કરણ ગ્રોવરનું પોર્ટ્રેટ
ભૂપેન ખખ્ખરે ચીતરેલાં કેટલાંક પોર્ટ્રેટ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે કરણ ગ્રોવરનું ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ ઉલ્લેખનીય છે. કરણ ગ્રોવર વડોદરાસ્થિત જગવિખ્યાત આર્કિટેક્ટ છે. ચાંપાનેર માટેનો તેમનો લગાવ જાણીતો છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન અપાવવામાં તેમના પ્રયત્નોનું ઘણું પ્રદાન રહેલું છે. ભૂપેનના તે મિત્ર પણ હતા. (એ વ્યક્તિ તરીકે કેવા છે એની વાત અસ્થાને છે)
ભૂપેને ચીતરેલા તેમના પોર્ટ્રેટનું શિર્ષક છે Portrait of Karan Grover near Champaner/ચાંપાનેર નજીક કરણ ગ્રોવરનું પોર્ટ્રેટ. આ ચિત્રમાં બે રંગોનું પ્રભુત્વ વધુ જણાય છે. એક તો ભૂરો અને બીજો કાળો. કરણ ગ્રોવરના પોશાકમાં આ રંગો એ રીતે ચીતરાયા છે કે તે પશ્ચાદ્ભૂનો જ એક ભાગ જણાય. શ્વેતશ્યામ ચિત્રોમાં કલાકારો કાળા રંગનો ઉપયોગ કરે એ અલગ વાત છે, પણ ભૂપેને રંગીન ચિત્રમાં કરેલો કાળા રંગનો ઉપયોગ આખા ચિત્રને એક જુદું જ પરિમાણ આપે છે. પૃષ્ઠભૂમિમાં પર્વતો છે, જે પાવાગઢ હોઈ શકે. તેની પર કિલ્લાની દિવાલ, કમાન, છત્રી, ગુંબજ જેવાં વિવિધ બાંધકામ છે. ઉંચાનીચા ભાગને લઈને છાયાપ્રકાશ છે ખરો, પણ સમગ્રપણે આ ચિત્ર એક ડાર્ક ચિત્ર હોવાનું અનુભવાય છે. પૃષ્ઠભૂમિની શૈલી લઘુચિત્રની છે. પાછળ રહેલી માનવાકૃતિઓમાં અમુક અંધારામાં છે, અમુકના શરીરના કેટલાક ભાગ પર પ્રકાશ પડે છે. આ આકૃતિઓના શરીરનું પ્રમાણમાપ યોગ્ય નથી, પણ તે વધુ વાસ્તવિક જણાય છે. ભૂરા રંગનું આકાશ અદ્દલ લઘુચિત્રોમાં હોય છે એ જ રંગનું છે. પહેરણની બાંયમાંથી બહાર નીકળતા કરણ ગ્રોવરના હાથના આંગળા પણ પ્રમાણમાપ વિનાના છે, આમ છતાં કરણ ગ્રોવરનું આખેઆખું વ્યક્તિત્વ આ ચિત્રમાં ઉપસી આવે છે. તેમના ભૂરા રંગના પહેરણ પર સોનેરી ટપકાં તેમનો રજવાડી મિજાજ બતાવે છે. સામાન્ય પોર્ટ્રેટમાં હોય છે એમ મુખ્ય પાત્ર અહીં કેન્વાસની વચ્ચે નથી, પણ ડાબી તરફ છે, જેથી પૃષ્ઠભૂમિ ચીતરવા માટે પૂરતો અવકાશ મળી રહે છે, જે આ પાત્રથી અલગ કરી શકાય એમ નથી.
No comments:
Post a Comment