-ઈશાન ભાવસાર
(અમદાવાદ રહેતો મિત્ર ઈશાન ભાવસાર આ બ્લોગ પર પોતાના વિશિષ્ટ અનુભવો વહેંચતો રહ્યો છે. આ વખતે તે વર્ણવે છે અમદાવાદના દિલ્હી દરવાજાથી ઇન્કમટેક્સ સુધીની તેની આ પગપાળા સફરમાં અસલ અમદાવાદ ધબકતું દેખાય છે.)
એક અધ્યાપક તરીકે મને ઘણી વાર ચિંતા થાય કે શું
મારી જીવનલીલા DA, HRA,CPF,
PPF, LIC, Mutual Fund, increment, grade pay વગેરેમાં જ અટવાઈને સંંકેલાઈ જશે? વર્ગખંડની ચાર
દિવાલો મને હંમેશા જ્ઞાનને રૂંધનારી અને જ્ઞાનની અસીમતાને સિમિતતામાં કેદ કરી
દેનારી લાગી છે. સિલેબસ, લેસન પ્લાનિંગ, લેક્ચર, મધ્ય સત્ર અને સત્રાંત પરીક્ષાઓ
અને એનાં પરિણામો – ઘણીવાર આ બધું તદ્દન યાંત્રિક ઢબે
થઇ રહ્યું હોય એમ લાગે, જ્યાં વિદ્યાર્થી કે શિક્ષકની મૌલિકતાને કે નોખી
વિચારસરણીને અવકાશ ન હોય. આપણને બધું એક સમાન ખપે – એક સમાન અને મધ્યમ
કોટિનું...સિસ્ટમને mediocre માણસોનો ખપ છે, જે સિસ્ટમે સોંપેલું કામ
ચૂપચાપ કર્યા કરે, સિસ્ટમથી ડરી ડરીને ચાલે અને સિસ્ટમ સામે સવાલો તો ભૂલેચૂકે ય
ન ઉઠાવે. Mediocrity આજનો મહારોગ છે અને સંવેદનશીલ માણસે એનાથી સતત
બચતા રહેવાનું છે. પણ તકલીફ એ છે કે આ રોગની કોઈ રસી નથી. અને તેના રોગીઓ એ હદે બહુમતિમાં છે કે સ્વસ્થ માણસોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ આવે.
બસ કંઇક આવા જ વિચારોથી ઘેરાયેલો હું એ દિવસે
સવારે બાઈક લઈને નીકળ્યો. ચેટીચંડની રજા હતી અને ઘણા સમયથી બાઈકને સર્વિસ
કરાવવાની હતી. અમારાં અબ્બાસભાઈ ટૂ-વ્હીલર રીપેરીંગ અને સર્વિસિંગના ‘જુના અને
જાણીતા’ કારીગર. વર્ષોથી ફક્ત એમની પાસે જ બાઈક સર્વિસ માટે આપતો હોઉં છું.
અમારાં સંબંધો પણ મિકેનિક-ગ્રાહક પૂરતા જ સિમિત નહિ. છ-મહિને કે વર્ષે એમની પાસે
રીપેરીંગ કરાવવા જવાનું થાય ત્યારે ખાલી હાથે કોઈ દિવસ નહિ જવાનું. એમનાં બાળકો માટે
બિસ્કીટ કે મીઠાઈ તો લેતાં જ જવાનું. બીજા મિકેનિકસ્ તો કદાચ જરૂર ન હોય તો ય
નવાં પાર્ટસનો ખર્ચો કરાવી ગ્રાહકના પાકીટમાં પંક્ચર પાડતા હશે જયારે અબ્બાસભાઈની
ફિલોસોફી ‘ચાલે ત્યાં સુધી ચલાવો’ ની! બને ત્યાં સુધી નવો પાર્ટ નાખે નહિ પણ
જે તે પાર્ટ ફર્સ્ટ ક્લાસ રીતે રીપેર કરી આપે. ને લેબરચાર્જ એકદમ વાજબી...કેટલીક વાર તો ચોકસાઈ કરવા પૂછવું પડે કે તમે લેબરચાર્જ લીધો તો છે ને?
