સનત' હતા. આથી અમે એમનો ઉલ્લેખ 'ગોખલે' તરીકે કરતા. અલબત્ત, તેમની સામે નહીં.
મણિનગરના સ્ટેશન પાસે આવેલા આબાદ ડેરીના મિલ્ક બૂથમાં એ ફરજ પર હોય અને અમે ત્યાંથી જતા હોઈએ તો એમની નજર પડે કે તરત બૂમ પાડીને બોલાવે. અમે પણ ટ્રેન માટે ન દોડતા હોઈએ તો એમની પાસે જઈએ અને વાતો કરીએ.
વિપુલને એક કિસ્સો સુભાષકાકા (શાહ)એ કહેલો. સુભાષકાકા મણિનગરથી મહેમદાવાદ સ્કૂટર પર આવવા નીકળ્યા. તેમણે ક્રોસિંગ પાસે નજર કરી કે કોઈ મહેમદાવાદવાળું દેખાય તો બેસાડી લઈએ. સનતભાઈ ઊભેલા હતા. સુભાષકાકાએ એમને બેસાડી દીધા. વાતો કરતાં કરતાં તેઓ આગળ વધ્યા. હીરાપુર ચોકડીની આસપાસ અચાનક સનતભાઈએ કહ્યું, 'સ્કૂટર ઉભું રાખો.' સુભાષકાકાએ સાઈડમાં સ્કૂટર ઊભું રાખ્યું. સનતભાઈ નીચે ઉતર્યા અને રોડની બાજુની જગ્યામાં આડા પડીને સૂઈ ગયા. આ જોઈને સુભાષકાકા ગભરાયા. તેમને ચિંતા થઈ આવી એટલે પૂછવા પ્રયત્ન કર્યો. સનતભાઈએ એમને 'પછી કહીશ' એમ ઈશારાથી જણાવ્યું. થોડી વારમાં સનતભાઈ ઉભા થયા અને કહે, 'ચાલો.' સુભાષકાકાએ પૂછ્યું, 'શું થયેલું અચાનક?' સનતભાઈ કહે, 'મને અચાનક બી.પી. થઈ જાય છે. એ વખતે હું આવું કરું એટલે પાછું નોર્મલ થઈ જાય.' આ સાંભળીને સુભાષકાકાને ધરપત થઈ. આ કિસ્સો અમે સાંભળ્યો એટલે અમે કલ્પી લીધું કે સનતભાઈએ શી રીતે આ કર્યું હશે.
સનતભાઈનાં સંતાનો પલક અને ખ્યાતિ અમને 'કાકા' કહે. અમે અપરિણીત હતા ત્યારથી એ અમને કાકા કહીને બોલાવે એટલે અમને બહુ અજુગતું લાગતું.
દરેક મિત્રની ખાસિયત કઈ એ સનતભાઈ બરાબર જાણે. એટલે એમનો કાયમી શબ્દ. 'ઑને બધી ખબર!' અથવા 'આ બધું જોણે!' જેમ કે, જૂનાં ગીતો વિશે કશી વાત નીકળે એટલે સનતભાઈ મારી કે ઉર્વીશની સામે હાથ કરીને બોલે, 'ઑને બધી ખબર!' આમ કહેવામાં એમને બે વાતે આનંદ થાય. એક તો એ કે અમને બધી ખબર છે એની એમને પોતાને ખબર છે. અને બીજું કે અમે એમના બૃહદ પરિવારના સભ્યો છીએ.
સનતભાઈનો દેખાવ પણ વરસો વીતવાની સાથે ખાસ બદલાયેલો નહીં. શરીર એકધારું એકવડું. ફક્ત વાળ સફેદ થયેલા.
હાલ અમેરિકા રહેતો અમારો ભત્રીજો નીલ રાવલ નાનપણથી અમારો હેવાયો. એટલે તેને બધાની લાક્ષણિકતાઓ બરાબર ખબર. સનતભાઈ અમેરિકા પ્રદીપને ત્યાં ગયા ત્યારે નીલ પણ તેમને ત્યાં મળેલો. નીલ એ સાંભળવા તત્પર કે સનતભાઈ ક્યારે એમનું ટ્રેડમાર્ક વાક્ય બોલે છે!
