વડોદરાની સાહિત્યસંસ્થા 'સાહિત્યસમીપે' અંતર્ગત 22-2-25 ને શુક્રવારની સાંજના સાડા પાંચથી સાત દરમિયાન 'ગોષ્ઠિ-125'નું આયોજન હતું. દર શુક્રવારે યોજાતી આ સાહિત્યિક ગોષ્ઠિનો આરંભ થયો ત્યારે 'ગોષ્ઠિ-1'માં જયેશભાઈ ભોગાયતા દ્વારા મને આમંત્રણ મળેલું. એ પછી અવારનવાર અહીં જવાનું બનતું રહ્યું છે. આને કારણે અહીંના મોટા ભાગના શ્રોતાવર્ગ સાથે નામનજરનો પરિચય છે એમ કહી શકાય.
નિશાબહેનના ગાનથી આરંભ |
નિરંજનભાઈએ સંભાળ્યો સંચાલનનો દોર |
સ્વામી આનંદ લિખીત પુસ્તક 'ધરતીની આરતી' વિશે મારે બોલવાનું હતું, પણ એમાં મેં ત્રણ પેટાવિભાગ કર્યા. સૌ પ્રથમ માતૃભાષા વિશે થોડી વાત કરી. એ પછી સ્વામી આનંદનો ટૂંકો પરિચય આપ્યો. અને પછી 'ધરતીની આરતી' પુસ્તક વિશે કહ્યું. અહીંનો સજ્જ શ્રોતાગણ આ પુસ્તકથી સુપરિચીત હતો. હિમાલયનું વર્ણન ગમે એટલું કરીએ, પણ હીમાલયને પ્રત્યક્ષ જોવાની તોલે કશું ન આવે એ ન્યાયે પુસ્તક વિશે ટૂંકાણમાં વાત કર્યા પછી પુસ્તકમાંના કેટલાક ગદ્યખંડનું પઠન કરીને સ્વામી આનંદના ભાષાવૈભવનો સીધો પરિચય કરાવ્યો.
પુસ્તકની બહાર, પણ વિષયની અંદર રહીને કેટલીક વાત થઈ, જેમાં સ્વામી આનંદના પુસ્તક 'જૂની મૂડી'નો ઉલ્લેખ કર્યો. વિવિધ વ્યવસાયના પારિભાષિક શબ્દો વિશે પણ વાત થઈ. સ્વામી આનંદના લેખ 'માનવી અને ભૂગોળ'માં માનવના રહનસહન અને પ્રકૃતિ પર થતી ભૂગોળની અસર વિશે કહેવાની મજા આવી.
હર્ષદભાઈએ બાંધી આપેલી પૂર્વભૂમિકા |
નિરંજનભાઈએ આભારદર્શન કરીને કાર્યક્રમનું સમાપન કર્યું. આ વર્તુળની મજા એ હોય છે કે અહીં મર્યાદિત સંખ્યા હોવાથી વક્તવ્યને બદલે વાતચીત કરતા હોઈએ એમ લાગે, એને કારણે યાંત્રિકપણાને બદલે સહજપણે વાત થઈ શકે છે, અને આનુષંગિક અનેક વાતો યાદ આવતી રહે છે. કાર્યક્રમ પૂરો થયા પછી પણ હળવામળવાનો અને વાતોનો આનંદ અહીં હોય છે.પાર્થિવભાઈ દેસાઈ સાથેનો પરિચય આનંદદાયક બની રહ્યો, તો મિત્ર ખુમાણભાઈ રાઠોડ ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા એનો આનંદ.
No comments:
Post a Comment