Sunday, March 12, 2017

આજ ફિર જીને કી તમન્ના હૈ: બે અનોખા કાર્યક્રમનો અહેવાલ

-ઉત્પલ ભટ્ટ 
(બે મહિના અગાઉ ઉત્પલ ભટ્ટે અહીં લખેલા  અહેવાલમાં સેનીટરી નેપકીન બનાવવાના પ્રોજેક્ટ થકી એક નવો આરંભ કરવાની વાત કરવામાં આવી હતી. આખરે આ પ્રોજેક્ટ મૂર્તિમંત થયો. એવા બે કાર્યક્રમનો તેમણે લખેલો અહેવાલ.) 
૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ની સવારે સ્વતંત્ર ભારતના શહેરી લોકો પ્રજાસત્તાક દિવસની 'રજા' માણી રહ્યા હતા ત્યારે ડાંગ જીલ્લાના વઘઈ અને તેની આસપાસના ગામોમાં રહેતી આદિવાસી મહિલાઓએ રોજીંદુ ઘરકામ સહેજ વહેલું આટોપ્યું અને સાદા પરંતુ સ્વચ્છ કપડાં પહેરીને છૂટાછવાયા ચાલતાં ચાલતાં વઘઈના આશાનગર ફળિયા તરફ પ્રયાણ કર્યું. સામાન્ય સંજોગોમાં કોઈ નોંધ પણ લે તેવા સાવ સામાન્ય આશાનગર ફળિયાના એક ઓરડામાં સવારે ૧૧ ના સુમારે લાલ રંગની રીબીન હળવેકથી ખેંચાઈ અને ડાંગની આદિવાસી મહિલાઓની 'આત્મવિશ્વાસની ઉડાન'ની સોનેરી શરૂઆત થઈ.

મશીનની કામગીરી સમજાવી રહેલા શ્રી બેડેકર 
આખી વાત આમ હતી. મહિલાઓને સ્વનિર્ભર બનાવતા સેનેટરી નેપકીન્સ પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ મળ્યું એટલે સેનીટરી નેપકીન્સ બનાવવાના મશીનનો ઓર્ડર શ્રી બેડેકરને અપાયો. ત્યારબાદ તેમની સાથે સતત ફોલોઅપ કર્યું, મશીન એસેમ્બલ થયું અને ક્રિમિશા સખી મંડળની ૧૫ બહેનોને સેનીટરી નેપકીન્સ બનાવવાની તાલીમ અપાઈ. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સખી મંડળની બહેનો ખૂબ ઉત્સાહિત હતી. તેઓનો અદમ્ય ઉત્સાહ જોઈને અમને પણ લાગ્યું કે પ્રોજેક્ટને બની શકે તેટલો પરફેક્ટ બનાવવાની કોશિશ કરીએશ્રી બેડેકર સેનીટરી નેપકીન્સ બનાવવાની તાલીમ આપતા હોય તેનો વિડિયો સખી મંડળની બહેનોએ લીધો છે જેથી કરીને તાલીમનું પુનરાવર્તન કરી શકાય. તાલીમ પૂરી થઈ તેના બીજા દિવસથી 'સ્વનિર્ભર' બનવા ઉત્સુક બહેનોએ સેનીટરી નેપકીન્સ બનાવવાના શરૂ કરી દીધા. હવે 'પેકેજીંગ'નો પ્રશ્ન આવ્યો કે દસ નેપકીન્સનું પેકેટ કયા નામે વેચવું? સેનીટરી નેપકીન્સને શું નામ આપવું અને એનો લોગો/ડિઝાઈન/રંગ કેવા હોવા જોઈએ એના પર ચર્ચા-વિચારણા ચાલી. છેવટે અમે એવા તારણ પર આવ્યા કે 'જશવંતી' બ્રાન્ડનેમ હેઠળ સેનીટરી નેપકીન્સનું લોન્ચીંગ કરીએ.
**** **** **** 
નામ પાછળનો ઈતિહાસ જણાવી દઉં. મારાં દાદીનું નામ જશવંતી હતું. તે પહેલેથી સુધારાવાદી સ્વભાવ ધરાવતાં. મોતા ગામમાં જન્મ, બાળપણ મુંબઈમાં ગાળ્યું. તેમના બાપુજી ખાધેપીધે સુખી ઘરના. આઝાદીની લડત દરમ્યાન વિદેશી માલની દુકાનો બહાર પીકેટિંગ પણ કર્યું. મુંબઈમાં આઝાદીના સરઘસોમાં હોંશેહોંશે આગળ પડતો ભાગ લીધો. દરમ્યાન તેમના બાપુજીનું અચાનક અવસાન થતાં મુંબઈ છોડીને વિધવા બા અને નાના ભાઈ સાથે મોતા પરત આવવું પડ્યું અને આર્થિક તંગીવાળું જીવન શરૂ થયું. તે સમયે ધોરણ સાત સુધી વર્નાક્યુલર સોસાયટીમાં ભણેલા એટલે અંગ્રેજી વાંચતા-લખતા આવડતું. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભણવામાં હોશિયાર હોવા છતાં ધોરણ સાત પછી કમને અભ્યાસ છોડવો પડ્યો જેનો એમને જીવનભર વસવસો રહ્યો. જૂના રીતરિવાજોને તેઓ નવા જમાના પ્રમાણે ઝડપથી ઢાળી શકતા અથવા તિલાંજલી પણ આપી શકતા. મારા બાળપણથી લઈને તેઓ જીવ્યાં ત્યાં સુધી એમના મોઢે આઝાદીની લડતના, બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન ફરજીયાત ખાવા પડતાં 'કંટોલના લાલ ઘઉં'ના, એમના બાપુજીની જાહોજલાલીના, ત્યારબાદ પડેલી આર્થિક તંગીના, કરકસરના દિવસોમાં પણ આનંદમાં રહેવાના અનેક કિસ્સાઓ સાંભળેલા. ગમે તેવી અઘરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનું એમનું મક્કમ મનોબળ અને એવી પ્રચંડ જીજીવિષા. બધા કારણોસર એવું નક્કી કર્યું કે સ્ત્રીસશક્તિકરણના પ્રોજેક્ટમાં સેનીટરી નેપકીન્સની બ્રાન્ડને 'જશવંતી' નામ આપીએ.

