ઓલીઓગ્રાફ પર આધારીત ચિત્રો
એક સમય હતો કે ઓલીઓગ્રાફ તરીકે ઓળખાતાં 'પોસ્ટર' લોકોનાં ઘરમાં ફ્રેમ કરાયેલાં જોવા મળતાં. આ ઓલીઓગ્રાફમાં મોટે ભાગે દેશનેતાઓ, સ્વાતંત્ર્યવીરો યા દેવીદેવતાનાં ચિત્રો રહેતાં. મારા મોસાળના ઘરમાં, ઉપરના માળે જવાહરલાલ નહેરુનો ફોટો ફ્રેમમાં લગાવેલો હતો, અને એ એક રિવાજ તરીકે. મને યાદ નથી કે મારા નાના કે મામાઓને નહેરુ કે કોંગ્રેસ સાથે કશી લેવાદેવા હોય. ઓલીઓગ્રાફની એક ચોક્કસ શૈલી રહેતી. તેમાં વચ્ચોવચ્ચ જે તે મહાન વ્યક્તિની જાણીતી મુદ્રાની તસવીર રહેતી. એ મુખ્ય મુદ્રાની આસપાસ તેમના જીવનના જાણીતા પ્રસંગોની ઝલક અપાયેલી રહેતી. અહીં મૂકાયેલો નહેરુનો ઓલીઓગ્રાફ જોવાથી આ બાબત સ્પષ્ટપણે સમજી શકાશે. બીજો ઓલીઓગ્રાફ ગાંધીજીનો છે, જેમાં તેમનું 'સ્વર્ગારોહણ' બતાવ્યું છે. આ રીતે ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર સહિત ઘણા નેતાઓના ઓલીઓગ્રાફ સાવ સસ્તામાં, સામાન્ય માણસને પરવડે એવી કિંમતે મળતા.
ચિત્રકાર ભૂપેન ખખ્ખરે પોતાની શૈલીઓમાંની એક જે વિકસાવી તે આવા ઓલીઓગ્રાફ પરથી પ્રેરિત હતી. પણ તેમના વિષયનું કેન્દ્ર કોઈ મહાન વ્યક્તિ નહીં, બલ્કે સાવ સામાન્ય, કોઈ ચહેરા કે ઓળખ વિનાનો માણસ હતો.
અહીં ભૂપેને ચીતરેલાં બે ચિત્રો મૂક્યાં છે. એમાંના એકનું શિર્ષક છે 'Man with bouquet of plastic flowers'. સાવ સસ્તો, નાયલોન જેવા કાપડનો શર્ટ પહેરેલો એક માણસ હાથમાં પ્લાસ્ટિકનાં ફૂલોનો બુકે લઈને ઊભેલો છે. ફૂલ ખીલેલાં છે, કેમ કે, પ્લાસ્ટિકનાં હોવાને કારણે એ કરમાવાનાં નથી. શર્ટ અને બુકે આ માણસનું જીવનસ્તર બતાવે છે. એને મન કળાની વિભાવના એટલી જ કે ફૂલો એવાં હોવાં જોઈએ કે જે સદાય તાજાં રહે, અને રોજ તાજાં ફૂલ ખરીદવાનું એને પોસાય એમ નથી. આથી તે દૃઢપણે માને છે કે પ્લાસ્ટિકનાં ફૂલો જ વપરાય. આવું ચિત્રમાં ક્યાં બતાવ્યું છે? ખરું. એવું નથી બતાવ્યું, પણ આ માણસની ફરતે તેના રોજિંદા જીવનની ઘટમાળ ચીતરવામાં આવી છે, જેમ નહેરુના ઓલીઓગ્રાફમાં તેમના જીવનની મહત્ત્વની ઘટનાઓ દર્શાવાઈ છે એમ જ. આ ઘટમાળ જોઈને આપણને એ આપણા જેવો જ, બલ્કે આપણાથી પણ ઊતરતા જીવનધોરણવાળો માણસ લાગી શકે. ખુરશીમાં બેઠે બેઠે ઝોકું મારવું પણ તેના જીવનક્રમનો હિસ્સો છે. તેના ચહેરાનો લગભગ ત્રીજો ભાગ છાયામાં છે, જે કદાચ બતાવે છે કે એની કોઈ ખાસ ઓળખ નથી. આ ચિત્ર ભૂપેને 1976માં ઑઈલ રંગોમાં ચીતરેલું.
આ શૈલીના બીજા ચિત્રનું શિર્ષક છે 'Man in pub'. 1979માં પોતાના ઈન્ગ્લેન્ડનિવાસ દરમિયાન તેમણે આ ચિત્ર બનાવેલું. ઈન્ગ્લેન્ડની કાતિલ ઠંડી ત્યાંના જીવનને થીજાવી દે છે. એક સામાન્ય માણસ આખો દિવસ કામ કરે, અને સાંજે પબમાં જઈને એકલો એકલો પીણું પીએ. બસ, આ જ તેના જીવનનો રસ. તેના જીવનની આ ઘટમાળ ચિત્રમાં બતાવેલી છે. આ ચિત્રમાં પબમાં બેઠેલા માણસની એકલતા અને જીવનની નીરસતા ઘેરી બતાવવાનો પ્રયત્ન છે. માણસના હાથમાં પકડેલાં હાથમોજાં કદાચ તેની ઠરી ગયેલી કામેચ્છા દર્શાવે છે.
આ ચિત્રોને વિગતવાર જોવા માટે તેને મેગ્નીફાય કરવા. કદાચ અહીં મૂકેલી ઈમેજ બરાબર ન હોય તો આ શિર્ષક અને 'ભૂપેન ખખ્ખર' લખીને ગૂગલમાંથી વધુ સારી ઈમેજ મેળવીને જોવી.
No comments:
Post a Comment