Wednesday, May 4, 2016

સોબત કરતાં એમની, બધી બાજુનું દુ:ખ


શેરીનાં કૂતરાંઓ અને તેના પ્રત્યે આપણા અભિગમ વિષે અગાઉ અહીં જોયા પછી હવે વાત કરવાની છે પાલતૂ કૂતરાઓની. આપણી સમાજવ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનને કારણે નાનકડા કુટુંબના એક સભ્ય તરીકે કૂતરાંઓનું પ્રમાણ અને સ્વીકૃતિ વધી રહ્યાં જણાય છે. માણસો કૂતરાં પાળે તેની પાછળ મુખ્યત્વે ચાર કારણ જોવા મળે છે. કેટલાક લોકો દેખાડા માટે પાળે છે, ઘણા લોકો ઘરની ચોકીદારી માટે કૂતરાં પાળતા જોવા મળે છે. અમુક લોકો શોખથી કૂતરાં પાળે છે. અલબત્ત, કોઈ જીવને કેવળ શોખ માટે પાળવાની વાત આવે ત્યારે શોખ શબ્દ વર્ચસ્વ જમાવવાની મનુષ્યની આદિમ મનોવૃત્તિના પ્રતીક જેવો છીછરો જણાય છે. ચોથા પ્રકારના લોકો એવા હોય છે કે જેમને કૂતરાં પ્રત્યે ખરેખર પ્રેમ હોય છે અને એ કારણથી તેને પાળે છે.
આ ચાર કારણોમાંથી પ્રથમ ત્રણના પ્રતાપે આપણે ત્યાં જાતજાતના વિદેશી ઓલાદના કૂતરા જોવા મળે છે. આમાંના મોટા ભાગના આપણા દેશના વાતાવરણ માટે બિલકુલ બન્યાં હોતાં નથી. તેથી જીવનપર્યંત આપણા પર્યાવરણ સાથે તેઓ અનુકૂલન સાધી શકતા નથી. પરિણામે તેઓ આખી જિંદગી અમુક પ્રકારની અગવડમાં અને કેટલાક અતિશય પીડામાં વીતાવે છે.
આભાસી વાસ્તવિકતા કે વાસ્તવિક આભાસ? 
થોડા દિવસ અગાઉ કોરીયન માસ્તીફ ઓલાદના બે વિદેશી શ્વાન બેંગ્લોરના જાણીતા શ્વાનપાલક સતીશ એસ. એક એક કરોડની ઉંચી કિંમતે લાવ્યા હોવાના સમાચાર ચમક્યા હતા. આપણા દેશમાં પહેલવહેલી વખત આવનાર આ વિદેશી કૂતરાંની ચામડી એટલી બધી જાડી અને કરચલીઓવાળી છે કે ચોવીસે કલાક તેમને વાતાનૂકુલિત વાતાવરણમાં રાખવામાં આવે તો પણ તેઓ અહીંના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકવાનાં નથી. આથી કૂતરા પાળવાની ઈચ્છા ધરાવનારે પહેલાં એ વિચારવું જોઈએ કે પાળવાં હોય તો દેશી કૂતરા કેમ નહીં? વિદેશી કૂતરાંમાં હોય તેવા તમામ લક્ષણો તેમનામાં પણ હોય છે. તે ઓછો કે વધુ પ્રેમ કરતાં નથી. વગર જાણ્યે-વિચાર્યે વિદેશી કૂતરાં પાછળ ઘેલા થવાનું, તેમની પર આફરીન થવાનું અને એ રીતે તેમને દેખાડાની ચીજ માનવાનું આપણને વધુ ફાવે છે. ઈમ્પોર્ટેડની આપણી ઘેલછા કૂતરા જેવા સજીવ પ્રાણીને પણ લાગુ પડે છે.
કૂતરાઓને લઈ આવ્યા પછી બીજો સવાલ આવે છે તેમને યોગ્ય રીતે રાખવાનો. મોટા ભાગના લોકોને મન કૂતરાનું મહત્ત્વ દિલ બહેલાવવાના રમકડાથી વિશેષ નથી. પોતાના બાળકને રીઝવવા તેમ જ પશ્ચિમના દેશોની જેમ ગલુડિયાં ભેટમાં આપવાનું ચલણ પણ શરૂ થયું છે. જો કે, તેનું મહત્ત્વ ભેટમાં આવેલી ચીજની જેમ થોડા દિવસ પૂરતું જ રહે છે. પોતાને સહેજ અમસ્તી અગવડ પડે કે કૂતરાને કશી નાનકડી તકલીફ થાય તો તેને ભરરસ્તે, અને એ પણ અજાણ્યા વિસ્તારમાં રઝળતું મૂકી દેતાં લોકો અચકાતાં નથી. અત્યાર સુધી હૂંફ અને સલામતીમાં રહેલું આ પ્રાણી હવે ખોરાક મેળવવાની અને સલામત રહેવાની લડતમાં ઝાઝું ટકી શકતું નથી.