**** **** **** 

નામ નક્કી થઈ ગયા પછી પેકેટની ડિઝાઈન, રંગ અને થીમ પર કામ શરૂ કર્યું. એમાં મૌનાંગ મોદી નામના કલાકારની મદદ લીધી. 'તેજીને ટકોરો' ન્યાયે એમણે ખૂબ ઝડપથી બે-ત્રણ ડિઝાઈન બનાવી અને એમાંથી અમે એક ડિઝાઈન પર મત્તું માર્યું. ત્યારબાદ વેચાણ કિંમતનો પ્રશ્ન આવ્યો. શ્રી બેડેકરનું કહેવું હતું કે ભવિષ્યમાં કાચા માલની કિંમતમાં વધારો થાય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થાય કે સેનીટરી નેપકીન્સની બનાવટ દરમ્યાન વેસ્ટેજ નીકળે -- બધા કારણોને લીધે વેચાણ કિંમત રૂ. ને બદલે રૂ. .૫૦ રાખવી જોઈએ. અમને વાત સાચી લાગી અને સખી મંડળની બહેનો સાથે ચર્ચા કરીને દસ નેપકીન્સની વેચાણ કિંમત રૂ. ૨૫ રાખી.
બધું નક્કી થઈ ગયું એટલે મશીનના ઉદ્ઘાટનની તારીખ ૨૬ જાન્યુઆરી નક્કી કરી. સખી મંડળની બહેનોનો આગ્રહ હતો કે ડાંગમાં પ્રથમ વખત પ્રકારનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે એટલે સરસ રીતે ઉદ્ઘાટન કરવું. ઉદ્વાટન માટે બેનર બનાવ્યું. કાર્ડની ડિઝાઈન તૈયાર કરીને મોકલી એટલે તેમણે આહવા જઈને કાર્ડ છપાવ્યા અને આખા ડાંગમાં ઘણાને વહેંચ્યા. સમય દરમ્યાન અમદાવાદ-ડાંગની હોટલાઈન ચાલુ હતી. સમગ્ર પ્રોજેક્ટના કોઓર્ડિનેશનમાં યશવંતભાઈ-ઉષાબહેન, નિકિતા અને ભારતીબહેને રોજના અનેક કલાકો ફાળવીને ખૂબ જહેમત લીધી. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ઉદ્‍ઘાટનનો દિવસ આખરે આવી પહોંચ્યો.

અમે જરૂરી સાધનો-સરંજામ સાથે ૨૫ જાન્યુઆરીએ સાંજે વઘઈ પહોંચી ગયા. આશાનગર ફળિયામાં આવેલા ક્રિમિશા સખી મંડળના ઓરડામાં મૂકાયેલું મશીન જોયું, ઓરડાની બહાર બેનર લગાડ્યું, યશવંતભાઈ-નિકિતા-ભારતીબહેન સાથે જરૂરી ચર્ચા કરી અને રાત્રિરોકાણ માટે શિવારીમાળ આશ્રમશાળા પહોંચી ગયા. ૨૬ જાન્યુઆરીએ વહેલી સવારે ઊઠીને નિત્યક્રમ પતાવીને આઠ વાગ્યે અત્યંત ઉત્સાહથી આઝાદીના ગીતો ગાતાં આશ્રમશાળાના બાળકો સાથે પ્રભાતફેરીમાં ફર્યો. ત્યાર બાદ ધ્વજવંદન કર્યું. સેનીટરી નેપકીન્સના મશીનના ઉદ્‍ઘાટનનો સમય સવારે ૧૧ નો હતો એટલે વાગ્યે અમે શિવારીમાળથી વઘઈ જવા રવાના થયા.