અલબત્ત, ફેસબુક પર તે સક્રિય અને અવારનવાર કમેન્‍ટ કરે. એમની કમેન્‍ટનો ટોન બીજા કોઈને ન ખ્યાલ આવે, પણ મને પેલો 'સી.આઈ.ડી.' ટોન સંભળાય, કેમ કે, કમેન્ટ ભલે ટાઈપ કરેલી હોય, મને એ એમના અવાજમાં 'સંભળાતી'.
જાન્યુઆરીમાં મારી દીકરી શચિના લગ્નમાં મીનાભાભી અને સનતભાઈ આવ્યા અને પ્રેમથી મળ્યા હતા. તેઓ સહેજ વહેલા આવેલા એટલે બે-ત્રણ મિનીટ વાત થઈ શકે એવો મોકો મળેલો. એ અમારી છેલ્લી મુલાકાત.
અજયે આપેલા સમાચાર મુજબ ભાઈ પલકને કોવિડ થયેલો. સનતભાઈ પણ સંક્રમિત થયા. અને આખરે ગઈ કાલે એમણે વિદાય લીધી.
સનતભાઈ, હવે કહેતા નહીં કે 'ઑને બધી ખબર! આ બધું જોણે!' તમે આવી રીતે જશો એ ક્યાં ખબર હતી?

Sunday, May 2, 2021

નીરો અને રોમના સિક્કા

પ્રાચીન રોમન સામ્રાજ્ય સંસ્કૃતિમાં તે સમયનાં અનેક રજવાડાંની સરખામણીએ અગ્રેસર હતું. નીરો ગાદીનશીન થયા પહેલાંથી આ પરંપરા ચાલી આવતી હતી. નીરોને ગાદીએ બેસાડવામાં તેની માતા અગ્રીપીનાની ભૂમિકા મહત્ત્વની હતી. નીરોના ગાદીધર બન્યા પછી શરૂઆતના ગાળામાં રાજકાજના વહીવટમાં પણ અગ્રીપીનાનો મત વજનદાર ગણાતો. એ હદે કે એ સમયે રોમન સામ્રાજ્યે જે સોનાના સિક્કા બહાર પાડ્યા એમાં પણ નીરોની સાથે અગ્રીપીનાનો ચહેરો સામસામો હોય એમ ઉપસાવેલો હતો.


નીરો અને અગ્રીપીનાનો ચહેરો આગળપાછળ હોય એવા પણ કેટલાક સિક્કા હતા. 


અગ્રીપીનાની દખલ પહેલેથી જ વધુ હતી, પણ શરૂઆતમાં નીરો નવો હતો. પાંચેક વરસ પછી તેણે ભોજન માટે માને નોંતરીને તેનું કાસળ કઢાવી દીધું. (એ વાત આપણે આગળ જોઈ ગયા). મા તો ગઈ, તો હવે માના ચહેરાવાળા સિક્કાનું શું કામ? એને લોકસ્મૃતિમાંથી સુદ્ધાં ભૂંસી નાંખવી રહી, જેથી કોઈ કદી યાદ જ ન કરે કે આવી કોઈક વ્યક્તિ થઈ ગઈ.
નીરોએ રાતોરાત ફરમાન બહાર પાડ્યું કે અગ્રીપીનાનો ચહેરો ધરાવતા સિક્કાઓ પાછા ખેંચવામાં આવે છે. જેની પાસે આ સિક્કા હોય તેમણે તેને બદલે નવા, નીરોના ચહેરાવાળા સિક્કા સાથે બદલી લેવા. હકીકતમાં નીરોએ પોતાના એકલાના ચહેરાવાળા સિક્કા પડાવ્યા જ નહોતા. આ ફરમાન થકી નીરોએ એક જ કાંકરે અનેક પક્ષીઓ માર્યા.
