ચીની રાજા ચાઉમાઉ એક વાર ખુશમિજાજમાં બેઠા હતા. ત્યાં કેટલાક માણસોએ આવીને કહ્યું, 'મહારાજ, અમારે ખેડવા માટે જમીન જોઈએ છે!'
રાજાએ તરત દીવાનને બોલાવી હુકમ કર્યો; 'આ લોકોને જમીન આપો!' 
જમીનની તપાસ આવી. ફરતા ફરતા બધા એક તળાવના કિનારે આવ્યા. તળાવનો ફળદ્રુપ કાંપ જોઈ ખેડૂતોએ કહ્યું: 'પાણી ન હોય તો અહીં ખેતી ફક્કડ થાય!' 
દીવાને રાજાને આ વાત કરી. રાજા કહે: 'તો તળાવ ખાલી કરી નાંખો! એમાં મને પૂછવા શું આવ્યા? દીવાન થયા છો તો આટલી અક્કલ નથી?' 
દીવાનને આ સાંભળી ખોટું તો લાગ્યું, પણ ખોટું લગાડે એવો એ મૂર્ખ નહોતો. એણે તરત ખેડૂતોને હુકમ કરી દીધો: 'આ તળાવ તમારું! એનું પાણી કાઢી નાંખી ખેતી કરો!' 
ખેડૂતોએ કહ્યું: 'દીવાનજી, એ પાણીનું શું કરીએ?' 
વળી દીવાન વિચારમાં પડી ગયો. એ ગયો રાજા પાસે. રાજા સવાલ સાંભળી તરત બોલ્યો: 'આટલી અક્કલ નથી તમારામાં? બીજું એવડું તળાવ ખોદી એ પાણી એમાં નખાવી દો!' 
દીવાન રાજાનો ખુલાસો સાંભળી ખુશ થઈ ગયો. તેણે એ મુજબ હુકમ કરી દીધો. 
ત્યાર પછી તળાવનું શું થયું એ નથી રાજાને ખબર કે નથી દીવાનને ખબર. 
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
 
No comments:
Post a Comment