સવારે દસના સુમારે આશાનગર ફળિયામાં આવી પહોંચ્યા ત્યારે ત્યાં ઘણી બધી બહેનોની ચહલપહલ હતી. સખી મંડળના બહારના ભાગમાં નાનો શામિયાણો બંધાયેલો હતો. બેસવા માટે થોડી ખુરશીઓ પણ ગોઠવેલી હતી. હાજર તમામને મન આજે અનેરો ઉત્સવ હતો. નોંધવાલાયક વાત હતી કે ત્યાં હાજર દરેક બહેનોના ચહેરા પર એક અનોખો ઉત્સાહ અને તેજ હતું. આહવાથી આવેલી બે-ત્રણ સખી મંડળની વીસેક બહેનો એકસરખી સાડીઓ પહેરીને આખો પ્રોજેક્ટ જોવા-સમજવા હાજર હતી. ઓરડાની અંદર મશીન સાથે લાલ રંગની રીબીન બંધાઈને ઉદ્‍ઘાટન માટે ખેંચાવા તત્પર હતી. હાજર તમામ લોકો પોતાનો ઘરનો પ્રસંગ હોય તે રીતે ઉત્સાહથી દોડાદોડી કરી રહ્યા હતા. ભારતીબહેન-યશવંતભાઈ-નિકિતા છેલ્લી ઘડીની ચર્ચાઓ કરીને કાર્યક્રમની રૂપરેખા ઘડી રહ્યા હતાં. એમને મન ઘડીઓનું મહત્વ રોકેટ છૂટ્યા પહેલાંના કાઉન્ટડાઉન જેટલું અગત્યનું હતું. સમારંભ સાદગીભર્યો હતો છતાં 'સાદગીનો વૈભવ' ઠેકઠેકાણે ડોકાઈ રહ્યો હતો.

વઘઈના આશાનગર ફળિયામાં યોજાયેલો સમારંભ 
અગિયાર વાગવામાં થોડી મિનિટોની વાર હતી ત્યાં વઘઈના સરપંચ, ઉપસરપંચ, તાલુકા વિકાસ અધિકારી, મિશન મંગલમના ડિરેક્ટર એમ વિવિધ પદાધિકારીઓ આવી પહોંચ્યા. ગુલાબના ફૂલોથી સ્વાગત થયું, દરેકે પોતપોતાના મિજાજ પ્રમાણે લાંબુ-ટૂંકુ ભાષણ કર્યું, વારેવારે તાળીઓના ગડગડાટ થયા અને હ્રદયને ઝણઝણાવતી એક પવિત્ર ક્ષણે 'સ્વરોજગાર થકી સ્ત્રીસશક્તિકરણ' તરફ દોરી જતાં સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટની લાલ રીબીન ખેંચાઈ. હાજર તમામના સ્માર્ટ ફોનમાં અસંખ્ય ફોટાઓ પડ્યા, સખી મંડળની બહેનોના ચહેરાઓ પર કંઈક નવું કરી રહ્યાનો મલકાટ વ્યાપ્યો, ડાંગના લોકોને અને પદાધિકારીઓને પ્રોજેક્ટની ખૂબીઓ અને વિશેષતાઓ જણાવવામાં આવી અને આપણા નવતર પ્રોજેક્ટનો ધમાકેદાર આરંભ થયો. સખી મંડળની બહેનોએ હાજર તમામ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી તેને ન્યાય આપીને સહુ ધીમેધીમે વિખરાયા.

આભારવિધિ વખતનું નિકિતા યશવંતરાવ બાગુલનું ટૂંકુ ને ટચ ભાષણ ચોટદાર હતું. એણે અમને સંબોધીને એવું કહ્યું કે "મહાભારતમાં જેમ અર્જુનના રથના સારથિ શ્રીકૃષ્ણ હતા તેમ સખી મંડળની આદિવાસી મહિલાઓના સારથિ તમે છો." પાંચ- વર્ષ પહેલાં કવાંટ તાલુકાના મોગરા- ગામની પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણ વખતે ત્યાંના આદિવાસી ફુગરિયાભાઈ ભીલે કીધેલા શબ્દો યાદ આવ્યા. એમણે કીધું હતું કે "રામાયણમાં જેમ શબરી ભગવાન રામની વાટ જોતી હતી તેમ અમે સૌ આટલા વર્ષોથી તમારી વાટ જોતા હતા." પ્રાસંગિક સરખામણી કરવામાં ફક્ત શહેરી ભણતર નહિ પરંતુ ઘડતર અને સમજશક્તિની જરૂર છે તે પૂરવાર થયું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 'એડોલેસન્ટ કાઉન્સેલર' તરીકે નોકરી કરતી નિકિતા સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટની 'માનદ કોઓર્ડિનેટર' છે. કંઈક નવું કરવાનો તેનો ઉત્સાહ, નાની ઉંમરમાં જવાબદારી લેવાની ભાવના, નોકરી પછીના કલાકો પ્રોજેક્ટના ફોલોઅપ માટે ફાળવવાની તેની તૈયારી, જરૂર પડે ત્યારે કડકાઈથી કામ લેવાની ક્ષમતા અને પ્રોજેક્ટને આગળ વધારવાની સમજશક્તિ -- બધું કાબિલેદાદ છે.
**** **** **** 

