Thursday, May 12, 2022

માન ન માન, મૈં સબ કી જાન

 "સારું થયું કાર્ડ આપવા તમે જાતે આવ્યા. આનંદ થયો."

"આપડો સિદ્ધાંત છે, સાહેબ. બધે જાતે જ પહોંચી જવાનું. શું કે એ બહાને અડધી ચા પીવાય ને બે વાત થાય. માણસોને મળવું આપણને બહુ ગમે."

"સરસ."

"એવું છે ને, મોટાભાઈ, કે ઓચ્છવકાકા ખરા ને, એ આમ ભલે આવડા મોટા માણસ, પણ એમને છીંક ખાવી હોય તો મને પૂછીને ખાય."

"વોટ્સેપ પર પૂછાવે?"

"ઓચ્છવકાકાને ઘેર નાનામાં નાનો પ્રસંગ હોય તો બી આપડો પાટલો ત્યાં પડે જ!"

"એ બુફે ન રાખે?"

"અરે, મારા સાહેબ! હદ તો એ કે ગયે વરસે ઓચ્છવકાકાની 75 મી એનીવર્સરી હતી. તો મને કહે, તારી કાકીને ગિફ્ટ આપવી છે. તું કંઈ સજેસ્ટ કર."

"બિચારી કાકી!"

"અરે સાહેબ! કાકી બી એટલાં જ પ્રેમાળ! એમ સમજો ને કે મને જણાવીને જ દાળમાં વઘાર મૂકે."

"હીંગ નાખવી કે નહીં એ પૂછે?"

"અને ઓચ્છવકાકા ને કાકી તો ઠીક, એમનો આખો પરિવાર આપડા પરિવાર જેવો. ચંદ્રેસને કશી મૂંઝવણ હોય તો મને જ વોટ્સેપ કરે કે મહેસભઈ, યાર આ જીએસટીનું સમજાતું નથી. જરા સમજાવો ને?"

"મહેશભાઈ કોણ?"

"તમેય શું મારા સાહેબ! તમે જેની સાથે બેસીને અડધી ચા પીવાનો લહાવો તમારા જ ઘરમાં લઈ રહ્યા છો એ ખુદ મહેશભાઈ!"

"ઓહો! એમ કહો ને, યાર! હું તો તમને મહેશકુમાર તરીકે જ ઓળખું એટલે તરત ન ઝબકી."

"અને ચંદ્રેસવાળા ભાભીને બી કંઈ તકલીફ હોય તો સીધો જ ફોન મારે કે મહેસ ગેસગીઝર બરાબર ચાલતુ નથી તો આવતાજતા જોઈ જજે."

"એક મિનીટ, મહેશકુમાર! હું જરા ગૂંચવાયો છું. જુઓ, આપણે આમ સાસરી પક્ષના સગા છીએ એટલે આમ મળીએ ખરા, પણ તમારો આટલો અંગત પરિચય નહોતો. આ પ્રસંગે તમે કાર્ડ આપવા આવ્યા એટલે પહેલી જ વાર થયો."

"સાહેબ, એટલે તો હું બધે રૂબરૂ જાઉં છું."

"સો નાઈસ ઑફ યુ. હવે મને એટલું કહી દો કે આ ઓચ્છવકાકા કોણ છે?"


(એક વાસ્તવિક પાત્રનું અત્યાંકન સાથે કલ્પનામિશ્રિત ચિત્રણ)

No comments:

Post a Comment