Saturday, September 6, 2014

બુકે નહીં, પણ બુક! કે વૃક્ષને મારેલી ઝેરીલી ફૂંક?

(૭ ઓગસ્ટ, ૨૦૧૪ થી દર ગુરુવારે 'ગુજરાત મિત્ર'માં 'ફીર દેખો યારોં' નામની મારી કટાર શરૂ થઈ છે. તેમાંના લેખ અહીં વખતોવખત મૂકતો રહીશ.) 

‘અમે બુકેથી નહીં, બુકથી સ્વાગત કરવામાં માનીએ છીએ.’ ઘણા જાહેર સમારંભોમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતી વખતે આવા ઉદ્‍ગારો સંભળાય છે. કાર્યક્રમના સંચાલક એ પછી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપતાં અગાઉ નાજુક ફૂલો છોડ પર જ શોભે અને ફૂલોનો કચ્ચરઘાણ ન વાળવો જોઈએ એવી ફિલસૂફી એક યા બીજા શબ્દોમાં વહેંચતા હોય છે. ફૂલોના આ વેડફાટની સામે પુસ્તકનું મહત્વ જીવનમાં કેવું અને કેટલું છે, એક પુસ્તક જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે એ તેઓ ઉપસ્થિત શ્રોતાગણને સમજાવે છે અને આ ‘નવતર’ વિચાર દ્વારા પોતે કેટકેટલાં નાજુક, નમણાં પુષ્પોની જાન બચાવી છે એનું માહાત્મ્ય કરે છે. આના પ્રતિભાવરૂપે સામે ખુરશીમાં બિરાજમાન ‘મહાનુભાવો’ આ ‘નવતર’ વિચારને તાળીઓથી વધાવી લે છે અને તાળીઓના આ ગડગડાટની વચ્ચે મંચ પરના ‘મહાનુભાવો’ને ચમકતા, લીસા કાગળ વડે વીંટળાયેલું બંડલ પકડાવવામાં આવે છે.
પહેલી દૃષ્ટિએ આ વિચાર અનોખો, નવતર અને પ્રેરક લાગે. પણ મંચસ્થ મહાનુભાવ ઘેર જઈને ‘બુકેને બદલે મળેલી બુક’નું પેકેટ ખોલે, ઉત્સુકતાપૂર્વક પુસ્તકો પર નજર નાંખે એ સાથે જ તેને લાગ્યા વિના રહે નહીં કે પેકેટમાં ફૂલોની જેમ ચૂંટી ચૂંટીને પુસ્તકો મૂકવામાં આવ્યાં છે. આ પુસ્તકો મોટે ભાગે ન વેચાતાં, તદ્દન નબળાં, સામે પડ્યાં હોય તો એને જોયા પછી ખરીદવાનું પણ મન ન થાય એ પ્રકારનાં હોય છે. બંડલમાં મૂકાયેલાં પાંચ-છ પુસ્તકમાં આવું પુસ્તક એકાદું નહીં, બલ્કે તમામ આ કક્ષાના હોય, એવું મોટે ભાગે જોવા મળે છે. જોઈને જ લાગે કે આવાં પુસ્તકોને ઠેકાણે પાડવા માટે જ ‘બુકે નહીં, પણ બુક’નો વિચાર ચલણી બનાવવામાં આવ્યો હશે.

આવા અનુભવ એકલદોકલ કે અપવાદ નહીં, પણ સામાન્ય છે. અહીં પહેલો સવાલ એ થાય કે આવાં લખાણ લખનાર ભલે લખી નાંખે, પણ તેને પુસ્તકરૂપે પ્રકાશિત શા માટે કરવાં જોઈએ? પુસ્તકરૂપે પ્રકાશિત કરવા પાછળ મોટે ભાગે વ્યાપારી હેતુ હોય છે. એમાં કંઈ ખોટું નથી. પણ આ રીતે વધેલાં પુસ્તકોને ઠેકાણે પાડવા માટે ફૂલોનો કચ્ચરઘાણ થતો રોકવાનો, પ્રકૃતિની જાળવણી કરવાનો અને છોગામાં જ્ઞાનના પ્રસારનો હેતુ છે એમ દેખાડવામાં આવે ત્યારે જરા વિચારવું પડે. આયોજક કોઈ પ્રકાશક હોય તો જરા જુદી રીતે પણ જોવું રહ્યું.