વઘઈ ખાતે સેનીટરી નેપકીન્સ બનાવવાનું મશીન મૂકવાની કામગીરી ચાલી રહી હતી દરમ્યાન બીજી સુખદ ઘટના બની. મશીન ખરીદવા માટેનું જરૂરી ફંડ આપનાર એન.આર.આઈ. સજ્જનને મેં પ્રોજેક્ટ ગાઈડલાઈન સમજાવી કે જેથી કરીને પ્રોજેક્ટ અવિરત ચાલ્યા કરે. એની વિગતો સાંભળીને એમણે બીજું મશીન મૂકી આપવાની ઓફર કરી જે મેં સહર્ષ સ્વીકારી લીધી. ડાંગના ગરીબ આદિવાસીઓ પર તો જાણે રૂપિયાનો વરસાદ વરસ્યો! કિરીટ બુધાલાલ પટેલ ફાઉન્ડેશન સિવાય એકસાથે મોટી રકમનું ફંડ આપનાર આવા સજ્જન પ્રથમ વખત મળ્યા. જીવનમાં અણધારી સુખદ ઘટનાઓ બની રહી હતી અને સતત રોમાંચિત કરી રહી હતી. એમણે તો બીજા મશીન માટેની રકમનો ચેક આપી દીધો અને બીજા દિવસથી ડાંગમાં બીજા કયા સ્થળે મશીન ઈન્સ્ટોલ કરવું તેની શોધ આરંભાઈ. કામમાં ડાંગના મૂળ વતનીઓ અને દરેક કામને ખૂબ ઉત્સાહપૂર્વક લેતાં યશવંતભાઈ અને ભારતીબહેનને સામેલ કર્યા. વઘઈ ડાંગનું પ્રવેશદ્વાર છે તો એનાથી દૂરના છેડે આવેલું આહવા ડાંગનું મુખ્યમથક છે. સેનીટરી નેપકીન્સના વેચાણમાં ડાંગ જીલ્લાના બંને છેડાનો સમાવેશ થાય એટલે આહવા ખાતે બીજું મશીન મૂકવાનું નક્કી થયું. ત્યારબાદ 'સખી મંડળ'ની શોધ ચાલી. એક-બે મંડળની આનાકાની પછી આહવામાં રહેતા અને 'આર્થિક રીતે અત્યંત પછાત'ની શ્રેણીમાં આવતાં વાંસના કારીગરો તખ્તા પર પ્રગટ થયા! વાંસના કારીગરોની અદભૂત હાથકારીગરી વિશે ક્યારેક લંબાણથી લખીશ. વાંસના કારીગરો અત્યંત મહેનતુ પ્રજા છે. વાંસના કારીગરોની ઘરની મહિલાઓ સાથેની પ્રાથમિક વાતચીત દરમ્યાન તેઓ સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત જણાઈ. બીજા દિવસે 'ધનલક્ષ્મી સખી મંડળ'ની સ્થાપના થઈ, એમના માટી-લીંપણવાળા કાચા મકાનની બાજુના એક નાના ઓરડામાં મશીન મૂકવાનું નક્કી થયું અને ફરીથી એક સાદગીભર્યા સમારંભની ભવ્ય તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ.

