Saturday, June 4, 2022

દુનિયા મેં પ્યાર કી એક હૈ બોલી

એસ.પી.બાલાસુબ્રમણ્યમનો પરિચય બિનદક્ષિણ ભારતીય શ્રોતાઓને 'એક દૂજે કે લિયે' થકી પહેલવહેલો થયો. કમલ હાસનના સ્વર તરીકે તેમની ઓળખ બની. એ પછી કમલ હાસનની જે થોડીઘણી હિન્દી ફિલ્મો આવી તેમાં 'એસ.પી.બી.'નો સ્વર તેમના માટે ઉપયોગમાં લેવાયો. 'મૈંને પ્યાર કિયા'થી તે સલમાન ખાનનો અવાજ બન્યા.

4 જૂન, 1946ના રોજ જન્મેલા એસ.પી.બી.એ પોતાની કારકિર્દીનું પહેલવહેલું ગીત 15 ડિસેમ્બર, 1966ના રોજ રેકોર્ડ કર્યું. ઉપલબ્ધ માહિતી અનુસાર, તેમણે કુલ 16 ભાષામાં ગીતો ગાયાં અને 25 સપ્ટેમ્બર, 2020ના રોજ થયેલા તેમના મૃત્યુ સુધીમાં તેમના દ્વારા ગવાયેલાં ગીતોની કુલ સંખ્યા 40,000 થી વધુ જણાવવામાં આવે છે.

એસ.પી.બી. જેવા ગાયકની મહાનતા તેમની ગાયકી થકી છે અને એમ જ હોવું જોઈએ, છતાં તેમનાં ગીતોની સંખ્યાને મોટે ભાગે આગળ કરવામાં આવી રહી છે. આથી કેવળ સામાન્ય ગણતરી કરીએ.

એક જાડા અંદાજ અનુસાર, એસ.પી.બી.ની કારકિર્દીનાં કુલ વર્ષ 1966થી 2020 એટલે કે 54 થાય. એક વર્ષના 365 દિવસ લેખે 50 વર્ષના એટલે કે કારકિર્દીના કુલ દિવસની સંખ્યા 54 X 365 = 19, 710 થાય. આનો અર્થ એ કે 1966થી 2020 સુધીના દિવસોએ તેમણે સરેરાશ એક દિવસ દીઠ 2.02 ગીત, એક પણ રજા પાડ્યા વિના, ગાયેલાં હોવાં જોઈએ. આમાં 1966 અને 2020ના વર્ષને આખાં ગણ્યાં છે.

એ પણ ખરું કે એક જ દિવસમાં સૌથી વધુ, એટલે કે 21 ગીત રેકર્ડ કરવાનો વિક્રમ તેમને નામે છે. ઉપરાંત આનંદ-મિલિંદ માટે એક જ દિવસમાં 15 થી 20 ગીતો રેકોર્ડ કરતા હોવાનું તેમણે એક ઈન્ટરવ્યૂમાંં જણાવ્યું હતું. આવા કિસ્સા અપવાદરૂપ હોય. એ કંઈ રોજના દસ ગીતો રેકોર્ડ ન કરતા હોય.

આથી તેમણે 40,000થી વધુ ગીતો ગાયાં હોય એ દાવો શંકાસ્પદ છે. આ અગાઉ લતા મંગેશકરના નામે આવો દાવો 25,000 ગીતોનો હતો, જેને 'ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં પણ પ્રવેશ મળ્યો હતો. એ પછી, જો કે, 'ગિનેસ'માંની ભૂલ સુધારી લેવામાં આવી હતી. અને આશા ભોંસલેને, સૌથી વધુ, અગિયારેક હજાર ગીતો ગાવા બદલ એ સ્થાન મળ્યું હતું.

મુદ્દો એટલો જ કે એસ.પી.બી.એ ચાલીસ હજાર ગીતો ગાયાં હોય કે ચાલીસ, તેમનો સ્વર બેમિસાલ હતો. કમનસીબે હિન્દી ફિલ્મોમાં તેમની ગાયનપ્રતિભાનો ઉપયોગ જોઈએ એવો થઈ શક્યો નહીં. (આ સાવ અંગત મત છે.)

જરા વિચારી જુઓ કે, એસ.પી.બી.એ 'ચુનરી સંભાલ ગોરી, 'યે શામ મસ્તાની', 'આજા આજા મૈં હૂં પ્યાર તેરા', 'તેરે બીના જિંદગી સે શિકવા', 'નામ ગુમ જાયેગા' જેવાં ગીતો એસ.પી.બી.એ ગાયાં હોત તો?

વિચારવાની જરૂર નથી. આ લીન્કમાં હૈદરાબાદ ખાતે યોજાયેલા રાહુલ દેવ બર્મનને અંજલિ આપતા એક કાર્યક્રમમાં એસ.પી.બી.એ ગાયેલાં આ ગીતો સાંભળી લો.

આ કાર્યક્રમ બે ભાગમાં છે. પહેલા ભાગની લીન્ક:



બીજા ભાગની લીન્ક:

4 comments:

  1. Somehow it is always the trend to announce that this singer has sung these many (thousand of) songs in his/her life time. If it could be estimated the way you have calculated such claims seem baseless and overestimated. Music lovers enjoy the quality of the songs not their numbers. Also Late O.P.B's southern accent was limiting his success in the Hindi Film music. Thanks for the article and links.

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 7, 2022 at 10:25 PM

      હીરેનભાઈ, આપણે ત્યાં મહાનતા જાણે કે આંકડાઓથી નક્કી થતી હોય એમ લાગે! આને કારણે દસ્તાવેજીકરણ યોગ્ય રીતે થતું નથી, અને ખોટેખોટા આંકડા જ ફરતા રહે છે. એ તો હરમંદીરસિંઘ 'હમરાઝે' હિન્‍દી ફિલ્મ ગીતકોશનાં છ ખંડ સંકલિત કરીને પ્રકાશિત કર્યા એને કારણે સાચા આંકડા જાણવા મળ્યા. આંકડા જાણવા જરૂરી, પણ મહાનતા અને ઉત્તમ ગાયકી સાવ અલગ જ હોય છે. બસોથી ઓછાં ગીતો ગાનાર કુંદનલાલ સાયગલ 'ગાયકોના ગાયક' અમસ્તા ગણાતા હશે!

      Delete
    2. Well said, Sir!

      Delete
  2. મુદ્દો એટલો જ કે એસ.પી.બી.એ ચાલીસ હજાર ગીતો ગાયાં હોય કે ચાલીસ, તેમનો સ્વર બેમિસાલ હતો. ✅❤❤❤

    ReplyDelete