આનો અર્થ એવો હરગીઝ નથી કે જે લોકો પોતાનાં પાળેલાં કૂતરાંને છોડી નથી આવતાં તેઓ એમનું સારી રીતે જતન કરે છે. કેટલાક લોકો કૂતરાં લાવે છે, શરૂઆતમાં થોડા દિવસ તેની ગેલગમ્મત માણે છે અને પછી તેમને ભૂલી જાય છે. કૂતરાંની સાવ પાયાની જરૂરિયાતો પ્રત્યે માલિકો તદ્દન બેધ્યાન રહે છે. શરૂઆતમાં એકદમ ક્યૂટ લાગતા આ પ્રાણીની રોજિંદી દેખભાળ કરવાની થતી હોવાથી હવે એ ભારરૂપ લાગવા માંડે છે. આના પરિણામરૂપે ઘરમાં પાલતૂ પ્રાણીઓને પૂરીને ઘરના સભ્યો દિવસો સુધી જતા રહ્યાના, તેમને ઘરમાં ગોંધી રાખવાના કિસ્સાઓ વાંચવામાં આવે છે.
કેટલાક લોકો આ પ્રાણીની મૂળભૂત પ્રકૃતિને સાવ ડામી દેવા મથે છે.  તેમની ભસવા, ફરવા, સૂંઘવા જેવી પાયાની તેમજ ઋતુમાં સમાગમ કરવાની જરૂરિયાતો તરફ ધરાર દુર્લક્ષ રખાય છે. આ સંજોગોમાં બહારથી ભલે પ્રાણીઓ હૃષ્ટપુષ્ટ દેખાય, પણ તે સાવ હતાશ અને કેદખાનાના કેદી સિવાય બીજું કશું હોતાં નથી.
ક્યારેક ઘેલા પ્રાણીપ્રેમમાંથી કરૂણાંતિકાઓ પણ સર્જાય છે. પાળેલું કૂતરું પ્રાણી છે અને પ્રાણીસહજ જરૂરિયાતો ધરાવે છે તેવું ભૂલીને તેને લાડ લડાવનારા માલિકો ઘણી વખત એવી ભૂલો કરી બેસે છે જેની ભરપાઈ પેલા પાલતૂ પ્રાણીએ વગર વાંકે કરવી પડે છે. કૂતરું પાળવા ઈચ્છનારે આ ચોક્કસ પ્રાણીને સમજવું પડે છે. તેની સાથે બાળકની જેમ કે તેથી પણ અદકેરો  વ્યવહાર કરવાથી તેનું કશું ભલું થતું નથી. તેને બદલે શ્વાનપ્રેમીઓએ પોતાના પ્રેમને સાચી દિશામાં વાળવો જોઈએ, તેની પ્રાણી તરીકેની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. નહીં તો તેને એવી આદતો પડે છે જે ક્યારેક આપણને ભારે પડી શકે છે. જેમ કે, ક્યારેક તેની ગોરંભાઈ રહેલી હતાશા બહાર આવે અને તે કોઈને કરડી બેસે તો માલિકો જવાબદારી લેવામાંથી પાછા ખસે છે ને પછી અતિ ભારે હૃદયે, ચોધાર આંસુઓ સાથે એ કૂતરાને ક્યાંય દૂર છોડી આવે છે. આમ દંડાય છે તો પ્રાણી જ!
બીજી તરફ, પોતાનાં પાલતૂ પ્રાણીને સારી રીતે રાખનારા લોકો પણ પ્રાણી માંદું પડે ત્યારે તેને ત્યજી દેતાં જોવા મળે છે. આપણી સારી કે ખરાબ પરિસ્થિતિમાં આપણા સુખ કે દુ:ખને સહન કરનાર આ પ્રાણીઓ તેમની પોતાની અત્યંત પીડાદાયક અને અંતિમ પળોમાં એકલાં હોય એવું બને છે, કારણ કે તેમના વહાલસોયા માલિકો તેમને સ્થિતિમાં જોઈ શકે એમ હોતા નથી. પરિણામે તેમને કોઈ સંસ્થામાં મૂકી આવે છે કે ગમે ત્યાં છોડી મૂકે છે. 
