યાત્રાએ જઈ રહેલાં માતાપિતાનું પોર્ટ્રેટ
માતાપિતા જાત્રાએ જઈ રહ્યાં હોય તો એ આનંદનો અવસર ગણાય. પણ ઘરમાં રહેલો તેમનો તરુણ પુત્ર આ કારણે ખૂબ એકલવાયાપણું અનુભવી રહ્યો છે. ભૂપેન ખખ્ખરે 1971માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે: 'Portraits of My Mother and My Father going To Yatra'/ યાત્રાએ જઈ રહેલાં મારા માતા અને પિતાનું પોર્ટ્રેટ. આ તૈલચિત્રમાં લઘુચિત્ર/Miniature શૈલીનાં તત્ત્વોનો પુષ્કળ ઉપયોગ થયેલો જોઈ શકાય છે. લઘુચિત્રશૈલીમાં એક એક વસ્તુઓના ઝીણવટભર્યા આલેખન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પણ તે સપાટ (Flat) જણાતા હોય છે. એટલે કે તેમાં ઊંડાઈનું પરિમાણ અનુભવી શકાતું નથી. અહીં દોરાયેલાં વૃક્ષો, મકાન, દૂર દેખાતા પહાડો વગેરે લઘુચિત્રશૈલીનાં છે.
આ ચિત્ર દોર્યું ત્યારે ભૂપેન વડોદરાના રેસિડેન્સી બંગલો ખાતે રહેતા હતા. અહીં ચિત્રમાં ગ્રે રંગનો એ બંગલો જોઈ શકાય છે.
પુત્ર ભૂપેનને મૂકીને માતાપિતા યાત્રાએ ગયાં હશે અને તેને લઈને તરુણ વયના ભૂપેનને જે ભયાનક એકલતા સાલી હશે એ ઘરમાં ખુરશી પર બેઠેલી માનવાકૃતિ અને તેની ફરતે બતાવેલા અવકાશ થકી ઉપસાવવામાં આવી છે. પૃષ્ઠભૂમિમાં ગંગા નદી અને તેનાં તીર્થસ્થાનો દર્શાવાયાં છે.
તીર્થયાત્રાનું મહત્ત્વ પ્રત્યેક શ્રદ્ધાળુઓ માટે આગવું હોય છે, અને એનો એક આનંદ પણ હોય છે, છતાં આ ચિત્રમાં આનંદને બદલે ઉદાસી અને એકલતા વધુ નજરે પડે છે. ભૂપેને આ ચિત્ર વિશે લખેલું: 'સૌએ પોતપોતાનો ક્રોસ ઊંચકવો પડે છે.' ચિત્રનાં મુખ્ય પાત્રો સામે જોતાં, જોઈ રહેતાં દર્શકને આનંદની અનુભૂતિ નહીં, પણ એક પ્રકારની વિહ્વળતા અનુભવાય છે.
ચિત્રની અગ્રભૂમિમાં પિતા પરમાનંદ અને માતા મહાલક્ષ્મીનું પોર્ટ્રેટ છે. પિતાની નજર સીધી દર્શકો સમક્ષ છે, જ્યારે માતા સહેજ બીજી તરફ જોઈ રહ્યાં છે. ભૂપેને એ વિશે લખેલું: 'લગ્નબંધન થકી માતા અને પિતા સમાજની દૃષ્ટિએ એક ગણાય છે, પણ છતાં તેઓ અલાયદી વ્યક્તિ છે. આ કારણે મેં માતાને દૂર તરફ અને પિતાને દર્શક સમક્ષ જોતાં બતાવ્યાં છે.'
પોતાની ત્રુટિઓ પ્રત્યે સભાન, અને શીખવા માટે સદાય તત્પર રહેતા ભૂપેને વધુમાં લખેલું: 'વૃક્ષો ધરાવતો લીલોછમ બગીચો અને નાનકડું તળાવ એકલતાના પ્રતીકાત્મક અર્થઘટનમાં કશો ઊમેરો કરતા નથી. તેને બદલે મેં હાથમાં રેકેટ પકડીને ટેનિસ કોર્ટમાં ઊભેલો એક જ ખેલાડી બતાવ્યો હોત તો એકલતા સારી રીતે ઉપસી શકત.'
ઈમારતના સ્તંભનો ઘેરો ગુલાબી પડછાયો જોનારનું ધ્યાન આકર્ષે છે.
ચિત્રમાંના કયા રંગોની પ્રેરણા ક્યાંથી મળી એનો ઉલ્લેખ કરતાં ભૂપેને લખેલું છે: 'પીળો રંગ ગુલામ મોહમ્મદ શેખના ચિત્રમાંથી લીધો છે. મકાનનો બ્રાઉન રંગનો પડછાયો (ઈટાલિયન કલાકાર) કીરીકોના ચિત્રમાંથી લીધો છે. માતાનું પોર્ટ્રેટ તેમના એક ફોટોગ્રાફ પરથી બનાવ્યું છે. પિતાનું પોર્ટ્રેટ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે ચોકસાઈપૂર્ણ નથી. ફૂલહાર ગીવ પટેલના ચિત્રમાંથી લીધેલા છે.'
મઝા એ છે કે વિવિધ ચિત્રોમાંથી પ્રેરિત થઈને વિવિધ બાબતો ભૂપેને આ ચિત્રમાં બનાવી હોવા છતાં આખા ચિત્રની શૈલી પર ભૂપેનની મુદ્રા છે.
વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી ભૂપેનનાં ચિત્રોમાં માનવાકૃતિઓનું કદ ખાસ્સું નાનું રહેતું હતું. આ ચિત્રમાં એમણે માતાપિતાનાં પોર્ટ્રેટ બનાવીને પોતાની એ શૈલીને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આગળ જતાં વધુ વિકસતી રહી હતી, અને ભૂપેનની કારકિર્દીના મધ્યાહ્ને માનવાકૃતિઓ કેન્દ્રસ્થાને આવતી રહી હતી.
No comments:
Post a Comment