પુસ્તકો સામાન્ય રીતે રીસાયકલ કરેલાં નહીં, પણ નવાનક્કોર કાગળ પર છપાતાં હોય છે. અમેરિકાસ્થિત ‘કન્‍ઝર્વ એ ટ્રી’ના સંદર્ભ મુજબ, એક ટન કાગળ માટે સરેરાશ ૧૨ પૂર્ણ કદનાં વૃક્ષોનો ભોગ લેવાય છે. અલબત્ત, આ આંકડામાં વૃક્ષના પ્રકાર, ઉંમર, કદ અને કાગળના વૈવિધ્ય મુજબ વધઘટ હોઈ શકે. પણ સમજવા માટે આ અંદાજ પૂરતો છે.

આપણા સમારંભના આયોજકો તદ્દન ભોળેભાવે પ્રકૃતિની જાળવણી માટે ફૂલોનો કચ્ચરઘાણ થતો રોકવાની બાળસહજ કલ્પના કરે છે, પોતાને જ આ વિચાર સૌ પ્રથમ આવ્યો છે, એમ જાણીને બાળકની જેમ જ પોતાના ‘આઈડીયા’ પર ફુલાય છે અને સાવ અજાણપણે કેટલાંય વૃક્ષોના નિકંદન માટે નિમિત્ત બને છે. એમ નથી કે આવું બધું સાવ અજાણપણે થતું હોય છે. પણ આ બાબત એ હદે રૂઢ થઈ ગઈ છે કે કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી, બલકે આમ જ હોય એવું લાગે છે.  

ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ભીષ્મ સાહનીની એક નવલિકામાં એક રાજાની વાત હતી. પ્રાચીનકાળનો એ રાજા અહિંસાના સિદ્ધાંતમાં ચુસ્તપણે માનતો હોય છે, અને પોતાના પ્રદેશમાં કોઈ પણ સ્થળે થતી હિંસા રોકવા તે કટિબદ્ધ હોય છે. આ રાજા યજ્ઞમાં પશુબલિ ચડાવાતો રોકવા માટે કૃતનિશ્ચયી બને છે, અને આ વિધિ જે મંદીરમાં થઈ રહી હોય છે, ત્યાં પોતાનું સૈન્ય મોકલે છે. પરંપરાગત ધોરણે ચડાવાતા પશુબલિને રોકવા ન દેવા માટે અનેક શ્રદ્ધાળુઓ આડા આવે છે. સૈન્યને તે અંદર જવા દેતા નથી. પણ રાજા કોઈ પણ ભોગે પશુબલિ અટકાવવા માંગતો હોય છે. લાચાર અને નિર્બળ પશુ પર થતા અત્યાચારને ગમે તે હિસાબે રોકવા માટે તે સૈન્યને આદેશ આપે છે. રાજાના આદેશ મુજબ, પશુબલિની વિધિ અટકાવવા માટે આગળ આવેલા અસંખ્ય નાગરિકોની સૈન્ય બેરહેમીપૂર્વક કતલ કરી દે છે. આમ, પશુબલિ છેવટે અટકે છે ખરો, પણ એ પહેલાં અનેક માનવોનો બલિ લેવાઈ ચૂક્યો હોય છે!

‘બુક નહીં, પણ બુકે’ જેવો શબ્દ કાને પડે ત્યારે અચૂક આ વાર્તા યાદ આવી જાય છે અને એમ લાગે છે કે પેલા રાજાની જેમ થોડાં ફૂલોને બચાવીને આપણે કેટલાંય વૃક્ષોની કત્લેઆમ કરી રહ્યા છીએ!  

