બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક
'સૈનિક' શબ્દ કાને પડતાં જ આપણી નજર સમક્ષ ચુસ્ત, ગણવેશમાં સજ્જ, હાથમાં હથિયાર લઈને ટટ્ટાર ઊભેલા માણસની આકૃતિ ખડી થઈ જાય. સ્ફૂર્તિ, સજ્જતા અને શિસ્તની તે પ્રતિકૃતિ હોય. આની સરખામણીએ ભૂપેન ખખ્ખરે દોરેલું બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક/Muktibahini Soldier with a gun શિર્ષકવાળું ચિત્ર સાવ વિરોધાભાસી જણાય.
1972માં તેમણે તૈલરંગો વડે બનાવેલા આ ચિત્રનો સમયગાળો પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે બાંગ્લાદેશનું સર્જન થયા પછીનો છે. સ્થાનિક બાંગ્લાદેશી યુવકોને ભારતીય સેનાએ પ્રશિક્ષણ આપીને મુક્તિવાહિની નામે ફોજ તૈયાર કરી હતી, જેણે ગોરિલા પદ્ધતિએ હુમલા કરીને પાકિસ્તાની સેનાને થકવી દીધી હતી. આવો જ એક મુક્તિવાહિની સૈનિક ભૂપેને ચીતર્યો છે.
તે ગણવેશમાં નહીં, પણ બનિયાન જેવા ઘરેલુ પહેરવેશમાં છે. ચશ્મા પહેરે છે, જે કદાચ કોઈ સૈનિકના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે. તેના ચહેરા પર આક્રમકતા કે ક્રૂરતાનો નહીં, પણ શાંતિનો ભાવ છે. તેની દૃષ્ટિ સીધી જ દર્શક તરફ હોવાથી આ ભાવ વધુ પ્રબળપણે અનુભવાય છે. હજી વધુ ધ્યાનથી જોઈએ તો સૈનિકના ચહેરામાં ખુદ કલાકારના એટલે કે ભૂપેનના ચહેરાની ઝલક જોઈ શકાય છે.
ચિત્રની ડાબી તરફ બાંગ્લાદેશનો, અને જમણી તરફ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. ભૂપેને પોતે લખ્યું છે એ મુજબ, 'ભારતના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે અનેક કલાકારો રાજકીય ચિત્રો દોરવા પ્રેરાયા. મને અફસોસ એટલો જ છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી હું એ માટે પ્રેરાયો. કોણ જાણે કેમ, પણ શરૂઆતમાં હું એ માટે પ્રેરિત નહોતો થયો.'
ચિત્રની પશ્ચાદ્ ભૂમાં યુદ્ધનાં દૃશ્યો છે, જેમાં વિમાન, ટેન્ક, સૈનિકો વગેરે બતાવાયાં છે. ત્રણ મુક્તિવાહિની સૈનિકો પણ છે. ભૂપેને લખ્યું છે: 'યુદ્ધ પોતે કંઈ સારી બાબત નથી, છતાં ઘણી વાર તે રાષ્ટ્ર માટે ફરજિયાત બની રહે છે. જેમ મહાભારતમાં સામે પક્ષે પોતાનાં સ્વજનોને જોઈને અર્જુન લડવાની ના પાડી દે છે, ત્યારે ભગવાન કૃષ્ણ તેને 'ધર્મયુદ્ધ' માટે તૈયાર કરે છે.'
ભૂપેનના લખ્યા મુજબ તેમણે આ ચિત્રમાં યુદ્ધના સેનાપતિઓને અગ્રતા નથી આપી, કેમ કે, આખરે એ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈ હતી. આ યુદ્ધમાં સ્વાતંત્ર્યનો હેતુ મુખ્ય હતો.
આ ચિત્રમાં તેમણે પોતાની શૈલીમાં પરિવર્તન કર્યું છે. તે તૈયાર થયું છે તૈલરંગો વડે, પણ તેનો ઉપયોગ જળરંગો જેવો છે, એટલે કે તે જળરંગની જેમ પારદર્શક અને પાતળા છે. આ ચિત્રમાંનાં વિમાન, ટેન્ક, સૈનિકો તેમણે અખબારોમાં તેમજ ધ ઈલસ્ટ્રેટેડ વીકલીમાં પ્રકાશિત તસવીરોના આધારે બનાવ્યાં છે, જ્યારે મુક્તિવાહિની સૈનિકોનું ચિત્ર 'ઈન્ડિયન ન્યુસ રિવ્યુ'ની તસવીરના આધારે બનાવ્યું છે.
No comments:
Post a Comment