Sunday, August 18, 2024

નિશાળેથી નીસરી કદી ન જતાં પાંસરાં ઘેર

હવે તો બાળકો શરૂઆતથી જ વાહનોમાં શાળાએ જવા લાગ્યા છે, પણ પગપાળા શાળાએ જવાનું આગવું મહત્ત્વ છે. હવે એ વધુ પડતા અંતર, ટ્રાફિક વગેરેને કારણે શક્ય નથી એ અલગ વાત થઈ. ભરૂચના શિક્ષણવિદ્ રણછોડભાઈ શાહે એક લેખ દ્વારા પગપાળા શાળાએ જવાના ફાયદા ગણાવેલા. રસ્તે કેટકેટલી વસ્તુઓ આવે? બાળક એ જોતાં જોતાં આગળ વધે. ક્યાંક એ અટકે, ક્યાંક ચાલતાં ચાલતાં પાછું વાળીને જોતું જાય! વચ્ચે બજાર આવે, લારીઓ આવે, વૃક્ષો આવે, પશુપંખીઓ પણ આવે, અને એ બધાંની વિવિધ ગતિવિધિઓ જોવા મળે.

અમે શાળાએ જતા ત્યારે બપોરની મોટી રિસેસમાં બહારગામના વિદ્યાર્થીઓ સિવાયના સૌ કોઈ ઘેર જ જતા અને પાછા આવતા. એની એક જુદી મજા હતી. રિસેસ પડે એટલે એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ ઘર તરફ જવા નીકળે. સમય પૂરો થતાં સૌ એ જ રસ્તે પાછા આવતા દેખાય. લુહારવાડમાં આવેલા મારા ઘરથી મહુધા રોડ પર આવેલી શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ જવું હોય તો બે રસ્તા. એક નડિયાદી દરવાજે થઈને ભીમનાથ મહાદેવ વટાવીને જકાતનાકાવાળો રોડ, જે મુખ્ય માર્ગ હતો. બીજો નાગરકુઈ થઈને નવજીવન સોસાયટીના પાછલા ભાગે થઈને. અમે આ બીજો માર્ગ પસંદ કરતા. પણ નાગરકુઈથી જવાને બદલે મારા ઘરની સામે આવેલા ખાંટ વગામાંથી નીકળતા. આ ખાંટ વગામાં મુખ્યત્વે ઠાકરડા કોમની વસતિ. સાંકડો રસ્તો, માટીથી લીંપાયેલાં ઘર (સાવ ઝૂંપડાં નહીં), સ્વચ્છ આંગણાં, અને સાંકડા રસ્તાની એક કોરે ગાયભેંસ બંધાયેલાં હોય, જેમનો પૃષ્ઠભાગ રસ્તા તરફ હોય. તેમની પૂંછડીના મારથી બચીને ચાલવાનું. આ રસ્તો અવરજવર માટે ખાસ વપરાતો નહીં. મારા ઘરની બરાબર સામે વિજય (ડૉક્ટર) અને ત્રાંસમાં મુકેશ પટેલ (મૂકલો) રહેતા, એટલે અમે ત્રણે લગભગ સાથે જ જતાઆવતા.
અહીં એક ઘર હતું. એમાં એક બહેન રહેતાં. બહુ હસમુખાં. અમે ગાયભેંસની પૂંછડીના મારથી બચવા પ્રયત્ન કરીએ તો ક્યારેક એ અમને કહે, 'બેટા, સાચવીને જજો.' એમનું હાસ્ય એકદમ પ્રેમાળ. એક દિવસ મુકાએ બાતમી આપી, "આ બહેન છે ને....એ માતાજીને બહુ માને છે. ધરો આઠમને દા'ડે એ સૂઈ જાય અને જાગે તો એમની બન્ને હથેળીમાં ધરો (ઘાસ) ઊગેલું હોય છે, બોલ! બધા એમના દર્શન કરવા આવે." આ સાંભળીને બહુ નવાઈ લાગી. મનમાં અનેક પ્રશ્નો થયા. એમ પણ વિચાર્યું કે ધરો આઠમે જોવા આવવું પડશે, પણ ધરો આઠમ ક્યારે આવે અને જાય એ ખબર પડે નહીં, અને આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા પછી આવતી નવી સૃષ્ટિમાં બધું ભૂલાઈ જાય.