આ બાબત ખૂંચતી હોય તો આનો ઉપાય નીકળી શકે. પોતે કોઈ સમારંભમાં અતિથિ તરીકે જવાનું બને યા કોઈ અતિથિને પોતાને ત્યાં નિમંત્રવાનું પણ બને ત્યારે આ બાબતે અગાઉથી ચર્ચા કરી શકાય. કાર્યક્રમમાં નિમંત્રીત મહેમાનનું મંચ પર સ્વાગત કરવું નરી ઔપચારિકતા જ હોય છે. એટલે અગાઉથી સ્પષ્ટતા કરીને એ ટાળી શકાય તો ઉત્તમ. છતાંય આ ઔપચારિકતા અનિવાર્ય લાગતી હોય તો બુકે યા બુકને બદલે બીજો સુયોગ્ય વિકલ્પ વિચારી શકાય. હાથવણાટ કે હસ્તકલાની કોઈ ચીજ ભેટ યા સ્મૃતિચિહ્ન તરીકે આપી શકાય. ભલે ને તે ખાદીનો હાથરૂમાલ કેમ ન હોય! કિંમતમાં તે બુકે કરતાં સસ્તો હશે, પણ તેનું મૂલ્ય અનેકગણું વધુ છે. મોટા ભાગના બુકે જે તે કાર્યક્રમના મંચ પરથી બહાર આવી શકતા જ નથી, અને ભેટમાં અપાયેલાં પુસ્તકો મંચ પરથી બહાર આવી શકે છે તો એ પછી મોટે ભાગે વંચાયા વિના સીધાં જ પસ્તીભેગા થાય છે. અમુક સંવેદનશીલ લોકો પસ્તીમાંય આવાં પુસ્તક કાઢી નાંખતા ખચકાય છે. રખે ને ફરી કોઈકના હાથે ચડી જાય તો! લેનાર અને આપનાર બન્ને આ જાણે છે, છતાં જાણે કે બંધારણીય જોગવાઈ હોય એ હદે આ પ્રથાનું પાલન કરવામાં આવે છે. કાશ! બંધારણીય જોગવાઈઓને પણ આટલી ચુસ્તતા અને ગંભીરતાથી લેવાતી હોત તો! તમે કાર્યક્રમના આયોજક હો તો આ અંગે વિચારવા, વક્તા હો તો આનો અમલ કરાવવા અને કેવળ પ્રેક્ષક હો તો ક્યારેક આયોજક યા વક્તા બનવાનું થાય ત્યારે આ બાબતને યાદ રાખવા માટે કંઈક કરી છૂટશો, તો ઘણાં ફૂલોની સાથે સાથે એકાદ વૃક્ષનો પણ જીવ બચશે.  

(ફીર દેખો યારોં, ગુજરાત મિત્ર, ૨૧-૨૧-૮-૨૦૧૪માં પ્રકાશિત) 

(તસવીરો નેટ પરથી) 

Wednesday, August 13, 2014

પોળો: કુદરતનો હરિયાળો ખોળો



મોસમનો પહેલો વરસાદ પડી ચૂક્યો હોય એ પછી અમસ્તીય બધે લીલોતરી પથરાઈ ગઈ હોય છે, અને ગમે એવી સામાન્ય જગા પણ સુંદર દેખાવા લાગે છે. તો સુંદર જગા વધુ સુંદર, સ્વર્ગીય બની જાય છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરની આસપાસ આવેલાં પોળોનાં જંગલોને આ શ્રેણીમાં મૂકી શકાય.

વરસાદી મોસમ હોય, છતાં નડે એ રીતે વરસવાને બદલે માણી શકાય એ રીતે વરસાદ પડતો હોય, ક્યાંય પહોંચવાની કે કશુંય ‘પતાવી દેવાની’ ઉતાવળ કે ખેવના વિના કેવળ અલગારી રખડપટ્ટીની મોજ માણવાવાળા સરખેસરખા રસરુચિવાળા મિત્રો હોય, અને એ રખડપટ્ટી માટેનું સ્થળ પોળોનાં જંગલો હોય તો ગમે એટલો સમય અહીં ઓછો પડે. પાંચ મિત્રપરિવારો સાથે અહીં ગાળેલા ગુણવત્તાસભર સમયની યાદગીરીરૂપે આ વિસ્તારની તસવીરી ઝલક આપવાનો ઉપક્રમ છે. 

ઈડર વટાવ્યા પછી ખેડબ્રહ્માને રસ્તે સૌથી પહેલાં વીરેશ્વર મહાદેવ આવે છે. ‘આવો, દર્શન કરો, ચા-પાણી કરીને જાવ’ જેવી આતિથ્યભાવના ધરાવતું આ સ્થળ મુખ્ય રસ્તેથી ઘણું અંદર છે. ભોજનનો સમય હોય તો પ્રસાદ લઈને જવાનો આગ્રહ પણ અહીંના સેવકો પ્રેમપૂર્વક કરે છે. અહીં મુખ્ય મંદીરથી ઉપરના ભાગમાં નાનકડો ટ્રેક છે, ત્યાં જઈ શકાય છે. 

