ચાઉમાઉના રાજ્યમાં અફીણનો મહિમા ભારે. એક વાર રાજા ચાઉમાઉ, દીવાન હાઉવાઉ અને સેનાપતિ કાઉકાઉ નદીકિનારે ફરવા ગયા હતા.
ત્યાં નદીની પાળે બેસી ત્રણેએ અમલ કસૂંબો ચડાવ્યો. અફીણ ઘોળતા જાય, પીતાં જાય ને પાતા જાય. એમ કરતાં ત્રણેને બરાબર નશો ચડ્યો એટલે તેમને બીડી પીવાની તલપ થઈ આવી.
ચાઉમાઉએ હાઉવાઉને કહ્યું: 'હાઉવાઉ, બીડી ચેતાવ!'
કાઉકાઉ કહે: 'આ રહી બીડી! પણ શા વડે ચેતાવું? અહીં દેવતા ક્યાં છે?'
ચાઉમાઉએ કહ્યું: 'તે શું અહીં દેવતા પણ નથી? કેમ નથી? શું અહીં ચાઉમાઉની હકૂમત નથી?'
હાઉવાઉએ કહ્યું: 'હકૂમત ચાઉમાઉની નથી તો શું એના બાપની છે?'
સેનાપતિ કાઉકાઉએ કહ્યું: 'બાપ સામે આવે તો ખરો, એનું માથું જ ફોડી નાંખું.!'
અચાનક ચીની ચાઉમાઉ બોલી ઉઠ્યો: 'પેલો દેખાય દેવતા! અલ્યા, પે....લો દેખાય!'
આમ કહી તેણે નદીના પાણી તરફ હાથ કર્યો. વાત એમ હતી કે નદીની સામે કાંઠે એક દીવો બળતો હતો, ને તેનું પ્રતિબિંબ નદીના પાણીમાં પડતું હતું. એ પ્રતિબિંબને ચાઉમાઉએ અફીણના ઘેનમાં દેવતા માની લીધો હતો. એણે બતાવેલી દીશાએ હાઉવાઉ અને કાઉકાઉએ નજર કરી તો તેમનેયે ત્યાં દેવતા દેખાયો.
હાઉવાઉ કહે: 'અલ્યા કાઉકાઉ, જા ત્યાં જઈ બીડી સળગાવી લાવ.'
કાઉકાઉ કહે: 'હમણાં સળગાવી લાવું! દેવતા બહુ આઘો નથી.'
આમ કહી એ હાથમાં બીડી લઈને નદીના પાણીમાં ઊતર્યો, બહુ આઘે ગયો નહિ, કિનારા આગળ જ ઊભો. ને પાણીમાં હાથ નાંખી દીવાના પ્રતિબિંબની ઝાળે બીડી સળગાવવા લાગ્યો. પ્રતિબિંબ હાલકદોલક થાય ત્યારે દેવતા હોલવાઈ જાય છે સમજી એ ઉપરથી ફૂંકે. આમ કેટલીય વાર સુધી એ પાણીમાં બીડી સળગાવવા ઉભો રહ્યો. પણ બીડી સળગી નહીં.
ત્યારે એણે બૂમ પાડી: 'હાઉવાઉ, આ દેવતા બહુ નઠારો છે, બીડી સળગતી નથી!'
હાઉવાઉએ કહ્યું: 'તું કિનારે ઉભો ત્યારથી જ હું તો સમજી ગયો હતો કે આ કામ તારાથી નહીં બને. તું ધારે છે એટલો દેવતા નજીકમાં નથી, જરી આઘે છે. ચાલ, આઘો ખસ, હવે હું કેવો ઘડીકમાં બીડી સળગાવું છું, એ જો!'
કાઉકાઉ પાછો આવ્યો અને હવે હાઉવાઉ બીડી સળગાવવા નદીના પાણીમાં ઉતર્યો. કિનારો છોડી એ જરી અંદર ગયો. ઢીંચણબૂડ પાણીમાં ઊભા રહી એણે દીવાના પ્રતિબિંબ સામે બીડી ધરી સળગાવવા માંડી; પણ દેવતા ઘડીકમાં હોલવાઈ જાય, ઘડીમાં દેખાય. એણે એને સતેજ રાખવા જોરથી ફૂંકો મારવા માંડી. ફૂંકો મારી મારીને એના ગાલ દુખ્યા, પણ બીડી સળગી નહીં. ઊલટું બીડી પલળીને લોચો થઈ ગઈ.
કંટાળીને એ બોલ્યો: 'હત્તારીની! આ દેવતા કંઈ જુદી જાતનો છે! એ બીડીને પલાળી નાખે છે!'
એ સાંભળી ચાઉમાઉએ કહ્યું: 'પાછો આવ, પાછો આવ! તું કેવું ઊકાળશે એ હું જાણતો જ હતો! બીડી સળગાવવાનું તારું કામ નહીં, એ તો મારા જેવા ભડનું કામ છે.'
આમ કહી હાઉવાઉને પાછો બોલાવી રાજા ચીની ચાઉમાઉ પોતે નદીના પાણીમાં ઊતર્યો ને કમર લગી પાણીમાં ગયો. કહે: 'દેવતા છેક આઘે છે, ને આ લોકો એની પાસે ગયા વિના બીડી સળગાવવાનું કરે તે બીડી કેમ કરીને સળગે? હવે દેખો, બીડી કેવી સળગે છે તે!'
કમર લગી પાણીમાં જઈ ચાઉમાઉએ પ્રતિબિંબ સામે બીડી ધરીને સળગાવવા માંડી; ફૂંકતો જાય ને બીડી સળગાવતો જાય! પણ હઠીલી બીડી ન સળગી તે ન સળગી. અચાનક ચાઉમાઉને પાણીનું ભાન થયું.
એણે બૂમ પાડી:'અલ્યા હાઉવાઉ! અહીં આ પાણી ક્યાંથી આવ્યું? એણે તો બધો ખેલ બગાડ્યો. જો ને, પાણીમાં મારી બીડી આખી પલળી ગઈ!'
'શું કહો છો! ભારે નવાઈની વાત! બધો દેવતા ઓગળીને પાણી થઈ ગયો લાગે છે!' હાઉવાઉએ કહ્યું.
'એમ જ છે! એમ જ છે!' કરતો ચાઉમાઉ પાણીમાંથી બહાર આવ્યો.
કાઉકાઉએ ફરી બે આંગળાં ભરીને અફીણ ચાઉમાઉને પાઈ દીધું!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
No comments:
Post a Comment