ખાંટ વગાવાળે રસ્તે બહાર નીકળીએ ત્યાં જ એક લીમડાનું ઝાડ હતું. એની બખોલમાં એક ચીબરી જોવા મળતી. એ ઘુવડ છે કે ચીબરી એ વિશે ચર્ચા ચાલી. આખરે એનું નાનું કદ જોઈને એ ચીબરી હોવાનું નક્કી થયું. અમે એ રસ્તે જઈએ અને આવીએ ત્યારે એ તરફ નજર કરતાં અને એ જાણે કે અમારી પર નજર રાખી રહી હોય એ રીતે બખોલ આગળ બેઠેલી દેખાતી. એક દિવસ એક જણે માહિતી આપી, ‘ચીબરી(કે ઘુવડ)ને ભૂલેચૂકેય પથ્થર નહીં મારવાનો.’ ‘કેમ?’ના જવાબમાં એણે કહ્યું, ‘ એ છે ને, એ પથ્થર ચાંચમાં ઉઠાવી લે અને તળાવમાં ફેંકી આવે. એ પછી એ પથ્થર પાણીમાં રહીને ઓગળતો જાય એમ આપણું શરીર પણ લેવાતું જાય.’ આ જાણીને થથરી જવાયું. ચીબરીનો દેખાવ પણ એવો કે એ આવું કરી શકે એમાં ના નહીં, એમ લાગતું. મોટા થયા પછી આ જાણકારી સંદર્ભબિંદુ બની રહી. કોઈ મિત્ર બહુ વખતે મળે અને એનું શરીર ઊતરેલું દેખાય તો અમે પૂછતા, ‘કેમ’લ્યા? ચીબરીને પથ્થરબથ્થર મારેલો કે શું?’ જો કે, મોટા ભાગના કિસ્સામાં આ સંદર્ભ પછી સમજાવવો પડતો.
લીમડાવાળા વિસ્તારમાંથી બહાર નીકળતાં એક તળાવ હતું, જે કૃત્રિમ, પણ બારેમાસ ભરેલું રહેતું. અમે એમાં આવેલા રસ્તા પરથી જતા. જે.જે. ત્રિવેદીસાહેબ આ જ તળાવને કાંઠે આવેલા નવજીવન સોસાયટીના બંગલામાં રહેતા. એ કાયમ કહેતા, 'આ તળાવ નાઈલની સંસ્કૃતિની યાદ અપાવે છે. એક તરફ સમૃદ્ધિ (નવજીવન સોસાયટી) અને બીજી તરફ ઉજ્જડ પ્રદેશ (ઝૂંપડાં). આ તળાવના પાણીમાં પથરા મારી એક જ પથરાની કેટલી 'છાછર' વાગે છે એની હરિફાઈ કરવાની.
તળાવમાંના રસ્તાથી બહાર નીકળતાં સોની પરિવારનો વિશાળ બંગલો હતો, જે હજી છે. મગનકાકા સોનીના ત્રણે દીકરાઓ રતિલાલ, ચુનીલાલ અને ચંદુલાલ તેમજ એમનો બહોળો પરિવાર અહીં રહેતો. કોઈ કારણથી મગનકાકાની ડાગળી ચસકી ગયેલી એટલે એ કાયમ 'ગોળીબાર...'ની બૂમો પાડતા રહેતા અને વચ્ચે કશુંક અસંબદ્ધ બોલતા રહેતા. સફેદ લુંગી, સફેદ સદરો અને બાગમાં કામ કરતા મગનકાકા રસ્તે જતા વિદ્યાર્થીઓનું પ્રિય પાત્ર. એકાદ જણ એમને જોઈને 'ગોળીબાર' કહે એટલે મગનકાકા એના પડઘા પાડ્યા કરે. મારા એકાદ મિત્રે એક વાર મારી તરફ આંગળી ચીંધીને ઓળખાણ આપેલી, 'આ કપિલાબહેનનો છોકરો.' (કપિલાબહેન એટલે મારાં દાદી) ત્યારથી મગનકાકાની નજર મારી પર પડે તો એ કપિલાબહેનની ખબર પૂછે અને પછી તરત 'ગોળીબાર' ચાલુ.
આ આખા પરિવાર સાથે અમારો બહુ જૂનો અને ગાઢ સંબંધ. બહુ પ્રેમાળ લોકો. હવે એ સહુ અમદાવાદ સ્થાયી થયા છે.
મગનકાકાનો બંગલો વટાવીને આગળ વધતાં મુખ્ય રોડ આવે, જેને ઓળંગતાં જ સામે અમારી શાળા દેખાય. આ રોડના જમણે ખૂણે લુહારીકામની એક દુકાન હતી, જે એક વૃદ્ધ કાકા સંભાળતા. બંડી અને ધોતિયું પહેરતા, દુબળા અને લાંબા એ કાકા. સાવ નાનકડી ચોરસ જગ્યામાં એ હતી. વિપુલના એ ઓળખીતા. એમના દીકરાઓ ગિરીશ અને બીજા બે. વિપુલને ક્યારેક પાણી પીવું હોય તો એ અહીં જતો.
આ જ રુટ પર પાછા આવતાં આ કશું ધ્યાને ન પડતું, કેમ કે, ઘેર પહોંચવાની જ એટલી ઊતાવળ રહેતી.
નડિયાદી દરવાજાવાળા રસ્તાની વાત જ કંઈક જુદી. એ વળી ફરી ક્યારેક, મન થશે ત્યારે.
આ બધું મનમાં સતત રમતું હોય, હજી મહેમદાવાદ જઈએ ત્યારે આંખો એ જ જૂના સ્થળોને શોધતી હોય. પણ મૂળ વાત એ કે આવું બધું જોવાનું, જોતા રહેવાનું હજીય બહુ ગમે.