રોમનો ઠીક ઠીક સમૃદ્ધ હતા. ઘણા બધા રોમન ઉમરાવોએ સોનાના સિક્કા એકઠા કરી રાખ્યા હતા. એ સૌ થથરી ગયા. એમનું એક પ્રતિનિધિમંડળ તત્કાળ નીરોને મળવા ઉપડ્યું. નીરોએ તેમને મુલાકાત આપી. ઉમરાવોએ પોતાની સમસ્યા રજૂ કરી અને કહ્યું કે પોતે તો રાજ્યને કામ આવે એ માટે ધનસંચય કર્યો હતો. નીરોએ તેમને હૈયાધારણ આપી અને કહ્યું, 'કાલે વહેલી સવારે તમે એ તમામ સિક્કા લઈને શાહી તિજોરીએ આવી જજો અને સિક્કા બદલાવી જજો. હા, તમારો ચહેરો ઢાંકીને નીકળજો, જેથી કોઈ તમને ઓળખી ન શકે.' ઉમરાવો રાજી થઈ ગયા. તેમને ખાતરી થઈ કે સમ્રાટ નીરોના હૈયે પોતાનું હિત વસેલું છે. બીજા દિવસે વહેલી સવારે મુખવટો પહેરીને, રોમન ઉમરાવો નીકળ્યા. સિક્કાના કોથળા તેમણે ઘોડા પર લાદેલા હતા. સૌ એકઠા મળીને શાહી તિજોરીએ પહોંચ્યા. ત્યાં ખજાનચી હાજર હતો. તેણે કયા ઉમરાવ પાસેથી કેટલા સિક્કા આવ્યા એની નોંધ તૈયાર કરી. સિક્કાના કોથળાને જમા ખાતે લેવામાં આવ્યા. રોમન ઉમરાવો આગળની પ્રક્રિયા માટે રાહ જોઈને ઉભા હતા. એ વખતે આસપાસ સંતાયેલા હથિયારધારી સૈનિકો હાથમાં તલવાર સાથે નીકળી આવ્યા. તમામ ઉમરાવોનો શિરચ્છેદ કરવામાં આવ્યો. રોમના અમુક લોકોને સવારે વહેલા જાગવાની આદત હતી. કેટલાકે જોયું કે શાહી ખજાનાવાળા આવાસ તરફ ખૂબ અજવાળું દેખાઈ રહ્યું છે. એ લોકોને ખ્યાલ આવી ગયો કે શાહી ખજાનચીઓ સવારના વહેલા આવીને પોતાની ફરજ પર લાગી ગયા હશે. પોતાના રાજ્યના લોકોની ઈમાનદારી અને કર્મચારીઓની ફરજપરસ્તી પર રોમનોએ ગર્વ મહેસૂસ કર્યો.
સવાર પડતાં જ ઠેરઠેર રોમનોએ ધસારો કરવા માંડ્યો. રાજ્ય તરફથી સિક્કા પાછા ખેંચવાનું ફરમાન થયેલું, પણ એ ક્યાં આપવા, કયા સમયે આપવા એ કશાની સ્પષ્ટતા નહોતી. કેટલાક લોકો રોમના બજાર મધ્યે આવેલા ચોકમાં પહોંચી ગયા. તેમણે વિચાર્યું કે આ સ્થાને શિરચ્છેદ જેવાં અગત્યનાં કામ હાથ ધરવામાં આવે છે, આથી શક્ય છે કે સિક્કા બદલવાનું પણ ત્યાં રાખ્યું હશે. ત્યાં પહોંચતાં તેમણે જોયું કે ચોક પર રાબેતા મુજબનું કામ ચાલુ હતું, પણ સિક્કા જમા કરાવવા અંગે ત્યાં ઉભેલા સૈનિકોને કશો ખ્યાલ નહોતો. બિચારા ફરજપરસ્ત સૈનિકોએ એ હદ સુધીની ઑફર મૂકી કે કહેતા હો તો કશા વાંકગુના વિના આપનો શિરચ્છેદ કરી આપીએ, બાકી સિક્કાઓ વિશે અમને કશું કહ્યું નથી.
કેટલાક લોકો રોમના પ્રબુદ્ધ લોકોને ઘેર પહોંચી ગયા. તેમને એમ કે રોમન પ્રબુદ્ધોને અવશ્ય જાણ હશે કે સિક્કા ક્યાં જમા કરાવવા. રોમન પ્રબુદ્ધો મૂંઝાયેલા હતા. છતાં તેમણે કહ્યું, 'જુઓ, સમ્રાટ નીરોએ બધું સમજીવિચારીને કર્યું હશે. આવા સમયે આપણી ફરજ છે કે ઉહાપોહ કરવાને બદલે તેમને સહકાર આપીએ.' નાગરિકોને નવાઈ લાગી કે પોતે સહકાર આપવા તો આવેલા છે, અને ઉહાપોહ વિશે વિચાર્યું સુદ્ધાં નથી. છતાં તેમને પોતાના રાજ્યના પ્રબુદ્ધો પર શ્રદ્ધા હતી કે તેમણે જે કહ્યું એ સમજીવિચારીને કહ્યું હશે.
