વાત પોર્ટ્રેટની, ખાસ કરીને ભૂપેન ખખ્ખરે ચીતરેલાં પોર્ટ્રેટની કરીએ તો એવી પ્રચલિત છાપ છે કે તેમણે પોર્ટ્રેટ ઓછાં ચીતર્યાં છે. એમાંય સ્ત્રીઓ...એમનાં સાવ ઓછાં ચિત્રોમાં સ્ત્રીઓ જોવા મળે છે. ગુલામ મોહમ્મદ શેખનાં પત્ની નિલીમા શેખને તેમણે 'Mrs. Nilima Sheikh looking at ornage flower/નારંગી રંગના ફૂલ તરફ જોઈ રહેલાં શ્રીમતી નીલિમા શેખ' શિર્ષકવાળા ચિત્રમાં ચીતર્યાં છે. નિલીમા શેખે મને એક મુલાકાતમાં કહેલું, 'ભૂપેને ખુશમિજાજ ચીતરી હોય એવી એક માત્ર સ્ત્રીનું ચિત્ર મારું છે.' તેમની વાત સાચી છે.
જો કે, ભૂપેને એક અનન્ય મહિલાનું પોર્ટ્રેટ તેની તસવીર પરથી ચીતરેલું. એ મહિલાનું નામ રખમાબાઈ. 19મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી રખમાબાઈની અગિયાર વર્ષની વયે, એ જમાનાના રિવાજ મુજબ લગ્ન થઈ ગયું. પતિની ઉંમર બાવીસ વર્ષની. લગ્ન પછી અગિયાર વર્ષ સુધી રખમાબાઈ પિયરમાં જ રહ્યાં અને કેળવણી પ્રાપ્ત કરતાં રહ્યાં. તેમનો પતિ કશું કરતો નહોતો. રખમાબાઈનો વિકાસ થતો રહ્યો, આથી કાળક્રમે સ્થિતિ એવી ઊભી થઈ કે આવા નકામા પતિને ત્યાં જવાના વિચારમાત્રથી તેમને દહેશત લાગવા માંડી. પતિએ પત્નીને પામવા માટે મુંબઈની વડી અદાલતમાં મુકદ્દમો દાખલ કર્યો. અદાલતે રખમાબાઈને પતિને ત્યાં જવાનો હુકમ કર્યો. હજી 'સત્યાગ્રહ' શબ્દનો જન્મ થયો નહોતો એવે સમયે રખમાબાઈએ ભરી અદાલતમાં ઘોષણા કરી દીધી કે પોતે એવા પતિને ત્યાં જવા કરતાં જેલની સજા ભોગવશે. એ એવો સમય હતો કે જેલની સજા ભોગવવાનું કોઈ સ્ત્રી તો ઠીક, પુરુષ સુદ્ધાં વિચારી ન શકે. અલબત્ત, આખરે રખમાબાઈની જીત થઈ. બે હજાર રૂપિયા લઈને તેમના પતિએ મામલો નિપટાવ્યો. રખમાબાઈ એ પછી ઈન્ગ્લેન્ડ ગયાં અને ડૉક્ટર બનીને સ્વદેશ પરત ફર્યાં. તેમના જીવન પરથી મરાઠીમાં 'ડૉક્ટર રખમાબાઈ' નામે ફિલ્મ પણ બની છે, જેની રજૂઆત 2016માં થઈ હતી.
દિલ્હીસ્થિત ઈતિહાસકાર સુધીર ચન્દ્રે આ અસાધારણ મહિલાના અસાધારણ મુકદ્દમાને ધ્યાનમાં રાખીને એક પુસ્તક લખ્યું. 'Enslaved Daughters' નામનું આ પુસ્તક 1998માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલું. આ પુસ્તકનું આવરણ ભૂપેને ચીતરેલું. સુધીર ચન્દ્ર અને ભૂપેન ખાસ મિત્રો હતા. સુધીર ચન્દ્ર એ સમયે સુરતના 'સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ' સાથે સંકળાયેલા હતા. ભૂપેને રખમાબાઈની એક તસવીર માંગી અને તેની પરથી પોર્ટ્રેટ ચીતર્યું.
આ પુસ્તકની પછી તો અનેક આવૃત્તિ થઈ.
ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ જુઓ. એનેટોમીની રીતે એ પૂર્ણ નથી. પણ રખમાબાઈની આંખો દર્શકને વિચલીત કરી મૂકે છે. ચહેરો કદાચ વર્તમાનને કારણે ઉદાસ છે, પણ તેની આંખોમાં ચિંતાના ભાવ સાથે ભવિષ્ય માટેનો દૃઢ સંકલ્પ હોય એમ જણાય છે. સુધીર ચન્દ્રે પોતે લખ્યું છે એમ, 'અનાયાસે જ ભૂપેને દોરેલા એ અસાધારણ મહિલાના ચિત્રમાં 'એન્ડ્રોજની'/ઉભયલિંગીપણું પણ ઝળકે છે.
પોર્ટ્રેટમાં સામાન્ય રીતે કાળો રંગ વાપરવાની હિંમત ઓછા કલાકારો કરે છે. ભૂપેને એવી કોઈ પરવા વિના એનો ઉપયોગ કર્યો છે એ જોવા જેવું છે.
ભૂપેનનાં અનેક ચિત્રોની એ ખાસિયત હતી કે એમાં એન્ડ્રોજનીની ઝલક જોવા મળતી. એ વિશે વધુ વાત આગળ ઉપર કરીશું.
No comments:
Post a Comment