વીરેશ્વરમાં રાત્રિરોકાણની સુવિધા મર્યાદિત છે, પણ ત્યાંથી ખેડબ્રહ્મા નજીક છે અને ત્યાં એ સુવિધા ઉપલબ્ધ છે. શુક્રવારે સાંજે વીરેશ્વર પહોંચ્યા પછી ત્યાં ત્રણેક કલાક વીતાવીને રાત્રે ખેડબ્રહ્મા પહોંચી ગયા.

ખેડબ્રહ્માથી બીજા દિવસે સવારે રખડપટ્ટી માટે નીકળી ગયા. રસ્તે એક નદી દેખાતાં ત્યાં ઉતરવાનું નક્કી કર્યું અને નદીકિનારે સફર શરૂ કરી. 





દૂરથી સામેના કિનારે ચૂલા પર કંઈક મૂકેલું દેખાયું. નદીકિનારે ચૂલો? ત્યાં જવાનું નક્કી કર્યું. ધારણા સાચી નીકળી. તાજો મહુડો ગરમ પાણીમાં ઉકળી રહ્યો હતો. નદી ઓળંગીને સહુ સામે કાંઠે પહોંચ્યા અને આખી ગતિવિધી નિહાળી. શાળામાં ભણેલી નિસ્યંદનની પ્રક્રિયા તાજી થઈ આવી.
નીચેના દેગડામાં મહુડાં ઉકળી રહ્યાં છે. ઉપર ઉંધા પાડેલા, માટી વડે લીંપેલા પાત્રમાં થઈને તેની વરાળ પાઈપ વાટે આગળ વધે છે. 


પાઈપ નદીમાં ડૂબાડેલી છે, જેના બીજા છેડે દેગડો મૂકેલો છે. 


પિત્તળનો દેગડો નદીના પાણીમાં આખો ડૂબાડીને મૂકવામાં આવ્યો છે, જેથી મહુડાની વરાળનું ઘનીભવન તરત જ થઈ જાય અને તે પ્રવાહી બનીને દેગડામાં એકઠી થાય. નીચેની તસવીરમાં જમણી તરફ બે પથ્થરની વચ્ચે પાણીમાં ડૂબાડેલા દેગડાનો થોડો ગોળાકાર જોઈ શકાય છે. 


પોળોનાં જંગલોમાં ઠેરઠેર ૧૫મી સદીમાં બંધાયેલાં વિવિધ મંદીરોના અવશેષો આવેલાં છે. તમામ મંદીરો ખંડીત અવસ્થામાં છે, અને તેના ખંડીત થયેલા વિવિધ ભાગ મંદીરના સંકુલમાં જ પડેલા છે. નવદેરાં જૈન મંદીર, શરણેશ્વર મહાદેવ વગેરે તેમાં મુખ્ય છે.





મંદીરના વિશાળ પ્રાંગણમાં ઠેરઠેર પડેલા આ અવશેષો જોઈને જીવ બળે, પણ એ આપમેળે ખંડીત થઈને કાળક્રમે પડ્યા હોય એમ જણાય છે. અમને ત્યાં આવેલા જોઈને એક માણસ ત્યાં આવ્યો અને મંદીરના કમ્પાઉન્‍ડની બહાર મૂકેલાં વાહનો કમ્પાઉન્‍ડની અંદર મૂકવા માટે જણાવ્યું. એવી કશી જરૂર ન હતી, છતાં તેણે લથડાતી જીભે એમ કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો. તે નજીક આવતાં જણાયું કે ઉપર અમે જે પીણાની બનાવટ જોઈને આવ્યા હતા તેનું એણે સેવન કરેલું છે. 
તેની વાત તો પછી સમજાઈ. વાસ્તવમાં તે અમને ઑફર કરી રહ્યો હતો કે અમારે જોઈએ એ પથ્થરનો ટુકડો તે ઊંચકીને અમારી ગાડીમાં મૂકી આપે અને બદલામાં અમારે એને ફક્ત વીસ રૂપિયા આપવાના. અમે તેને ધુત્કારી કાઢ્યો એટલે તેણે પથ્થર મૂકી આપવાની ઑફર પાછી ખેંચી લીધી અને ફક્ત વીસ રૂપિયાની માંગણી ચાલુ રાખી. 



