Thursday, August 19, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (7)

વ્યાપાર ચિત્રો

ભૂપેન ખખ્ખરનાં દોરેલાં ચિત્રોમાં કેટલીક બાબતો તરત નજરે ચડે. તેમની શૈલી ઘણી રીતે અલગ પડે છે એ ખ્યાલ આવે, પણ એ ચોક્કસપણે શી રીતે?

ભૂપેનનાં ચિત્રો કદી છબિ જેવાં પિક્ચર પરફેક્ટ નથી હોતાં. પિક્ચર પરફેક્ટ ચિત્રો દોરવાં હોય તો એને દોરવાની શી જરૂર? તસવીર ક્યાં નથી લઈ શકાતી? ભૂપેનને એ ચીતરવામાં વધુ રસ કે જે એમણે પોતે નીરખ્યું હોય. આથી તે એક વ્યક્તિ કે વિષય દોરે તો એની આસપાસની આખી સૃષ્ટિ બનાવતા.
તેમની માનવાકૃતિઓ પણ વિચિત્ર લાગે. એવું કેમ? માનવશરીરરચના (એનેટોમી)નું આખું વિજ્ઞાન છે, જેમાં શરીરના પ્રત્યેક અંગોના એકમેકના સંદર્ભે ચોક્કસ પ્રમાણમાપ છે. તેનો વિગતે અભ્યાસ લિયોનાર્દ દ વીન્ચીએ કર્યો હતો. કળાશાખાના વિદ્યાર્થીઓ માટે ‘મોડેલિંગ’ (સામેની વ્યક્તિની જોઈને દોરાતું ચિત્ર) થકી શરીરરચનાનો અભ્યાસ કરવો ફરજિયાત હોય છે. ભૂપેન તેમના મોટા ભાગના ચિત્રોમાં શરીરરચનાના નિયમને અનુસર્યા નથી. આથી તેમની બનાવાયેલી માનવાકૃતિઓના શરીરનું પ્રમાણમાપ પહેલી નજરે વિચિત્ર લાગે.
આ માનવાકૃતિઓનો દેખાવ પણ એવો જ. ભૂપેને દોરતી વખતે એ ‘કેવાં હોવાં જોઈએ’નું નહીં, પણ ‘એ કેવાં છે’નું ધ્યાન રાખ્યું છે. આથી તે વાસ્તવિક વધુ લાગે છે.
વ્યક્તિ સામાન્ય હોય કે અસામાન્ય, તેની આસપાસ આખી એક સૃષ્ટિ હોય છે. ભૂપેને આ સૃષ્ટિનો અભ્યાસ કર્યો અને તેને પોતાના ચિત્રોમાં ખડી કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે બનાવેલાં ‘Trade paintings’ની શ્રેણીમાં આ સૃષ્ટિ જોઈ શકાય છે, અને એમ તો તેમનાં દરેક ચિત્રમાં એ છે જ. અવકાશ પણ આ સૃષ્ટિનો એક હિસ્સો હોય છે.
ભૂપેન દ્વારા વપરાશમાં લેવાતા રંગોની વાત કરીએ તો એ ખ્યાલ આવે કે એની પણ એક ચોક્કસ શૈલી છે. એ શૈલીને સમજતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા જાણીએ. અસલ અને મોંઘી કલાકૃતિઓ કદાચ કેવળ અમીરોને પોસાતી હશે. એનો અર્થ એવો નથી કે એ સિવાયના વર્ગના લોકોનો કળાપ્રેમ ઓછો હોય છે. કળાની પોતાની વ્યાખ્યા અને પહોંચ મુજબ સૌ પોતાના સ્થાનને સુશોભિત રાખતા હોય છે. એક સમયે કેલેન્ડરોનો જમાનો હતો. કેલેન્ડરો બે પ્રકારનાં રહેતાં. પહેલા પ્રકારમાં બાર, છ, ચાર કે ત્રણ મહિનાના જૂથ અનુસાર અનુક્રમે એક, બે, ત્રણ કે ચાર પાનાં તેમાં રહેતા અને એ દરેક પાન પર કોઈક છબિ યા ચિત્ર રહેતું. મોટે ભાગે કુદરતી દૃશ્યો, ગ્રામ્યજીવનની ગતિવિધિઓ, વન્ય પશુઓ, ધાર્મિક-પૌરાણિક પ્રસંગોનું આલેખન વગેરે તેના વિષય રહેતા. આ કેલેન્ડર દર વરસે બદલવું પડતું, અને એ પૂરું થયા પછી પણ તેને સાચવી રાખનારા હતા. બીજા પ્રકારમાં કેલેન્ડર પૂંઠાનું રહેતું, જેની પર કોઈક ધાર્મિક-પૌરાણિક ચિત્ર રહેતું. તેની નીચે ડટ્ટો લગાવવાનો રહેતો. આ ડટ્ટો દર વરસે નવો આવે, પણ તે જેની પર લગાવાય એ પૂંઠું એનું એ જ રહેતું. કેલેન્ડરોમાં મોટે ભાગે ભડકીલા રંગો રહેતા, કેમ કે, એ કંઈ કોઈ કલાકૃતિ નહીં, પણ જથ્થાબંધ તૈયાર થતી ચીજ હતી, જેનો ઉપયોગ એક સાથે વિવિધ વર્ગના લોકો કરતા. શિવકાશીમાં છપાતા ફટાકડાનાં ખોખાં પરનાં ચિત્રો જોવાથી આ બાબતનો વધુ ખ્યાલ આવશે.

