Saturday, May 1, 2021

ટોપી પહેરી કે નહીં, ડૉક્ટર?

ભાઈ દિનેશ પરમારની અણધારી વિદાયના સમાચાર 30 એપ્રિલ, 2021ના રોજ જાણ્યા. મારો ભૂતપૂર્વ સહકાર્યકર અને એક જ સોસાયટીમાં હોવાથી મારા નોકરી છોડ્યા પછી પણ તેનો સંપર્ક જળવાઈ રહેલો. તેની વાતો મારા ઘરના લગભગ બધા સભ્યો જાણે, કેમ કે, એની વાત જ નિરાળી.

1984માં હું જોડાયો એ પછી થોડા મહિનામાં જ દિનેશ અમારી કંપની આઈ.પી.સી.એલ. (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)માં ટ્રેઈની એપ્રેન્‍ટિસ તરીકે જોડાયો. પેટ્રોકેમિકલ સંકુલના એક રાસાયણિક પ્લાન્‍ટ પર અમે કામ કરતા હતા. નવો ચહેરો જોઈને કોઈએ નામ પૂછ્યું એટલે બોલ્યો, 'ડી.આર.પરમાર.' પૂછનારને વિશ્વાસ ન આવ્યો એટલે ફરી પૂછ્યું, 'શું કહ્યું? ડી.આર.પરમાર?' દિનેશે કહ્યું, 'હા, ભઈ. ડી.આર.પરમાર.' આ સાંભળીને નામ પૂછનારે એલાન કર્યું, 'અલ્યા, આપણે ત્યાં બીજા એક ડૉક્ટર આવ્યા.' વાત એવી હતી કે ધુળાભાઈ પરમાર એટલે કે ડી.આર.પરમાર નામના એક સિનીયર ઓપરેટર અમારા પ્લાન્‍‍ટમાં હતા જ, અને નામના પ્રથમાક્ષરોને લઈને બધા એમને 'ડૉક્ટર' કહેતા.  હવે એવા જ નામધારી આ બીજી વ્યક્તિ આવી એટલે દિનેશ સ્વાભાવિક ક્રમમાં 'જુનિયર ડૉક્ટર' બન્યો. આ જુનિયર ડૉક્ટર જોતજોતાંમાં સૌનો માનીતો થઈ ગયો. એક તો એ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો. એટલે એની બોલી મજાની, પાછો થોડો ભોળો, અને આખાબોલો. પેલા સિનીયર ડૉક્ટર એક વાર એની પર ધોંસ જમાવવા ગયા, અને કહ્યું, 'હજી તું કમ્પાઉન્‍ડર છે. માપમાં રહેજે.' એ વખતે એકતા કપૂરવાળી 'ક્યું કિ સાંસ ભી કભી બહુ થી' સિરીયલ નહીં આવેલી, છતાં દિનેશે કહ્યું, 'તમે આજે સિનીયર છો, પણ તમેય આવ્યા ત્યારે તો કમ્પાઉન્‍ડર જ હશો ને?' પેલા ડૉક્ટર ચૂપ થઈ ગયા. એ પછી એમણે દિનેશને વતાવ્યો નહીં. દિનેશનું નામ 'ડૉક્ટર', 'દાક્તર' એકદમ સર્વસ્વીકૃત થઈ ગયું. પ્લાન્‍ટ પર અમારે વારાફરતી ત્રણ શિફ્ટમાં નોકરીએ આવવાનું રહેતું. શિફ્ટમાં કોઈ ઓપરેટરના વિભાગનું કશું કામ હોય તો કન્‍ટ્રોલ રૂમમાંથી લાઉડોફોન પર એના નામનું એનાઉન્સમેન્‍ટ કરવામાં આવતું.  દિનેશ શિફ્ટમાં હોય તો એના નામનું અનાઉન્‍સમેન્‍ટ 'ડૉક્ટર પરમાર પ્લીઝ કોન્‍ટેક્ટ' તરીકે જ થતું. 