આવા મૂલ્યવાન અવશેષો આ રીતે ઘરભેગા થતા હશે? કોને ખબર? 






આ જૈન મંદીર હવે તો આખેઆખું વડને હવાલે થઈ ગયું છે. વડ અને મંદીરના પથ્થરો એ હદે અભિન્ન થઈ ગયા છે કે એને છૂટા પાડવા મુશ્કેલ બની જાય. 





પોળોના જંગલમાં જ ગુજરાત રાજ્યના વનવિભાગે રહેવા માટે કુટિરો બનાવી છે. અગાઉથી બુકીંગ કરાવીને આ કુટિરોમાં રહીને સરકારી મહેમાનગતિ માણવી કે નહીં, એ જનારની સહનશક્તિ કરતાંય વધુ સાહસવૃત્તિ પર આધાર રાખે છે. 
આ જ માર્ગે આગળ વણજ ડેમ છે, જ્યાં છેક ઉપર સુધી જઈ શકાય છે. 




વિજયનગર પહેલાં ખોખરા ગામ આવે છે, જે ખોખરા બોર્ડર તરીકે ઓળખાય છે. અહીં ગુજરાત-રાજસ્થાન બોર્ડર આવેલી છે. વિજયનગરથી ખોખરા જવાનો રસ્તો આંખને ઠારે એવો છે. નાના નાના ડુંગરા, નાનાં ખેતરો અને આસપાસ ખજૂરીનાં તેમજ બીજાં અનેક વૃક્ષો સરસ લેન્‍ડસ્કેપ બનાવે છે. 
આ રસ્તે એક ફાંટો નદીમાં થઈને રાણા પ્રતાપની સમાધિ તરફ જાય છે. પથરાળ પટમાં વહેતી નદીમાં એકાદ કિલોમીટર ગયા પછી આ સ્થળ આવે છે. ત્યાં મહાદેવનું મંદીર છે. રાણા પ્રતાપની સમાધિ અહીં હોવાની વાયકા છે, તેથી અહીં તેમનું પૂતળું પણ મૂકેલું છે. જો કે, આ સ્થળે સૌથી અદભુત હોય તો વડના એક ઝાડમાંથી નીકળેલી અનેક વડવાઈઓ અને તેનું વિશાળ સંકુલ. 




પહેલી વાર પોળોના જંગલમાં જનારે અહીંથી દલસુખભાઈ નામના ગાઈડને અવશ્ય સાથે લેવા.
સ્થાનિક રહીશ એવા દલસુખભાઈ સમય હોય એ મુજબ નાનું કે મોટું ટ્રેકીંગ કરાવવા સાથે આવે છે, પણ સાથે સાથે જે જાણકારી આપે છે એ બહુ અદભુત, વૈજ્ઞાનિક અને અતિશયોક્તિયુક્ત ન હોઈ, સાચી હોય છે. વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓની ઓળખ પણ તે કરાવતા જાય છે. તેમનો સંપર્ક +91 94297 51624 પર (સવારે વહેલા કે સાંજના સમયે) કરી શકાય. 



માંગો પહાડની ટોચ પરથી દેખાતું સામેનું દૃશ્ય 


માંગો પર્વતની સપાટ ટોચ. 


માંગો પર્વતની બીજી તરફથી નજરે પડતું નીચે આવેલું શીવમંદીર


અહીં બે મંદીર આવેલાં છે, જેમાં બીજું મંદીર સાવ ખંડીત છે. તેની સામે નાનકડી વાવ છે. 


મંદીરના તૂટેલા માળખાની બહાર હારબંધ શિલ્પો પડેલાં છે, જે કદાચ એક સમયે મંદીરની ઈમારતનો જ હિસ્સો હશે.


આ શિલ્પોમાં વિવિધ કેશકલાપ જોવા મળે છે. 









પોળોનાં જંગલોમાં કોઈ પણ મોસમમાં રખડવા જઈ શકાય, પણ ચોમાસાની વાત જ અલગ છે.

(તમામ તસવીરો: ઈશાન કોઠારી)