Saturday, August 14, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (3)

પરિવારમાં મરણ  

મૃત્યુ ચાહે ભયાવહ હોય કે સામાન્ય, તે જીવન સાથે અભિન્નપણે સંકળાયેલું છે. એટલે કે જીવન હોય ત્યાં મૃત્યુ પણ હોવાનું જ. ભૂપેન ખખ્ખરે 1978માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે 'Death in the family' અર્થાત 'પરિવારમાં મરણ'. સદ્ગતને સ્મશાને લઈ જઈને વિદાય આપ્યા પછી સ્વજનો ઘેર પાછા ફરે ત્યારે તેમને માથે પાણી રેડીને સ્નાન કરાવવાનો રિવાજ મોટે ભાગે પ્રચલિત છે. હવે મોટે ભાગે લોકો હથેળીમાં પાણી આપે છે.

આ ચિત્રમાં સ્મશાનેથી પરત ફરેલા ડાઘુઓને બતાવવામાં આવ્યા છે, જેઓ છૂટાછવાયા બેઠેલા છે. પરિવારની એક વ્યક્તિ એક ડાઘુને લોટા વડે જળસ્નાન કરાવે છે.
મૃત્યુના આ કેન્દ્રીય વિષયની આસપાસ શું છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડાબી તરફના ભાગમાં શેરીની વિવિધ ગતિવિધિઓ સામાન્યપણે ચાલી રહી છે. સૌથી આગળની દુકાને કેળાંની લૂમ લટકે છે અને તેની આગળ શેરીનું કૂતરું ઊભેલું છે. ટાયરની દુકાનવાળા ભાઈ કામ કરી રહ્યા છે, તેમનાથી પણ આગળ એક ભાઈ પોતાના મકાનની ગેલરીમાં ઊભેલા છે અને કદાચ તોરણ બાંધી રહ્યા છે. રેડીમેડ કપડાંની દુકાન ખુલેલી છે અને તેમાં વિવિધ પ્રકારનાં કપડાં ટાંગેલાં છે. રાહદારીઓ આવનજાવન કરી રહ્યા છે અને સૌ પોતપોતાની ગતિમાં રત છે.
ચિત્રની જમણી તરફ બે ગાય બંધાયેલી દેખાય છે, જે પણ પોતાની ગતિવિધિમાં રત છે. તેની પાછળ એક નાનકડી સાયકલ મૂકાયેલી છે. ડાઘુઓ બેઠેલા છે તેની પાછળ પણ કોઈક વૃક્ષ ઊગેલું છે.
એટલે કે ચિત્રમાં વચ્ચોવચ્ચ મૃત્યુ છે, અને તેની આસપાસ જીવન.
અને આ બધાની ઉપર, જેમનું મૃત્યુ થયું છે એમનો આત્મા વિહરતો બતાવાયો છે. તેમનો ધડ સુધીનો ભાગ મનુષ્ય જેવો છે, અને પગના ભાગે વાદળ બતાવાયેલાં છે, તેમજ તેમને ફરિશ્તાની પાંખો છે. આ આત્મા કદાચ પોતાના શરીરમાંથી નીકળીને હવે આ બધું સાક્ષીભાવે જોઈ રહ્યો છે. એ આત્મા કદાચ ચિત્રકારનો પણ હોઈ શકે યા ચિત્રના દર્શકનો પણ! એ રીતે એનાં વિવિધ અર્થઘટન નીકળી શકે. આખું ચિત્ર Narrative/કથનાત્મક શૈલીનું છે.
અહીં ચીતરેલી શેરીમાં લઘુચિત્ર/Miniature painting શૈલી જોવા મળે છે. અગ્રભૂમિમાં બેઠેલા માણસોએ લુંગી પહેરેલી છે, અને પાછળની દુકાનમાં કેળાંની લૂમ લટકે છે. આવું દૃશ્ય ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે. ભૂપેન તમિલનાડુના શિવકાશીમાં ગયા ત્યારે ત્યાં થોડા સ્કેચ કરેલા. તેનો ઉપયોગ તેમણે આ ચિત્રમાં કરેલો જોવા મળે છે.

Death in the family 



(pics from net)


No comments:

Post a Comment