Wednesday, January 18, 2017

મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ


મહાનતા કદી આંકડાઓની મોહતાજ નથી હોતી. લતા મંગેશકર, આશા ભોસલે, મહમદ રફી, મુકેશ, હેમંતકુમાર  કે એ શ્રેણીના અન્ય ગાયકોએ કુલ કેટલાં ગીતો ગાયાં એ આંકડાશાસ્ત્રની રીતે મહત્ત્વની, પણ તેમની ગાયકીને માણવાની રીતે સાવ ગૌણ બાબત છે.
આજકાલ ફેસબુક કે વોટ્સેપ પરનાં વિવિધ જૂથોમાં એક ગાયકને બીજા કરતાં ચડીયાતા બતાવતી ચેષ્ટાઓ જોશભેર ચાલી રહી છે. સમય પસાર કરવા માટે આ બધું ઠીક છે, પણ સરવાળે એ પાણી વલોવવા જેવી વાત છે. એક હકીકત કોઈ પણ ગાયકના ચાહકે સ્વીકારવી રહી અને એ સ્વીકારવા માટે તેણે ચાહક મટીને કેવળ સુજ્ઞ શ્રોતા બનવું રહ્યું. તે એ કે પ્રત્યેક ગાયક છેવટે માણસ છે, અને તેના કંઠને ઉંમરસહજ ઘસારો લાગતો હોય છે. આ હકીકત ઉપર ઉલ્લેખ્યાં તેના સહિત એકે એક કળાકારને લાગુ પડતી હોય છે. આ હકીકત એવા કલાકારને જ લાગુ ન પડે જે વેળાસર ગાયકી છોડી દે, કાં તેનું વહેલું અવસાન થાય.
કુંદનલાલ સાયગલને આ બાબત બરાબર લાગુ પડે છે. માંડ 43 વર્ષનું આયુષ્ય (1904-1947). કલાકાર તરીકે સોળેક વર્ષની (1930-31થી 1946) અને ગાયક તરીકે સાવ તેર વર્ષની (1933-1946)કુલ કારકિર્દી. ગાયેલાં કુલ ગીતોની સંખ્યા માત્ર 185, જેમાંથી ફિલ્મી ગીત 142 (110 હિન્દી + 30 બાંગ્લા + 2 તમિલ) અને 43 ગૈરફિલ્મી ગીત (37 હિન્‍દી +2 બાંગ્લા ‌+ 2 પંજાબી + 2 ફારસી). આમ છતાં, પાર્શ્વગાયન શરૂ થયું ત્યાર પહેલાંનાં અને ત્યાર પછીના યુગમાં તેમનું નામ સૌથી પહેલું હોઠે આવે. કેવી હતી તેમની ગાયકી? શબ્દોમાં તેનું વર્ણન મુશ્કેલ છે. ત્યાર પછી શરૂ થયેલા અને છેક હજી સુધી ચાલી રહેલા ઝપાટાસંગીતના યુગમાં તેમની ગાયકીની ઠીકઠીક મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તેને લઈને એ હકીકત વધુ દૃઢ બનતી જાય છે કે તેમની ગાયકીની ઊંચાઈને આંબવી અશક્યવત્ છે.
ઘણા સમય સુધી ફિલ્મજગતમાં પ્રવેશતા નવાસવા ગાયકોનો આદર્શ કુંદનલાલ સાયગલ રહેતા. સાયગલના પ્રભાવ હેઠળ કારકિર્દીનો આરંભ કરીને આગળ જતાં સ્વતંત્ર ઓળખ ઉભી કરનાર ગાયકો વિશે અગાઉ આ પોસ્ટમાં અહીં  વાત કરી હતી. આજે સાયગલસાહેબની સીત્તેરમી મૃત્યુતિથી છે. 

તેમના વિશે એટલું બધું લખાયું છે કે એમાં કશો ઉમેરો કરવાની ગુસ્તાખી થઈ જ ન શકે. આમ છતાં, તેમની ગાયકીનાં પાસાંને અલગ અલગ રીતે મૂકીને જોવાની એક મઝા છે. સાયગલસાહેબ કે તેમના યુગ સાથે મારું અને મારા જેવા અનેકનું ભૂતકાળનું કોઈ જોડાણ કે અનુસંધાન (નોસ્ટેલ્જિયા) નથી. આ કારણે કુતૂહલભાવે તેમના કામને વિવિધ રીતે જોવાની જિજ્ઞાસા થતી રહે છે.
સાયગલસાહેબે સૌથી વધુ ગીતો હિન્‍દીમાં ગયાં. ત્યાર પછી બાંગ્લામાં. હિન્‍દી સિવાય તેમણે બાંગ્લા, તમિલ, ઉર્દૂ, ફારસી અને પંજાબી-એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષામાં ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને તેમનું સ્મરણ કરીએ.
તેમનું ગાયેલું આ બાંગ્લા ગીત છે, જે ગેરફિલ્મી છે. ગીતકાર પ્રણવ રોય અને સંગીતકાર સુબલ દાસગુપ્તા. 