હાથમાં સિક્કાની નાનીમોટી પોટલીઓ લઈને રોમનો વિવિધ ઠેકાણે તપાસ કરી રહ્યા હતા કે એને ક્યાં જમા કરાવવી. એવે વખતે અચાનક તેમની પર હુમલા થવા લાગ્યા. ચિત્રવિચિત્ર કપડાં પહેરેલા સૈનિકો મુખવટો પહેરીને ઘોડો દોડાવતા ધસી આવતા, અને પોટલીઓ ખૂંચવી લેતા. કોઈ પ્રતિકાર કરવા જાય તો તેને ભાલાથી વીંધી નાખતા.
રોમનોમાં ભાગદોડ મચી ગઈ. સિક્કાને બદલે હવે તેઓ જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા. ભાગ્યે જ કોઈ એવો રોમન બચ્યો હતો કે જેની પાસે હવે નીરો અને અગ્રીપીનાવાળા સિક્કા હોય.
**** **** ****
નીરોના મહેલના એક ખંડમાં સિક્કાની વિવિધ કદની પોટલીઓ ખડકાઈ ગઈ હતી. નીરોએ હુકમ કર્યો, 'આ તમામ સિક્કાઓ ઓગાળી નાખો. હવે ફક્ત મારા ચહેરાવાળા સિક્કા બનાવો.'



એક શાણા માણસે સહેજ સંકોચ સાથે પૂછ્યું: 'પણ નામદાર, ત્યાં સુધી લોકો શું કરશે?'
નીરોએ કહ્યું, 'તમને છેલ્લી ચેતવણી છે. મારી ફીડલ ટ્યૂન કરાવવાનું તમને સોંપેલું છે એ કરાવવાને બદલે તમે ભળતા સવાલો પૂછો છો! તમને રોમદ્રોહી ઘોષિત કરી દઈશ તો તમે જેમના વતી સવાલ કરો છો એ જ લોકો તમને જીવતા સળગાવી મૂકશે, સમજ્યા?'
શાણો માણસ ખરે જ શાણો હતો. તેણે નીચી ગરદને કહ્યું, 'નામદારને માલૂમ થાય કે આપે હુકમ કર્યો એ પછી કલાકમાં જ ફીડલ ટ્યૂન અપ થઈ ગઈ હતી. સમ્રાટનો જય હો!'
આટલું કહીને તેમણે ઉંચે જોયું તો નીરો ત્યાંથી નીકળી ગયો હતો. શાણા માણસે વિચાર્યું, 'મારા સમ્રાટ કેવા નિરાભિમાની છે! એમને પોતાનો જયઘોષ સાંભળવાની પડી નથી.'
આવા શાણા માણસો અને નિરાભિમાની સમ્રાટ થકી રોમ ઉજળું હતું.

Saturday, May 1, 2021

ટોપી પહેરી કે નહીં, ડૉક્ટર?

ભાઈ દિનેશ પરમારની અણધારી વિદાયના સમાચાર 30 એપ્રિલ, 2021ના રોજ જાણ્યા. મારો ભૂતપૂર્વ સહકાર્યકર અને એક જ સોસાયટીમાં હોવાથી મારા નોકરી છોડ્યા પછી પણ તેનો સંપર્ક જળવાઈ રહેલો. તેની વાતો મારા ઘરના લગભગ બધા સભ્યો જાણે, કેમ કે, એની વાત જ નિરાળી.

