Wednesday, August 25, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (13)

સલમાન રશ્દીનું પોર્ટ્રેટ  

ભૂપેન ખખ્ખરે ચીતરેલાં મર્યાદિત પોર્ટ્રેટમાંનું એક સલમાન રશ્દીનું છે. રશ્દીનું આ પોર્ટ્રેટ ચીતરવાનું કામ ભૂપેનને શી રીતે સોંપાયું એ કથા પણ રસપ્રદ છે. અહીં એ લોભ ટાળીને માત્ર ને માત્ર પોર્ટ્રેટકેન્દ્રી વાત કરીએ.

સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક છે The Moor/ ધ મૂર. યુરોપીય લોકો સામાન્ય રીતે મુસ્લિમો માટે આ શબ્દપ્રયોગ કરતા હોય છે. આનો સંદર્ભ હતો સલમાન રશ્દીની નવલકથા The Moor's last sigh.
રશ્દીનું આ પોર્ટ્રેઈટ ભૂપેને અસલ ભારતીય રજવાડી શૈલીમાં ચીતર્યું, જેમાં તેમને પારદર્શક નાયલોન શર્ટ પહેરેલા બતાવ્યા. ભૂપેને ચારકોલ વડે ચહેરાની રેખા ચીતરવાની શરૂ કરી અને રશ્દીના ચહેરાનો આકાર ઉપસવા લાગ્યો. ચિત્ર તૈયાર થયું ત્યારે રશ્દી ચીતરાયેલા હતા, પણ તેમનું ચિત્રણ તેમની નવલકથામાંના મૂરના પાત્ર જેવું જણાતું હતું. આમ વિષય અને પાત્ર પરસ્પર એકરૂપ બની ગયા હતા. ભૂપેને કહેલું: ‘તમને બન્નેને ચીતર્યા છે. તમને મૂર તરીકે અને મૂરને તમારી જેમ.’ સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક ભૂપેને ‘ધ મૂર/The Moor’ રાખ્યું. રશ્દીની આસપાસ તેમની નવલકથાનાં પાત્રો અને ઘટનાઓ ચીતરાયેલાં છે. ચિત્રની પૃષ્ઠભૂમિ લઘુચિત્રની શૈલીમાં ચીતરાયેલી છે. સલમાન રશ્દીનો ચહેરો પિક્ચર પરફેક્ટ નથી જણાતો, તેમાં એનેટોમીનું પ્રમાણ નથી જળવાયું, છતાં તેમાં સલમાન રશ્દીપણું ઝળકે છે. ચિત્રમાં કાળા રંગનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો છે.
પણ આ ચિત્રની કથા આટલી નથી. રશ્દીએ આ પોર્ટ્રેટના સિટીંગ દરમિયાન ભૂપેનને એક સત્યઘટના જણાવેલી, જે આ મુજબ હતી.
રશ્દીનો જન્મ મુંબઈ ખાતે થયેલો. તેમનો જન્મ થતાં અગાઉ તેમનાં માતાપિતાએ મુંબઈના એક ચિત્રકાર પાસે બાળકોને ગમે એ રીતનાં થોડાં ચિત્રો દોરાવડાવ્યાં. આ ચિત્રકાર હતા કૃષ્ણ ખન્ના, જે આગળ જતાં ખૂબ નામ કમાયા. એ સમયે તે સંઘર્ષરત કલાકાર હતા. બીજાં ચિત્રોની સાથે કૃષ્ણ ખન્નાએ સલમાનની માતાનું પણ ચિત્ર દોર્યું. અલબત્ત, એ વખતે હજી સલમાનનો જન્મ થયો ન હતો. સલમાનના પિતાને આ ચિત્ર પસંદ ન આવ્યું. આથી તેમણે એ ચિત્ર ખરીદવાનો ઈન્કાર કરી દીધો. આ કેન્વાસને ખન્નાએ પોતાના એક ચિત્રકાર મિત્ર એમ.એફ.હુસેનના સ્ટુડિયોમાં મૂક્યો. હુસેને એક વખત આ ચિત્રની ઉપર જ નવું ચિત્ર ચીતર્યું. કેન્વાસ પર આ શક્ય છે. એ નવું ચિત્ર વેચાઈ પણ ગયું.
