સાલા ઠાકોરની બહાદુરીની એક વાત આગળ આવી ગઈ છે. આવી એક નહીં, એકસો વાતો એમના વિશે કરી શકાય. કારણ કે વીર પુરુષ માત્ર એક જ પરાક્રમ કરીને શાંત થતો નથી, એ અસંખ્ય પરાક્રમો કરે છે.
સાલા ઠાકોરનું બીજું પરાક્રમ પણ પહેલાં જેવું જ અદ્ભુત છે.
સાલા ઠાકોર એકદમ ચમકીને જાગી ગયા. તેમણે હિંમતથી વાડામાં નજર કરી તો ત્યાં અંધારામાં એક ચોર ઊભેલો દેખાયો. ચોરે લાંબી બાંયનું ખમીસ પહેરેલું હતું.
સાલા ઠાકોરનો જુસ્સો એકદમ ઊછળી આવ્યો. તે બોલી ઊઠ્યા: 'મારા ઘરમાં ચોર! હમણાં ખબર પાડી દઉં એને!'
ફડ દઈને એમણે બંદૂક ઊપાડી, ને ચોરની સામે તાકી ધડાકો કર્યો. ગોળી છૂટી ને બરાબર ચોરની છાતીમાં વાગી. ચોરના મોંમાંથી ચીસ નીકળે એ પહેલાં તો એના પ્રાણ નીકળી ગયા! ચોર ઢગલો થઈને નીચે પડ્યો.
સાલા ઠાકોરની ઠકરાણી બંદૂકનો અવાજ સાંભળીને જાગી ગઈ. તેણે કહ્યું: 'શાનો ભડાકો થયો આ?'
સાલા ઠાકોરે કહ્યું: 'વાડામાં ચોર ભરાયો હતો, મેં એક ભડાકે એને પૂરો કરી નાખ્યો!'
ઠકરાણીએ કહ્યું: 'શું કહો છો?'
સાલા ઠાકોરે કહ્યું: 'ખરું કહું છું! બરાબર એની છાતીમાં જ ગોળી વાગી છે! મોંમાંથી ચીસ કાઢે એ પહેલાં તો એના પ્રાણ નીકળી ગયા!'
'નવાઈની વાત!' ઠકરાણીએ કહ્યું.
'એમ વાત છે બંદાની! મારું નિશાન કદી ખાલી જતું નથી!'
ઠકરાણીએ કહ્યું: 'એ સાંભળી મને આનંદ થયો! હવે શું કરવું છે?'
સાલા ઠાકોરે કહ્યું: 'હવે તું સૂઈ જા. જરીકે ગભરાતી નહીં, બીતી નહીં!'
આમ ઠકરાણીને હિંમત આપી સાલા ઠાકોર પોતે પણ પોઢી ગયા, તે સૂરજ ઊગ્યા પછી ઊઠ્યા.
ઊઠીને વાડાનું બારણું ઉઘાડી સાલા ઠાકોરે બહાદુરીથી વાડામાં પગ દીધો. ઠકરાણી એમની પાછળ જ હતી.
જોયું તો વાડામાં ચોરબોર કંઈ મળે નહીં! મરી ગયેલો ચોર ગયો ક્યાં?
ધારી ધારીને જોયું તો એક ખમીસ નીચે પડેલું હતું. ઠકરાણીએ એ ઉપાડીને જોયું તો એ સાલા ઠાકોરનું પોતાનું હતું; અને એની બરાબર વચમાં બંદૂકની ગોળી વાગવાથી કાણું પડ્યું હતું. હવે એને બધી વાત સમજાઈ ગઈ. તે બોલી ઉઠી: 'અરે, આ તો તમારું જ ખમીસ! મેં કાલે ધોઈને વાડામાં દોરી પર સૂકવેલું એ! રાતે એને જ ચોર ધારી તમે એના પર ગોળીબાર કરેલો! ખરા બહાદુર!'
સાલા ઠાકોરે કહ્યું: 'પણ જોને, ગોળી બરાબર છાતીમાં જ વાગી છે ને! ઓહ, ભગવાન કેવો દયાળુ છે!'
ઠકરાણીએ કહ્યું: 'એટલામાં ભગવાન ક્યાંથી યાદ આવી ગયો?'
સાલા ઠાકોરે ગંભીર મુખમુદ્રા કરી કહ્યું: 'તે ન યાદ આવે ભગવાન? આ કંઈ જેવો તેવો બનાવ બની ગયો છે? જો ને, મારું ખમીસ છે અને બરાબર એની છાતીમાં જ મારી ગોળી વાગી છે! તે વાગે જ ને, હું જેવો તેવો નિશાનબાજ છું!'
'પણ એટલામાં ભગવાન-' ઠકરાણી પૂરું બોલી રહે તે પહેલાં તો સાલા ઠાકોરે કહ્યું: 'ભગવાનની દયા નહીં તો બીજું શું? એ તો સારું થયું કે એ વખતે હું મારા ખમીસમાં નહોતો, નહીં તો મારી ગોળીએ મારી જ છાતી વીંધી નાખી હોત ને!'
'ઓહ! ખરી વાત!' હવે વાત ઠકરાણીના સમજવામાં આવી.
સાલા ઠાકોરે પ્રસન્ન થઈ કહ્યું: 'આભાર માન ભગવાનનો કે હું તે વખતે મારા ખમીસમાં નહોતો! નહીં તો મારી જ ગોળીએ વીંધાઈ ગયો હોત ને તું વિધવા થઈ ગઈ હોત! તું બચી ગઈ! તારું નસીબ એટલું સારું! એટલી ભગવાનની તારા પર દયા!'
'દયા જ તો!' ઠકરાણી એટલું બોલી ચૂપ થઈ ગઈ.
આવા અચૂક નિશાનબાજ હતા, ચીની રાજા ચાઉમાઉના સાલા ઠાકોર!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
No comments:
Post a Comment