દરેક વાતો, ચર્ચાઓ, કાર્યો અને ઘટનાઓનું પુનરાવર્તન થયું. યશવંતભાઈના પત્ની ઉષાબહેન બાગુલે વાંસદાથી આહવા મશીન પહોંચાડવા, આહવાની બહેનોને સેનીટરી નેપકીન્સ બનાવવાની તાલીમ આપવા જેવા વિવિધ કામો માટે હોંશે હોંશે આહવાના ઘણા ધક્કા ખાઈને પ્રોજેક્ટ પ્રત્યેનું પોતાનું 'ડેડિકેશન' પૂરવાર કર્યું. ઉદ્‍ઘાટનની તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી થઈ અને જેની દરેક દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય એવો 'નસીબદાર' દિવસ ફરીથી આવી પહોંચ્યો. ફરીથી 'જશવંતી' બ્રાન્ડ સેનીટરી નેપકીન્સના લોકાર્પણનું બેનર લાગ્યું, શામિયાણો બંધાયો, ખુરશીઓ ગોઠવાઈ, માટી-લીંપણના કાચા મકાન તરફ ભાગ્યે જોવા મળતી ચહલપહલ શોરબકોરના 'લેવલ' સુધી વધી અને ફરીથી જ્ઞાનતંતુઓને આનંદિત કરી મૂકતી એક ચોક્કસ ક્ષણે 'સ્વરોજગાર થકી સ્ત્રીસશક્તિકરણ' તરફ દોરી જતાં સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટની લાલ રીબીન ખેંચાઈ. બધું 'ફરીથી' થયું તેમ છતાં ક્યાંય 'રીપીટેશન'નો ભાર કે કંટાળો નહોતો. આહવામાં તો વણબોલાવી મહિલાઓ પણ હાજર રહી અને અનેક પ્રશ્નો પૂછીને પ્રોજેક્ટ અંગેની વિસ્તૃત જાણકારી મેળવી. હંમેશા પડદા પાછળ ધકેલાયેલી રહેલી વાંસ કારીગરોની મહિલાઓ માટે તો 'ધન્ય ઘડી' હતી. તેઓના માનમાં થયેલો તાળીઓનો સ્વયંભૂ ગડગડાટ પુષ્પવૃષ્ટિથી જરાય ઓછો નહોતો. મેં સમારંભમાં હાજર રહેલી તમામ બહેનોને સાદીસીધી અપીલ કરી કે હવે પછીથી સેનીટરી નેપકીન્સ 'જશવંતી' બ્રાન્ડના ખરીદજો. અપીલની એવી અસર થઈ કે ધનલક્ષ્મી સખી મંડળની બહેનોએ તૈયાર કરેલ તમામ પેકેટ ચપોચપ વેચાઈ ગયા અને એડ્વાન્સ ઓર્ડર બૂકિંગ પણ થઈ ગયા!

ઉત્પાદન કરી રહેલી બહેનો 
પ્રોજેક્ટમાં સંકળાયેલી સખી મંડળની તમામ બહેનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ડિઝાઈન કરેલા સર્ટિફિકેટ આપ્યા છે. સમાજમાં ખુમારીથી આગળ વધવામાં તેમનો આત્મવિશ્વાસ વધે માટે યુનિફોર્મ તરીકે દરેક બહેનોને એપ્રન પણ આપ્યા છે જે પહેરીને તેઓ સેનીટરી નેપકીન્સ બનાવશે. સેનીટરી નેપકીન્સના વેચાણ માટે જશે ત્યારે પણ તેઓ એપ્રન પહેરીને જશે જે તેઓની આગવી ઓળખ બનશે. સતત આર્થિક તંગીમાં રહેતી મહિલાઓએ અમને એમના ઘેર પેટ ભરીને સાદું ભોજન જમાડ્યું. ખરા અર્થમાં 'આપનાર' તેઓ અને 'લેનાર' અમે બન્યા.
 
હૈ તૈયાર હમ... 
બંને સખી મંડળને પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી મુશ્કેલી આવે અને પ્રોજેક્ટ અવિરત ચાલતો રહે માટે તેમને 'પ્રોજેક્ટ ગાઈડલાઈન' બનાવી આપી છે. મશીન સાથે ૪૦,૦૦૦ નેપકીન્સ બનાવવાનો કાચો માલ વિનામૂલ્યે આપેલો છે એટલે પ્રથમ ૪૦,૦૦૦ નેપકીન્સનું વેચાણ થાય તેમાંથી રૂપિયા એક લાખ ભેગા થશે (૪૦,૦૦૦ x .૫૦). વેચાણ મારફત  ભેગી થયેલી રૂ. ૮૦,૦૦૦ ની રકમ 'સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ'ના અનામત ભંડોળ તરીકે રાખશે જેમાંથી બીજી વખતનો કાચો માલ ખરીદી શકાશે. જરૂર પડે તો મશીનના મેઈન્ટેનન્સ માટે પણ અનામત ભંડોળમાંથી રકમ ખર્ચી શકાય. ટૂંકમાં પ્રોજેક્ટને પૂરતું 'કોર્પસ ફંડ' પણ મળી રહે એવો વિચાર છે. નેપકીનના વેચાણમાંથી મળેલા બાકીના રૂ. ૨૦,૦૦૦ સખીમંડળની બહેનો વચ્ચે સરખે ભાગે વહેંચાશે. રોજીંદા પ્રોડક્શન અને વેચાણનું રજીસ્ટર વ્યવસ્થિત રીતે જાળવવાની તેમને તાકીદ કરી છે. રોજેરોજનો વકરો બીજા દિવસે બેંકમાં જમા કરાવવાનો રહેશે બહાને બહેનો 'બેંકિંગ' પણ શીખી જશે. બેંક ખાતામાં જેવા રૂ. ,૦૦૦ જમા થાય કે તરત તેની ફિક્સ ડિપોઝીટ કરાવવાની રહેશે. રીતે થોડીક વ્યાજની આવક પણ શરૂ થશે. વઘઈની પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિકિતા રહેશે અને આહવાની પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિકિતાની બેનપણી અને આહવા સીવીલ હોસ્પિટલમાં નોકરી કરતી મનીષા રહેશે. બંને છોકરીઓ મૂળ ડાંગની છે એટલે સખી મંડળની બહેનો સાથે ડાંગી ભાષામાં સરળતાથી વાત કરી શકશે. સમગ્ર પ્રોજેક્ટમાં સતત દખલ કરવાનો જરાય ઈરાદો નથી. ક્યાંય કામ અટકે અથવા બીજી કોઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ અમારો સંપર્ક કરી શકે છે. હવેથી તેઓએ સ્વતંત્ર રીતે મહેનત કરીને આગળ વધવાનું છે.

