રવિવાર, 15 ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યે નવજીવન, અમદાવાદમાં 'નવજીવન ટૉક્સ' અંતર્ગત ગાંધીજીનાં વ્યંગ્યચિત્રોની રજૂઆતનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનું શિર્ષક હતું 'Gandhi: Between the lines (વ્યંગ્યચિત્રોમાં ગાંધી)'. આ પ્રકારનો કાર્યક્રમ પહેલવહેલી વાર મેં 2016માં કરેલો. અગાઉ આવો કોઈ કાર્યક્રમ થયેલો ધ્યાનમાં ન હોવાથી તેનું માળખું પણ જાતે જ બનાવેલું અને એ વખતે એક ભાવકની દૃષ્ટિએ વિચારીને એ બનાવેલું. ત્યારથી લઈને આજ સુધીના અનેક કાર્યક્રમોમાં એ મૂળભૂત માળખું એમનું એમ રહ્યું છે. અંદરની સામગ્રીમાં સ્થળ અને શ્રોતાઓ મુજબ ફેરફાર થતા રહે એ વાત અલગ છે.
કાર્ટૂનનાં પુસ્તકોની પહેલવહેલી ખરીદી 1988-89 આસપાસ કરેલી, જેમાં બે મુખ્ય હતાં. એક અબુ અબ્રાહમ દ્વારા સંપાદિત 'ધ ઈન્ડિયન બુક ઓફ કાર્ટૂન્સ' અને બીજી દુર્ગાદાસ સંપાદિત 'ગાંધી ઈન કાર્ટૂન્સ'. યાદ છે ત્યાં સુધી આ બન્ને પુસ્તકો અમદાવાદ રેલ્વે સ્ટેશનના બુકસ્ટોલ પરથી ખરીદેલા. 'ગાંધી ઈન કાર્ટૂન્સ' એક અદભુત પુસ્તક છે, જેમાં ગાંધીજીના હયાતિના ગાળા દરમિયાન પ્રકાશિત વિવિધ કાર્ટૂનોનો સંચય છે. મારા કાર્યક્રમના એક હિસ્સામાં હું જે કાર્ટૂનનો ઉપયોગ કરું છું તેમાં આ પુસ્તકમાંથી કાર્ટૂનની પસંદગી કરું છું. પણ આ વખતે વિચાર્યું કે એ પુસ્તકમાંથી એકાદ બે કાર્ટૂન જ લેવાં અને એ વિભાગ માટે થોડાં નવાં કાર્ટૂન સામેલ કરવાં. સાથોસાથ પશ્ચિમી જગતના કાર્ટૂનિસ્ટો ગાંધીજીને એ સમયે શી રીતે જોતા એ પણ બતાવવું હતું.
કાર્યક્રમની જાહેરાત માટે મેં અમુક કાર્ટૂનો રામ મોરીને મોકલ્યાં, પણ તેમણે જે પોસ્ટર બનાવડાવીને મોકલ્યું એ એવું મજાનું હતું કે પછી બીજો વિચાર કરવાનો આવ્યો જ નહીં. ભાઈ ભૌમિક સુથારે એવું કેરિકેચર બનાવેલું કે જેમાં મારા ખભે હાથ મૂકીને ગાંધીજી ઊભેલા હોય. આમાં મારી આકૃતિ પ્રમાણમાં મોટી અને ગાંધીજી સહેજ નાના હતા. સ્વાભાવિકપણે જ ગાંધીપ્રેમી હોય એમને આ અજુગતું લાગે કે મારી આકૃતિ ગાંધીજી કરતાં મોટી કેમ! પણ આ કેરિકેચર બરાબર જોઈએ અને ઊપક્રમ વિશે જાણીએ તો આનો ખુલાસો મળી જાય. કાર્યક્રમની રજૂઆત હું કરવાનો છું એટલે કેરિકેચર મારું મૂકાય, કે જેમ અન્ય વક્તાઓના કાર્યક્રમમાં એમની તસવીર હોય છે. એટલે જાણે કે હું ફોટો પડાવવા બેઠો હોઉં એવું કેરિકેચર, અને ગાંધીજી જાણે કે મારી મસ્તી કરતા હોય એમ પાછળથી આવીને મારા ખભે હાથ મૂકીને ઊભા રહી ગયા હોય એવી એમની મુદ્રા. એટલે આનાથી કાર્યક્રમમાં રહેલી મસ્તીનો આંતરપ્રવાહ છતો થઈ જાય અને એ અંદાજ મળી રહે કે કાર્યક્રમ હળવાશયુક્ત હશે.
ખેર! નવજીવનના સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ વાત કરવાની બહુ મજા આવી. આરંભ રામ મોરીએ કર્યા પછી બહુ ઝડપથી તેમણે મને સુકાન સોંપી દીધું. એક પછી એક વિભાગ અને એના મુજબ કાર્ટૂનોની રજૂઆત, સાથોસાથ એનો સંદર્ભ તેમજ દૃશ્યકળાનાં પરિમાણોની પણ વાત થતી રહી.
છેલ્લે સવાલજવાબનો ઉપક્રમ પણ મજાનો રહ્યો. સવાલજવાબ પછી હળવામળવાનું ચાલ્યું. એકંદરે ગાંધીજીના સાન્નિધ્યમાં એક મજાની સાંજ ગાળવાનો આનંદ આવ્યો.
આ કાર્યક્રમ માટે સંયોજન કરનાર રામ મોરી, કેરિકેચર બનાવનાર ભૌમિક સુથાર, સંકલન માટે મિલન ઠક્કર, તસવીરો અને વિડીયોગ્રાફી માટે કેયુર ભટ્ટ- મન્વિતા, વિજય પરમાર અને આ ઊપક્રમના યજમાન સદાના મિત્ર એવા વિવેક દેસાઈ- શિલ્પાબહેન સૌનો આભાર.
No comments:
Post a Comment