સૌ પ્રથમ બંગાળીમાં બનેલી દેબદાસ (1935) માં મુખ્ય ભૂમિકા પી.સી.બરુઆની હતી. તેને પગલે હિન્દીમાં દેવદાસ (1935)નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સાયગલે મુખ્ય ભૂમિકા ભજવી. 1936માં દેવદાસા નામે તમિલમાં આ ફિલ્મ બની, જેમાં મુખ્ય ભૂમિકા પી.વી.રાવની હતી. આ ફિલ્મમાં સાયગલે બે ગીત ગાયાં હતાં. તેમાંનું એક ગીત.


તેમણે બે ફારસી (પર્શિયન) ગીતો પણ ગાયાં હતાં. એ પૈકીનું મિર્ઝા કાતીલે લખેલું એક ગીત.


નવાઈ લાગે એવી વાત એ છે કે માતૃભાષા પંજાબીમાં તેમણે કેવળ બે જ ગીતો ગાયાં છે, જે બન્ને બિસ્મીલ અમૃતસરીએ લખેલાં છે. આ ગેરફિલ્મી ગીત પૈકીનું એક ગીત.ઉર્દૂ- હિન્‍દી શબ્દો તેમનાં ઘણા ગીતોમાં સાંભળવા મળે છે. અહીં પ્રસ્તુત છે બેદમ વારસીએ લખેલી ઉર્દૂ ગઝલ.


 સાયગલ વિશેનાં અનેક પુસ્તકો પૈકી સૌથી અધિકૃત કહી શકાય એવું પુસ્તક એટલે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત જબ દીલ હી તૂટ ગયા’. સાયગલ વિશેની અધિકૃત માહિતી ઉપરાંત તેમણે ગાયેલા એકેએક ગીતનો પાઠ પણ તેમાં આપવામાં આવ્યો છે. આ પોસ્ટમાંની તમામ માહિતી માટે એ પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.


સાયગલસાહેબની ગાયકીની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા અલગ બાબત છે, પણ તેમના સોના જેવા અવાજને સમયનો કાટ લાગી શકતો નથી, એ પ્રતિતિ સમય વીતતાં દૃઢ થતી જાય છે. 

(તમામ ગીતોની લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી) 

5 comments:

 1. તમને અને સાથે સાથે શ્રી હમરાઝ તેમ જ શ્રી હરીશ રઘુવંશીને આટલો ખજાનો ઉપલબ્ધ કરાવવા માટે ધન્યવાદ. અને હા, 'ઝપાટા સંગીત' શબ્દ પ્રયોગ માટે અભિનંદન.

  ReplyDelete
 2. અમારી ઉમરના - હિંદી ફિલ્મી ગીતો સાથે '૬૦ના દાયકા પછી પરિચિત થયેલાં - ફિલ્મી ગીત ચાહકો માટે વીન્ટેજ એરાનાં ગીતો અને ગાયકોને પચાવવાં થોડાં મુશ્કેલ પડ્યાં હશે. પરંતુ કે એલ સાયગલનાં ગીતો તો અમન એપણ શુધ્ધ ઘીના શીરા જેમ સડસડાટ ગળે ઉતરી પણ ગયાં અને પચી પણ ગયા.
  જ્યારે રેડીયો સાંભળવાની ટેવ હતી ત્યારે રેડીયો સિલોન પર સવારે આઠ વાગે મુકાતું સાયગલનું ગીત સાંભળવાનું તો ન ચૂકવાની હંમેશા ટેક રહેતી.
  બીરેનભાઈએ રત્નોના સમુદ્ર - ભલે સંખ્યાની દૃષ્ટિએ "ઓછાં" ગીતોમાંથી જૂજ સાંભળવા મળતાં ગીતોને યાદ કરાવી (અ)મારા વતી પણ સાયગલ સાહેબને જે અંજલી આપી છે તે પણ કાબીલે દાદ છે.

  ReplyDelete
 3. Very well depicted and also informative piece, It is surprising that he sang only 2 songs in his mother-tongue.
  Thanks for sharing

  ReplyDelete
 4. વાહ! આપના લેખે તો અમારી સવાર સુપ્રભાત બની ગઈ! સાયગલ સાહેબનાં ગીતો તો મોગરાના છોડ પર ઉગેલા સેંકડો સુગંધીદાર, તાજાં ફૂલ જેવા છે. જ્યારે તેમના વિશે વાંચીએ કે તેમના ગીતો સાંભળીએ, હૈયામાં એક અનેરી ખુશી ફેલાઈ જાય છે. તેમાં પણ આપ જેવા રસિકે કરાવેલા રસદર્શનથી મન પ્રફુલ્લ થઈ ગયું. આભાર!

  ReplyDelete
 5. Its an outstanding,amazing,superb

  ReplyDelete