દિનેશને જેમની સાથે ગાઢ મિત્રતા થઈ એવા એક હિન્‍દીભાષી સિનીયર ઓપરેટર પ્રસાદજી દિનેશને વાતવાતમાં કહેતા, 'સુન ભઈ, દાક્તર...' આના પરથી મેં એક જોક બનાવેલી. ધારો કે દિનેશ પ્રસાદજીને ઘેર ગયો છે. તો પ્રસાદજી પોતાનાં પત્નીને બૂમ પાડશે, 'અરી સુનતી હો? દાક્તર આયા હૈ. જરા પાની લાના...' જોકનો બીજો ભાગ વીઝ્યુઅલ હતો. પ્રસાદજીનાં પત્ની ટ્રેમાં નહીં, પણ સાણસી વડે ગરમ તપેલીમાં પાણી લઈને આવતાં હોય એ હું હાથની મુદ્રાથી બતાવતો. પછી તો લોકસાહિત્યની જેમ આ જોક અનેક લોકો પોતપોતાની રીતે કહેતા.
નાઈટ શિફ્ટમાં અમારે રાત્રે જાગવાનું થતું. એ સમય કાઢવો બહુ વસમો પડી જતો. પણ દિનેશ હોય એટલે સમય આનંદથી પસાર થઈ જાય. એક વાર મેં એને વાતવાતમાં 'ત્રણ કીડી'વાળું ઉખાણું પૂછ્યું. એ વખતે આ જોક કદાચ ઠેરઠેર પહોંચી નહીં હોય. હારબંધ જતી ત્રણ કીડીઓ પૈકી દરેકને પૂછાય કે તારી પાછળ/આગળ કેટલી કીડી છે, તો દરેકનો જવાબ હોય, 'બે કીડી.' વચલી કીડી આવું શી રીતે કહી શકે એ દિનેશને સમજાતું નહોતું. છેવટે એ રાતે ત્રણ કીડીઓ પકડી લાવ્યો. એને ગોઠવી. પછી કહ્યું, 'વચલી કીડી કદાચ આગળ નીકળી ગઈ હશે.' આખી રાત એ મથ્યો. પછી મેં એને જવાબ કહ્યો, 'એ કીડી જૂઠું બોલેલી.' તો એ અકળાયો નહીં, પણ હસીને કહે, 'કીડીઓ બી જૂઠું બોલે?' મેં સામી દલીલ કરી: 'કીડી સાચું બોલે, તો જૂઠું કેમ ન બોલે?' એ હસી પડ્યો.
શિફ્ટમાં અમે ઘણી વાર એક જ ગૃપમાં રહેતા. કે પછી શિફ્ટમાં સાથે હોઈએ એમ બનતું. ધીમે ધીમે સભાનપણે તેણે પોતાની એક છબિ ઉપસાવવા માંડેલી. જેમ કે, એક તબક્કા પછી એણે માથે કૅપ એટલે કે ટોપી પહેરવાની શરૂ કરી. રાત હોય કે દિવસ, એ ફક્ત સૂતો હોય ત્યારે જ ટોપી કાઢતો. એ એવું મનાવતો કે એની ટોપીમાં એના મગજનું વાયરિંગ છે. અને ટોપી પહેરે તો જ એનું મગજ ચાર્જ રહે. એ ક્યારેક જાગે અને કોઈક એને કશું પૂછે તો દિનેશ બે ઘડી જોઈ રહે. જવાબ ન આપે. એટલે સામેવાળો જ કહે, 'ડૉક્ટર, ટોપી પહેરી લો.' દિનેશ ટોપી પહેરે અને પછી પૂછાયું હોય એનો સરખો જવાબ આપે.
