Friday, May 13, 2022

વિપુલ રાવલ એટલે...

 મિત્ર વિપુલ રાવલનો આજે જન્મદિન છે. અમારી ઉંમર કરતાં સહેજ જ ઓછાં વરસોથી અમે એકમેકના પરિચયમાં છીએ, મિત્રો છીએ. બાળપણથી મૈત્રી હોવાને કારણે અનેક ચઢાવઉતારમાં અમે સાથે રહ્યા છીએ. દરેક વખતે પ્રત્યક્ષ રીતે સાથે ન હોઈએ—ઘણી વાર તો, એકબીજાની કામગીરી વિશે ઝાઝી ખબર પણ ન હોય, છતાં મૈત્રીનાં મૂળીયાં એટલાં ઊંડાં ઉતરેલાં છે કે એકબીજાની સિદ્ધિમાં પણ ભાગીદારીનો અનુભવ થાય.

વિપુલ રાવલ 

અગાઉ હું લખી ચૂક્યો છું એમ શાળાકાળના દસેક મિત્રોનું અમારું જૂથ નામે ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ (આઈ.વાય.સી.) હજી સુધી ટકી રહ્યું છે અને હવે અમારાં સંતાનો સુધી વિસ્તર્યું છે. આ નામકરણ અને જૂથનો જન્મ વિપુલને ઘેર થયેલો. મહેમદાવાદની નારાયણ સોસાયટીમાં આવેલો 17 નંબરનો બંગલો એટલે અમે સૌ મિત્રોની નિયમિત બેઠક.

17, નારાયણ સોસાયટી, મહેમદાવાદ એટલે અમારો અડ્ડો 

રોજ સાંજે જમ્યા પછી ત્યાં જવાનો નિત્યક્રમ. જેમ જેમ મિત્રોનું લગ્ન થતું ગયું એમ સાથે આવનારની સંખ્યા વધતી ચાલી,મિત્રો બહાર સ્થાયી થયા તેમ સંખ્યા ઘટી પણ ખરી. છતાં અમે મહેમદાવાદમાં હોઈએ ત્યારે ત્યાં જવાનું નક્કી. વિપુલના પપ્પા-મમ્મી હર્ષદકાકા અને ઈલાકાકી તેમજ તેની બહેન મનીષા (ટીની)એ અમારા આગમનને નિત્યક્રમ તરીકે સ્વિકારી લીધેલું.

દિવાળી વખતે રાબેતા મુજબ ભેગી થયેલી મંડળી 

અમારા સૌ મિત્રોની વયનો એ કાળ એવો હતો કે અમારી ભાવિ દિશા નક્કી નહોતી. એ હજી આકાર લઈ રહી હતી. એવા સમયે 17નો એ ઓટલો અમારા અનેક તુક્કાતરંગનો સાક્ષી બન્યો હતો. વિપુલનું લગ્ન બિંદુ સાથે થયું અને 17માં બિંદુનું આગમન થયું, એ પછી તેણે પણ એ જ પરંપરાને આગળ વધારી. વિપુલ- બિંદુને ત્યાં દીકરા નીલનો જન્મ થયો અને નીલ સમજણો થયો ત્યારથી અમારા સૌ સાથે હળતોમળતો થયો.

(ડાબેથી) વિપુલ રાવલ, મનીષ શાહ (મંટુ), બીરેન,
અજય ચોકસી, ઉર્વીશ કોઠારી 

વિપુલ-બિંદુ મહેમદાવાદ છોડીને વિદ્યાનગર સ્થાયી થયાં, ત્યાર પછી તેમનો ફલેટ અમારા માટે 17ની જ વિદ્યાનગર આવૃત્તિ બની રહ્યો છે. કોઈ એકાદ જણ ક્યારેક ત્યાં રાત રોકાવા જાય તો બાકીનાઓને ફોનથી જાણ કરવામાં આવે અને એમાંથી જેટલાને ફાવે એ સૌ ત્યાં પહોંચી જ ગયા હોય. વિદ્યાનગરના એ ફ્લેટમાં 17નું વાતાવરણ જીવંત થઈ ઉઠે. બીજા દિવસે સવારે વહેલા વિપુલ અને બિંદુ બન્નેને કામે જવાનું હોય, એટલે તેઓ સૂતાં સૂતાં જાગે કે સાવ સૂઈ જાય, પણ અમારી મહેફિલ ચાલતી રહે. બીજા દિવસે એ અમારા સૌના સહારે ઘર મૂકીને નીકળી જાય, પણ કયા ડબ્બામાં કયો નાસ્તો છે એની પૂરેપૂરી માહિતી આપીને જાય. અમારામાંના ઘણા મિત્રોને વિપુલને ઘેર પિયર જેવું અનુભવાય એનું આ એક કારણ.

2021ના ડિસેમ્બરમાં વિપુલના દીકરા નીલનું લગ્ન યેશા સાથે થયું ત્યારે નીલ,વિપુલ અને બિંદુએ ખાસ અમારી મિત્રમંડળી માટે અલાયદા રહેવાની સુંદર વ્યવસ્થા કરેલી, જેથી અમે સૌ ત્રણ દિવસ નિરાંતે ભેગા રહી શકીએ અને જૂના સમયને તાજો કરી શકીએ. તેમનો આશય સંપૂર્ણપણે સફળ પણ થયો. સંતાનોનું એકબીજા સાથેનું જોડાણ પણ વધુ મજબૂત બન્યું.

વિસ્તૃત આઈ.વાય.સી. પરિવાર: 
(છેલ્લી હરોળ- ડાબેથી): નીલેશ પટેલ, મનીષ શાહ, વિપુલ રાવલ, 
ઉર્વીશ, અજય અને બીરેન (વચલી હરોળ- ડાબેથી) મીન્‍કુ પટેલ, 
યત્ના શાહ, બિંદુ રાવલ, સોનલ કોઠારી, રશ્મિકા પરીખ, કામિની કોઠારી
(અગ્ર હરોળ): જૈના અર્પ, આસ્થા, શચિ, ઈશાન 

આટલું વાંચ્યા પછી કોઈને કદાચ એમ લાગે કે આ બધું બરાબર, પણ આમાં વિપુલની વાત ક્યાં આવી? હકીકત એ છે કે આ બધામાં વિપુલ સતત હોવા છતાં તે પ્રગટપણે ક્યાંય જણાતો નથી. બસ, એ જ વિપુલ છે.

No comments:

Post a Comment