Monday, August 23, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (11)

પોર્ટ્રેટ  

પોર્ટ્રેટ એટલે ચહેરો દર્શાવતું ચિત્ર, છબિ, રેખાંકન કે પ્રિન્ટ. તેમાં માત્ર માથાનો એટલે કે ચહેરાનો ભાગ હોય કે બહુ બહુ તો ખભાનો ભાગ હોય. સ્વાભાવિક છે કે એમાં જે તે વ્યક્તિની ઓળખ સ્પષ્ટપણે છતી થતી હોય. કેમેરા વડે એવી તસવીર લેવામાં સરળતા છે, પણ ચિત્ર દોરનારના ભાગે મહેનત થોડી વધુ આવે. પણ શું માત્ર ચહેરો ઓળખાય એવીજ છબિ કે ચિત્રને પોર્ટ્રેટ કહેવાય? એમ હોય તો પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટની શ્રેણીમાં મૂકવો પડે. તેને બદલે એવો વિચાર સુદ્ધાં આપણને નથી આવતો કે પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટ ગણીએ.

એનો અર્થ એ કે પોર્ટ્રેટમાં માત્ર ચહેરાનું સામ્ય પૂરતું નથી. એ વ્યક્તિના વ્યક્તિત્ત્વની ઓળખ એમાં છતી થવી જોઈએ. કેમેરામાં યોગ્ય પ્રકાશ અને યોગ્ય એન્ગલ તેમજ પાત્રના મૂડ થકી આ થઈ શકે છે. ચિત્રમાં આ કામ એક જ વારમાં પૂરું થતું નથી. એ તબક્કાવાર ચાલતું રહે છે. એમાં ઘણી વાર પાત્ર સિટીંગ આપે અને કલાકાર તેનું ચિત્ર બનાવે તો ક્યારેક જે તે પાત્રની છબિનો પણ આધાર લેવામાં આવે છે. ઘણા બધાના ઘરમાં પોતાના દાદા કે પરદાદાનું આવું પોર્ટ્રેટ હશે યા હવે કદાચ કાઢી નાંખ્યું હશે. આ પ્રકારનું પોર્ટ્રેટ કરનારા ઘણા વ્યાવસાયિક ચિત્રકારો હતા.
ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં શરૂઆતના તબક્કે માનવાકૃતિઓનું કદ તેના પરિવેશની સરખામણીએ ઘણું નાનું હતું એ આપણે જોયું. ધીમે ધીમે એ કદ વધતું જાય છે, અને પોતાના જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન તેમણે પૂર્ણ કદની માનવાકૃતિઓ પોતાના ચિત્રમાં પ્રયોજી. તેમનાં ચિત્રો જોતાં એ ખ્યાલ આવે છે કે તેમનાં પાત્રોના ચહેરા વિચિત્ર જણાય છે. એમ એટલે લાગે છે કેમ કે, આપણે સામાન્ય રીતે ચહેરાને રૂપાળા, પ્રકાશમાં જોવા ટેવાયેલા છીએ. ભૂપેનનાં પાત્રો ભાગ્યે જ હસતા જોવા મળે, કેમ કે, એક તો એ પાત્રોની મુખરેખાઓ જ આબેહૂબ ન હોય, એનેટોમીની રીતે એ સુડોળ ન હોય, અને ખાસ કરીને દર્શકની સામે જોતાં એ પાત્રોમાં એવું કશુંક હોય જે જોનારને વિહ્વળ કરી મૂકે. તેમનાં પાત્રો આસપાસના પરિવેશનો જ એક ભાગ લાગે. એમ પણ કહેવાતું કે ભૂપેનને માનવાકૃતિઓ બનાવવામાં એટલી ફાવટ નહોતી. પોર્ટ્રેટ પર એમણે ખાસ હાથ અજમાવ્યો નહોતો. અલબત્ત, ભૂપેન સતત શીખતા રહેતા ચિત્રકાર હતા. પોતાને શું આવડે છે, અને ખાસ તો શું નથી આવડતું એ બાબતે એ બહુ સ્પષ્ટ હતા.
સુરેશ જોશીનું ભૂપેને કરેલું રેખાંકન 
મૂળ તો તેમને માણસમાં રસ હતો. રસ પડે એ માણસને પછી તે ચીતરતા. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રવાહથી એક નવો વળાંક લાવવામાં કારણભૂત એવા સુરેશ જોશી સાથે ભૂપેનને બહુ ફાવતું. બન્ને જાસૂસી કથાઓના અને ખાસ કરીને સિમેનોનની જાસૂસી કથાઓના ચાહક. સુરેશભાઈ અને ભૂપેન બન્ને વડોદરામાં હતા એટલે તેમનો સંપર્ક પણ ખરો. ભૂપેન વાર્તાઓ પણ લખતા.
સાઠ-સીત્તેરના દાયકામાં અમદાવાદમાં પણ સાહિત્યિક ઉથલપાથલ થઈ રહી હતી. 'રે મઠ' દ્વારા પરંપરાગત સાહિત્યની વિભાવનાઓ સામે બંડ પોકારવાનું શરૂ થઈ ગયું હતું. ઉમાશંકર જોશી અત્યંત આદરણીય કવિ, પણ છેવટે તેમનું સ્થાન 'પરંપરાગતવાળી છાવણી'માં હતું. ભૂપેનની ઉઠકબેઠક અમદાવાદના બળવાખોર સાહિત્યકારો સાથે ખરી, અને એમાં સ્વાભાવિકપણે જ ઉમાશંકર જોશી ન હોય. તેમની સાથે ભૂપેનનો પરિચય થયો 1986માં, અને એ પણ અમેરિકામાં. ભૂપેન અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન ઉમાશંકર જોશીને ત્યાં જવાનું થયું. એ વખતે મધુ રાય, સુનિલ કોઠારી પણ હતા. સહુ ત્યાં ભેગા રહ્યા, ફર્યા અને મઝા કરી. એ પછી ભૂપેન અને ઉમાશંકરનો પરિચય કેળવાતો ગયો અને અમદાવાદ આવે ત્યારે ભૂપેન ખાસ ઉમાશંકર જોશીને મળવા જતા. આ મૈત્રીના ફળસ્વરૂપ ભૂપેને ઉમાશંકર જોશીનું એક પોર્ટ્રેટ ચીતર્યું. અલબત્ત, એ ક્યાં અને કયા સંજોગોમાં ચીતર્યું એ વિશે માહિતી મળી શકી નથી. મૂળ વાત એ છે કે ગુજરાતી સાહિત્યના બે ધ્રુવ કહી શકાય એવા સુરેશ જોશી અને ઉમાશંકર જોશી વચ્ચે ભૂપેન ખખ્ખર લઘુત્તમ સામાન્ય અવયવ બની રહ્યા.
ભૂપેન ખખ્ખરે દોરેલું ઉમાશંકર જોશીનું પોર્ટ્રેટ 

સુરેશ જોશીનું ભૂપેને બનાવેલું રેખાંકન સુરેશભાઈના પુસ્તક 'અહો બત્ કિમ આશ્ચર્યમ્' ના મુખપૃષ્ઠ પર જોવા મળે છે, જ્યારે ઉમાશંકર જોશીના ભૂપેને બનાવેલા પોર્ટ્રેટને ચંદુભાઈ મહેરિયા, મનિષી જાની તેમજ સ્વાતિ જોશી દ્વારા સંપાદિત પુસ્તક 'ઉમાશંકર જોશીની વિચારયાત્રા' (પ્રકાશન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 2011) ના મુખપૃષ્ઠ પર સ્થાન આપવામાં આવ્યું છે.
આ બન્ને પોર્ટ્રેટમાં ચહેરાના સામ્યની સાથોસાથ બન્નેની લાક્ષણિકતાઓ ભૂપેને કેવી સરસ રીતે ઝીલી છે એ ખાસ જોવા જેવું છે.
બે યુગપ્રવર્તક સાહિત્યકારોને જોડતી કડી એક ચિત્રકાર હોય એ કેવો સંયોગ!

No comments:

Post a Comment