Wednesday, May 18, 2022

બે મેનેજમેન્‍ટ કથાઓ

કાગડો અને શિયાળ

એક કાગડો હતો. એ એક પૂરી લઈને આવ્યો અને એક ઝાડની ડાળી પર બેસીને ‘કા કા’ કરવા લાગ્યો. નીચે એક શિયાળ બેઠેલું હતું. તેને થયું કે આ પૂરી પોતાને મળે તો કેવું સારું? તેણે કાગડાની સામું જોઈને અભિવાદન કર્યું. કાગડાના કંઠની પ્રશંસા શી રીતે કરવી એ વિચારતો હતો એ સાથે જ કાગડાએ એક પૂરી તેને આપી અને શિયાળ કશું બોલે એ પહેલાં જ કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’

ઘડીભર શિયાળના માનવામાં ન આવ્યું. તે પૂરી ખાઈ ગયું. બીજે દિવસે પણ કાગડો પૂરી લઈને એ જ સ્થળે બેઠો. શિયાળે તેનું અભિવાદન કર્યું એ સાથે જ કાગડાએ પૂરી તેને આપી દીધી અને કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’ એ પૂરી પણ શિયાળ ખાઈ ગયું.
ત્રીજે દિવસે કાગડો નાન લઈને આવ્યો. શિયાળે તેનું અભિવાદન કર્યું. કાગડાએ પણ સામું અભિવાદન કર્યું. એ પછી તેણે નાન ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં તે આખો નાન પૂરો કરી ગયો. શિયાળને તેણે કંઈ આપ્યું નહીં. આથી શિયાળને બહુ નવાઈ લાગી. તેણે કાગડાને પૂછ્યું, ‘તમે તમારાં વખાણ કરવાની મને ના પાડી હતી અને સામેથી મને પૂરી આપી હતી. એટલે હું કંઈ ન બોલ્યો, પણ તમે આખું નાન ખાઈ ગયા. મારે જાણવું છે કે તમે આવું કેમ કર્યું?”
કાગડાએ કહ્યું, ‘મેં પૂરી માટે ખોટાં વખાણ કરવાની ના પાડી હતી. નાન માટે સાચાં વખાણ તારે કરવા જોઈએ ને!’
બોધ: કોઈ ગમે એટલું ના કહે, પણ વખાણ તો કરવા જ. કોઈનું નાન મફતમાં જોઈતું હોય અને વખાણ પણ ન કરવા હોય તો પછી પેલો ખાય અને તમારે જોયા કરવાનો વારો જ આવશે.
બોધનો બોધ: કોઈ પણ કથાને તમે 'મેનેજમેન્ટ કથા'નું લેબલ આપશો એટલે એમાંથી અર્થ લોકો જાતે શોધી લેશે.

**** **** ****

બગલો અને શિયાળ
એક બગલો હતો. એક શિયાળ હતું. બન્ને મિત્રો હતા. એક દિવસ બગલાએ શિયાળને પોતાને ઘેર ભોજન માટે આવવાનું નિમંત્રણ આપ્યું. શિયાળ હોંશે હોંશે પહોંચી ગયું. બગલાએ ખીર બનાવી હતી. તેણે શિયાળને એક કુંજામાં ખીર પીરસી. બગલો લાંબા કુંજામાં ચાંચ બોળીને ખીર પીવા લાગ્યો. શિયાળે પોતાની કૅરીબેગમાંથી સ્ટ્રો પાઈપ કાઢી અને ખીર ચૂસવા લાગ્યું. તેને બહુ મઝા આવી. ધરાઈને ખીર ખાધા પછી તેણે પણ બગલાને પોતાને ઘેર ભોજન માટે નિમંત્ર્યો. નિયત દિવસે બગલો પહોંચી ગયો. શિયાળે પણ ખીર બનાવી હતી. તેણે એક મોટી કથરોટમાં ખીર પીરસી.પોતાની કથરોટમાંથી તે જીભ વડે ખીર ખાવા માંડ્યું. બગલાએ પોતાની પાંખ નીચેથી એક ચમચી કાઢી અને ચમચીએ ચમચીએ તે પણ ખીરનો સ્વાદ માણવા લાગ્યો. તેણે ધરાઈને ખીર પીધી.
આમ, બન્ને મિત્રોએ એકબીજાને ખીર ખવડાવીને સંતોષ લીધો.
બોધ: ક્લાયન્ટની જરૂરિયાતને તાબે થવાને બદલે તેને આપણા સ્રોત મુજબ તૈયાર કરો. એને એમ ઠસાવો કે આમ કરવું સરવાળે તેના જ ફાયદામાં છે.
બોધનો બોધ: આ કથામાં પાયાની અનેક ત્રુટિઓ છે. જેમ કે, બગલા અને શિયાળની દોસ્તી શક્ય નથી. કદાચ એમ હોય તો તેમને ખીર બનાવતાં આવડે એ શક્ય નથી. કદાચ એ પણ શક્ય હોય તો તેમને ઘેર કૂંજો અને કથરોટ હોય એ અશક્ય છે. માનો કે એ પણ હોય તોય બન્ને પોતપોતાને ઘેર ખાવાને બદલે બીજાને પોતાને ઘેર શું કરવા બોલાવે? અને એ રીતે બોલાવે તો ખીર જ શું કામ બનાવે? બગલો ચમચી અને શિયાળ સ્ટ્રો ખરેખર લઈને આવ્યા હતા કે તેઓ ક્લેપ્ટોમેનીઆક હતા? ખીરચૂસવામાં સ્ટ્રો કામ ન લાગે. કોપરાના ટુકડા અને ચોખા ભૂંગળીમાં ભરાઈ જાય.
બોધના બોધ પર ટીપ્પણી: સવાલો ઉઠાવતાં શીખો. ગીતાવચન મુજબ સંશયાત્મા વિકસતિ. મેનેજમેન્ટ કથા અને ગીતાના નામે કોઈ પણ, કંઈ પણ આપી દે તો એનાં અર્થઘટન કરવા ન બેસી જાવ. જ્ઞાનના પ્રદર્શનની બહુ ખુજલી હોય તો અર્થઘટન કરવાને બદલે મેનેજમેન્ટ કથાઓ લખવા માંડો. અર્થઘટન કરવામાં જ્ઞાનનું નહીં, બુદ્ધિનું પ્રદર્શન થાય છે. જો કે, એ નિ:શુલ્ક છે, તેથી એ સુવિધાનો લાભ લો તોય ખોટું નથી.

1 comment:

  1. ગીતાના નામે કોઈ પણ, કંઈ પણ આપી દે તો એનાં અર્થઘટન કરવા ન બેસી જાવ.. અર્થઘટન કરવામાં જ્ઞાનનું નહીં, બુદ્ધિનું પ્રદર્શન થાય છે. 👍✔

    ReplyDelete