સેનીટરી નેપકીન્સના માર્કેટિંગ માટે પણ ભારતીબહેન અને નિકિતા સાથે ઘણી ચર્ચા થઈ છે. તેઓના સૂચન મુજબ સ્ટીકરની ડિઝાઈન બનાવી આપી છે અને તેમણે સ્વખર્ચે સ્ટીકર્સ છપાવ્યા છે. "આત્મવિશ્વાસની ઉડાન, જશવંતીને સંગ" લખેલા સ્ટીકર્સ તેઓ બસ સ્ટેન્ડ, વિવિધ છાત્રાલયો, સરકારી કચેરીઓ, દૂધ મંડળીના કેન પર એમ વિવિધ ઠેકાણે જાહેરાત માટે લગાડી રહ્યા છે. ડાંગની મહિલાઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવા પ્રોજેક્ટને 'આત્મવિશ્વાસની ઉડાન' એવું સ્લોગન આપ્યું છે. જુદા-જુદા ગામોમાં દર અઠવાડિયે ભરાતા 'હાટ'માં પણ નાનો સ્ટોલ રાખીને સખી મંડળની બહેનો નેપકીન્સનું વેચાણ કરી રહી છે. ભારતીબહેન અને તેમની મહિલા ટીમે ઉકાઈ ખાતે ભરાતા મહાશિવરાત્રીના મહામેળામાં 'જશવંતી' સેનીટરી નેપકીન્સનો અલાયદો સ્ટોલ રાખીને ૨૦૦ પેકેટનું વેચાણ કર્યું. પ્રકારના બીજા મેળાઓમાં જઈને પણ તેઓએ સેનીટરી નેપકીન્સનું વેચાણ કરવા માટેની પૂરી તૈયારી કરી છે.
મેળાના સ્ટૉલમાં વેચાણ માટે તૈયાર બહેનો 
મહેનત કરીને જીવનમાં આગળ વધવાનું બધી મહિલાઓનું જોશ 'સલામ'ને લાયક છે. સાચું women empowerment છે. અહીં બનતા નેપકીન્સ બાયોડિગ્રેડેબલ છે. ક્રિમિશા અને ધનલક્ષ્મી બંનેએ ડાંગને બે ભાગમાં વહેંચી દીધું છે. બંને પોતપોતાના વિસ્તારોમાં નેપકીન્સનું વેચાણ કરશે. પ્રોજેક્ટને સંપૂર્ણ પેકેજ બનાવવા અમે ખૂબ મહેનત કરી છે. અમે વઘઈ અને આહવા બંને સખી મંડળોની કામગીરીનું મહિના સુધી મોનીટરિંગ અને ટ્રેકિંગ કરીશું. વિવિધ વ્યક્તિઓ પાસેથી અને સ્થળોએથી મળેલા પ્રતિભાવો પરથી પ્રોજેક્ટમાં/પ્રોડક્ટમાં જરૂરી સુધારા વધારા કરીશું. સુધરવું અને સુધારા કરવા સતત ચાલતી પ્રક્રિયા છે!
**** **** **** 

