Saturday, September 6, 2014

બુકે નહીં, પણ બુક! કે વૃક્ષને મારેલી ઝેરીલી ફૂંક?

(૭ ઓગસ્ટ, ૨૦૧૪ થી દર ગુરુવારે 'ગુજરાત મિત્ર'માં 'ફીર દેખો યારોં' નામની મારી કટાર શરૂ થઈ છે. તેમાંના લેખ અહીં વખતોવખત મૂકતો રહીશ.) 

અમે બુકેથી નહીં, બુકથી સ્વાગત કરવામાં માનીએ છીએ. ઘણા જાહેર સમારંભોમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતી વખતે આવા ઉદ્‍ગારો સંભળાય છે. કાર્યક્રમના સંચાલક એ પછી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપતાં અગાઉ નાજુક ફૂલો છોડ પર જ શોભે અને ફૂલોનો કચ્ચરઘાણ ન વાળવો જોઈએ એવી ફિલસૂફી એક યા બીજા શબ્દોમાં વહેંચતા હોય છે. ફૂલોના આ વેડફાટની સામે પુસ્તકનું મહત્વ જીવનમાં કેવું અને કેટલું છે, એક પુસ્તક જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે એ તેઓ ઉપસ્થિત શ્રોતાગણને સમજાવે છે અને આ નવતર વિચાર દ્વારા પોતે કેટકેટલાં નાજુક, નમણાં પુષ્પોની જાન બચાવી છે એનું માહાત્મ્ય કરે છે. આના પ્રતિભાવરૂપે સામે ખુરશીમાં બિરાજમાન મહાનુભાવોનવતર વિચારને તાળીઓથી વધાવી લે છે અને તાળીઓના આ ગડગડાટની વચ્ચે મંચ પરના મહાનુભાવોને ચમકતા, લીસા કાગળ વડે વીંટળાયેલું બંડલ પકડાવવામાં આવે છે.
પહેલી દૃષ્ટિએ આ વિચાર અનોખો, નવતર અને પ્રેરક લાગે. પણ મંચસ્થ મહાનુભાવ ઘેર જઈને બુકેને બદલે મળેલી બુકનું પેકેટ ખોલે, ઉત્સુકતાપૂર્વક પુસ્તકો પર નજર નાંખે એ સાથે જ તેને લાગ્યા વિના રહે નહીં કે પેકેટમાં ફૂલોની જેમ ચૂંટી ચૂંટીને પુસ્તકો મૂકવામાં આવ્યાં છે. આ પુસ્તકો મોટે ભાગે ન વેચાતાં, તદ્દન નબળાં, સામે પડ્યાં હોય તો એને જોયા પછી ખરીદવાનું પણ મન ન થાય એ પ્રકારનાં હોય છે. બંડલમાં મૂકાયેલાં પાંચ-છ પુસ્તકમાં આવું પુસ્તક એકાદું નહીં, બલ્કે તમામ આ કક્ષાના હોય, એવું મોટે ભાગે જોવા મળે છે. જોઈને જ લાગે કે આવાં પુસ્તકોને ઠેકાણે પાડવા માટે જ બુકે નહીં, પણ બુકનો વિચાર ચલણી બનાવવામાં આવ્યો હશે.

આવા અનુભવ એકલદોકલ કે અપવાદ નહીં, પણ સામાન્ય છે. અહીં પહેલો સવાલ એ થાય કે આવાં લખાણ લખનાર ભલે લખી નાંખે, પણ તેને પુસ્તકરૂપે પ્રકાશિત શા માટે કરવાં જોઈએ? પુસ્તકરૂપે પ્રકાશિત કરવા પાછળ મોટે ભાગે વ્યાપારી હેતુ હોય છે. એમાં કંઈ ખોટું નથી. પણ આ રીતે વધેલાં પુસ્તકોને ઠેકાણે પાડવા માટે ફૂલોનો કચ્ચરઘાણ થતો રોકવાનો, પ્રકૃતિની જાળવણી કરવાનો અને છોગામાં જ્ઞાનના પ્રસારનો હેતુ છે એમ દેખાડવામાં આવે ત્યારે જરા વિચારવું પડે. આયોજક કોઈ પ્રકાશક હોય તો જરા જુદી રીતે પણ જોવું રહ્યું.