તેનું પહેલી વારનું લગ્ન થયું ત્યારે કોસંબા નજીક આવેલા ધામદોડ ગામે અમે લોકો ગયેલા. મહેમદાવાદમાં અમારી સામે ફોટોસ્ટુડિયો ધરાવતા હર્ષદભાઈને ફોટોગ્રાફર તરીકે મોકલેલા. એ તરફ વાગતા ઢોલનો તાલબદ્ધ અવાજ દિનેશ મોંએથી કાઢતો. એમ તો એ જૂની રોમન ઓપેરામાં જે લાંબા આલાપ હોય છે એ પણ કાઢતો અને એ વખતે વાયોલિન વગાડવાની ચેષ્ટા કરતો.
એની ધૂન આગવી. એણે નક્કી કરેલું કે દીકરો થશે તો એનું નામ પણ એ 'દિનેશ' જ રાખશે. ત્યારે અમુક કહેતા, 'દીનીયા, આવું ના કરતો.' દિનેશનો જવાબ: 'જ્યોર્જ ચોથો, પાંચમો હોય તો દિનેશ પહેલો, બીજો કેમ ન હોય?' સમજાવનાર હથિયાર હેઠાં મૂકી દેતાં કહેતો, 'તું બી સાલા, ડૉક્ટર જ રહેવાનો.' અને ખરેખર દિનેશે એના પુત્રનું નામ દિનેશ પાડ્યું. એક વાર કોઈક કારણસર નાના દિનેશને હોસ્પિટલે દાખલ કરવાનું બન્યું. એ વખતે હોસ્પિટલના રિસેપ્શન કાઉન્‍ટર પરનો સંવાદ, જે પછી દિનેશે અમારી સમક્ષ રજૂ કરેલો.
'નામ?'
'દિનેશ.'
'તમારું નામ?'
'દિનેશ.'
'અરે, હું તમારું નામ પૂછું છું.'
'હા ભઈ, હું મારું નામ જ કહું છું.'
'પણ હમણાં તો તમે તમારા દિકરાનું નામ દિનેશ લખાવ્યું?'
'હા, એ સાચું જ છે.'
'અરે, આવું તો કંઈ હોતું હશે? આવા ટાઈમે તમને મજાક સૂઝે છે?'
'મજાક નહીં, હું ખરેખર કહું છું, ભાઈ.'
કેટલીય રકઝક પછી દિનેશ પેલા ભાઈને સમજાવી શક્યો. જો કે, થોડા વરસો પછી તેને લાગ્યું કે આવી માથાકૂટ તો વારેવારે થતી રહેવાની. એટલે આખરે તેણે દીકરાનું નામ બદલ્યું.
હું અમારી કંપનીની ટાઉનશીપ (પેટ્રોકેમિકલ ટાઉનશીપ)માં રહેવા આવ્યો એ અરસામાં દિનેશ પણ ત્યાં જ રહેતો હતો. એના ભાઈ નરેશ સાથે એ ટ્યૂશન ક્લાસ ચલાવતો હતો, અને એમાં ઘણા વિદ્યાર્થીઓ આવતા હતા. એમને અંગ્રેજી વ્યાકરણ માટે કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. વાતવાતમાં દિનેશે મને પૂછ્યું, 'તું દસમા ધોરણનું અંગ્રેજી વ્યાકરણ ભણાવે?' એ વખતે મારી પાસે થોડો સમય રહેતો. ઉપરાંત એક નવા ક્ષેત્રે નાનકડો પડકાર ઊભો થાય તો એને સ્વીકારવો એવું પણ હશે. મેં હા પાડી. એને ત્યાં હું અંગ્રેજી ભણાવવા જતો. અમુક વિદ્યાર્થીઓ બહુ તોફાની હતા, જ્યારે કેટલાક શાંત. એકાદ બે વિદ્યાર્થી અંગ્રેજીમાં નાપાસ થયેલા એટલે એમને આ તોફાનીઓ સાથે બેસવું ન ફાવતું. તેમણે દિનેશને કહ્યું કે એ લોકોનો હું અલગથી વર્ગ લઉં. આ મારા માટે ખરો પડકાર હતો. મને પેપરશૈલી વિશે પણ ખાસ માહિતી નહીં. પણ સાતત્યપૂર્વક ભણાવવાને કારણે પેલા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આવ્યો અને એ લોકો અંગ્રેજીમાં પાસ પણ થયા. દિનેશ મને ઠરાવેલી રકમ આપતો, પણ એ ઉપરાંત મને જે મળ્યું એ 'બીરેન સર'નું બિરુદ, જે સાંભળવા મારા કાન કદી ટેવાયેલા નહોતા. એ પછી તો ટાઉનશીપમાંથી મેં મારા પોતાના મકાનમાં 
સ્થળાંતર કર્યું.  ત્યારે મને સમજાયું કે એક વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરીએ તો આખું વરસ એને ભણાવવો પડે. એટલે હું મારે ઘેરથી ટાઉનશીપ જતો-આવતો. એ પછી મેં ભણાવવાનું બંધ કર્યું.