માનવપ્રેમીઓ પાલતૂ પ્રાણીઓની સામે બાંયો ચડાવતા હોવાના કિસ્સા પણ ક્યારેક ઝળકે છે. પ્રાણીઓ પ્રત્યેનો તિરસ્કાર હોવો ઘટે એ સાચું, પણ અમુક પ્રકારની સજ્જતા હોય તો પાલતૂ જાનવર રાખવું જોઈએ. જેમ કે, તમારું પાલતૂ કૂતરું રસ્તે ચાલતા ગમે તે માણસ પર કૂદે કે ગમે ત્યાં કુદરતી હાજત કરે તેની જવાબદારી સંપૂર્ણપણે તેના માલિકની છે. પશ્ચિમના દેશોની જેમ બાબતો અંગેના કડક કાયદા આપણે ત્યાં નથી. પણ તે ખરેખર નૈતિક જવાબદારીનો ભાગ ગણીને તેને નિભાવવી જોઈએ.
પાલતૂ પ્રાણીઓ બાબતે પણ આપણે નાગરિકધર્મની રીતે આટલું વિચારવું જોઈએ. પાલતૂ પ્રાણી રાખવા ઈચ્છનારને જાણ હોય છે, છતાં તેણે પોતાના મનમાં એ ઠસાવવું જોઈએ કે એ શોખ કે દેખાડાની વસ્તુ નથી, પણ પોતાના જેવો જ એક જીવ છે. ઉપરાંત તેને પાળવાની ઓછામાં ઓછા ચૌદથી પંદર વર્ષની જવાબદારી છે એ સમજણ અને સ્પષ્ટતા પણ મનમાં હોવી જોઈએ. પાલતૂ પ્રાણી ચાવી દીધેલું રમકડું નથી એ યાદ રાખીને તેની શારીરિક અને પ્રકૃતિગત જરૂરિયાતો જાણવી-સમજવી અને પૂરી કરવી જોઈએ. આપણો પ્રેમ ઢોળવા માટે બને ત્યાં સુધી આપણા પ્રદેશના પર્યાવરણ સાથે સરળતાથી સંવાદિતા સાધી શકે તેવાં પ્રાણીઓને પસંદ કરવા જોઈએ. આપણા દેશી સાથીઓને પસંદ કરીએ તો ઉત્તમ. સૌથી વધુ યાદ એ રાખવાનું છે કે પ્રાણીને પ્રેમ આપણે કર્યો છે, આપણે ઘેર આવનારા મહેમાનો કે આપણા પાડોશીઓએ નહીં. તેથી અન્યોને આપણા પ્રાણી થકી કોઈ વાજબી તકલીફ પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. પાલતૂ પ્રાણીઓ બાબતે આપણે ત્યાં હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા હોવાનું જાણમાં નથી, પણ કોઈ વ્યક્તિ કે પરિવાર પોતાના પાલતૂ પ્રાણીઓ પર અત્યાચાર કરતાં જણાય તો પ્રાણીસંસ્થાને તેની જાણ કરવી જોઈએ, પછી ભલે તે આપણા પાડોશી કેમ હોય! સાથે એ પણ યાદ રાખવું રહ્યું કે પાડોશી સાથે હિસાબ વસૂલવા માટે આ પદ્ધતિ ખોટી છે. સૌથી છેલ્લી એ વાત પણ વારંવાર યાદ કરવી રહી કે પાલતૂ પ્રાણીઓ પોતાની ઉપયોગિતા ક્યારના પુરવાર કરી ચૂક્યા છે.  રોજિંદા ધોરણે આપણને નિરપેક્ષભાવે પ્રેમ આપવાથી લઈને અપંગનું અંગ બનીને કે સૈન્યમાં સૈનિક બનીને, બૉમ્બ અને અન્ય જોખમી પદાર્થો શોધી આપવાની કામગીરી બજાવીને તેઓ માણસજાત માટે મૂલ્યવાન સાબિત થયાં છે અને થતાં રહેશે. પણ શું આપણે આવા મૂલ્યવાન પ્રાણીના માલિક બનવાની લાયકાત પુરવાર કરી શક્યા છીએ ખરા?

(વિશેષ આભાર: ક્ષમા કટારીયા) 
(ચિત્રાંકન: રાજેશ રાણા, બીજ: બીરેન કોઠારી) 
('ગુજરાતમિત્ર'ની મારી કોલમ 'ફિર દેખો યારોં'માં ૭/૪/૨૦૧૬ના રોજ પ્રકાશિત) 

No comments:

Post a Comment