પુસ્તકો સામાન્ય રીતે રીસાયકલ કરેલાં નહીં, પણ નવાનક્કોર કાગળ પર છપાતાં હોય છે. અમેરિકાસ્થિત કન્‍ઝર્વ એ ટ્રીના સંદર્ભ મુજબ, એક ટન કાગળ માટે સરેરાશ ૧૨ પૂર્ણ કદનાં વૃક્ષોનો ભોગ લેવાય છે. અલબત્ત, આ આંકડામાં વૃક્ષના પ્રકાર, ઉંમર, કદ અને કાગળના વૈવિધ્ય મુજબ વધઘટ હોઈ શકે. પણ સમજવા માટે આ અંદાજ પૂરતો છે.

આપણા સમારંભના આયોજકો તદ્દન ભોળેભાવે પ્રકૃતિની જાળવણી માટે ફૂલોનો કચ્ચરઘાણ થતો રોકવાની બાળસહજ કલ્પના કરે છે, પોતાને જ આ વિચાર સૌ પ્રથમ આવ્યો છે, એમ જાણીને બાળકની જેમ જ પોતાના આઈડીયા પર ફુલાય છે અને સાવ અજાણપણે કેટલાંય વૃક્ષોના નિકંદન માટે નિમિત્ત બને છે. એમ નથી કે આવું બધું સાવ અજાણપણે થતું હોય છે. પણ આ બાબત એ હદે રૂઢ થઈ ગઈ છે કે કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી, બલકે આમ જ હોય એવું લાગે છે.  

ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ભીષ્મ સાહનીની એક નવલિકામાં એક રાજાની વાત હતી. પ્રાચીનકાળનો એ રાજા અહિંસાના સિદ્ધાંતમાં ચુસ્તપણે માનતો હોય છે, અને પોતાના પ્રદેશમાં કોઈ પણ સ્થળે થતી હિંસા રોકવા તે કટિબદ્ધ હોય છે. આ રાજા યજ્ઞમાં પશુબલિ ચડાવાતો રોકવા માટે કૃતનિશ્ચયી બને છે, અને આ વિધિ જે મંદીરમાં થઈ રહી હોય છે, ત્યાં પોતાનું સૈન્ય મોકલે છે. પરંપરાગત ધોરણે ચડાવાતા પશુબલિને રોકવા ન દેવા માટે અનેક શ્રદ્ધાળુઓ આડા આવે છે. સૈન્યને તે અંદર જવા દેતા નથી. પણ રાજા કોઈ પણ ભોગે પશુબલિ અટકાવવા માંગતો હોય છે. લાચાર અને નિર્બળ પશુ પર થતા અત્યાચારને ગમે તે હિસાબે રોકવા માટે તે સૈન્યને આદેશ આપે છે. રાજાના આદેશ મુજબ, પશુબલિની વિધિ અટકાવવા માટે આગળ આવેલા અસંખ્ય નાગરિકોની સૈન્ય બેરહેમીપૂર્વક કતલ કરી દે છે. આમ, પશુબલિ છેવટે અટકે છે ખરો, પણ એ પહેલાં અનેક માનવોનો બલિ લેવાઈ ચૂક્યો હોય છે!

બુક નહીં, પણ બુકે જેવો શબ્દ કાને પડે ત્યારે અચૂક આ વાર્તા યાદ આવી જાય છે અને એમ લાગે છે કે પેલા રાજાની જેમ થોડાં ફૂલોને બચાવીને આપણે કેટલાંય વૃક્ષોની કત્લેઆમ કરી રહ્યા છીએ!  