બંને સખી મંડળોએ પ્રોજેક્ટ માટે અલગ બેંક ખાતા ખોલાવી દીધા છે. એક વિચાર એવો છે કે ડાંગ જીલ્લાની વિવિધ આશ્રમશાળાઓ અને હાઈસ્કૂલોમાં છોકરીઓને દર મહિને સેનીટરી નેપકીન્સનો પૂરવઠો પહોંચાડવા માટે ક્રિમિશા અને ધનલક્ષ્મીને વારાફરતી ઓર્ડર આપવા. એક હાઈસ્કૂલમાં સરેરાશ ૧૨૦ છોકરીઓ હોય જેમને દર મહિને દસ નેપકીન્સનું પેકેટ પહોંચાડવા રૂ. ,૦૦૦ જોઈએ. જે કોઈ પણ રીતે ફંડ આપવા માંગતું હોય તે નીચેના કોઈ એક નામનો ચેક મોકલી શકે છે. તમારા ગામમાં/વિસ્તારમાં છોકરીઓને નેપકીન્સ આપવાની ઈચ્છા હોય તો પણ નીચે પૈકીના કોઈ એક સખી મંડળને ઓર્ડર આપી શકો છો.
() ક્રિમિશા સખી મંડળ - સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ
() ધનલક્ષ્મી સખી મંડળ - સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ
(કામગીરીના સંકલન માટે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિકિતા બાગુલનો સંપર્ક +91 78748 02613 પર કરી શકાય.) 

સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ થકી સ્વનિર્ભર બનવાની હવા આપોઆપ ડાંગમાં ફેલાઈ રહી છે. સખી મંડળની કામગીરી જોતી સરકારની પાંખ 'મિશન મંગલમ'ના ડિરેક્ટર શ્રીમતી નયનાબહેન, આહવાના તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પ્રેમિલાબહેન અને વાંસદાના તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ પટેલ પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવીને અને તેને કારણે સખી મંડળની બહેનોની થનાર પ્રગતિ વિશે જાણીને ખૂબ ખુશ થયા. આહવા ખાતે ઉદ્ઘાટન દરમ્યાન ત્રણેક સખી મંડળની બહેનોએ એમને ત્યાં મશીન મૂકવા વિશે પૃચ્છા કરી. તાપી જીલ્લાના ઉચ્છલ ગામથી પ્રોજેક્ટ શરૂ કરવાનું કહેણ આવ્યું છે. વલસાડ, નવસારી, સોનગઢ વિસ્તારમાંથી પણ સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ વિશેની પૂછપરછ થઈ રહી છે. અત્યારે અમારી પાસે એટલું ફંડ નથી કે નવા મશીનો ડાંગ સિવાયના જીલ્લાઓમાં મૂકી શકાય. જે-તે સખી મંડળ 'મુદ્રાબેંક' માંથી સબસીડીવાળી લોન લઈને કે અન્ય સરકારી સહાય દ્વારા સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. અમારા તરફથી સંપૂર્ણ કોઓર્ડિનેશન અને ગાઈડન્સ મળશે . કોઈ એક દાતા કે દાતાઓનું જૂથ ભેગા મળીને પણ પોતાના ગામમાં પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. ટૂંકમાં ડાંગ જીલ્લામાં સ્ત્રીસશક્તિકરણની એક ચળવળ શરૂ થઈ છે જેને સહુએ ભેગા મળીને આખા ગુજરાતમાં ઝડપથી ફેલાવવાની છે.

સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળના ઘણા હેતુ છેઃ
() આદિવાસી વિસ્તારની મહિલાઓમાં 'સ્કીલ ડેવલપમેન્ટ'.
() આદિવાસી વિસ્તારની મહિલાઓ 'સ્વરોજગાર' મેળવી શકે.
() આદિવાસી વિસ્તારની મહિલાઓમાં 'સ્વરોજગાર થકી સ્ત્રીસશક્તિકરણ' દ્વારા આત્મવિશ્વાસનો સંચાર કરવો (એટલે "આત્મવિશ્વાસની ઉડાન" એવું સ્લોગન રાખ્યું છે).
() ડાંગ જીલ્લાની બહેન-દીકરીઓમાં 'માસિક' અંગેના પ્રશ્નો/ગેરસમજ દૂર થાય અને 'સેનીટરી નેપકીન્સ'ના ઉપયોગ અંગેની જાગૃતિ આવે.
() પ્રકારના નાના પાયે શરૂ થયેલા 'સ્વરોજગાર પ્રોજેક્ટ'ને લીધે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તો શહેરો તરફની દોટ અટકી શકે.

પ્રોજેક્ટ વિશે સાંભળીને, વઘઈ અને આહવા સખી મંડળની જાતમુલાકાત લઈને ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી જાતમહેનતે આગળ આવેલી સોનગઢ તાલુકાના ખાંજર ગામના ખેતમજૂર માતા-પિતાની પુત્રી અને ગુજરાત વિદ્યાપીઠની એમ.ફિલ.ની વિદ્યાર્થીની સુનીતા ગામીતે સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટનો 'કેસ સ્ટડી' તરીકે અભ્યાસ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ આગળ વધવાની સાથે નવી નવી ઘટનાઓ સંકળાઈ રહી છે અને હજુ સિલસિલો ચાલ્યા કરશે તેવો અમને વિશ્વાસ છે.

આપ સહુનો આર્થિક સહકાર સતત મળતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ અવિરત મળતો રહેશે તેની મને ખાતરી છે.