**** **** ****
એ દિવસે સવારે દસેક વાગે ઘરેથી નીકળ્યો.
જે ઓટો પાર્ટસની દુકાનમાં એ કામ કરતા એ દિલ્હી દરવાજા પાસે આવેલી. ગાંધીબ્રીજ
વીંધીને દિલ્હી દરવાજા પહોંચ્યો ત્યાં મારી જમણી આંખ અનાયાસે ફરકવા માંડી. આંખના
ફરકવાથી મને યાદ આવ્યું કે અહીં માધુપુરા બાજુ જ તો ‘ફરકી’ની દુકાન છે.
‘ફરકી’ નામ પડતાં જ એની પ્રખ્યાત માખણીયા લસ્સી મારી આંખ આગળ તરવરવા માંડી...અથવા તો
હું માખણનાં લચકાની જેમ એમાં ડૂબવા માંડ્યો! અને મારું બાઈક ટ્રાફિક સિગ્નલની તમા
કર્યા વગર ડાબી બાજુએ વળી ગયું. હઠીસિંહના દેરાની નજીક આવેલી ‘ફરકી’ શોપની બહાર
બાઈક ઉભું રાખ્યું. આમ આવી રીતે ‘ફરકી’ પર લસ્સી પીવા આવવાનો અને તે ય એકલા પીવાનો પ્રસંગ મારે માટે પહેલો હતો એટલે ઉત્તેજના કેવી હોય એ સમજી શકાશે! બાઈક પાર્ક કરીને પહેલું કામ મેં દુકાનને બહારથી અવલોકવાનું કર્યું.
વિશાળ કદનાં હોર્ડીંગ્સ પર ‘ફરકી’નાં
ઉત્પાદનોની રંગબેરંગી ચિત્રાવલીઓ દુકાન આગળથી જતાઆવતા રાહદારીઓને અપ્સરાની જેમ
આકર્ષી રહી હતી. આંખને ઠંડક પહોંચાડે એવાં આકર્ષણને ઘડીક માણીને હું કાઉન્ટર
પર ગયો. અને નક્કી કરેલું એમ માખણીયા લસ્સીનો જ ઓર્ડર આપ્યો. આહા! લસ્સીના કપનું
કવર અનાવૃત કરો અને કેસર ફ્લેવરની મધુર લસ્સીમાં મારો માખણીયો ભૂસકો! લસ્સીના સબડકા બોલાવવા સહેલા, પણ એમાં મોજથી ડૂબેલાં મગરમચ્છરૂપી માખણનું જોર ભારે! માખણનો
એ ટુકડો હૈદરાબાદના નિઝામની જેમ છેવટ સુધી અડીખમ રહે અને ચમચીના પ્રહાર સામે
એ મગરમચ્છ મચક આપતો નથી! આવી સ્થિતિ એટલે કટોકટીકાળ જ જોઈ લો. વિપક્ષ જ ન હોય
તો લોકશાહીને શું ધોઈ પીવાની! એમ પ્રવાહી લસ્સી જ પુરી થઇ જાય તો એ માખણીયા ઘન ટુકડાનું
શું કરવાનું? સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને સમરસ થવા જોઈએ તો જ લોકશાહીનો ખરો સ્વાદ
આવે એમ માખણનાં ઘન ટુકડાને લસ્સીમાં સમરસ કરવો જ રહ્યો. અને આવું કાર્ય
કેટલાક વિરલાઓ જ કરી શકતા હોય છે! આ બાબતમાં હું તો હજુ ‘એમેચ્યોર’ ગણાઉં!
