Thursday, May 6, 2021

નીરો અને પશુપક્ષીપ્રેમ

 પોતાનાં સ્વજનો અને વડીલો પ્રત્યે હતો એવો જ આદર નીરોને મૂંગા પશુઓ પણ હતો. 'મૂંગા પશુઓ' તેના રાજ્યમાં હતા, એનો અર્થ એ કે 'બોલતાં પશુઓ' પણ હતાં. મૂંગા પશુઓ પ્રત્યે નીરોને આદરથી પણ એક ડગલું આગળ, કરુણા હતી. રોમની આસપાસના વન વિસ્તારમાં અનેક સિંહ અને વાઘ હતા. જંગલમાં આ વાઘસિંહને શિયાળવાં, વાંદરા કે હાથી જેવાં પ્રાણીઓ હેરાન ન કરે એટલા માટે નીરો તેમને રોમમાં લઈ આવ્યો હતો. કોલોઝિયમના એક ભંડકિયામાં નીરોએ તેમને રાખેલા. બેઠાડુ જીવન જીવવાથી તેઓ કોઈ રોગના ભોગ ન બને એટલા માટે તેમને અઠવાડિયે એક વાર જ ખોરાક અપાતો. 'બોલતાં પશુઓ' તેમને ધરાવાતાં. અઠવાડિયાના ભૂખ્યા સિંહ કે વાઘ આ 'બોલતાં પશુઓ' પર તૂટી પડતા. એ રીતે રોમમાં સફાઈ પણ જળવાતી, અને વાઘસિંહનું આરોગ્ય પણ સચવાઈ જતું.

નીરો નગરચર્યાએ નીકળે ત્યારે રોમનો રસ્તામાંથી હટી જતા. એક હાથ ઊંચો કરીને તેનું અભિવાદન કરતા અને કહેતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' અભિવાદનનો આ એક પ્રકાર હતો, નીરોને પૂછાયેલો સવાલ નહીં, એટલે નીરો સામો હાથ ઊંચો કરીને સૌનું અભિવાદન ઝીલતો.
રોમના પ્રજાજનો રંગબેરંગી વસ્ત્રો પહેરતા અને શિરસ્રાણમાં પક્ષીનું પીંછું ખોસતા. એનો અર્થ એ કે રોમમાં રંગબેરંગી પક્ષીઓ પણ હતા. નીરો આ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા દાખવતો. ઘણા ચિત્રકારો નીરોનું ચિત્ર બનાવવા તત્પર રહેતા. ક્યારેક કોઈક પક્ષીની પસંદગી આ ચિત્ર માટે કરવામાં આવે ત્યારે એ પક્ષી પ્રત્યે વિશેષ કરુણા દાખવવામાં આવતી. એ પક્ષીની ચાંચની ફાટ લાખ વડે ચોંટાડી દેવાતી. આમ કરવાથી ચિત્ર માટેની બેઠક ચાલે એ દરમિયાન પક્ષી આચરકૂચર ખાઈને બિમાર ન પડે એ હેતુ હતો. એ પક્ષીના પગના પંજા તીક્ષ્ણ હોય તો એને કાનસ વડે ઘસીને બુઠ્ઠા કરાતા. એ ન ફાવે તો પંજાનો ભાગ કાપીને દૂર કરાતો. આમ કરવાથી એ પક્ષી ચિત્ર માટેની બેઠક દરમિયાન ગમે ત્યાં રખડ્યા ન કરે એ આશય હતો. એ પક્ષીની પાંખ પણ બાંધી દેવામાં આવતી. નીરોના હૃદયમાં એ સમયે વહેતી કરુણાની માત્રા અનુસાર પાંખ બાંધવા માટેની સામગ્રી વપરાતી. કરુણાનો પ્રકોપ વધુ હોય તો પાંખો સોનાના તાર વડે બંધાતી. આ પ્રકોપ સામાન્ય હોય તો લોઢાના તાર વપરાતા. અન્ય પરિસ્થિતિમાં પાંખની ટોચનો એટલો ભાગ કાપી નાખવામાં આવતો. જે પક્ષીને નીરોના ખભા પર કે હાથ પર બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તેના પ્રત્યે નીરો અત્યંત કરુણા દાખવતો. તેને બ્રેડના ટુકડા નાખતો, કે શેરડી જેવો
અન્ય આહાર ધરતો. આ જોઈને નીરોનું ચિત્ર બનાવનાર ચિત્રકારના મોંમાથી પણ ઉદ્ગાર સરી પડતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' એમ કહી શકાય કે આ પક્ષીનું ભાગ્ય પલટાઈ જતું. કેમ કે, ચિત્ર પૂરું થાય એ પછી રાતે જ એ પક્ષીને શાહી રસોડે મોકલી આપવામાં આવતું. એનાથી બે ફાયદા થતા. એ પક્ષીને મોક્ષ પ્રાપ્ત થતો, અને શાહી પરિવારને સ્વાદિષ્ટ ભોજન મળતું.


નીરોના અભિવાદન માટે વપરાતું વાક્ય 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' ધીમે ધીમે એટલું પ્રચલિત બન્યું કે રોમનો આમ વ્યવહારમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા.
કહેવાય છે કે નીરો પર હુમલો કરવાના કાવતરા માટે પીસો પકડાયો ત્યારે તેને ઘેર તલવાર સાથે ધસી ગયેલા સૈનિકોએ પણ તલવારની અણીએ પીસોને પૂછેલું, 'આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' પીસો શી રીતે કહી શકે કે પોતાનામાં વહી રહેલી કરુણાના ઝરણાનું ઉદ્ગમસ્થાન નીરોના હૃદયમાં રહેલા કરુણાના ધોધમાં રહેલું છે!
આમ, નીરો પોતાના શાસનકાળ દરમિયાન પશુપક્ષીપ્રેમી સમ્રાટ તરીકે પણ ખ્યાતિ પામ્યો. એના મૂળમાં તેના હૃદયમાં વહેતો કરુણાનો અખૂટ ધોધ હતો.

No comments:

Post a Comment