Tuesday, May 10, 2022

રતનમહાલમાં રખડપટ્ટી

(2019ની ઉત્તરાયણના દિવસોમાં મિત્ર પરેશ પ્રજાપતિ પરિવાર સાથે અમે ઉધલમહુડા- રતનમહાલ(દાહોદ પાસે) ના વનવિસ્તારમાં બે દિવસ માટે ગયા હતા. એ રોકાણનો ટૂંકો અહેવાલ.) 

રતનમહાલનાં જંગલ ખરાઉ/deciduous પ્રકારનાં છે. અહીં અમે જે વૃક્ષો ઓળખી શક્યાં એમાં મુખ્યત્વે સાગ, મહુડો અને સાદડ હતા. વાંસ પણ ઘણા પ્રમાણમાં જોવા મળ્યા. પીળા/ભૂખરા થયેલા પાંદડા જમીન પર ખરેલા હોય, અને અહીં ઉગતા ઘાસનો રંગ પણ ભૂખરો હોય તેને કારણે નરી આંખે પણ આખું દૃશ્ય સેપિયા ટોનમાં દેખાય.
ભરબપોરના અને ખાસ કરીને સાંજના સૂર્યપ્રકાશની ઝાંયમાં આ ટોન વધુ ઘેરો જોવા મળે.
આ તસવીર કંજેટા વિસ્તારની છે, જે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર છે.


દેવગઢ બારીયાથી ઉધાલમહુડા અને ત્યાંથી કંજેટા તરફ જતાં રસ્તાની બાજુએ ઘણે ઠેકાણે આ દૃશ્ય જોવા મળ્યું. લાકડાના સ્તંભ રોપેલા હોય, માટીના વિશિષ્ટ ઘોડા હોય, અને જાણે કે લોકોની માનેલી માનતા પૂરી કરવા માટેનું સ્થાન હોય એમ લાગે. કંજેટા કેમ્પસાઈટ પર ગયા ત્યાં જરા ધ્યાનથી જોયું તો ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો પણ પોતાના વિજયની કામના અર્થે આવતા હશે એમ લાગ્યું.


ઘોડા વિશે પૂછતાં જાણવા મળ્યું કે એ પિઠોરોદેવ છે. એ ખ્યાલ હતો રાઠવાઓમાં પિઠોરોનું મહત્વ ઘણું છે, પણ એ મોટે ભાગે ભીંત પર ચીતરાયેલા જોવા મળે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ભીલસમાજની વસતિ છે. તેમનામાં પણ આ દેવ જોઈને નવાઈ લાગી. મહેમદાવાદમાં અમે જોયેલું કે લીલા રંગના કપડાના ઘોડા દરજીઓ સીવતા હતા, જે આ રીતે માનતા માટે જ વપરાતા. ખ્યાલ છે ત્યાં સુધી એ ભાથીજીની માનતા માટેના હતા.


અમે પણ બજારમાંથી બે ઘોડા ખરીદ્યા. ઘોડા વેચનાર બહેને અમારો લિબાસ જોઈને કહ્યું, 'આ તમારે શોકેસમાં મૂકવા કામ લાગશે.' આ ઘોડા માટીની અન્ય વસ્તુઓની સરખામણીએ મોંઘા લાગ્યા. અમારા આવા નાનામોટા પ્રવાસયોગ થતા રહે એવી માનતા માનીને બન્ને ઘોડાને અમે આંગણામાં 'સ્થાપ્યા' છે.



****
સરહદ કોઈને ગમે નહીં, પણ તે બનાવ્યા વિના ચાલે એમ નથી. સાહિરે 'ધૂલ કા ફૂલ'ના એક ગીતમાં લખેલું, 'કુદરત ને તો બખ્શી થી હમેં એક હી ધરતી, હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા'. સરહદ મૂળ તો માલિકીભાવની પ્રેરક છે. આપણા ઘરની આસપાસ પણ આપણે 'કમ્પાઉન્ડ વૉલ' બનાવીએ છીએ, અને પડોશીના આંગણામાં ઉગેલા વૃક્ષના પાંદડા આપણા આંગણામાં આવે તો પડોશીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોય એમ અનુભવીએ છીએ. ઘર કે ખેતરની સરહદના આ હાલ હોય તો રાજ્ય અને દેશની સરહદની શી વાત કરવી?
ઉધાલમહુડાથી અમે કંજેટા કેમ્પસાઈટ ગયા અને રતનમહાલનાં જંગલોની ગીચતાનો બરાબર અનુભવ કર્યો. જીપ દ્વારા સતત ઉપર ને ઉપર ગયા પછી છેલ્લે એક સ્થાને જીપ ઉભી રહી. એ હતી ગુજરાતની સરહદની સમાપ્તિ અને મધ્ય પ્રદેશની સરહદનો આરંભ. પહેલી તસવીરમાં જે પાળી દેખાય છે એ મધ્ય પ્રદેશની સરહદ સૂચવે છે. આ સ્થાનેથી નીચેની તરફ નજર કરતાં જે ડુંગરા અને તળેટી દેખાય છે એ મધ્યપ્રદેશનાં છે. રજનીકુમાર પંડ્યા મદ્યસેવનને 'ભૌગોલિક ગુનો' ગણાવે છે એ અહીં યાદ આવ્યું. આ તરફ એ ગુનો અને બે ડગલાં વટાવો કે એ ગુનો મટી જાય. અહીં એક બેસવાનું સ્થાન પણ બનાવવામાં આવ્યું છે, જે 'સનસેટ પોઈન્ટ' તરીકે ઓળખાય છે. અમે ભરબપોરે આ સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી. પડોશી રાજ્યમાં પણ પગલાં પાડ્યાં અને પછી પાછા વળ્યા.



No comments:

Post a Comment