ખેર, લસ્સી પીને હું ગેરેજ પર જવા નીકળ્યો. ‘ભારત
કૃષ્ણા બેકરી’ની લાઈનમાં અબ્બાસભાઈનું ગેરેજ આવેલું છે. ગેરેજ એટલે ઓટો પાર્ટસની દુકાનનો ઓટલો! અબ્બાસભાઈ પાસે જઈએ એટલે પહેલાં તો મીઠો આવકાર મળે અને
ઔપચારિક વાતો થાય. BRTSની મિક્સ ટ્રાફિકથી ધમધમતી રેલીંગ વટાવીને સામે
જઈને મારે માટે ચા લઇ આવ્યા. ચા પીધા પછી બાઈક સર્વિસમાં મુકી જાઉં છું એવું
કહ્યું એટલે તરત કહે, “મારું એક્ટીવા લેતા જાઓ. સાંજે પાછું લેતા આવજો.” મેં
કહ્યું, “ના...મારે એક્ટીવાની જરૂર નથી.” તો એ ચિંતામાં પડ્યા, “કેવી રીતે જશો?”
મારો જવાબ: “રીક્ષા છે, આ લાલ બસ છે...BRTS પણ
છે.” તો પણ એમણે આગ્રહ રાખ્યો કે રીક્ષા
કે બસભાડાં ખર્ચવા કરતાં એમનું એક્ટીવા લઈ જાઉં. એટલે મારે કહેવું પડ્યું, “કોઈક
દિવસ તો અમને બસમાં ફરવા દો. અને ઘરે તો બીજું વાહન છે જ. એટલે, તમે ફિકર ના કરો.”
અને આમ, બાઈકની યોગ્ય મરમ્મત અને ઓઈલ બદલવા અંગેની સૂચનાઓ આપીને હું ચાલ્યો.
ચાલતો જ ગયો!
સામે BRTSનું બસ-સ્ટેન્ડ હતું પણ બસમાં બેસવાનું મન ન
થયું. વિમલ-ભારત કૃષ્ણા-એમ્પાયર જેવી જાણીતી બેકરીઓની દુકાનો વટાવીને દિલ્હી
દરવાજા પહોંચ્યો. દિલ્હી ભણી તાકી રહેલા ખખડધજ પણ અડીખમ દરવાજાઓ સામું જોઈને મનોમન સલામ કરી ઝેબ્રા ક્રોસિંગ વટાવી નાખ્યું
ત્યાં તો સીઝનલ સ્ટોર્સની હારમાળા શરુ થઇ. આ સીઝનલ સ્ટોર્સનાં કોમ્બીનેશન બહુ
જોરદાર હોય છે! ક્યાં એકબાજુ ટોપલીઓમાં ગોઠવાયેલા નિર્દોષ ફળફળાદિ અને ક્યાં
બીજીબાજુ વાયુ અને અવાજનું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા. ફટાકડાનાં બોક્સ પર હિન્દી
સિનેમાની અભિનેત્રીઓનાં વિશિષ્ટ અદાઓમાં ચિત્રો જોવાં મળતા હતા. આગળ જતાં સીંગ-ચણાના સ્ટોર્સ વટાવી
શાહપુર દરવાજા બાજુ આગળ વધ્યો. મુખ્ય રસ્તા અને ડીવાઈડરની વચ્ચેનાં ખાસ્સા લાંબા
પેસેજમાં ઉદ્યાન બનાવવામાં આવેલો છે જેમાં
બાળબચ્ચાંઓ અને કિશોરોની ટોળી વિવિધ રમતો રમતાં વેકેશનનો આનંદ માણી રહી હતી. બીજા કેટલાક ‘રખડુ’ છોકરાઓ સાયકલો લઈને નીકળી પડ્યા હતા. ‘કુવાવાળી પોળ’ની બહાર એક
સેકન્ડ-હેન્ડ પુસ્તકો વેચવાવાળો એનો અસબાબ ફૂટપાથ પર પાથરીને બેઠો હતો. પુસ્તકો
જોઈને મારું મન લલચાય નહિ એ બને! જોયા. પણ કંઈ ખરીદવા લાયક દેખાયું
નહિ ત્યાં તો અનાયાસે એક પુસ્તક પર નજર પડી. એ પુસ્તક હતું: MAD In Orbit. હાસ્ય-કટાક્ષની
દુનિયામાં કાતિલપણે જગમશહુર એવાં અમેરિકાના ‘મેડ’ મેગેઝીનનું આ સ્પેશિયલ પ્રકાશન
હતું. ‘મેડ’ મેગેઝીનનો બીરેનભાઈ અને ઉર્વીશભાઈએ પહેલાં પરિચય અને પછી પ્રેમ કરાવેલો
હતો. એટલે આવું કંઇક દેખાય તો આંખ મીચીને લઇ જ લેવાનું હોય. લઇને ખુશ થતો આગળ
ચાલ્યો.
