Saturday, August 28, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (16)

ચિત્ર દ્વારા સ્વકથન  

ઈસપની જાણીતી બોધકથા છે. પિતાપુત્ર પોતાના ગધેડાને લઈને પરગામ જવા નીકળે છે. બન્ને ચાલતા હોય છે, સાથે ગધેડો પણ. રસ્તામાં એક ગામ આવે છે. ગામના લોકો આ જોઈને હાંસી ઉડાવતા કહે છે, 'ખરા મૂરખ છે! છતે ગધેડે બેય ચાલતા જાય છે.' ટીકાથી વ્યથિત થયેલા પિતાપુત્ર પૈકી પિતા ગધેડા પર બેસે છે, પુત્ર તેમની સાથે ચાલે છે. રસ્તે કોક કહે છે, 'ખરો બાપ છે આ તો! બિચારા નાજુક છોકરાને ચલાવે છે, અને પોતે ગધેડા પર ચડી બેઠો છે!' વ્યથિત થયેલા પિતા નીચે ઉતરી જાય છે, અને પુત્રને ગધેડા પર બેસાડે છે. પોતે સાથે ચાલે છે. વળી બીજું કોક મળે છે એ કહે છે, 'છોકરો કેવો બેશરમ છે! ઘરડા બાપને ચલાવે છે અને પોતે મોજથી ગધેડા પર ગોઠવાઈ ગયો છે.' હવે શું કરવું એ બેયને સમજાતું નથી. આખરે છોકરો પણ નીચે ઉતરી જાય છે. પિતાપુત્ર મળીને ગધેડાને ઊંચકી લે છે. પણ એક નદી પાર કરવા જતાં ગધેડો પડી જાય છે, ડૂબીને મરણ પામે છે. ત્યારે બાપ દીકરાને કહે છે, 'લોકોનું કહ્યું ન માન્યું હોત તો?' આ કથા પાઠાંતરે મોટા ભાગના લોકોને યાદ હશે.

ચિત્રકાર ભૂપેન ખખ્ખરે આ બોધકથાનો ઉપયોગ પોતાના એક ચિત્રમાં કરીને પોતાના એક મહત્ત્વના વલણની ઘોષણા કરી. આજે 'સમલૈંગિક ચિત્રકાર' તરીકે ઓળખાતા ભૂપેનની એ ઓળખ હજી જાહેર થઈ નહોતી. અંગત વર્તુળમાં સૌ એ જાણતા હતા. ખુદ ભૂપેનને એ જાહેર કરતાં સંકોચ થતો હતો. પણ 1979માં તે ઈન્ગ્લેન્ડના પ્રવાસે ગયા અને ત્યાં રહ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં આ બાબતનો કોઈ છોછ નથી. બલ્કે ત્યાં સમલૈંગિકો મુક્ત રીતે હરેફરે છે, સાથે રહે છે, અને ઘણે અંશે સમાજમાં સ્વીકાર્ય છે. આ જોયા પછી તેમનામાં હિંમતનો સંચાર થયો. ઈન્ગ્લેન્ડથી પાછા આવ્યા પછી થોડા સમયમાં તેમનાં માતા મહાલક્ષ્મીબેનનું અવસાન થયું અને ભૂપેન એકલા પડ્યા. 1981માં તેમણે આ ચિત્ર બનાવ્યું, જેનું શિર્ષક છે 'You can't please all/તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.' ભૂપેનનું આ ચિત્ર આત્મકથાનક કહી શકાય. ચિત્રમાં તેમણે બાપદીકરો અને ગધેડાના પાત્રને દર્શાવ્યું છે, પણ એમની આસપાસ જનજીવન દર્શાવ્યું છે, જે પોતાની રીતે ચાલતું રહે છે. કોઈને બાપદીકરા તરફ જોવાની ફુરસદ નથી.
કોઈક ઓટલે બેઠેલું છે, તો કોક મકાનની ઓસરીમાં ખાટલો ઢાળીને. કોઈક આંબે આવેલી કેરીઓ વેડી રહ્યું છે. કોઈક ઘરમાં સદ્ગતની છબિ પર હાર ચડાવીને કદાચ પાઠ થઈ રહ્યા છે. કોઈક કારનું બોનેટ ખોલીને એમાં માથું નાખીને ઊભો છે, તો કોઈક સાયકલવાળાની દુકાને બેસીને છાપું વાંચે છે. દૂર ક્યાંક મજૂરો મકાનના બાંધકામમાં વ્યસ્ત છે. ઘરમાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ બેસીને ગપાટા હાંકી રહ્યા છે.
પોતાના મકાનની ઓસરીમાં ઊભેલો એક પુરુષ આ તમામ દૃશ્યોને સાક્ષીભાવે નિહાળી રહ્યો છે. એ પુરુષ કદાચ સૂઈને જાગ્યો છે. તે સંપૂર્ણ નગ્નાવસ્થામાં છે. તેના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. કદાચ બાપદીકરો અને ગધેડાવાળો ઘટનાક્રમ જોઈને તે વિચારી રહ્યો છે, 'તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.' પૂર્ણ કદની આ માનવાકૃતિની સરખામણીએ સામે શેરીમાં દેખાતી માનવાકૃતિઓનું કદ ઘણું નાનું છે. શેરીનાં મકાનો અને આંબાનું ઝાડ બિલકુલ લઘુચિત્ર શૈલીમાં ચીતરેલા જણાય છે. મુખ્ય માનવાકૃતિની એનેટોમી પ્રમાણમાપ વિનાની છે, પણ ચિત્રનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ આકૃતિનો ચહેરો ખુદ ભૂપેન ખખ્ખરનો હોય એમ જણાય છે. ઓસરીમાં વાળીને ઉપર ચડાવેલી ચટાઈની ભાત સુદ્ધાં ચીતરવામાં આવી છે. એ જ રીતે સૂકવવા મૂકેલા ટુવાલના રુંછાં પણ દર્શાવવામાં આવ્યા છે.
આજે આટલાં વરસે પણ આ ચિત્ર તેમની ઓળખ સમાન બની રહ્યું છે. 2016માં લંડનની ખ્યાતનામ ટેટ ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું એનું નામ જ You can't please allહતું, તેમજ એ નિમિત્તે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ પણ You can't please all છે.
ચિત્રમાં વપરાયેલા રંગો ભૂપેનની શૈલીની લાક્ષણિક ઓળખ સમા છે. આ ચિત્રને બરાબર માણવા માટે તેને મેગ્નિફાય કરીને તેમાં ચીતરાયેલી વિવિધ ઘટનાઓ જોવા જેવી છે.

You Can't please all by Bhupen Khakhar 


No comments:

Post a Comment