શિવકાશીના ફટાકડા પરનું એક ચિત્ર 

બનતું એવું કે ઘણાને ઘેર કલાકૃતિ તરીકે એક માત્ર કેલેન્ડર જ રહેતું. (અડવાણી-ઓર્લિકોન કંપનીનું છ રાગ પર આધારિત ચિત્રોનું એક કેલેન્ડર અમારે ત્યાં હતું, જેમાંથી દીપક રાગના ચિત્રને અમે ફ્રેમ કરાવ્યું હતું.)
ભૂપેને રંગોની પોતાની સમજ અહીંથી લીધી. મુંબઈના ખેતવાડીની ચાલીમાં ઉછરેલા ભૂપેન પછી વડોદરા સ્થાયી થવા આવ્યા. આસપાસના સમાજનું નિરીક્ષણ તે બારીકીથી કરતા. પોતાનાં ચિત્રોમાં તેમણે કેલેન્ડરમાં જોવા મળે એવા ભડકીલા રંગોનો ઉપયોગ કરવા માંડ્યો. રંગોના ઉપયોગનું અલાયદું સૌંદર્યશાસ્ત્ર છે, જેમાં અમુક સંયોજનો વર્જ્ય ગણાય. અલબત્ત, એવો કોઈ નિયમ નથી, પણ સૌંદર્યશાસ્ત્રનો એ તકાદો છે. ભૂપેને સાવ સહજપણે, પોતે કોઈ ‘બળવાખોર’ કૃત્ય કરી રહ્યા છે એવા દાવા વિના આ કામ કર્યું. મોટા ભાગના ચિત્રકારો સીધેસીધો કાળા રંગનો ઉપયોગ પોતાના રંગીન ચિત્રમાં ટાળતા હોય છે. ભૂપેને એવી કશી પરવા કર્યા વિના, પોતાને જે ‘દેખાતું’ હતું, એ જ ચીતર્યું.
આ શ્રેણીમાં અગાઉ મૂકેલાં અને હવે પછી મૂકાનારાં ચિત્રોમાં ભૂપેનની આ ખાસિયતો તરત નજરે પડશે.
અહીં ભૂપેને ચીતરેલી ‘Trade paintings’ પૈકી બે ચિત્ર મૂક્યાં છે. એકનું શિર્ષક છે ‘Barber’s shop’ અને બીજાનું છે ‘De-lux Tailors’. આ બન્ને ચિત્રો તેમણે 1972માં તૈલરંગો વડે ચીતર્યાં હતાં.
સાવ અદના કારીગરોની આસપાસની સૃષ્ટિ ભૂપેને કેવી બારીકીથી અને પ્રેમથી ચીતરી છે એ જોવા જેવું છે. ચિત્રનું રસદર્શન સૌ પોતપોતાની રીતે કરે એમાં જ એની મઝા છે.

De lux Tailors 


Barber's shop 

No comments:

Post a Comment