સિક્કાનો શિકાર |
સિક્કા માટે ઉદ્યમ કરતા ભગવાન |
શાહપુર દરવાજાવાળા ચાર રસ્તા વટાવ્યા ત્યાં મુતરડીની વાસથી માથું ફાટી ગયું. મ્યુનીસીપલ શાળાની આગળ જ મુતરડી. મોંએ રૂમાલ
દબાવી ઝટપટ ત્યાંથી પગ ઉપડ્યા તો આવ્યાં શંકરભુવનનાં છાપરાં. રસ્તાની કોરે
કતારબદ્ધ ફર્નીચરની દુકાનો. અલગ અલગ આકાર-પ્રકારના હિંડોળા દેખાય. અને રસ્તા પર
ઈલેક્ટ્રીકલના ભંગારની લારીઓ – ટેલીફોનના ડબ્બાઓ, ટીવી સેટ્સ, ટ્રાન્ઝીસ્ટર્સ, લેમ્પ
અને બેટરીઓ જેવી આઇટમ્સ. ચાલતાં ચાલતાં ગાંધીબ્રીજ પણ આવી ગયો એમ વિચારતો બ્રીજ
પરથી ચાલતો જતો હતો હતો ત્યાં એક ઘડા પર મારી નજર પડી. વપરાઈ ગયેલી પૂજાસામગ્રી
કહેતાં નિર્માલ્યને નદીમાં ન નાખતાં એના કલેક્શન માટે બ્રીજ પર એક મોટો નિર્માલ્ય
ઘડો મુકવામાં આવ્યો હતો. એ ઘડો વટાવીને આગળ
વધ્યો ત્યાં જિંથરીયા વાળવાળા એક ભાઈ નજરે પડ્યા. બ્રીજ પરથી એમણે નીચે સાબરમતીમાં
દોરડું સરકાવેલું હતું. મેં નદીમાં ડોકિયું કર્યું. દોરડાનો એક છેડો નદીમાં ડૂબેલો
હતો અને બીજો છેડો એમના હાથે બાંધેલો હતો. એ ભાઈની પાસેથી પસાર થતાં મેં અમસ્તું
જ પૂછ્યું: “માછલી પકડો છો, ભાઈ?” તો એમણે કહ્યું, “ ના! એવું પાપ હું નથી કરતો.”
એમના જવાબથી નવાઈ પામીને મેં પૂછ્યું, “તો શું કરો છો?” આ પ્રશ્નનો એમણે જે જવાબ આપ્યો એનાથી મારી
જિજ્ઞાસા રીતસર ભડકી ઉઠી. એમણે કહ્યું, “ સિક્કા કાઢું છું!” “શું કહ્યું? સિક્કાઆઆઆ...?” આશ્ચર્યથી હું લગભગ કૂદી પડ્યો.
બોલ તેરી તકદીર મેં ક્યા હૈ? |
આ ભાઈએ દોરડું ખેંચવા માંડ્યું. દોરડા સાથે
બંધાયેલાં ધાતુના ચોરસ ટુકડા પર નદીના તળિયાનો કદડો અને સાથે ચમકીલા બે સિક્કાઓ
પણ ચોંટેલા હતાં. સિક્કાઓ કાઢીને એમણે ગાંધીબ્રીજની પાળે ઘસી નાખ્યા એટલે એકદમ
કોરાકટ થઇ ગયા. તેમણે એ ખિસ્સામાં સરકાવી દીધાં! “ ચુંબક છે?” ખબર હોવાં છતાં ય મેં સવાલ પૂછ્યો. “હા, જુઓ.”
