Tuesday, May 17, 2022

એક કચડાયેલા જીવની કરમકહાણી

 ના, મારો કશો વાંક નહોતો. મારા થકી કોઈ અનીતિ આચરે એમાં હું શી રીતે દોષી ગણાઉં? આ બયાન વાંચીને તમે જ નક્કી કરજો.

એ પાપ હતું કેટલાક મુઠ્ઠીભર લોકોનું. ટૂંકા સમયમાં તેમને ઝાઝા રૂપિયા કમાઈ લેવાની લાલચ
હતી. ઉંબરે આવેલો ગ્રાહક પાછો જાય એ તેમને પોસાય એમ ન હતું. કોઈ પણ ભોગે એ લોકો તેમને ખંખેરી લેવા માંગતા હતા. એટલે જ અમારી સાથે એ લોકોએ આમ કર્યું.
અમને સૌને એક બંધ ઓરડામાં પૂરી દેવામાં આવી. અરે, નાંખવામાં આવી, એમ જ કહો ને! એક બારી હતી, એ પણ નામની. કેમ કે, એ મોટે ભાગે બંધ જ રહેતી હતી. ભયાનક બફારો થતો હતો. કોણ જાણે ક્યાં ક્યાંથી બધીને લાવવામાં આવી હતી. સાવ કાચી, કુમળી. અમારી ચિંતા એ જ હતી કે ક્યારે અહીંથી છૂટકારો થશે ? અને થશે તો કઈ હાલતમાં થશે? કોને ખબર, કોણ અમને લઈ જશે? ક્યાં રાખશે? કોઈક વિચિત્ર ગંધ આખા ઓરડામાં પ્રસરેલી હતી.
રોજ અમારામાંથી અમુકને બહાર કાઢવામાં આવતી. અને એક વાર બહાર ગયા પછી એ પાછી આવતી નહોતી. મારોય નંબર લાગશે એ આશામાં હું સમય પસાર કરી રહી હતી. કમ સે કમ સૂરજનો પ્રકાશ તો જોવા મળશે! અહીં તો દિવસ કે રાતની કશી સરત રહેતી ન હતી.
અચાનક એક દિવસ ઓરડાની બહાર પગલાંની ધડબડાટી સંભળાઈ. જાતજાતના અવાજો આવવા લાગ્યા. અમારા ઓરડાનાં બન્ને બારણાં એકસામટાં ખૂલી ગયાં. આંખો અંજાઈ જાય એ હદે અજવાળું અજવાળું થઈ ગયું. અચાનક અમને સૌને બહાર ધકેલીને એક વાહનમાં ચડાવી દેવામાં આવી. શહેરની ભાગોળે, વસ્તીથી દૂર એક ખુલ્લા મેદાનમાં અમને ધકેલી દેવામાં આવી. પીળા રંગનું એક મોટું વાહન જાણે કે અમારી રાહ જોતું ધુમાડા ઓકતું ઉભું હતું. તેના એન્જિનમાંથી નીકળતો ‘ઢગ્ ઢગ્ ઢગ્’ અવાજ અમારી અંતિમ ઘડી આવી રહી હોવાનું સૂચવતો હતો. હમણાં તે અમારા દેહ પર ફરી વળશે, અમારા દેહ જોતજોતાંમાં પંચમહાભૂતમાં ભળી જશે.
હીટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં હારબંધ ઉભેલા કેદીઓની જેમ અહીં કોઈ નાત નહોતી, જાત નહોતી, રંગ કે વર્ણનો કોઈ ભેદ નહોતો, કે નહોતી કોઈ સ્વતંત્ર ઓળખ. ઓળખ હતી તો સાવ ક્ષુલ્લક! અને સૌની એક જ નિયતિ હતી.
***** **** ****
...આખરે
મારો દેહ જીર્ણશીર્ણ થઈ ગયો છે. શરીરમાં હાડકું નામેય બચ્યું નથી. મને મોત કેમ ન આવ્યું? મશીન નીચે ચગદાઈ જઈને મરવાને બદલે કાગડા સમડી મારા જીવતા દેહને કોચી કોચીને મોતને હવાલે પહોંચાડે એ કદાચ કુદરતને મંજૂર હશે. કોને ખબર, કદાચ મારી આ વ્યથાકથા તમારા સુધી પહોંચાડવા માટે સર્જનહારે મને જીવતી રાખી હોય! જે હોય તે, મારી આ કથા તમારા સુધી પહોંચશે ત્યારે કદાચ મારો છેલ્લો શ્વાસ ચાલ્યો ગયો હશે અને તમે રસમાં બોળીને રોટલી ઝાપટતા હશો. બસ, એ વખતે એ ૫૨૦૦ કિલોમાંની એક કેરી તરીકે મુજ કમનસીબને એક ક્ષણ માટે યાદ કરી લેશો તો મારું આ અકાળે મૃત્યુ લેખે લાગશે.



1 comment: