Monday, August 30, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (17)

ઓળખ વિનાના સામાન્ય લોકો  

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં જોવા મળતાં પાત્રો રોજિંદા જીવનમાં આપણી આસપાસ રહેતાં હોય, અને કદાચ આપણે એમની નોંધ પણ લેવાની તસ્દી ન લીધી હોય એવા લોકો ખાસ જોવા મળે છે. ભૂપેનને એક કલાકાર તરીકે એવા લોકોમાં, એમના જીવનમાં રસ હતો. સાવ સસ્તું, ચમકતું, ચટાપટાવાળું ખમીસ પહેરેલા કોઈ શ્રમિક શ્રેણીના માણસની કે તેના ચિત્રની સામુંય આપણે ન જોઈએ, કે જોઈએ તો પણ અણગમાથી. તેને બદલે ભૂપેને બહુ પ્રેમથી એમને ચીતર્યા. નાયલોનનું ચળકતું ખમીસ અને એની ચટાપટાવાળી ભાત પણ ચીતરી. કેમ? જે લગાવથી તેણે એ પહેર્યું હતું એ ભૂપેનને આકર્ષતું હતું. આથી જ તેમણે એને એ રીતે ચીતર્યું કે દર્શકને એમાં ભૂપેનનો ખુદનો સ્પર્શ જણાય. એ બેહૂદું, વિચિત્ર કે અરુચિકર પણ જણાય, છતાં જોનાર એની પરથી નજર હટાવી શકે નહીં. અને જો કોઈ ભદ્ર માનસિકતાવાળો દર્શક એની પરથી નજર હટાવી લે તો પણ વારેવારે એની નજર ત્યાં ખેંચાયા વિના રહે નહીં. આવા લોકો દ્વારા વપરાશમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓ અને એમાંથી ઝળકતો એમનો 'કળાપ્રેમ' ભૂપેનને બહુ આકર્ષતો. જેમ કે, આ શ્રેણીમાં અગાઉ વાત થઈ ગઈ એ 'ધ વેધરમેન' નામના ચિત્રમાં હવામાનવેત્તાના ઘરના આંતરિક સુશોભનમાં તેના ઘરમાં પથરાયેલા ગાલીચાની ભાત, પડદા અને પલંગ પર બિછાવેલી ચાદર સુદ્ધાં ભૂપેને બારીકાઈથી ચીતરી છે. તેણે પહેરેલા લેંઘાના ચટાપટા પણ મસ્ત રીતે ચીતર્યા છે. 

Ranchchodbhai relaxing in bed 

'Ranchhodbhai Relaxing in bed/પથારીમાં આરામ કરતા રણછોડભાઈ' ચિત્રમાં સાવ નિમ્ન વર્ગના ગણાતા રણછોડભાઈએ ઓઢેલી રજાઈ ભૂપેને પ્રેમથી ચીતરી છે. સાથે સાથે તેમના નાનકડા ઘરના બારણાની બારસાખ પર લટકતું ભૂંગળીઓવાળું તોરણ, દૂર ખીંટીએ ટીંગાતાં એમના કોટ અને ટોપી વગેરે એવી ખૂબીથી ચીતર્યું છે કે જોનારને એ સ્થળે હોવાનો, એને સ્પર્શ કર્યો હોવાનો ભાસ થાય. એ જ ચિત્રમાં, ઘરના બીજા ભાગમાં ચડ્ડીભેર એક યુવક અરીસામાં જોઈને વાળ ઓળી રહ્યો છે. અંડાકાર અરીસો કેબીનેટ પર મસ્ત રીતે ગોઠવેલો છે. અને પથારીમાં રહેલા રણછોડભાઈના વાળ પણ એકદમ સુવ્યવસ્થિત રીતે ઓળેલા છે. તેમનું સફેદ પહેરણ, કાંડે બાંધેલી ઘડિયાળ વગેરે જોઈને એમ જ લાગે કે રણછોડભાઈએ ભૂપેનને સિટિંગ આપ્યું હશે. (રણછોડભાઈ ભૂપેનના અનેક મિત્રોમાંના એક હતા, જે એક 'હોટેલ' ચલાવતા. પહેલાં તે રેલ્વે સ્ટેશને કૂલી હતા, એ પછી 'બૂટલેગર' બન્યા અને છેલ્લે ગાંઠિયા-ચા, ચવાણું વગેરે મળે એવી 'હોટેલ' ખોલી. તેમના ઘરની અને તેમની હોટેલની મુલાકાત અમે લીધેલી અને તેમના દીકરા કાલીદાસે એ જ હોટેલ પર અમને ચા પીવડાવેલી. આ કાલીદાસને પણ ભૂપેને એક ચિત્રમાં ચીતર્યા છે.) રણછોડભાઈની બીજી તરફ રહેલો અવકાશ આખા ચિત્રને એક વિશિષ્ટ પરિમાણ આપે છે. એ પણ જોવા જેવું છે કે આરામ કરતા રણછોડભાઈ પૂર્ણ પરિધાનમાં છે, ઘડિયાળ સુદ્ધાં તેમણે પહેરેલી છે, જ્યારે વાળ ઓળતો યુવાન માત્ર ચડ્ડીભેર છે. કદાચ તે સ્નાન કરીને આવ્યો હોય એમ બને. આ ચિત્ર ભૂપેને 1975માં તૈલરંગોમાં ચીતરેલું.

Man wearing Red scarf

                            'Man wearing red scarf/લાલ ગમછો પહેરેલો માણસ' શિર્ષકવાળા ચિત્રમાં એક પ્રૌઢ છે, જેણે ટોપી પહેરેલી છે, માથા ફરતે લાલ ગમછો એ રીતે વીંટાળ્યો છે કે કાન ઢંકાઈ જાય. એ ગમછા પર ટોપી આવી જાય. ટપકાંવાળું શર્ટ કે પહેરણ અને તેની પર પહેરેલું સોનેરી ટપકાંવાળું સ્વેટર. એકદમ 'ચીપ' લાગે એવા ટેસ્ટવાળો આવો પહેરવેશ પહેરનાર પણ કેવો હશે! પણ અહીં આ ચિત્રમાં તેની ટોપી, ગમછો, શર્ટ કે સ્વેટરનું પોત જાણે કે ચિત્રકારે પોતે સ્પર્શીને ચીતર્યું હોય એવું જણાય. એ ફોટોજેનિક સુંદર નહીં, પણ વાસ્તવિક હોય એવું કુરૂપ લાગે અને છતાં એને જોવાની મઝા આવે. પ્રૌઢના હાથમાં કોઈક પુસ્તક છે. પાકા અને સાદા પૂંઠાવાળું, દેવનાગરીમાં લખાયેલું કોઈ શિર્ષક ધરાવતું આ પુસ્તક સંભવત: ધર્મને લગતું કોઈક પુસ્તક હશે. પ્રૌઢના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. એ બીજી તરફ જોઈ રહ્યો છે. તેની પૃષ્ઠભૂમિમાં માત્ર લીલો રંગ છે, અને લઘુચિત્રશૈલીમાં હોય એવાં કાળાંધોળાં, કેસરી વાદળ બતાવ્યાં છે. આ માણસને જોઈને એમ જ લાગે કે આને આપણે આપણી આસપાસ જ ક્યાંક ને ક્યાંક રોજ જોતા હોઈએ છીએ. એ ટોળામાં હોય તો ઓળખાઈ જાય એવી કોઈ વિશેષતા એનામાં નથી, પણ ભૂપેને બહુ પ્રેમપૂર્વક આ માણસના જીવનરસને ચીતર્યો છે. આ ચિત્ર તેમણે 1981માં તૈલરંગોમાં ચીતરેલું.

Man eating jalebi 

                    ભૂપેનનું એક અતિ જાણીતું ચિત્ર 'Man eating jalebi/જલેબી ખાતો માણસ' પણ આવી શ્રેણીનું છે. ચિત્રની અગ્રભૂમિમાં જમણી તરફ એક પ્રૌઢ બેઠેલો છે. કાળી ટોપી અને ખૂલતું ખમીસ તેણે પહેરેલાં છે. ગળામાં લાલ ગમછો હોય એમ લાગે છે. કોઈક 'હોટેલ'ની ખુરશી પર તે ગોઠવાયો છે, અને સામે આરસના ટૉપવાળું ટેબલ છે. તેના એક હાથમાં જલેબી છે, અને બીજી જલેબી પ્લેટમાં પડેલી છે. તેની આંખો સીધી જ દર્શકની સામે છે. તેના હાથના પંજા શરીરના પ્રમાણમાં વધુ પડતા મોટા છે. ખુરશીની ફ્રેમ જાડી લોખંડની પાઈપની છે, જેની વચ્ચેનો ભાગ પ્લાસ્ટિકથી ભરેલો છે. ખુરશીની પાછળ રેલિંગ છે અને તેની પાછળ પૃષ્ઠભૂમિમાં દરિયો.
જલેબી ખાનારના ચહેરા પર આનંદના ભાવ છે, જાણે કે આ ક્ષણે જલેબી ખાવી એ જ એના જીવનનો કેન્દ્રભાવ હોય. જલેબી ખાવાની મઝા તે ગરમાગરમ હોય તો બેવડાઈ જાય અને આવી નાની હોટેલમાં ગરમાગરમ જલેબીની પ્લેટ મળતી હોય છે. કદાચ પ્લેટમાંની જલેબી ઠંડી જાય તો એને ખાવાની મઝા જતી રહે. પણ આ પ્રૌઢ બિલકુલ નિરાંતભાવે તે આરોગી રહ્યો છે. જાણે કે જીવનની આ ક્ષણોનો આસ્વાદ તે જલેબીને ધીમેથી ચાવતો હોય એમ, કશી ઉતાવળ વિના લઈ રહ્યો છે.
તેની પાછળ એકદમ ભૂરા, કેલેન્ડરીયા રંગનો દરિયો છે. એક તરફ સડક છે અને સામે ગામ હોય એમ લાગે છે. સૌથી નજીક બે વ્યક્તિઓ બેઠેલી છે, જેમાં એક પ્રમાણમાં જુવાન છે, અને સફેદ વાળવાળી વ્યક્તિ પ્રૌઢ. તેઓ કશીક વાત કરી રહ્યા છે. સડક પર એક કાર જઈ રહી છે અને દરિયામાં દેખાતા વહાણમાં એક વ્યક્તિ જઈ રહી છે. એ વ્યક્તિ એકાકી છે. એ કદાચ કોઈક દૂરના પ્રવાસે જતી હોય એમ પણ બને. સામે છેડે દેખાતું ગામ બિલકુલ લઘુચિત્ર શૈલીનું છે. પાછળ દેખાતું પાણી દરિયાનું જ છે, અને નદીનું નહીં, એમ શી રીતે કહી શકાય? પેલા ગામમાં ઊગેલાં નાળિયેરીનાં વૃક્ષો સૂચવે છે કે આ દરિયો છે. નદી હોય તો મુસાફરી કદાચ સામે પાર સુધીની- ટૂંકી હોય, પણ દરિયાની મુસાફરી લાંબી- અનંત તરફની હોય એવો ભાવ છે. કદાચ આ ચિત્રમાં સૌનું એકાકીપણું સૂચવાયું હોય એમ લાગે છે. અને એ એકાકીપણા સાથે વિવિધ વ્યક્તિઓ પોતાની રીતે કામ પાર પાડી રહી જણાય છે. આ ચિત્ર તેમણે 1974માં તૈલરંગોમાં ચીતરેલું. 'હોટેલ'નો આગલો ભાગ કદાચ કોઈક રેસ્તોરાંના સ્કેચના આધારે, અને પાછળનો લેન્ડસ્કેપ અન્ય કોઈ દૃશ્યના આધારે બનાવ્યો હશે એમ લાગે છે. દરિયો હોય એવા સ્થળોમાં મુંબઈ ઉપરાંત જાફરાબાદની મુલાકાત પણ ભૂપેને લીધી હતી. એટલે શક્ય છે કે આ લેન્ડસ્કેપ એ બેમાંથી કોઈક સ્થળનો હોય. (કે ન પણ હોય.)

No comments:

Post a Comment