Tuesday, May 24, 2022

તુષાર નામનો સાર એટલે...

 મિત્ર તુષાર પટેલનો આજે 24મી મેના રોજ જન્મદિન છે. આઈ.વાય.સી. (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)ના નામે ઓળખાતા અમારા શાળાકાળના દસ ગોઠિયાઓના જૂથનો એ એક સભ્ય. પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી અમે શાળામાં સાથે હતા. એ પછી વિપુલ, મયુર, અજયની સાથોસાથે તુષાર પણ વિદ્યાનગરમાં ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્જિ.માં જોડાયો. ભણી રહ્યા પછી વિદ્યાનગરમાં જ તેને નોકરી મળી અને ઘણો વખત તે અપડાઉન કરતો હતો.

તુષારના પપ્પા હર્ષદભાઈ પટેલ (એચ.એમ.પટેલ સાહેબ) અને મમ્મી જ્યોત્સ્નાબહેન બન્ને અમારી જ શાળામાં શિક્ષકો. બન્ને ભાષા શીખવે અને ખાસ કરીને સંસ્કૃતમાં તેમની નિપુણતા. તુષાર, તેની મોટી બહેન અમિતા અને નાનો ભાઈ સંજય એકાદ વરસ અગળપાછળ હશે. તુષારને સંસ્કૃતમાં ઘણી સારી ફાવટ. 1979માં એસ.એસ.સી.બૉર્ડની પરીક્ષામાં તેણે આ વિષયમાં 93 માર્ક્સ મેળવ્યા હતા. અલબત્ત, એ પછી વિષય તરીકે સંસ્કૃતને તેણે છોડ્યો, પણ રોજિંદા વ્યવહારમાં તેણે છૂટથી 'સંસ્કૃત' અપનાવી લીધું. વૈવિધ્યસભર ગાલિપ્રદાનને તેણે એક શોખની જેમ વિકસાવ્યું. આને કારણે તેની એવી છાપ ઊભી થઈ કે તુષારીયાને છંછેડવા જઈએ તો 'સંસ્કૃત' સાંભળવા મળશે, એટલે એને બહુ વતાવવો નહીં. કૉલેજઅભ્યાસ અને એ પછી થોડા સમય સુધી તેણે પ્રયત્નપૂર્વક પોતાની આવી છાપ ઊભી કરી હશે એમ મને લાગે છે. ચરોતરી બોલીનો તે મૌલિક રીતે ઉપયોગ કરતો. કોઈ પણ ક્રિયાપદની પાછળ 'લેલ' લગાડીને તેનું ક્રિયાવિશેષણ બનાવવું તેના માટે સહજ હતું. જેમ કે, રખડેલ, ખાધેલ, ઘિસલેલ...વગેરે... એ જ રીતે તે ભલભલાં નામનું ક્રિયાપદ બનાવી દેતો. જેમ કે, ચંપલાટ્યો, આલાટ્યો વગેરે...
એની ફાઈનલ વર્ષની પરીક્ષા વખતે તેના જે મિત્રોએ એને વાંચતો જોયો છે એ લોકોને હજી તુષારની એ મુદ્રા યાદ હશે. તે મોંએમાથે એવી રીતે શાલ કે ચોરસો લપેટીને બેસતો કે તેની આંખો અને ચહેરાનો જ થોડો ભાગ નજરે પડે. પરીક્ષામાં એક વખત તેનો નંબર બારી પાસે આવેલો ત્યારે એ રીતે ઓઢીને જ તે પરીક્ષા આપવા બેઠેલો. બહારના બીજા મિત્રો તો ઠીક, અમે 'આઈ.વાય.સી.'વાળા પણ એને બહુ વતાવતા નહીં.
(ડાબેથી) તુષાર પટેલ, વિપુલ રાવલ અને
અજય ચોકસી
પણ એ સમયે મિત્રોના લગ્નપ્રસંગો આવતા ગયા એમ તુષારની અસલિયતનો પરિચય થતો ગયો. વર્તનમાં સાવ રુક્ષ અને બરછટ લાગતો તુષાર કામ કરવામાં, ધક્કાફેરામાં સૌથી આગળ રહેતો. એ કશુંક કામ પતાવીને આવે એટલે સંબંધિત વ્યક્તિને જાણ કરી દે, બસ! એ પછી એની કશી વાત કે ઉલ્લેખ સુદ્ધાં નહીં. આ ઉપરાંત તમામ મિત્રોના વડીલો સાથે એનો અલાયદો વ્યવહાર. આવા પ્રસંગે તુષાર એમની ખાસ કાળજી લે. પણ એનું ઉપરનું, બાહ્ય આવરણ એણે બરછટપણાનું રાખેલું, એટલે જેણે એનું આ સ્વરૂપ જોયું ન હોય એને અંદાજ સુદ્ધાં ન આવે કે તુષલો આવો છે.