એમ કહીને એમણે મારાં હાથમાં ‘ચુંબકીયો ગલ’ થમાવ્યો. “ખેંચતી વખતે સિક્કા પડી જાય
તો?” એવું પૂછ્યું તો એમણે “આમ જુઓ” કહીને
ચુંબકીયો ગલ ગાંધીબ્રીજની પાળ પરની લોખંડની ચીપ સાથે ચોંટાડયો અને એનું દોરડું
મારા હાથમાં પકડાવીને કહ્યું, “હવે ખેંચો.” મેં દોરડું ખેંચ્યું તો જોયું કે
ચુંબક અતિશય જોરાવર હતું અને ચીપ પરથી સહેજે ચસકવા તૈયાર નહોતું! એ ભાઈએ
ચુંબકને હાથ વડે ચીપથી દૂર કરીને મારી સામું ‘વિનિંગ સ્માઈલ’ આપ્યું. પછી હવામાં
ઘૂમરી ખવડાવીને ચુંબકીયો ગલ એમણે ફરી પાણીમાં નાખ્યો અને તળીયે જવા દીધો પછી મને
કહે, “ તમારે કાઢી જોવાં છે સિક્કા?” અમદાવાદી એવો હું આવી બાબતમાં ના પાડું કે?
“લાવો ત્યારે” કહીને મેં દોરડું હાથમાં લીધું.
સિક્કાની સાધનાની તૈયારી |
“આમ બ્રીજ પર હળવે હળવે આગળ વધતા રહો.” મુજ
શિખાઉને સૂચના મળી. “શું નામ તમારું?” મેં વચ્ચે પૂછ્યું. “ ભગવાનભાઈ.” જવાબ
મળ્યો. બ્રીજ પર બીજાં બે-ત્રણ લોકો પણ
કુતૂહલવશ અમારી પાસે આવી ગયાં. “ધીમે ધીમે દોરડું ખેંચો. જોઈએ તમારા નસીબમાં શું છે.” બીજી સૂચના આવી અને એ પ્રમાણે હું દોરડું ખેંચવા લાગ્યો. જોડે
જોડે તેઓ યોગ્ય ‘ઇનપુટસ્’ આપતા હતા અને અમારી વાતચીતનો દોર પણ સમાંતરે ચાલુ હતો:
“ આ દોરડું છે ને...એ કોઈ ડૂબતો માણસ પકડી લે ને...તો બચી જાય...” “ એ રીતે તમે
કોઈને બચાયેલા છે?” “ હા.” “કેટલાં ને?” “ઘણાય ને!” “ત્યાં પેલા કિનારે તરાપો
દેખાય છે?” “હા.” “ એ તરાપો લઈને ડૂબતા માણસ સુધી પહોંચી જઉં અને એને બચાવી લઉં.” આમ વાતો થતી હતી ત્યાં ચુંબકીયો ગલ ઉપર આવતાં
એમણે હાથમાં લઇ લીધો. “તમારાં નસીબમાં દિલ છે!” એમણે ઉત્સાહથી જાહેર કર્યું. “દિલ?”
હું છળી મર્યો! જોયું તો દિલના આકારની હેરપીન હતી. “પણ આ દિલ તો પીળું છે!
અને નીચે પેલો ખીલોય ચોંટેલો દેખાય છે. આનું શું સમજવું મારે?” ભગવાનભાઈ પણ મૂંઝાઈ
ગયા!
ચુંબકની શક્તિનો ડેમો |
એમના ફોટા હું પાડતો હતો, એ પછી એમણે કહ્યું, “લાવો તમારા પણ ફોટા પાડીએ.” એકદમ એમણે કહ્યું.