***** **** ****

કટ ટુ વડોદરા.
આજકાલ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ચાર પર બહુ મોટું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અનેક ટ્રેનો વડોદરાને બદલે બાજવાથી ઊપાડવામાં આવે છે. આ કામના સંદર્ભે આ પ્લેટફોર્મ નજીક આવેલા પાટા સાવ કાઢી નાખવામાં આવ્યા છે, અને નીચે આર.સી.સી.કામ થઈ રહ્યું છે. મને જે મજા આવે છે તે એ કે રેલવે પ્લેટફોર્મ પર જવલ્લે જ જોવા મળે એવાં દૃશ્યો અહીં જોઈ શકાય છે. પ્લેટફોર્મ પર ટ્રેક્ટરો આંટાફેરા મારે છે. નીચે પાટાની જગ્યાએ બુલડોઝર સહેલ મારે છે. સ્ટેશને જાઉં ત્યારે એમ થાય કે આ જોયા જ કરીએ, જોતા જ રહીએ. પણ 'નાના' હોવામાં જે 'અજ્ઞાનતા'નું સુખ હતું એ હવે ક્યાં? હવે એ વાહનોની પછવાડે કામ કરતા શ્રમિકો દેખાય. માથે તગારાં ઊંચકીને જતી બહેનો, એમનાં છોકરાં ત્યાં જ રમતાં હોય! સુરક્ષા, સ્વચ્છતા, કાળજી, વાત્સલ્ય, શ્રમ બધું આ દૃશ્યમાં ભેળસેળ થઈ જાય.

રેલવે ટ્રેક પર ફરતું બુલડોઝર


પ્લેટફોર્મ પર ફરતું ટ્રેક્ટર

કોઈ નવા સ્થળે જવાનું થાય ત્યારે પણ આ જ કુતૂહલભાવ રહે છે, પણ હવે એની સાથે વાસ્તવિકતા વિશે પણ વિચાર આવી જાય. એને જ કદાચ ‘મોટા થવું’ કહ્યું હશે!

1 comment:

  1. nishal no ae rajpath… jema apde nagarchrya ae nikdya hoi…✨✨

    ReplyDelete