1984માં હું જોડાયો એ પછી થોડા મહિનામાં જ દિનેશ અમારી કંપની આઈ.પી.સી.એલ. (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)માં ટ્રેઈની એપ્રેન્‍ટિસ તરીકે જોડાયો. પેટ્રોકેમિકલ સંકુલના એક રાસાયણિક પ્લાન્‍ટ પર અમે કામ કરતા હતા. નવો ચહેરો જોઈને કોઈએ નામ પૂછ્યું એટલે બોલ્યો, 'ડી.આર.પરમાર.' પૂછનારને વિશ્વાસ ન આવ્યો એટલે ફરી પૂછ્યું, 'શું કહ્યું? ડી.આર.પરમાર?' દિનેશે કહ્યું, 'હા, ભઈ. ડી.આર.પરમાર.' આ સાંભળીને નામ પૂછનારે એલાન કર્યું, 'અલ્યા, આપણે ત્યાં બીજા એક ડૉક્ટર આવ્યા.' વાત એવી હતી કે ધુળાભાઈ પરમાર એટલે કે ડી.આર.પરમાર નામના એક સિનીયર ઓપરેટર અમારા પ્લાન્‍‍ટમાં હતા જ, અને નામના પ્રથમાક્ષરોને લઈને બધા એમને 'ડૉક્ટર' કહેતા.  હવે એવા જ નામધારી આ બીજી વ્યક્તિ આવી એટલે દિનેશ સ્વાભાવિક ક્રમમાં 'જુનિયર ડૉક્ટર' બન્યો. આ જુનિયર ડૉક્ટર જોતજોતાંમાં સૌનો માનીતો થઈ ગયો. એક તો એ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો. એટલે એની બોલી મજાની, પાછો થોડો ભોળો, અને આખાબોલો. પેલા સિનીયર ડૉક્ટર એક વાર એની પર ધોંસ જમાવવા ગયા, અને કહ્યું, 'હજી તું કમ્પાઉન્‍ડર છે. માપમાં રહેજે.' એ વખતે એકતા કપૂરવાળી 'ક્યું કિ સાંસ ભી કભી બહુ થી' સિરીયલ નહીં આવેલી, છતાં દિનેશે કહ્યું, 'તમે આજે સિનીયર છો, પણ તમેય આવ્યા ત્યારે તો કમ્પાઉન્‍ડર જ હશો ને?' પેલા ડૉક્ટર ચૂપ થઈ ગયા. એ પછી એમણે દિનેશને વતાવ્યો નહીં. દિનેશનું નામ 'ડૉક્ટર', 'દાક્તર' એકદમ સર્વસ્વીકૃત થઈ ગયું. પ્લાન્‍ટ પર અમારે વારાફરતી ત્રણ શિફ્ટમાં નોકરીએ આવવાનું રહેતું. શિફ્ટમાં કોઈ ઓપરેટરના વિભાગનું કશું કામ હોય તો કન્‍ટ્રોલ રૂમમાંથી લાઉડોફોન પર એના નામનું એનાઉન્સમેન્‍ટ કરવામાં આવતું.  દિનેશ શિફ્ટમાં હોય તો એના નામનું અનાઉન્‍સમેન્‍ટ 'ડૉક્ટર પરમાર પ્લીઝ કોન્‍ટેક્ટ' તરીકે જ થતું. 
દિનેશને જેમની સાથે ગાઢ મિત્રતા થઈ એવા એક હિન્‍દીભાષી સિનીયર ઓપરેટર પ્રસાદજી દિનેશને વાતવાતમાં કહેતા, 'સુન ભઈ, દાક્તર...' આના પરથી મેં એક જોક બનાવેલી. ધારો કે દિનેશ પ્રસાદજીને ઘેર ગયો છે. તો પ્રસાદજી પોતાનાં પત્નીને બૂમ પાડશે, 'અરી સુનતી હો? દાક્તર આયા હૈ. જરા પાની લાના...' જોકનો બીજો ભાગ વીઝ્યુઅલ હતો. પ્રસાદજીનાં પત્ની ટ્રેમાં નહીં, પણ સાણસી વડે ગરમ તપેલીમાં પાણી લઈને આવતાં હોય એ હું હાથની મુદ્રાથી બતાવતો. પછી તો લોકસાહિત્યની જેમ આ જોક અનેક લોકો પોતપોતાની રીતે કહેતા.
નાઈટ શિફ્ટમાં અમારે રાત્રે જાગવાનું થતું. એ સમય કાઢવો બહુ વસમો પડી જતો. પણ દિનેશ હોય એટલે સમય આનંદથી પસાર થઈ જાય. એક વાર મેં એને વાતવાતમાં 'ત્રણ કીડી'વાળું ઉખાણું પૂછ્યું. એ વખતે આ જોક કદાચ ઠેરઠેર પહોંચી નહીં હોય. હારબંધ જતી ત્રણ કીડીઓ પૈકી દરેકને પૂછાય કે તારી પાછળ/આગળ કેટલી કીડી છે, તો દરેકનો જવાબ હોય, 'બે કીડી.' વચલી કીડી આવું શી રીતે કહી શકે એ દિનેશને સમજાતું નહોતું. છેવટે એ રાતે ત્રણ કીડીઓ પકડી લાવ્યો. એને ગોઠવી. પછી કહ્યું, 'વચલી કીડી કદાચ આગળ નીકળી ગઈ હશે.' આખી રાત એ મથ્યો. પછી મેં એને જવાબ કહ્યો, 'એ કીડી જૂઠું બોલેલી.' તો એ અકળાયો નહીં, પણ હસીને કહે, 'કીડીઓ બી જૂઠું બોલે?' મેં સામી દલીલ કરી: 'કીડી સાચું બોલે, તો જૂઠું કેમ ન બોલે?' એ હસી પડ્યો.