આવો તુષાર પ્રેમમાં પડે અથવા તો કોઈ એના પ્રેમમાં પડે એ ઘટના પણ ત્યારે ઘણાને નવાઈની લાગેલી. અપર્ણા બાલાણી સાથે તેનો પ્રેમસંબંધ બંધાયો, જે અંતે લગ્નમાં પરિણમ્યો. ત્યાં સુધીમાં અપર્ણા સાથે અમારે મળવાનું ભલે ઓછું થતું, પણ મળીએ ત્યારે બહુ આત્મીયતાથી મળાતું. લગ્ન અગાઉનો એક તબક્કો એવો પણ હતો અપર્ણા સાથે અમારો- મારો અને ઉર્વીશનો સ્વતંત્ર પત્રવ્યવહાર ચાલતો. અંગ્રેજી માધ્યમમાં ભળેલી અપર્ણા તુષારની ઠેઠ ચરોતરી બોલી સમજી ન શકે, એની હાજરીમાં તુષાર અમુક વાર જાણીબૂઝીને ચરોતરી પ્રયોગો વાપરે અને અપર્ણા એ સાંભળીને મૂંઝાય ત્યારે કોઈક એને સમજાવવાની મથામણ કરે- આ બધામાં બહુ મજા પડતી.
લગ્ન પછી થોડા જ સમયમાં તુષાર અને અપર્ણાએ અમેરિકા સ્થાયી થવાનું બન્યું. પછીના અરસામાં તેમનું ભારત આવવાનું પ્રમાણ ખાસ નહોતું. આમ છતાં, આત્મીયતાનો તંતુ એમનો એમ રહ્યો. નવા વરસે અમારી 'આઈ.વાય.સી.' મંડળી ભેગી થવાની હોય એ તુષારને ખબર એટલે એ સમયે અચૂક એનો ફોન આવે જ. આ ઉપરાંત પણ અન્ય સારામાઠા પ્રસંગે એ સૌને ફોન કરે, વિસ્તારથી વાત કરે, ઘરના એકે એક સભ્ય વિશે પૂછપરછ કરે, એટલું જ નહીં, સૌની જરૂરિયાતનો પણ ખ્યાલ રાખે.
અમારાં સૌનાં સંતાનોનાં હવે એક પછી એક લગ્ન થવા લાગ્યાં છે ત્યારે પણ વિવાહ કે લગ્નના દિવસે અચૂક તુષાર તરફથી કેક અને બુકે હોય જ. હવે તો સૌ ટેવાઈ ગયા, પણ શરૂઆતમાં સૌને આઘાત લાગતો કે તુષલાને આવા વ્યવહારડાહ્યા બનવામાં કેટલી બધી મુસીબત પડતી હશે! કેમ કે, લગ્ન અગાઉ આ જ તુષાર મનફાવે એવા અવાજે, મનફાવે એ શબ્દ બોલી શકતો. પણ લગ્ન પછી સ્વાભાવિક ક્રમમાં તેણે જાહેર વર્તનના સંદર્ભે 'માપ'માં રહેવાનું આવ્યું એની અનુભૂતિ અમને સૌને પણ તુષાર જેટલી જ હતી.
થોડા સમય પહેલાં તુષાર અને અપર્ણા બન્ને સાથે ભારત આવ્યા ત્યારે એક સાંજે અનેક મિત્રોનું મિલન ગોઠવ્યું હતું. પૈલેશે કરેલા આ આયોજનમાં, ટ્રેનમાં એક સમયે સાથે અપડાઉન કરતા અનેક મિત્રોને નોંતરવામાં આવ્યા હતા. એ વખતે દરેક જણ પોતાનો તુષાર સાથેનો એક એક કિસ્સો કહી સંભળાવે એવું આયોજન હતું. એમાંના ઘણા કિસ્સા તો મિત્રોએ 'કોડવર્ડ'માં અથવા તો 'સેન્સર' કરીને કહેવા પડતા હતા. આને કારણે મિત્રપત્નીઓ અને મિત્રસંતાનોને સમજાતું નહોતું કે આવી ફાલતૂ વાત પર સૌ આટલા બધા કેમ હસે છે! એમાંના અમુક જિજ્ઞાસુ સંતાનોએ પછી અમારા જેવાને મળીને પોતાની જિજ્ઞાસાનું શમન કરેલું.
મિત્રમિલન દરમિયાન
તુષાર અને અપર્ણા 
કિસ્સા સાંભળવાની મજા લેતા મિત્રો સાથે તુષાર
(ડાબેથી: કામિની કોઠારી, રશ્મિકા પરીખ, મનીષ શાહ,
આર.સી.પટેલ, તુષાર પટેલ, અજય ચોકસી, મહેન્‍
દ્ર પટેલ)

