(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
'વલંદા' અટકવાળું એક વાસ્તવિક પાત્ર. વ્યવસાયે વકીલ. વતન જેતપુર. એની ફિતરત એવી કે જેનો કેસ લડતો હોય એ અસીલ વલંદાને મારવા લે. કેમ? કેમ કે, કોર્ટમાં વલંદો વકીલ અસીલની વિરુદ્ધમાં દલીલ કરે અને પરિણામે અસીલ કેસ હારી જાય એમ બનતું. વલંદા વકીલ વંદાના રંગની તપખીરી પાઘડી પહેરતા. આ પાત્રને રજનીભાઈએ પોતાના બચપણમાં જોયેલું. નાના હતા ત્યારે ઘરમાં વડીલોની સામું દલીલ કરે તો વડીલો ધમકાવતા અને કહેતા, 'આવતે જન્મે વલંદાનો અવતાર લેવાનો છે?' અથવા તો 'વલંદોવકીલ થા મા.' સ્વાભાવિક રીતે જ આ પાત્રને મળવાનું મારે કદી બન્યું ન હોય. છતાં અમે એ પાત્ર જીવતા. એ શી રીતે?
ચરિત્રલેખનના અમારા સહિયારા કામ બદલ રજનીભાઈ સાથે મારે અનેક સ્થળે મળવાનું અને કેટલાય લોકોના ઈન્ટરવ્યૂ લેવાનું બનતું. ઘણા કિસ્સામાં વાતચીત કરનાર પાસે કશું નક્કર હોય નહીં, અને એ કેવળ ગુણાનુરાગમાં સરી પડે. પ્રામાણિકપણે કહે નહીં કે પોતાની પાસે કશી માહિતી નથી. અમારે કામના ભાગરૂપે ઈન્ટરવ્યૂ લેવા સિવાય કોઈ આરો નહીં. પહેલી બે-ત્રણ મિનીટમાં ખ્યાલ આવી જાય કે આ તલમાં તેલ નથી, પણ એમ વાત આટોપાય નહીં. એવે વખતે અનેક વાર એવું થઈ આવે કે અસીલ (અમારા કિસ્સામાં અમને કામ સોંપનાર) સાથે અમે ઝઘડીને કામ પાછું આપી દઈએ. પણ એ શક્ય ન હોય, કેમ કે, આખરે આ કામ આજીવિકાનો હિસ્સો હતું. તો શું કરવું?
એક વાર કોઈકનો ઈન્ટરવ્યૂ લીધા પછી હું બહુ કંટાળી ગયો. એવી અતિશયોક્તિભરી પોલી વાતો, જે માની શકાય એમ નહોતી. એટલે ત્યાંથી નીકળ્યા પછી મેં રજનીભાઈને કહ્યું, 'પેલા ભાઈ બોલતા જતા હતા અને મારા મનમાં એમના વાક્યે વાક્યે વલંદો બેઠો થઈ જતો હતો.' બસ, આ 'વાક્યે વાક્યે વલંદો' પછી અમારો કોડવર્ડ બની ગયો. ટૂંકમાં 'વી.વી.વી.' એટલે કે 'ટ્રીપલ વી.' એ પછી જ્યારે આવું બને ત્યારે ચાલુ ઈન્ટરવ્યૂએ જ રજનીભાઈ મારી સામું જોતા અને સહેજ હસીને કહેતા, 'બહુ સરસ. ટ્રીપલ વી.' ક્યારેક હું પણ એમને કહું, 'ટ્રીપલ વી લાગે છે.' આ કોડવર્ડ વાપરવાનો શરૂ કર્યા પછી આવી પરિસ્થિતિનો અમે આનંદ લેવા લાગ્યા.
No comments:
Post a Comment