શિફ્ટમાં અમે ઘણી વાર એક જ ગૃપમાં રહેતા. કે પછી શિફ્ટમાં સાથે હોઈએ એમ બનતું. ધીમે ધીમે સભાનપણે તેણે પોતાની એક છબિ ઉપસાવવા માંડેલી. જેમ કે, એક તબક્કા પછી એણે માથે કૅપ એટલે કે ટોપી પહેરવાની શરૂ કરી. રાત હોય કે દિવસ, એ ફક્ત સૂતો હોય ત્યારે જ ટોપી કાઢતો. એ એવું મનાવતો કે એની ટોપીમાં એના મગજનું વાયરિંગ છે. અને ટોપી પહેરે તો જ એનું મગજ ચાર્જ રહે. એ ક્યારેક જાગે અને કોઈક એને કશું પૂછે તો દિનેશ બે ઘડી જોઈ રહે. જવાબ ન આપે. એટલે સામેવાળો જ કહે, 'ડૉક્ટર, ટોપી પહેરી લો.' દિનેશ ટોપી પહેરે અને પછી પૂછાયું હોય એનો સરખો જવાબ આપે.
તેનું પહેલી વારનું લગ્ન થયું ત્યારે કોસંબા નજીક આવેલા ધામદોડ ગામે અમે લોકો ગયેલા. મહેમદાવાદમાં અમારી સામે ફોટોસ્ટુડિયો ધરાવતા હર્ષદભાઈને ફોટોગ્રાફર તરીકે મોકલેલા. એ તરફ વાગતા ઢોલનો તાલબદ્ધ અવાજ દિનેશ મોંએથી કાઢતો. એમ તો એ જૂની રોમન ઓપેરામાં જે લાંબા આલાપ હોય છે એ પણ કાઢતો અને એ વખતે વાયોલિન વગાડવાની ચેષ્ટા કરતો.
એની ધૂન આગવી. એણે નક્કી કરેલું કે દીકરો થશે તો એનું નામ પણ એ 'દિનેશ' જ રાખશે. ત્યારે અમુક કહેતા, 'દીનીયા, આવું ના કરતો.' દિનેશનો જવાબ: 'જ્યોર્જ ચોથો, પાંચમો હોય તો દિનેશ પહેલો, બીજો કેમ ન હોય?' સમજાવનાર હથિયાર હેઠાં મૂકી દેતાં કહેતો, 'તું બી સાલા, ડૉક્ટર જ રહેવાનો.' અને ખરેખર દિનેશે એના પુત્રનું નામ દિનેશ પાડ્યું. એક વાર કોઈક કારણસર નાના દિનેશને હોસ્પિટલે દાખલ કરવાનું બન્યું. એ વખતે હોસ્પિટલના રિસેપ્શન કાઉન્‍ટર પરનો સંવાદ, જે પછી દિનેશે અમારી સમક્ષ રજૂ કરેલો.
'નામ?'
'દિનેશ.'
'તમારું નામ?'
'દિનેશ.'
'અરે, હું તમારું નામ પૂછું છું.'
'હા ભઈ, હું મારું નામ જ કહું છું.'
'પણ હમણાં તો તમે તમારા દિકરાનું નામ દિનેશ લખાવ્યું?'
'હા, એ સાચું જ છે.'
'અરે, આવું તો કંઈ હોતું હશે? આવા ટાઈમે તમને મજાક સૂઝે છે?'
'મજાક નહીં, હું ખરેખર કહું છું, ભાઈ.'
કેટલીય રકઝક પછી દિનેશ પેલા ભાઈને સમજાવી શક્યો. જો કે, થોડા વરસો પછી તેને લાગ્યું કે આવી માથાકૂટ તો વારેવારે થતી રહેવાની. એટલે આખરે તેણે દીકરાનું નામ બદલ્યું.