નડિયાદના એ જ મિત્રમિલન પછી સૌની સામૂહિક તસવીર.
 (ઉભેલાની પહેલી હરોળમાં ડાબેથી ચોથો- સફેદ શર્ટમાં- તુષાર)
તુષાર હજી પણ મળે ત્યારે એ જ ચરોતરીના પ્રયોગ કરે, મિત્રસંતાનોને 'તારા બાપા', 'તારા ડોહા' જેવા શબ્દોથી એમના પિતાની, એટલે કે પોતાના મિત્રોની વાત કરે. એક જ મુલાકાતમાં કોઈ એના વિશે સદંતર વિપરીત ધારણા બાંધી બેસે એવું એનું વર્તન જણાય. એ વર્તનની પાછળ રહેલા પ્રેમાળ, સૌની દરકાર લેનારા માણસ તરીકેની પોતાની ઓળખ તુષાર પોતે જ છતી ન થવા દે. આટઆટલા વરસોની મૈત્રીમાં હવે તો એટલો સમય વીતી ચૂક્યો છે કે તેના અમેરિકા સ્થાયી થયાનાં વરસોનો સરવાળો અમારાં સાથે રહ્યાનાં વરસો કરતાં કદાચ વધી ગયો હશે. પણ શરૂઆતનાં વરસોનો એ પાયો એવો મજબૂત છે કે એ અમારામાંના કોઈ પણ મિત્રના સંતાનને કહી શકે, 'જો ભઈ, આ તારો બાપો તો હારો વંઠેલ હતો, પણ તું ડાહ્યો લાગ છ. તું હરખો રે'જે.'
તુષાર અને અપર્ણાનાં સંતાનો સિદ્ધાર્થ અને પૂજા પણ હવે તો પોતપોતાનાં ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. તેમનો મોટા ભાગનો ઉછેર અમેરિકામાં થયો હોવાથી અમને સૌ મિત્રોને એક જ ચિંતા છે. અને તે એ કે એમને તુષારની 'સંસ્કૃત' સાંભળવાનો લાભ નહીં મળતો હોય.
અમારા સૌના આ પ્રિય મિત્રને જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ.

તુષારની વધુ એક મુલાકાત દરમિયાન
'આઈ.વાય.સી.'મંડળીના સભ્યો સાથે (તુષાર- ઉભેલામાં જમણેથી બીજો)

(તમામ તસવીરો ચપટી વગાડવા જેટલા જ સમયમાં મિત્ર વિપુલ રાવલે મોકલી આપી છે.)

No comments:

Post a Comment