ભૂપેન ખખ્ખરની જીવનકથાનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછીના દસ મહિનામાં યોજાયેલો છઠ્ઠો વાર્તાલાપ એટલે કલાભવન, ભાવનગર ખાતે 28 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત કાર્યક્રમ. આ છ પૈકીના ચાર કાર્યક્રમ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ યોજાયા છે. (વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર) અહીં શ્રી શૈલેષભાઈ ડાભી સાથે અમારો સંપર્ક સ્થપાયેલો. ભાવનગર પહોંચીને ગુજરાતી ભવન પર વાર્તાલાપ પછી અમે કલાભવન તરફ ઊપડ્યા. સાથે વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની પણ હતા. તેઓ અમને કલાભવન લઈ આવ્યા અને શૈલેષભાઈએ અમને ઊમળકાભેર આવકાર્યા. તેઓ વિદ્યાનગરની કોલેજમાંથી ફાઈન આર્ટ્સ ભણેલા છે. થોડી વાત આ અભ્યાસક્રમ વિશે થઈ અને પછી અમે કાર્યક્રમ યોજાયેલો એ હોલ તરફ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં પણ ઘણી વાતો થઈ. હોલ પર વડીલમિત્ર વિનોદભાઈ વ્યાસ આવી ગયેલા. તેમને મળીને ઘણો આનંદ થયો. ચા પીતાં પીતાં અમારા સમાન રસની- જૂના ફિલ્મસંગીતની વાતો ચાલી. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં. મહેન્દ્રસિંહ પરમાર પણ અહીં ઉપસ્થિત હતા. કાર્યક્રમ આરંભાયો.
 |
(ડાબેથી) શ્રી ગાયજનસાહેબ, બીરેન કોઠારી અને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર |
વિશાળ ઈટાળિયાએ આરંભ કર્યા પછી મારે ભૂપેન ખખ્ખર વિશે, તેમજ પુસ્તકના લેખનની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. વાતો તો ઘણી હોય, પણ સમય અને શ્રોતાવર્ગને અનુરૂપ ચૂંટેલી વાત કરવી જરૂરી છે. ભૂપેનનાં ચિત્રો, તેમના જીવન, તેમનાં લખાણો, અમરીશભાઈ સાથેની મુલાકાત, પુસ્તકના આલેખનના તબક્કા એ બધા વિશે થોડી થોડી વાત કરી. આલેખનમાં નવ વરસ જેટલો લાંબો સમય કેમ લાગ્યો એ પણ જણાવ્યું. આ પુસ્તકમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ભાવનગરના જ ઉષાકાન્ત મહેતાને યાદ કર્યા.
મારી વાત પછી અમરીશભાઈએ બોલવાનું હતું. તેમણે આ પુસ્તક શા માટે લખાવડાવ્યું એની સંવેદનભીની વાત કરી અને જણાવ્યું કે પોતાના પિતા અને ભૂપેનકાકાની મૈત્રીના તર્પણરૂપે આ પુસ્તકનું આલેખન કરાવડાવ્યું છે.
સૌથી છેલ્લે એમ.બી.ગાયજનસાહેબે આભારવિધિ કરી અને આ ઉપક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પછી હળવામળવાનો દોર ચાલ્યો. નીકળતાં અમારી ઈચ્છા ઉષાકાન્તભાઈને ઘેર મળવા જવાની હતી. એટલે વિશાલ ઈટાળિયા, અક્ષર જાની અને ભાવેશ ચૌહાણ અમને ત્યાં લઈ ગયા. એક અરસામાં ઉષાકાન્તભાઈ સાથે ફોન પર વાતો થતી, પણ ઘણા સમયથી સંપર્ક રહ્યો નહોતો. તેમને ઘેર વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. ઉષાકાન્તભાઈ સાથે વાતો નીકળે એટલે એક વિષયની ગલીમાંથી બીજા વિષયની ગલીમાં ક્યારે પ્રવેશી જવાય એનો ખ્યાલ જ ન આવે. અમે નીકળ્યા ત્યારે તેઓ અમને બહાર સુધી મૂકવા આવ્યા તો ત્યાં ઊભા ઊભા પણ પંદરેક મિનીટ વાતો કરી.
 |
| ઉષાકાન્તભાઈ મહેતા સાથે એમના નિવાસસ્થાને |
 |
ઉષાકાન્તભાઈ સાથે (ડાબેથી) ભાવેશ ચૌહાણ, વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની |
એ પછી તેમની વિદાય લઈને અમે છૂટા પડ્યા. ભાવેશ, વિશાલ અને અક્ષરનો આભાર માનીને અમે વડોદરા પરત આવવા નીકળ્યા. આખો દિવસ બહુ સરસ રીતે, સરસ વ્યક્તિઓ વચ્ચે, સરસ વાતો થકી પસાર થયો, જેની સ્મૃતિ ઘણા લાંબા સમય સુધી મનમાં તાજી રહેશે.
(તસવીર સૌજન્ય: વિશાલ ઈટાળિયા)
No comments:
Post a Comment