હું અમારી કંપનીની ટાઉનશીપ (પેટ્રોકેમિકલ ટાઉનશીપ)માં રહેવા આવ્યો એ અરસામાં દિનેશ પણ ત્યાં જ રહેતો હતો. એના ભાઈ નરેશ સાથે એ ટ્યૂશન ક્લાસ ચલાવતો હતો, અને એમાં ઘણા વિદ્યાર્થીઓ આવતા હતા. એમને અંગ્રેજી વ્યાકરણ માટે કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. વાતવાતમાં દિનેશે મને પૂછ્યું, 'તું દસમા ધોરણનું અંગ્રેજી વ્યાકરણ ભણાવે?' એ વખતે મારી પાસે થોડો સમય રહેતો. ઉપરાંત એક નવા ક્ષેત્રે નાનકડો પડકાર ઊભો થાય તો એને સ્વીકારવો એવું પણ હશે. મેં હા પાડી. એને ત્યાં હું અંગ્રેજી ભણાવવા જતો. અમુક વિદ્યાર્થીઓ બહુ તોફાની હતા, જ્યારે કેટલાક શાંત. એકાદ બે વિદ્યાર્થી અંગ્રેજીમાં નાપાસ થયેલા એટલે એમને આ તોફાનીઓ સાથે બેસવું ન ફાવતું. તેમણે દિનેશને કહ્યું કે એ લોકોનો હું અલગથી વર્ગ લઉં. આ મારા માટે ખરો પડકાર હતો. મને પેપરશૈલી વિશે પણ ખાસ માહિતી નહીં. પણ સાતત્યપૂર્વક ભણાવવાને કારણે પેલા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આવ્યો અને એ લોકો અંગ્રેજીમાં પાસ પણ થયા. દિનેશ મને ઠરાવેલી રકમ આપતો, પણ એ ઉપરાંત મને જે મળ્યું એ 'બીરેન સર'નું બિરુદ, જે સાંભળવા મારા કાન કદી ટેવાયેલા નહોતા. એ પછી તો ટાઉનશીપમાંથી મેં મારા પોતાના મકાનમાં 
સ્થળાંતર કર્યું.  ત્યારે મને સમજાયું કે એક વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરીએ તો આખું વરસ એને ભણાવવો પડે. એટલે હું મારે ઘેરથી ટાઉનશીપ જતો-આવતો. એ પછી મેં ભણાવવાનું બંધ કર્યું.
2007માં મેં નોકરી છોડ્યા પછી અમારું મળવાનું ઘટ્યું. અમારી સોસાયટીમાં જ, અને તેનું ઘર રસ્તા પર હોવાથી ક્યારેક ભેટો થઈ જતો. અમે એ જ જૂના લહેકાથી એકબીજાને બોલાવતા. હું એને પૂછતો, 'ડૉક્ટર, ટોપી છોડી નથી, નહીં?' એટલે એ કહેતો, 'તને તો ખબર છે ને, કે મારું વાયરિંગ....' અને અમે હસી પડતા.
દોઢેક વરસ પહેલાં કોઈકના બેસણામાં અમે મળી ગયા. અમારી સોસાયટીના હૉલમાં જ બેસણું હતું. બહાર દિનેશને જોયો એટલે મેં એ જ શૈલીએ કહ્યું, 'શું છે, ડૉક્ટર? ટોપી ચાલે છે ને?' આ વખતે એ મારી સામે જોઈને મલકાયો. એ સ્મિત રહસ્યમય હતું. હું જાણે કે કોઈ અબુધ બાળક હોઉં એ રીતે એ મને જોતો હતો. મને આ પરિવર્તન સમજાયું નહીં. એટલે મેં ભોળેભાવે પૂછ્યું, 'એની પ્રોબ્લેમ, ડૉક્ટર?' એની બાજુમાં મારા ભૂતપૂર્વ સહકર્મીઓ ઉભા હતા. એ મને કહે, 'તને ખબર નથી?' મેં કહ્યું, 'ના, યાર. શું થયું ડૉક્ટરને? એણે ટોપી તો પહેરી છે!' એક જણે રહસ્યોદ્‍ઘાટનની ઢબે કહ્યું, 'ડૉક્ટર હવે બી.કે. થઈ ગયો છે.' હજી હું મૂંઝાયેલો હતો. મેં હળવા અંદાજમાં ચાલુ રાખ્યું, 'અલ્યા, બી.કે. (બીરેન કોઠારી) તો હું છું. એ તો ડૉક્ટર જ રહે ને?' મને સમજાવવામાં આવ્યું કે ડૉક્ટર હવે સ્પિરિચ્યુઅલ બનવા લાગ્યા છે અને બ્રહ્માકુમારીમાં જોડાયા છે. એટલે એ હવે 'બી.કે. દિનેશ' છે.' મેં હજી ગમ્મત ચાલુ રાખી, 'એટલે, ડૉક્ટર, એમાં આ હસીમજાક ચાલુ રાખવાની કે બંધ?' દિનેશને બદલે બીજા સહકર્મીએ જવાબ આપ્યો, 'દિનેશ હવે સિરીયસ થઈ ગયો છે.' મેં કહ્યું, 'પણ એ ટોપી પહેરે ત્યાં સુધી હું ન માનું.' આ સાંભળીને દિનેશ હસી પડ્યો.