આ બાબત ખૂંચતી હોય તો આનો ઉપાય નીકળી શકે. પોતે કોઈ સમારંભમાં અતિથિ તરીકે જવાનું બને યા કોઈ અતિથિને પોતાને ત્યાં નિમંત્રવાનું પણ બને ત્યારે આ બાબતે અગાઉથી ચર્ચા કરી શકાય. કાર્યક્રમમાં નિમંત્રીત મહેમાનનું મંચ પર સ્વાગત કરવું નરી ઔપચારિકતા જ હોય છે. એટલે અગાઉથી સ્પષ્ટતા કરીને એ ટાળી શકાય તો ઉત્તમ. છતાંય આ ઔપચારિકતા અનિવાર્ય લાગતી હોય તો બુકે યા બુકને બદલે બીજો સુયોગ્ય વિકલ્પ વિચારી શકાય. હાથવણાટ કે હસ્તકલાની કોઈ ચીજ ભેટ યા સ્મૃતિચિહ્ન તરીકે આપી શકાય. ભલે ને તે ખાદીનો હાથરૂમાલ કેમ ન હોય! કિંમતમાં તે બુકે કરતાં સસ્તો હશે, પણ તેનું મૂલ્ય અનેકગણું વધુ છે. મોટા ભાગના બુકે જે તે કાર્યક્રમના મંચ પરથી બહાર આવી શકતા જ નથી, અને ભેટમાં અપાયેલાં પુસ્તકો મંચ પરથી બહાર આવી શકે છે તો એ પછી મોટે ભાગે વંચાયા વિના સીધાં જ પસ્તીભેગા થાય છે. અમુક સંવેદનશીલ લોકો પસ્તીમાંય આવાં પુસ્તક કાઢી નાંખતા ખચકાય છે. રખે ને ફરી કોઈકના હાથે ચડી જાય તો! લેનાર અને આપનાર બન્ને આ જાણે છે, છતાં જાણે કે બંધારણીય જોગવાઈ હોય એ હદે આ પ્રથાનું પાલન કરવામાં આવે છે. કાશ! બંધારણીય જોગવાઈઓને પણ આટલી ચુસ્તતા અને ગંભીરતાથી લેવાતી હોત તો! તમે કાર્યક્રમના આયોજક હો તો આ અંગે વિચારવા, વક્તા હો તો આનો અમલ કરાવવા અને કેવળ પ્રેક્ષક હો તો ક્યારેક આયોજક યા વક્તા બનવાનું થાય ત્યારે આ બાબતને યાદ રાખવા માટે કંઈક કરી છૂટશો, તો ઘણાં ફૂલોની સાથે સાથે એકાદ વૃક્ષનો પણ જીવ બચશે.  

(ફીર દેખો યારોં, ગુજરાત મિત્ર, ૨૧-૨૧-૮-૨૦૧૪માં પ્રકાશિત) 

(તસવીરો નેટ પરથી) 

4 comments:

 1. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત થતા કાર્યક્રમો માટે પધારતા આમંત્રિત વક્તા અને મહેમાનોનું વિદ્યાપીઠના સંચાલકો ખાદીનો હાથરૂમાલ આપીને સ્વાગત કરે છે.
  ખાદીના વસ્ત્રથી લઇને તેના વેપાર-વહીવટની તલસ્પર્શી વિગતો જાણનાર વિરમગામનો વતની મિત્ર કેતન રૂપેરા પણ આમ જ કરે છે.
  ખાદીની ચીજ-વસ્તુઓ ખરીદીને ઉપયોગ કરવાનું હું મારા પપ્પા પાસેથી શિખ્યો છું. અમદાવાદમાં ઇન્કમટેક્ષ ચાર રસ્તા સ્થિત નવદીપ ખાતેના ખાદી ભંડારથી અમે દર વર્ષે બીજી ઑક્ટોબરને ગાંધી જયંતિના દિવસથી ખરીદીની શરૂઆત કરતા હતા.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 2. ઉત્પલ ભટ્ટSeptember 6, 2014 at 11:11 PM

  ખાદી પહેરવી તે અદભૂત ઘટના છે. તેના સારા આર્થિક અને શારીરિક પરિણામો હું છેલ્લા પાંચ વર્ષથી માણું છું અને ડૉક્ટર કોઠારીસાહેબનેય માણવા માટે ત્રાસની હદે આગ્રહ કરતો રહું છું!!

  ReplyDelete
 3. અમારી સંસ્થામાં બુકેને બદલે સેપલીંગ ચાલતું. ઘણાં લોકોને ગમતું એ. સાવ નાનું પોટ, એમાં છોડ, કાગળ કે સેલોફેનથી થોડુંક અમથું ડેકોર. મહાનુભવ ઘેર લઈ જઈ શકે અથવા સંસ્થામાં છોડી જાય તો ક્યાંક વાવી દેવાય. બુકે એ બગાડ છે એ હકીકત છે.

  ReplyDelete
 4. Good & Practical Thought
  : Bhavesh Jadav

  ReplyDelete