વરસો પછી સલમાન રશ્દીને આ બાબતની જાણ થઈ. બી.બી.સી.એ હુસેન પાસેથી એ ચિત્રના સગડ મેળવવાના પ્રયત્નો આદર્યા. બી.બી.સી.ની ટીમે હુસેનનો સંપર્ક કર્યો ત્યારે હુસેને આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કા ર કરી દીધો અને ચિત્રનો અતોપતો જણાવવાની સીધી ના પાડી દીધી. કૃષ્ણ ખન્નાએ આ જાણીને કહેલું: ‘પોતાના ચિત્રની તમામ વિગત હુસેન જાણતા હોય છે. પણ તેમને લાગ્યું હશે કે રશ્દીની માતાનું ચિત્ર મેળવવા માટે આ લોકો પોતાનું બનાવેલું ચિત્ર નષ્ટ કરી દેશે. તેમને એ બાબતે પણ અસુખ લાગ્યું હશે કે આ લોકો કૃષ્ણ ખન્નાના ચિત્રની પાછળ પડી ગયા છે અને પોતાના ચિત્રની કશી પડી નથી.’ ખન્નાના આરંભિક કાળનું આ કાર્ય હોવાથી રશ્દીના પિતાનો નિર્ણય સાચો હશે, અને એ ચિત્ર આબેહૂબ નહીં, પણ સૂચક હશે એમ માનીને આખરે સૌએ મન મનાવવું પડ્યું.
રશ્દીની માતાના ચિત્રની ઉપર દોરાયેલા ચિત્રની વાત ભૂપેનના દિલમાં ઊતરી ગઈ. તેમણે રશ્દીનું પોર્ટ્રેટ એ રીતે ચીતર્યું કે વિષય (રશ્દી) અને પાત્ર (મૂર) એકમેકની ઉપર આવે. આ રીતે તેમણે પેલા ખોવાયેલા ચિત્ર પર બનાવાયેલા ચિત્રવાળા પ્રસંગનું સાટું વાળતા હોય એમ યુક્તિપૂર્વક એ વાત પોર્ટ્રેટમાં વણી લીધી.
આ ઉપરાંત આ નવલકથાની કથનશૈલીમાં પણ જાણે કે આવી બાબત પ્રતિબિંબીત થતી હતી. તેમાં ઈતિહાસ અને કલ્પનાના તાણાવાણા એ રીતે ગૂંથવામાં આવ્યા હતા, જાણે કે એક શબ્દની નીચે બીજો શબ્દ છુપાયેલો હોય. વાત કોઈક કાલ્પનિક પાત્રની હોય, પણ તેનો સંદર્ભ ઈતિહાસના કોઈક પાત્ર સાથે હોય.
એટલે કે નજર સામેના એક પાત્રની પાછળ ભૂતકાળનું કોઈ પાત્ર છુપાયેલું હોય.
સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું આ પોર્ટ્રેટ લંડનની નેશનલ પોર્ટ્રેઈટ ગેલેરીમાં મૂકાયું, અને ભૂપેન એવા પહેલવહેલા ભારતીય ચિત્રકાર બન્યા, જેમનું ચિત્ર અહીં પ્રદર્શિત થયું હોય. આ નવલકથામાં રશ્દીએ ભૂપેનની ઢબછબ ધરાવતા એક હિસાબનીશનું પાત્ર આલેખ્યું હતું.

સલમાન રશ્દીના પોર્ટ્રેટ માટેનું રેખાંકન

સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું પોર્ટ્રેટ 'ધ મૂર'

No comments:

Post a Comment