2007માં મેં નોકરી છોડ્યા પછી અમારું મળવાનું ઘટ્યું. અમારી સોસાયટીમાં જ, અને તેનું ઘર રસ્તા પર હોવાથી ક્યારેક ભેટો થઈ જતો. અમે એ જ જૂના લહેકાથી એકબીજાને બોલાવતા. હું એને પૂછતો, 'ડૉક્ટર, ટોપી છોડી નથી, નહીં?' એટલે એ કહેતો, 'તને તો ખબર છે ને, કે મારું વાયરિંગ....' અને અમે હસી પડતા.
દોઢેક વરસ પહેલાં કોઈકના બેસણામાં અમે મળી ગયા. અમારી સોસાયટીના હૉલમાં જ બેસણું હતું. બહાર દિનેશને જોયો એટલે મેં એ જ શૈલીએ કહ્યું, 'શું છે, ડૉક્ટર? ટોપી ચાલે છે ને?' આ વખતે એ મારી સામે જોઈને મલકાયો. એ સ્મિત રહસ્યમય હતું. હું જાણે કે કોઈ અબુધ બાળક હોઉં એ રીતે એ મને જોતો હતો. મને આ પરિવર્તન સમજાયું નહીં. એટલે મેં ભોળેભાવે પૂછ્યું, 'એની પ્રોબ્લેમ, ડૉક્ટર?' એની બાજુમાં મારા ભૂતપૂર્વ સહકર્મીઓ ઉભા હતા. એ મને કહે, 'તને ખબર નથી?' મેં કહ્યું, 'ના, યાર. શું થયું ડૉક્ટરને? એણે ટોપી તો પહેરી છે!' એક જણે રહસ્યોદ્‍ઘાટનની ઢબે કહ્યું, 'ડૉક્ટર હવે બી.કે. થઈ ગયો છે.' હજી હું મૂંઝાયેલો હતો. મેં હળવા અંદાજમાં ચાલુ રાખ્યું, 'અલ્યા, બી.કે. (બીરેન કોઠારી) તો હું છું. એ તો ડૉક્ટર જ રહે ને?' મને સમજાવવામાં આવ્યું કે ડૉક્ટર હવે સ્પિરિચ્યુઅલ બનવા લાગ્યા છે અને બ્રહ્માકુમારીમાં જોડાયા છે. એટલે એ હવે 'બી.કે. દિનેશ' છે.' મેં હજી ગમ્મત ચાલુ રાખી, 'એટલે, ડૉક્ટર, એમાં આ હસીમજાક ચાલુ રાખવાની કે બંધ?' દિનેશને બદલે બીજા સહકર્મીએ જવાબ આપ્યો, 'દિનેશ હવે સિરીયસ થઈ ગયો છે.' મેં કહ્યું, 'પણ એ ટોપી પહેરે ત્યાં સુધી હું ન માનું.' આ સાંભળીને દિનેશ હસી પડ્યો.