એ પછી ગયે વરસે ફેબ્રુઆરીમાં મિત્ર રાજુ પટેલની દીકરીના લગ્નમાં આગલી સાંજે જમતાં અમે મળ્યા. ટોપી પહેરીને દિનેશ હાજર. મેં કહ્યું, 'ડૉક્ટર, ટોપી....' એ બોલ્યો, 'બીરેન, એક હજાર વરસ પહેલાં પણ આપણે અહીં હતા, આજે પણ અહીં છે, અને એક હજાર વરસ પછી પણ અહીં જ રહીશું.' મેં કહ્યું, 'ડૉક્ટર, ભૂખ લાગી હોય તો જમી લઈએ.' એ કહે, 'મજાકમાં ન લે. સાચું કહું છું. મારી ને તારી વાત નથી. અહીં છે એ બધાની વાત છે.' મેં કહ્યું, 'ઓકે. તો એમ કરીએ. હું જમીને જતો રહીશ. તો હજાર વરસ પહેલાં કે પછી પણ હું અહીંને બદલે ઘેર જ હોઉં ને?' દિનેશે પહેલાંની જેમ ખડખડાટ હાસ્ય ન કર્યું, પણ મંદ, આધ્યાત્મિક હાસ્ય વેર્યું. જાણે કે કહેતો હોય, 'હે બાળક, તું સુધરી જા.' છૂટા પડતાં મેં કહ્યું, 'ડૉક્ટર, મને જે કહેવું હોય એ ટોપી પહેરવાનું બંધ કરો ત્યારે કહેજો. તો હું એની પર વિચાર કરીશ.' અમે છૂટા પડ્યા ત્યારે સપનેય ખ્યાલ નહીં કે એ અમારી વચ્ચેના છેલ્લા સંવાદ હશે.
મળેલી માહિતી અનુસાર, પહેલી તારીખની આસપાસ તેને કોવિડનું નિદાન થયેલું. શરૂઆતમાં ટાઉનશીપમાં સારવાર અને એ પછી હોસ્પિટલમાં દાખલ કરાયેલો. આ જ ગાળામાં તેના મિત્રદંપતિ શ્રી વાઘેલા એક જ અઠવાડિયાના અંતરાલમાં કોવિડને કારણે મૃત્યુ પામ્યાં. દિનેશ ત્યારે હોસ્પિટલમાં હતો. તેણે એ વખતે અમારા પ્લાન્‍ટના ભૂતપૂર્વ સહકર્મીઓના વૉટ્સેપ ગૃપમાં સંદેશો મૂક્યો, 'ભૂલચૂક લેવીદેવી.' એ તેના તરફથી થયેલું છેલ્લું પ્રત્યાયન. તેની સારવાર ચાલતી હતી, પણ ફેફસાંની સ્થિતિ બદતર થતી ચાલી હતી. ચારેક દિવસથી એ વેન્‍ટિલેટર પર હતો. આજે બપોરે જ તેની વિદાયના સમાચાર મળ્યા.
એ સાથે જ કેટલી બધી વાતો યાદ આવી ગઈ! અને એમ થયું કે- અરે, આ બધો હવે ભૂતકાળ બની ગયો? આટલો જલ્દી?
તેની અંત્યેષ્ટિ કોવિડના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી. હજી એમ લાગે છે કે કોમામાં હોવાને કારણે એ કહી શક્યો નહીં હોય કે 'ભલા માણસ, ટોપી પહેરાવો. તો કંઈક ચાર્જિંગ થઈ શકે!' હોસ્પિટલેથી બારોબાર સ્મશાને...કોઈ જૂના સહકર્મી હોત તો એક વાર બૂમ પાડીને પૂછવા પ્રયત્ન કરત..'ટોપી પહેરી કે નહીં, ડૉક્ટર?' કોને ખબર, ટોપી પહેરવા એ સળવળત...