“મારા ફોટા? સારું લો... સ્ક્રીન પર ગમે ત્યાં આંગળી દબાવજો એટલે ફોટો પડી જશે.” કહીને મેં મોબાઈલમાં કેમેરા ચાલુ કરી આપ્યો.
ભગવાનભાઈએ એક-બે વાર પ્રયત્ન કર્યો પણ ફોટો ન પડ્યો એટલે ‘ઓડિયન્સ’ માંથી પેડલરીક્ષા
ચાલક એક ભાઈ આગળ આવ્યા અને એમણે ફોટો પાડી આપ્યો. આ ભાઈ શંકરભુવનના છાપરામાં ભગવાનભાઈના પડોશી હતાં. નરેશ એનું નામ. “સિક્કા સિવાય ક્યારેક બીજું કંઈ મળે
કે? વીંટી કે એવું?” “કોઈક વાર નંગ મળી આવે. આવજો મારે ઘેર.બતાવીશ તમને.” એમણે આમંત્રણ પણ આપી દીધું. “તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો?” મેં પૂછ્યું તો નરેશભાઈ
કહે “મારો નંબર લઇ લો.” નરેશભાઈનો નંબર લીધો. પછી ભગવાનભાઈ પાછા ગલ લઈને કામે
વળગ્યા. એમના ‘કામ’નું ડોક્યુમેન્ટેશન કરીને મેં ‘સાબરમતીના સિક્કાબાજ’ની વિદાય
લીધી. ઇન્કમટેક્સથી રીક્ષા પકડીને સીધો ઘરે આવ્યો. મનમાં કેટલાક પ્રશ્નો થઇ
રહ્યાં હતા: મેં દિલ્હી દરવાજાથી જ બસ કે રીક્ષા પકડી લીધી હોત તો મને ‘ભગવાન’નો
ભેટો થાત? જો કોઈ મિત્રને લઈને બાઈક સર્વિસમાં આપવાં ગયો હોત તો મેં જે પગપાળા
સફર કરી એ સફર અમે કરી હોત? ભગવાનભાઈને મળીને એવું લાગ્યું કે જાણે હું
ઇંગ્લેન્ડના ખ્યાતનામ લેખક ચાર્લ્સ ડિકન્સની નવલકથાનાં કોઈ પાત્રને મળી રહ્યો
હોઉં!
એક મંદિરમાં બેઠેલો નિર્જીવ ભગવાન છે જેને લોકો
સામે ચાલીને અઢળક સિક્કાઓ ધરી જાય છે અને એક આ જીવતોજાગતો ભગવાન છે જેણે થોડાક સિક્કા
મેળવવા માટે ભરતડકામાં કાળી મજૂરી કરવી પડે છે...
સિક્કાઓનો ખેલ, બીજું શું?
બહુ રસપ્રદ છે. ઈશાનને અભિનંદન
ReplyDeleteઆજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં દરરોજ દિવસમાં બે વાર બસમાં ઑફિસ આવતાં જતાં આ જ રૂટ પરથી પસાર થવાનું થતું એ યાદો નજર સામે આવી ગઈ. તે પછીથી દિલ્હી દરવાજાથી ગાંધી બ્રીજની સફર કારમાંથી કરવાનું બનવાને કારણે આ રૂટ આટલો નજદીલથી જોવાની તક નથી મળતી, તે આજે ઈશાનભાઈએ પૂરી પાડી દીધી.
ReplyDeleteઇશાન ભાઈ ,
ReplyDeleteતમારી પદયાત્રા સુખદ રહી,ઘણું સરસ વર્ણન કર્યું છે.
એ જે કિલો દોઢ કિલોમીટરને રસ્તે ચાલતા ચાલતા કેમેરામાં કંડારવા જેવા ઘણા દ્રશ્યો જોવા મળશે એ મારો જાત અનુભવ છે.
લાલચ વશ મિત્રો માટે થોડાક મોકલુ છું.
દાદુ ન્યુ જર્સી.
સરસ પદયાત્રા.
ReplyDelete