એ પછી ગયે વરસે ફેબ્રુઆરીમાં મિત્ર રાજુ પટેલની દીકરીના લગ્નમાં આગલી સાંજે જમતાં અમે મળ્યા. ટોપી પહેરીને દિનેશ હાજર. મેં કહ્યું, 'ડૉક્ટર, ટોપી....' એ બોલ્યો, 'બીરેન, એક હજાર વરસ પહેલાં પણ આપણે અહીં હતા, આજે પણ અહીં છે, અને એક હજાર વરસ પછી પણ અહીં જ રહીશું.' મેં કહ્યું, 'ડૉક્ટર, ભૂખ લાગી હોય તો જમી લઈએ.' એ કહે, 'મજાકમાં ન લે. સાચું કહું છું. મારી ને તારી વાત નથી. અહીં છે એ બધાની વાત છે.' મેં કહ્યું, 'ઓકે. તો એમ કરીએ. હું જમીને જતો રહીશ. તો હજાર વરસ પહેલાં કે પછી પણ હું અહીંને બદલે ઘેર જ હોઉં ને?' દિનેશે પહેલાંની જેમ ખડખડાટ હાસ્ય ન કર્યું, પણ મંદ, આધ્યાત્મિક હાસ્ય વેર્યું. જાણે કે કહેતો હોય, 'હે બાળક, તું સુધરી જા.' છૂટા પડતાં મેં કહ્યું, 'ડૉક્ટર, મને જે કહેવું હોય એ ટોપી પહેરવાનું બંધ કરો ત્યારે કહેજો. તો હું એની પર વિચાર કરીશ.' અમે છૂટા પડ્યા ત્યારે સપનેય ખ્યાલ નહીં કે એ અમારી વચ્ચેના છેલ્લા સંવાદ હશે.
મળેલી માહિતી અનુસાર, પહેલી તારીખની આસપાસ તેને કોવિડનું નિદાન થયેલું. શરૂઆતમાં ટાઉનશીપમાં સારવાર અને એ પછી હોસ્પિટલમાં દાખલ કરાયેલો. આ જ ગાળામાં તેના મિત્રદંપતિ શ્રી વાઘેલા એક જ અઠવાડિયાના અંતરાલમાં કોવિડને કારણે મૃત્યુ પામ્યાં. દિનેશ ત્યારે હોસ્પિટલમાં હતો. તેણે એ વખતે અમારા પ્લાન્‍ટના ભૂતપૂર્વ સહકર્મીઓના વૉટ્સેપ ગૃપમાં સંદેશો મૂક્યો, 'ભૂલચૂક લેવીદેવી.' એ તેના તરફથી થયેલું છેલ્લું પ્રત્યાયન. તેની સારવાર ચાલતી હતી, પણ ફેફસાંની સ્થિતિ બદતર થતી ચાલી હતી. ચારેક દિવસથી એ વેન્‍ટિલેટર પર હતો. આજે બપોરે જ તેની વિદાયના સમાચાર મળ્યા.
એ સાથે જ કેટલી બધી વાતો યાદ આવી ગઈ! અને એમ થયું કે- અરે, આ બધો હવે ભૂતકાળ બની ગયો? આટલો જલ્દી?
તેની અંત્યેષ્ટિ કોવિડના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી. હજી એમ લાગે છે કે કોમામાં હોવાને કારણે એ કહી શક્યો નહીં હોય કે 'ભલા માણસ, ટોપી પહેરાવો. તો કંઈક ચાર્જિંગ થઈ શકે!' હોસ્પિટલેથી બારોબાર સ્મશાને...કોઈ જૂના સહકર્મી હોત તો એક વાર બૂમ પાડીને પૂછવા પ્રયત્ન કરત..'ટોપી પહેરી કે નહીં, ડૉક્ટર?' કોને ખબર, ટોપી પહેરવા એ સળવળત...

No comments:

Post a Comment