ચીની ગુરુચેલાની પણ આવી કેટલીક મજાની વાતો છે. એક વાર એક ગુરુએ એક ભણી ઉતરેલા ચેલાને મળવા બોલાવ્યો. સાત વાર બોલાવ્યો ત્યારે ચેલો આવ્યો.
ગુરુ કહે:'અરે, હું તને સાત વાર બોલાવું, તોયે તું આવે નહિ? શું તું મને નાની સરખી ગુરુદક્ષિણા પણ નહિ આપે?'
ચેલાએ કહ્યું: 'નહિ કેમ આપું? એ આપવી છે એટલે તો હું મોડો આવ્યો! મારી બધી વાત તમારે સાંભળવા જેવી છે!'
ચેલાએ કહ્યું: 'આજે મને એક હજાર રૂપિયા જડ્યા!'
ગુરુએ ખુશ થઈ કહ્યું: 'બહુ સરસ! બહુ સરસ! શું કર્યું તેં એ રૂપિયાનું? બધા વાપરી નાખ્યા તો નથી ને?'
'ના, મેં એવો વિચાર રાખ્યો છે કે ત્રણસો રૂપિયાની જમીન લેવી. ત્રણસો રૂપિયાનું ઘર લેવું; સો રૂપિયાનાં કપડાંં દાગીના લેવાંં.'
ગુરુ અદ્ધર શ્વાસે સાંભળી રહ્યા હતા. કહે: 'સાતસો તો તેં સાફ કરી નાખ્યા. હવે ગુરુદક્ષિણા-'
શિષ્યે કહ્યું: 'અરે, હજી ત્રણસો તો બાકી છે! સો રૂપિયાની ચોપડીઓ, સો રૂપિયાનો ઘોડો-'
'અને ગુરુદક્ષિણા-'
શિષ્યે તરત કહ્યું: 'અને સો રૂપિયા તમને ગુરુદક્ષિણામાં!'
ગુરુ ખુશખુશ થઈ ગયા. કહે: 'વાહ, ચેલા, વાહ!' તેં તો મને ન્યાલ કરી નાખ્યો!'
'તે એની ખુશાલીમાં-' ચેલાએ કહ્યું. વચ્ચેથી જ ગુરુએ કહ્યું: 'આજે તારે મારે ત્યાં જમવાનું!'
'કબૂલ! ગુરુ આજ્ઞાનો કાંઈ અનાદર કરાશે?' ચેલાએ કહ્યું.
તરત જ ગુરુએ પાકા ભોજનનો હુકમ કરી દીધો. શિષ્યે ધરાઈ ધરાઈને ખાધું- પેટ ફાટી જાય એટલું ખાધું, ગુરુએ આગ્રહ કરી કરીને એને જમાડ્યો, રૂપિયા સો ગુરુદક્ષિણા આપી હતી ખરી ને!
જમીપરવારીને ગુરુચેલો આરામ કરવા બેઠા હતા, ત્યાં ગુરુએ ચેલાને કહ્યું: 'હજાર રૂપિયા તેં સાચવીને તો મૂક્યા છે ને?'
ચેલાએ ગંભીરતાથી કહ્યું: 'રૂપિયાનો કેવો ઉપયોગ કરવો એ નક્કી કરી નાખ્યા પછી હું એ રૂપિયા ઉપાડીને સુરક્ષિત સ્થળે મૂકવાનું કરતો હતો, ત્યાં મારી કમજાત બૈરીએ આવી મને આખો ને આખો હલાવી નાખ્યો, ને હું એકદમ જાગી ગયો!'
એકદમ ગુરુના પેટમાં ફાળ પડી, 'હેં! જાગી ગયો? તો શું આ બધું સ્વપ્નું હતું?'
'સ્વપ્નું જ તો! પણ કેવું ફક્કડ! કેવું મજાનું!'
'શું ધૂળ મજાનું? તું મને બનાવી ગયો!'
ચેલાએ શાંતિથી કહ્યું: 'જી, એવું નથી, આપે મને ભણાવ્યો, ને મેં એ ભણતર ઉજાળ્યું- એટલું જ માત્ર થયું છે. બાકી સાચુંં કહું તો રાજા ચાઉમાઉના રાજ્યમાં આજે આવું સ્વપ્નું યે ક્યાં છે?'
એકદમ ગુરુના ગળે વાત ઉતરી ગઈ. તે બોલી ઉઠ્યા: 'ખરી વાત! ખરી વાત! આવું સ્વપ્નું યે આજે દુર્લભ છે! તું નસીબદાર કે તને એવું સ્વપ્નુંયે આવ્યું, મને તો આટલી જિંદગીમાં એવું સ્વપ્નું યે હજી આવ્યું નથી!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
No comments:
Post a Comment