સ્વરોજગાર થકી સ્ત્રી સશક્તિકરણનો એક નાનકડો પ્રયાસ છે. 'જશવંતી' સેનીટરી નેપકીન્સ ડાંગની આદિવાસી મહિલાઓ/કન્યાઓ માટે 'આત્મવિશ્વાસની ઉડાન' છે.


તો ચાલો, સહુ સાથે મળીને સપનાના ભારતનું નિર્માણ કરીએ.

(પ્રોજેક્ટ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે ઉત્પલ ભટ્ટ: bhatt.utpal@gmail.com / વોટ્સેપ: 70161 10805 અથવા આ બ્લૉગના માધ્યમ દ્વારા સંપર્ક કરી શકાશે.) 

(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

14 comments:

 1. આ ઉત્સાહી યુવાન કેવી મક્કમ ગતિથી આદિવાસી વિસ્તારની સમગ્રપણે કાયાપલટ કરી રહ્યા છે એનો અંદાજ તેઓને ખુદને પણ નહીં હોય. તેઓને ખુબ અભિનંદન અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં સૌને શુભેચ્છા. બીરેનભાઈ, તમે આવી વાતો ઉજાગર કરી મોટા સત્કાર્યમાં આહુતિ આપી રહ્યા છો.

  ReplyDelete
 2. નીપેન્દ્રકુમારMarch 12, 2017 at 4:00 PM

  સારો વિચાર આવ્યા પછી તેનો અમલ કરવો તે ખરેખર કઠિન કામ છે. ખૂબ જ સફળ થઇ શકે તેવો આ પ્રોજેક્ટ છે. અભિનંદન!

  ReplyDelete
 3. કલ્પના દેસાઇMarch 12, 2017 at 4:02 PM

  વાહ! મસ્ત શરૂઆત થઇ છે. ખૂબ શુભેચ્છા અને અભિનંદન.

  કલ્પના દેસાઇ, ઉચ્છલ

  ReplyDelete
 4. very well done.... May God bless you and provide you more and more strength to continue and keep it up. Good luck.

  ReplyDelete
 5. Clear vision, excellent idea & execution. A firm step to uplift rural women. Great job indeed.

  Farah Pathan
  Austin, TX

  ReplyDelete
 6. Brilliant idea. Project objectives cover many points. Companies should follow this kind of projects under CSR initiative. I am really impressed with your vision to bring change through self reliance. Congrats!

  Maulik Joshi, Mumbai

  ReplyDelete
 7. Women empowerment project in true sense. We must work together to expand this project. Skill development, Rural development, self reliance...all inclusive in one project.
  Also your writing style is very lucid. Congratulations!

  Jigisha
  Regional Coordinator
  Gender Resource Center

  ReplyDelete
 8. Dr. Jigar ChhappanMarch 13, 2017 at 1:45 PM

  Excellent work and great initiative. Many many congratulations for successfully executing and completing a noble project. This is a true selfless intention and true patriotism in today's time.

  Dr. Jigar Chhappan
  Hyderabad

  ReplyDelete
 9. વાલજી વીરાણીMarch 13, 2017 at 2:23 PM

  અમારા ગામમાંય સખીમંડળ છે પણ સ્વરોજગારની કોઇ કામગીરી થતી નથી. પિયુષભાઇ સાચું જ કહે છે કે તમે મક્કમ ગતિથી આદિવાસી વિસ્તારની સમગ્રપણે કાયાપલટ કરી રહ્યા છો. તમામ પાસા વિચારીને અમલમાં મૂકેલો આ પ્રોજેક્ટ છે. આર્થિક સ્ત્રીસશક્તિકરણ આ રીતે જ થઇ શકશે. ડાંગમાં તમે સારૂં એવું ખેડાણ કર્યું છે. હવે સૌરાષ્ટ્ર તરફ આવો તેવી વિનંતી.

  વાલજી વીરાણી
  મુ.પો. મોટી વાવડી, જી. ભાવનગર

  ReplyDelete
 10. મનહર પંચાલMarch 13, 2017 at 2:27 PM

  ખૂબ જ સુંદર કાર્ય. 'જશવંતી'ને અનોખી અંજલિ. અભિનંદન.

  મનહર પંચાલ
  વડોદરા

  ReplyDelete
 11. Amazing work. Real development and empowerment.

  ReplyDelete
 12. Wonderful article. You are doing excellent work for women empowerment in Dang. Congratulations!

  Premila Parmar
  TDO, Ahwa

  ReplyDelete
 13. Wow. This is as good as Project Report in form of story telling. This whole concept for tribal women is so unique. Also the idea of creating a Corpus Fund is showing your long term vision. Govt. should replicate this project in most of rural Gujarat. I will help as much as I can.

  ReplyDelete
 14. ખુબ જ સુંદર કાર્ય...અભિનંદન...

  ReplyDelete