Monday, June 16, 2025

મૂંઝવણ અને ઊકેલ

ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

ભૂપેનના મિત્ર અને મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ એક મુદ્દે ભૂપેનને પૂછેલું, 'લોકો તમને શી રીતે યાદ રાખે તો ગમે? એવા ચિત્રકાર તરીકે કે જે સજાતીય સંબંધ ધરાવતો હતો? કે એવી સજાતીય વ્યક્તિ તરીકે કે જે ચિત્રકાર હતી?' આમ તો આ સંવાદ થયેલો નૌશિલભાઈ અને ભૂપેન વચ્ચે, પણ મને એમાં મારો માર્ગ દેખાયો.
મારે ભૂપેનની જીવનકથાનું આલેખન તો એક ચિત્રકાર તરીકે કરવાનું હતું. એમાં વ્યક્તિ તરીકેની વાત આવે, પણ પૃષ્ઠભૂમિમાં, અને એય એ વિષયે દોરેલાં તેમનાં ચિત્રોને સમજવા માટે. બીજી વાત એ કે ભૂપેનની બિનહયાતિમાં એ વિશે કોણ અધિકૃત રીતે કહી શકે? શું કામ કહે? કેટલું કહે? એટલે મેં મુખ્ય આધાર ભૂપેનનાં પોતાનાં લખાણોનો લીધો, અને કેટલોક આધાર (ગુલામમોહમ્મદ) શેખસાહેબનાં લખાણનો, જે એમની ખૂબ નજીક હતા. આ બાબતને આલેખતું અલાયદું પ્રકરણ 'ગુપ્ત વલણની ઘોષણા' લખ્યું. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું કે એમાં મારા કોઈ અંગત ગમા-અણગમાનો અંશ માત્ર ઝળકવો ન જોઈએ. એ શક્ય એટલું હેતુલક્ષિતાથી આલેખાયેલું હોવું જોઈએ.
એ પ્રકરણ કેવું લખાયું એ વાંચનારે નક્કી કરવાનું છે, પણ એ લખવા પાછળનો મારો અભિગમ આ હતો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)

No comments:

Post a Comment